ગતાંકથી આગળ….

તો આ ૨૯મો શ્લોક એ ગહન વાત વ્યક્ત કરે છે. માનવી રજકણ નથી, પ્રાણી નથી પણ મુક્ત છે. એની અંદર કશુંક અદ્‌ભુત છે. આ સત્ય આપણે સૌ બાળકોનાં મનમાં ઠસાવવું જોઈએ. દરેક બાળક માટેનો એ પહેલો વેદાંતનો બોધ છે, જેનો સાક્ષાત્કાર એ મોટું થયે કરશે. સમગ્ર વેદાંત બોધના કેન્દ્રમાં એ છે. એટલે ૩૦મો શ્લોક કહે છે :

देही नित्यमवध्योऽयं देहे सर्वर्य भारत ।
तस्मात् सर्वाणि भूताीन न त्वं शोचितुभर्हसि ।।30।।

‘બધાંના દેહમાં રહેલો આત્મા સનાતન અને અવધ્ય છે માટે, હે અર્જુન, પ્રાણીઓ માટે તારે શોક કરવાની જરૂર નથી.

આ देही, એટલે દેહમાં વસતો આત્મા; नित्यं अवध्यो એટલે, ‘દેહીનો કદી કોઈ વધ કરી શકતું નથી. આ અનંત સત્યનું સ્વરૂપ એ છે. देहे सर्वस्य भारत, ‘બધા દેહોમાં આ આત્મા અવઘ્ય છે, હે અર્જુન. तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुं अर्हसि, ‘આ જગતમાંના કોઈપણ પ્રાણી માટે તારે શોક કરવો યોગ્ય નથી. મનુષ્ય તંત્રના સાચા પરિમાણને તમે કદી સ્પર્શી શકતા નથી. મારું પહેરણ કોઈએ લઈ લીધું છે. એની કશી અસર મને નથી થઈ. હું બીજું લઈશ. ભૌતિક ચીજોની બાબતમાં આપણે એમ કહેતાં હોઈએ છીએ. પણ જે કર્તાને જાણે છે, ‘મારા દેહનું તમે ચાહે તે કરો, મારો આત્મા અલિપ્ત છે. આ વાત બરાબર પકડાઈ તો, કશી જ ચિંતાનું કારણ રહેતું નથી. માણસ જેટલો વધારે સશક્ત તેટલો જીવનમાં અને કાર્યમાં આ સત્ય વ્યક્ત કરવાની એ વધારે શક્તિવાળો; એ વધારે હિમ્મતબાજ, વધારે શક્તિમાન થવાનો, હિટલરના કેદખાનામાં પડેલા પેલા યહૂદી વૈજ્ઞાનિક જેવું એ છે; એમની ઉપર ખૂબ ત્રાસ અને કેર વર્તાવવામાં આવ્યા હતા, ખૂબ યાતના વરસાવવામાં આવી હતી; અનેક મૃત્યુ પામ્યા. પણ એક બચી ગયો. હાલ ન્યૂયોર્કમાં રહેતા એ વિકટર ફ્રેન્કે ‘મેન્સ સર્ચ ફોર મીનિંગ નામનું પુસ્તક લખ્યું છે. પોતાની ઉપર કેટલો જુલમ, કેટલો ત્રાસ વરતાવવામાં આવ્યો હતો તે એ લખે છે. એ ભાંગી જ પડયો હોત પણ, એણે દેહાસક્તિ દૂર કરી, જાતને સાક્ષી તરીકે જોવા લાગ્યો, આત્મા તરીકે વિચારવા લાગ્યો. બધો જુલમ એ સહન કરી શકયો. યુદ્ધને અંતે એનું ચિત્ત જરાય સંક્ષુબ્ધ ન હતું એટલે