રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે ૧૮મી સપ્ટેમ્બરના રોજ પધાર્યા હતા.

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સેવા સમિતિ ઉપલેટા

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સેવા સમિતિ ઉપલેટામાં કોલકીરોડની નવી જમીન પર ‘શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર’ અને ‘શ્રીમા શારદા ભવન’નું મંગળ ઉદ્‌ઘાટન શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ્હસ્તે ૧૯ સપ્ટેમ્બર, બુધવારે સવારે ૮.૧૫ કલાકે થયું હતું. આ પ્રસંગે સવારે ૮.૦૦ કલાકે ભજન ૮.૧૫ કલાકે સમર્પણ વિધિ અને પ્રદક્ષિણા તેમજ શ્રીઠાકુર, મા અને સ્વામીજીની છબીઓની સ્થાપના અને પૂજન તેમજ સ્તોત્રપાઠ યોજાયા હતા. સવારે ૧૧.૩૦ કલાકે વિશેષ હવનનું આયોજન થયું હતું. તે જ દિવસે સવારે ૯.૩૦ કલાકે જાહેરસભાનું આયોજન થયું હતું. આ સભાનો આરંભ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીઓના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. સ્વામી સર્વસ્થાનંદે પ્રાસંગિક અને સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારપછી સમિતિ દ્વારા બધા સંન્યાસીઓનું સન્માન થયું હતું. આ મંગળ પ્રસંગે શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજે આ કેન્દ્રની નારી કલ્યાણની પ્રવૃત્તિઓની વિશેષ પ્રશંસા કરી હતી અને ગુજરાતમાં આવી પ્રવૃત્તિઓ વધે અને સ્વામીજીના સર્વકલ્યાણના કાર્યમાં ગુજરાત મહત્ત્વનો ફાળો આપે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી; શ્રીરામકૃષ્ણ મિશન, દિનાજપુર (બાંગ્લાદેશ) ના સચિવ સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજ; શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદ મહારાજ, શ્રીરામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદ મહારાજ, શ્રીરામકૃષ્ણ મિશન પોરબંદરના સચિવ સ્વામી આત્મદીપાનંદજીએ આ શુભ પ્રસંગે આશીર્વચન સાથે પોતાનાં પ્રાસંગિક પ્રવચન આપ્યાં હતાં. ત્યાર પછી સંસ્થામાં ઉદાર દિલે દાન આપતા દાતાઓ અને સહકાર્યકરોનું અભિવાદન થયું હતું. આ કેન્દ્ર દ્વારા નારી સશક્તીકરણનો અભિનવ કાર્યક્રમ ચાલે છે અને ભવિષ્યમાં એ કાર્યક્રમને વધુ વિસ્તારવામાં આવશે.

શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

વિવેકાનંદ રથ- મૂલ્યલક્ષી કેળવણી અને સ્વામી વિવકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં સ્વામીજીના સંદેશને પુસ્તકો દ્વારા ગામડે ગામડે પહોંચાડવા બસને નવું રૂપ આપીને વિવેકાનંદ રથ એવું નામ આપ્યું છે. વિવેકાનંદ બૂકવર્લ્ડ- શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યનું વેચાણ કેન્દ્ર મુખ્ય દરવાજા પાસે આવે એવી વર્ષોની ભાવિકોની લાગણીને ધ્યાનમાં રાખીને પુસ્તકાલયના નીચેના ભાગમાં વિશાળ અને આધુનિક સજાવટવાળા વિવેકાનંદ બૂકવર્લ્ડનું નવનિર્માણ થયું છે. સ્વામી વિવેકાનંદ જીવનસંદેશ પ્રદર્શન- આશ્રમના મુખ્યદરવાજાની જમણી બાજુના ઉદ્યાનમાં વિવેકાનંદ ગાર્ડનમાં ૪૨ પેનલ્સ સાથેના સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશનું પ્રદર્શન તૈયાર થયું છે. સૌ કોઈને માટે આ એક અનન્ય પ્રેરણા સ્થાન બની રહેશે. આ ત્રણેય વિભાગનું મંગળ ઉદ્‌ઘાટન ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૨ને બુધવારે સાંજે ૬.૩૦ વાગ્યે શ્રીમત્ સ્વામી સુહિતાનંદજીના વરદ્હસ્તે થયું હતું.

