કેટલીક વિભૂતિઓને આપણે અમુક ખાસ ઉપનામ-વિશેષણ આપીને ઓળખીએ છીએ. દા.ત. લોકમાન્ય, દેશબંધુ, નેતાજી, રાષ્ટ્રપતિ, સરદાર, ગુરુદેવ, વગેરે – પણ સ્વામી વિવેકાનંદને એવી કઈ ઉપાધિથી નવાજીશું ? એમની બહુમુખી પ્રતિભા જોતાં એવું કોઈપણ વિશેષણ એમને આપવું ભારે મુશ્કેલ લાગે છે. તેઓ એક ધર્મપુરુષ તો હતા જ, સાથો સાથ ભારત અને પશ્ચિમના તત્ત્વજ્ઞાનના પંડિત પણ હતા. કેળવણીકાર પણ હતા અને ધુરંધર ઇતિહાસવેત્તા પણ હતા. એમનો રાષ્ટ્રપ્રેમ અનન્ય હતો. માનવપ્રેમના તેઓ પયગંબર હતા! માનવજીવનનું કોઈ પણ ક્ષેત્ર એમના ચિંતન સ્પર્શથી અછૂતું રહ્યું નથી એટલે એમને ‘સકલ પુરુષ’ વિશેષણ સિવાય અન્ય કોઈ વિશેષણ લગાડી શકાય તેમ નથી.

એમનાં વ્યાખ્યાનો અને જીવનચરિત્ર વાંચીને જ વાચકને જો આવો ભાવ થતો હોય, તો એમના પ્રત્યક્ષ સંપર્કમાં આવનારના મનમાં એમના વિશે કેવા કેવા ભાવ થયા હશે એની તો કલ્પના જ કરવી રહી! એમનાં લખાણો વાંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો દેશપ્રેમ જો હજારગણો વધી જતો હોય, તો એ મહા વિભૂતિનું ઓજસ કેવું ઝળહળતું હશે ? એમની વાણી કેવી બળૂકી હશે?

કોઈક વાર તેઓ આપણી સામે ધર્મશિક્ષક બનીને આવે છે તો કોઈવાર રાષ્ટ્ર શક્તિ, રાષ્ટ્રતેજ સાકાર બનીને જાણે રાષ્ટ્રની પરાધીનતા અને વહેમોની સાંકળોને તોડતા હોય તેવા નજરે પડે છે. ક્યારેક ગુલામીથી દેશને મુક્ત કરવાની ધખધખતી ઇચ્છાઓની જ્વાલાઓથી ઓપતા પ્રખર દેશભક્તરૂપે તો ક્યારેક વળીએવી બધી સીમાઓને પણ ઓળંગી જઈને વિશાળ માનવબંધુરૂપે દેખા દે છે! અરે, એમનાં એવાં તો કેટલાંય અવનવાં રૂપો જોનારને ચક્તિ કરી દે છે! આ બધાં જ સ્વરૂપો ભારે પ્રભાવશાળી છે. દરેક માણસ પોતાને મનગમતું કોઈ પણ સ્વરૂપ અપનાવી લઈ શકે છે.

વર્તમાન માનવજીવનની સમસ્યાઓ અને દીનહીનોનાં દુ :ખો પ્રત્યે સહાનુભૂતિ એ સ્વામીજીના સંદેશની ખાસ વિશેષતા છે. સ્વામીજીનાં દરેકે દરેક પ્રવચન કે પત્રમાં આ બંને વાતોની છાયા દેખાયા વગર રહી શકતી નથી. કયારેક કયારેક તો તેઓ જીવનની અન્ય બાબતોની તુલનામાં ધર્મને થોડીવાર માટે જાણે કે ગૌણ ગણતા હોય તેવો ભાસ થાય છે. જુઓ, તેઓ કહે છે : ‘વર્તમાન સમયમાં એવા ઘણાય માણસો છે કે જેમણે પોતાની મુક્તિ માટે ગૃહત્યાગ કર્યો છે. તમે એવા વિચારને ત્યજી દો – તમારી મુક્તિનો વિચાર પણ ન કરો. જાઓ, બીજાને મદદ કરો. તમે તમારા તુચ્છ જીવનનું બલિદાન આપવા તૈયાર થઈ જાઓ.’ જો એ જાતે બચી જાય તો અમારા – તમારા જેવા હજારો માણસો ભૂખે મરે એથી શું નુકસાન થવાનું છે?… તમારી સામે મહાન કંઈક પડયું છે, પહેલાં રોટી અને પછી ધર્મ! ગરીબો ભૂખે મરે અને આપણે એમને શું જરૂર કરતાં વધારે ધર્મ ઉપદેશીશું?’