તો, એ બધા અનુભવો વિશે એ આ પુસ્તક લખી શકયો. પોતાની પદ્ધતિને એ ‘અભિગમ સંયમ નામ આપે છે. બીજા તમારી ઉપર જે વીતાવે એને તમે કશું કરી શકતા નથી પણ, એ બાબતો પ્રત્યેના તમારા અભિગમને તમે વશમાં રાખી શકો છો. એ તમારા હાથમાં છે. એ પુસ્તકમાં લેખક વિકટર ફ્રેન્કીએ એક નોંધપાત્ર વાત કહી છે. કોઈ મને ગાળ દે છે, વારુ. ગાળ દઈને એ ચાલી ગયો. મેં એ સાંભળી, એને પાળીપંપોસી એટલે મારે માટે એ ગંભીર બાબત બની ગઈ. હું એટલો નબળો હતો કે હું આપઘાત કરવા પણ ગયો. હું બળવાન હોઉં તો જાતને કહું, ‘પેલાએ થોડા શબ્દો કહ્યા. શું બોલ્યો હતો એ ? કક્કાના છવ્વીસ અક્ષરોને આમતેમ ગોઠવીએ એવું એ બોલ્યો હતો. જાતને આમ કહીને તમે આખી વાતને આઘી ઠેલી દો. એ માટે ઘણી શક્તિની જરૂર રહે છે. એટલે, અભિગમ સંયમનો પાઠ આપણે માટે ખૂબ અગત્યનો છે. ઘણીવાર આપણે જ આપણા શત્રુ બનીએ છીએ. જાત માટે પીડા આપણે જ ઊભી કરીએ છીએ. બીજા તો થોડી જ પીડા આપે છે, એને અનેકગણી આપણે જ કરીએ છીએ. આવા સંજોગોમાં અભિગમ સંયમ પરિસ્થિતિને બચાવી શકે. આ સાચું છે એ પુરવાર થયું હતું. ઇટલીની બીજા વિશ્વયુદ્ધ વખતની અમેરિકન હોસ્પિટલોમાં વિકટર ફ્રેન્કી એનો ઉલ્લેખ કરે છે. કોઈએ હાથ ગુમાવ્યો હોય, પગ ગુમાવ્યો હોય તેવા ખૂબ ઘાયલ સૈનિકોનો એક વોર્ડ હતો; ત્યાં ખૂબ વેદના હતી. બીજા વોર્ડમાં ઓછી ઈજા પામેલા સૈનિકો હતા. સૌ સારવાર હેઠળ હતા. એક તપાસમાં જણાયું કે, ગંભીર ઈજા પામેલા સૈનિકો વધારે શાંત અને સહકાર આપનાર હતા, ઓછી ઈજાવાળાઓ બૂમો મારતા, તાણ અનુભવતા અને ચિત્તશાંતિ વિનાના હતા. એનો શો ખુલાસો હોઈ શકે? ઓછી ઈજા પામેલાઓના કરતાં આ વધારે ઈજાવાળાઓને વધારે પીડા થવી ઘટે. એટલે એમણે એની તપાસ કરી તો, જણાયું કે અભિગમની શક્તિ કારણભૂત હતી. ઓછી ઈજાવાળાઓ બાબત જાણવા મળ્યું હતું કે, તરત સારવાર થયે અને સાજા થયે એમને પાછા મોરચે મોકલવામાં આવશે. ગંભીર ઈજાવાળાઓ જાણતા હતા કે, પોતાના પૂરતું યુદ્ધ પૂરું થયું હતું અને ત્યાંથી પછી એ સૌ પોતાને ઘેર પોતાનાં સ્ત્રીબાળકો પાસે પાછા જશે. એમને પૂર્ણ શાંતિ હતી. પગ ગયો છે તેની ચિંતા નથી, આપણે ઘરનાં માણસો સાથે રહેવાનું છે.