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં કેન્દ્ર સરકારની આર્થિક સહાયથી ‘સ્વામી વિવેકાનંદના જીવન-સંદેશ’ વિશેના તેમજ મૂલ્યલક્ષ્યી કેળવણી વિશેના ધોરણ ૫ થી ૧૧ (ધો.૧૦ સિવાય)નાં વિદ્યાર્થી ભાઈબહેનો માટે મૂલ્યલક્ષ્યી કેળવણીનાં ૬ પુસ્તકો રમતિયાળ છોકરો, દીવાદાંડી, અરુણોદય, રામુનું સાહસ, આપણે જીવંત છીએ ખરા?, હું શું બની શકું?-નો વિમોચન વિધિ શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજ, તેમજ ગુજરાત રાજ્યના નાણામંત્રી સન્માનનીય શ્રી વજુભાઇ વાળાના વરદ્ હસ્તે થયો હતો. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ ૧૫૦મી જન્મ જયંતી મહોત્સવની સમિતિના સંવાહક શ્રીમત્ સ્વામી વિશ્વાત્માનંદજી મહારાજ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત હતા. સમારંભના અધ્યક્ષ સ્થાને શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજે કહ્યું કે સ્વામી વિવેકાનંદના જીવનસંદેશની પ્રાસંગિકતા આપણા દેશ અને વિશ્વ માટે આજે વધારે છે. એટલે જ સ્વામીજીના જીવનસંદેશના પ્રચાર પ્રસારનું કાર્ય મૂલ્ય શિક્ષણ અને કેળવણી દ્વારા સતત ચાલતું રહેશે એવું અમે નક્કી કર્યંુ છે. આ ઉપરાંત નારી સશક્તીકરણ અને ગરીબી નિર્મૂલનના કાર્યક્રમો પણ ચાલુ રહેશે એમ કહ્યું હતું. અતિથિ વિશેષ શ્રીવજુભાઇ વાળાએ સ્વામીજીના વિચારોનું આજના યુવાનો અને સમાજ માટે મહત્ત્વ દર્શાવ્યું તેમજ કહ્યું કે સ્વામીજીની ભાવધારાને વરેલા લોકો સ્વામીજીના વિચારો બે યુવાનો કે બે વિદ્યાર્થીઓમાં ઉતારે તો સ્વામીજીના આદર્શાેને એ બધા જીવંત બનાવશે. સ્વામી વિશ્વાત્માનંદજીએ મૂલ્યલક્ષી કેળવણી, સ્વામીજીના અગ્નિમંત્રોનો પ્રચાર-પ્રસાર અને નાનાં બાળકો, સ્ત્રીઓ અને ગરીબોના સર્વાંગી વિકાસની યોજનાની રૂપરેખા આપી હતી. તેમજ કહ્યું હતું કે ૨૦૧૧ થી આ બધાં કાર્યો અમે શરૂ કરી દીધાં છે.

મૂલ્યલક્ષી કેળવણીનાં પુસ્તકોના અનુવાદ તેમજ તેની પ્રાદેશિક બાબતોને ખ્યાલમાં રાખીને કરેલી સંરચનામાં મહત્ત્વનો ફાળો આપનાર શ્રી મનસુખભાઈ મહેતા, શ્રીહર્ષદભાઈ પટેલ, શ્રી સુરમ્યભાઈ મહેતા અને ટાઇપ સેટીંગ તેમજ સજાવટનું તાત્કાલિક કામ કરનાર શ્રી યજ્ઞેશ પંડ્યા તેમજ પુસ્તક પ્રકાશનના પ્રિંટીંગ કાર્યમાં મહત્ત્વનું કાર્ય કરનાર કિતાબઘરના શ્રી નવીનભાઇ શાહનું મુખ્યમહેમાનોના વરદ્ હસ્તે જાહેર સન્માન થયું હતું. આ કાર્યમાં પોતાનું અમૂલ્ય પ્રદાન કરનાર શ્રી કેશવલાલ શાસ્ત્રી અને શ્રી ચંદુભાઇ ઠકરાલ અનિવાર્ય સંજોગોને કારણે સન્માન પ્રસંગે ઉપસ્થિત ન હતા.

કાર્યક્રમ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેકહોલમાં ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૨-બુધવારે, સંધ્યાઆરતી પછી યોજાયો હતો. કાર્યક્રમનો શુભારંભ આશ્રમના બ્રહ્મચારીઓના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. ગંજીવાડાના ગદાધર બાલ વિકાસ પ્રકલ્પના વિદ્યાર્થી ભાઇબહેનોએ સ્વામી વિવેકાનંદનો સ્વદેશ મંત્ર ભાવવાહી રીતે રજૂ કર્યો હતો. પ્રારંભમાં આશ્રમના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદે પ્રાસંગિક અને સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમના અંતે આભારદર્શન સ્વામી પ્રભુસેવાનંદે કર્યું હતું. કાર્યક્રમનું સમાપન મૂર્તમહેશ્વર સ્તોત્રગાનથી થયું હતું. કાર્યક્રમનું સંચાલન સ્વામી મંત્રેશાનંદે કર્યું હતું. કાર્યક્રમના અંતે ૫૦૦થી વધારે ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો હતો.

આણંદ જિલ્લામાં સ્વામી વિવેકાનંદના જીવન સંદેશનું પ્રદર્શન

રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદ અને શ્રીરામકૃષ્ણ સેવામંદિર વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે ભક્તો અને કાર્યકરો દ્વારા આણંદ હાઇસ્કૂલ, જી.જે. શારદા મંદિર વિદ્યાનગર, આઇ.પી.મિશન સ્કૂલ, પાયોનિયર હાઇસ્કૂલ, ડી.એન.હાઇસ્કૂલ- આણંદ અને મરકંટાઇલ કાૅલેજ આણંદમાં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં સ્વામીજીના જીવન અને સંદેશ વિશેનું શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તૈયાર થયેલ નવું ૩૦ પૅનલના તેમજ મૈસુર આશ્રમ દ્વારા તૈયાર થયેલ સ્વામીજીના જીવનસંદેશની ૪૦ પૅનલના પ્રદર્શનનું આયોજન ૧ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધી થયું હતું. આ પ્રદર્શનનો લાભ ૨૫ હજાર જેટલાં વિદ્યાર્થી ભાઇબહેનોએ લીધો હતો. દરેક વિદ્યાર્થીને સ્વામીજીની નાની તસવીર ભેટ અપાઇ હતી અને આ પ્રસંગે રૂ.૨૫ હજારનાં પુસ્તકો વિદ્યાર્થીઓએ ખરીદ્યાં હતાં. આણંદના અગ્રણીઓએ આ પ્રદર્શન માટે તન,મન,ધનનો સહકાર આપ્યો હતો.

***

Total Views: 263

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.