અહીં આપણને બે પરિસ્થિતિઓ અને એ બેના બે પ્રતિભાવો સાંપડે છે. એટલે એ પુસ્તક અભિગમ સંયમના વિચારને પુરવાર કરે છે, જે સત્ય છે ને જે, ગીતાનાં મહાન સત્યોને પ્રકાશિત કરે છે. નાત્સી કારાગારમાં રહી સહન કરનાર લેખકે અભિગમ સંયમ વિકસાવ્યો અને પછીથી બીજા લોકોને બોધ આપવા પુસ્તક લખ્યું. તો આ સત્યો છે- આપણા ઇન્દ્રિયાતીત અને આધ્યાત્મિક સ્વરૂપની ખાતરી આપતા એ પુસ્તક વાંચ્યા પછી, કોઈપણ વ્યક્તિ આપણા સાચા સ્વરૂપના એ આશ્ચર્યની નિકટ આવવાની. ગીતા આપણને એ કહે છે. અને, માનવજીવન, કાર્ય અને પારસ્પરિક સંબંધોના સંદર્ભમાં આ આશ્ચર્યનો સાક્ષાત્કાર થઈ શકે છે તેની ઉપર ગીતા ભાર મૂકે છે. એને માટે જુદી જિંદગીની જરૂર નથી. વિવેકાનંદે કહ્યા પ્રમાણે, ‘જીવન પોતે જ ધર્મ છે. કારણ મારું સાચું સ્વરૂપ અધ્યાત્મ છે. કોઈની પાસેથી મારે ઉછીનું લેવાની આવશ્યકતા નથી. એટલે, અહીં પછીના આ સમગ્ર ગ્રંથમાં માનવીની જન્મજાત દિવ્યતા શ્રીકૃષ્ણના બોધની પાછળ રહેલી છે. બીજા અધ્યાયના આ પૂર્વાર્ધમાં આ દલીલો દ્વારા અર્જુનને સમજાવે છે કે, ‘તું શા માટે જગતથી, આ યુદ્ધમાં ઝંપલાવવાથી ડરે છે ? તું સાધુ સંન્યાસી નથી. તારે અહીં ઘણું બધું કરવાનું છે. અર્જુન યુદ્ધ મોરચે પ્રેરાય એ માટે આ બધી દલીલો છે. અર્જુનને આ દલીલોની અસર નથી થઈ એ જાણીને પછી બીજી અનેક સાંસારિક દલીલો આવશે. હા, એમણે સાંસારિક દલીલો પણ કરી હતી; હવે પછીના થોડા શ્લોકોમાં એ આવે છે.

स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि ।
धर्म्याद्धि युद्धाच्छ्रे योऽन्यत्क्षत्रियस्य न विद्यते ।।31।।

‘તારા પોતાના ધર્મના દૃષ્ટિબિંદુએથી જોતાં, તારે ડગી જવું યોગ્ય નથી; કારણ, ધર્મયુદ્ધ કરતાં ક્ષત્રિયને બીજું કશું શ્રેયસ્કર નથી.

તારા પોતાના ધર્મને ખ્યાલમાં રાખીને પણ, તારી સામેના આ પડકારથી તારે પીછેહઠ ન કરવી જોઈએ, કારણ, ક્ષત્રિયને યુદ્ધથી કીર્તિ પ્રાપ્ત થાય છે. કોઈપણ યુદ્ધ ધર્મયુદ્ધ હોઈ શકે એ વિધાન શંકાસ્પદ છે. બેત્રણ અઠવાડિયાં પહેલાં કોઈ પ્રસંગે મેં કહ્યું હતું કે, જર્મનીના નાત્સી આંદોલન સામેનું યુદ્ધ ધર્મયુદ્ધ હતું; યુદ્ધમાં નાત્સીઓ જીત્યા હોત તો આખી દુનિયા ઊંધીચત્તી થઈ ગઈ હોત. એટલે, લાખો લોકોને મોતને દ્વાર ધકેલનાર જાતીય ચડિયાતાપણાના અને ફોજી આપખુદશાહીના વિનાશક સિદ્ધાંત સામે લડવા માટે આખું જગત એકત્ર થઈ ગયું હતું. કોઈક કોઈકવાર ધર્મયુદ્ધના પ્રસંગો ઊભા થાય છે. પણ દરેક યુદ્ધ ધર્મયુદ્ધ હોઈ શકે જ નહીં. બીજી પ્રજાને દબાવવા કરેલું આક્રમક યુદ્ધ તે ધર્મયુદ્ધ કદી ન કહેવાય. કોઈ રાષ્ટ્રના સ્વાતંત્ર્યની રક્ષા કાજેનાં બધાં યુદ્ધ ધર્મયુદ્ધ છે. ઊલટું, તમે એમ ન કરો તો તમારે અને, પછીની પેઢીઓને એનું મૂલ્ય ચૂકવવું પડવાનું. માટે તો स्वधर्ममपि चावेक्ष्य સ્વધર્મ એટલે, તારો ધર્મ; ક્ષત્રિય લોકપ્રતિપાલ છે. ક્ષત્રિયનું એ લક્ષણ છે. આજે નવી પરિસ્થિતિમાં આપણી સામે એ જૂનો ખ્યાલ છે. પુરાણા ક્ષત્રિયનું સ્થાન આજે રાજકારણીએ, સૈનિકે અને વહીવટદારોએ લીધું છે. એનું કાર્ય શું છે ? એનું કાર્ય છે લોકોનું રક્ષણ કરવાનું, પોષણ કરવાનું, લોકોની સેવા કરવાનું. એ કાર્ય કોઈકે તો કરવું જ પડવાનું. રાજકારણી અને વહીવટી તંત્ર એ કાર્ય કરે છે. તમે સૂતા હો ત્યારે લૂંટાઈ ન જાઓ એ જોવાનું કામ પોલીસનું છે; જો કે એ કામમાં પોલીસને બહુ ફતેહ મળતી નથી અને અનેક લોકો લૂંટાઈ જાય છે. એ આપણા વહીવટની નબળાઈ અને શિસ્તનો અભાવ નિર્દેશે છે. આમ રાજકારણીઓ, વહીવટદારો, પોલીસ જેવી નાગરિક સંરક્ષક સહિતની બધી સંરક્ષણ સેવાઓ આ ક્ષત્રિય વર્ગમાં આવે. પોતાની સત્તા અને શક્તિ વડે બીજાઓનું રક્ષણ કરવું એ તેમનું કાર્ય છે. એ લોકો સત્તાનો ઉપયોગ કરે છે. પણ એ સત્તા લોકસેવા માટે છે. એ સત્તાનું એ લક્ષણ છે. એટલે, મહાભારતના યુદ્ધ પછી, યુધિષ્ઠિર ગાદીત્યાગ કરવા ઇચ્છતા હતા ત્યારે, શાંતિ પર્વમાંના ભીષ્મના ચોટદાર કથન અનુસાર, दण्ड अेव हि राजेन्द्र क्षत्रधर्मो न मुण्डनम्, ‘હે રાજેન્દ્ર, ક્ષત્રિયનો ધર્મ દંડ ધારણ કરવાનો – ને એમ કરી લોકોને રક્ષણ આપવાનો – છે, મુંડન, ટકો કરાવી સાધુ બનવાનો નથી. અર્જુનને શ્રીકૃષ્ણ એ જ કહે છે : धर्म्याद्धि युद्धाच्छ्रे योऽन्यत्क्षत्रियस्य न विद्यते

‘કોઈ મહાન હેતુસરના યુદ્ધ માટે લડતાં ક્ષત્રિયને આનંદ થાય છે. જેમકે માનવમુક્તિ માટેનું યુદ્ધ. પણ દરેક યુદ્ધ ધર્મ્ય નથી – લડાતી વખતે ધર્મ્ય મનાયેલાં પણ પાછળથી ધર્મ્ય ન જણાયેલાં એવાં અનેક યુદ્ધોનો ઈતિહાસ તિરસ્કાર કરશે. તો, તારા રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય માટેનું, આ યુદ્ધ પૂરેપૂરું ધર્મ્ય છે. રક્ષણાત્મક યુદ્ધ હંમેશાં ધર્મ્ય છે; બધાં આક્રમક યુદ્ધો તેવાં નથી હોતાં. થોડાં જ તેવાં હોઈ શકે. રાષ્ટ્ર સંઘની વિનંતીથી ભારતે ઈરાન – ઈરાક યુદ્ધ વેળા, શાંતિ સ્થાપનામાં સહાયરૂપ થવા ભારતે થોડું સૈન્ય મોકલ્યું હતું તે રીતે. એ જ રીતે, કોરિયામાં અને કોંગોમાં, બધે શાંતિ જાળવણ માટે આપણા લશ્કરને આપણે મોકલ્યું હતું. આ આક્રમણ માટે નહીં, થોડી માલમિલકત મેળવવા માટે નહીં પણ, અગાઉ થયેલા શાંતિના ભંગને વશ કરી શાંતિ સ્થાપવા માટેનાં આ ઉદાહરણો છે. આ કથનમાં આ બધી દલીલો સમાવિષ્ટ છે. धर्म्याद्धि युद्धाच्छ्रे योऽन्यत्क्षत्रियस्य न विद्यते, ‘માનવ મૂલ્યો, સ્વાતંત્ર્ય અને વ્યક્તિના ગૌરવની સ્થાપના માટેના યુદ્ધમાં ભાગ લેવા કરતાં, પોતાની બુદ્ધિશક્તિ વાપરવાની વધારે સારી બીજી તક હોઈ શકે નહીં. (ક્રમશ 🙂

Total Views: 237

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.