કોઈ સારા રાજનીતિજ્ઞની પેઠે તેઓ અતીતનાં જ ગુણગાન કરનારા ન હતા. પણ મા ભોમના મહિમાવંત ભાવિનું તેવો સ્વપ્ન સેવતા. તેઓ કહેતા; ‘ઓ ઉચ્ચવર્ણના અભિમાનીઓ! તમે તો દસ હજાર વરસ જૂનાં મમીઓ છો; તમે શૂન્યમાં ભળી જાઓ. એટલે નવું ભારત જન્મે! એવું ભારત હળ પકડીને, ખેડૂતોનાં ઝૂંપડાં ભેદીને, માછીમાર, માળી, મોચી અને મહેતરનાં ઝૂંપડાંમાંથી જન્મશે.’

આવાં આવાં તો અનેક ઉદાહરણો મળે છે.

સ્વામીજીની પ્રતિભાનું આવું વૈવિધ્ય પહેલાં તો અનેક લોકોને મૂંઝવનારું લાગે છે. પણ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ અને તેમના ઉપદેશોનું જેમ જેમ ઊંડાણથી અધ્યયન થતું જાય છે તેમ તેમ ધીરે ધીરે એ અનેકરૂપતા જ તેમના વ્યક્તિત્વના સમગ્ર પ્રભાવને સમજવાની ગુરુચાવી બની રહે છે અને એમનો સંદેશ – એમનું પ્રદાન સ્પષ્ટ થઈ જાય છે કે એક વ્યક્તિ પોતાના ભાવો અને અભિવ્યક્તિઓ ભાતભાતની હોવા છતાંયે અખંડ રહી શકે છે. એ વિશે ચાલો, થોડું વિચારીએ :

સામાન્ય રીતે આપણે કોઈપણ માણસના વ્યક્તિત્વને ટુકડે ટુકડે જોવા ટેવાયેલા છીએ. એ દરેક ટુકડો એકબીજાથી સાવ જુદો અને સ્વતંત્ર હોય છે : આ રીતે આપણે ધાર્મિક, શિક્ષિત, ધનવાન, સામાજિક, સંસ્કારી વગેરે રૂપે એની કલ્પના કરીએ છીએ અને એવું સમજીએ છીએ કે માનવજીવનનાં એ પાસાં પરસ્પર સંબંધિત નહિ પણ સ્વતંત્ર એકમો જ છે. આ રીતે જ આપણે આખા સમાજનો સામાજિક, રાજનૈતિક, આર્થિક અને ધાર્મિક આદિ પરિસ્થિતિઓ પ્રમાણે અલગ અલગ જ વિચાર કરીએ છીએ. આમ વિચારવાનું વ્યાવહારિક પરિણામ એ આવે છે કે સમાજને સુધારવા માટેના આપણા પ્રયાસો એક – એકમાં વહેંચાયેલા જ રહે છે અને આપણા ખ્યાલમાં એવો કોઈ ટુકડો જ આવે છે એ રીતે આપણે સમગ્ર માનવતાના કોઈ એક જ અંશને જોઈ શકીએ છીએ અને શેષ મોટો ભાગ આપણને દેખાતો હોતો જ નથી !

પણ સ્વામી વિવેકાનંદનું જીવન અને એમનો સંદેશ તો સમગ્ર – અખંડ માનવ જીવન માટે હતો. એમણે તો પેલા એક-એક ટુકડા-ટુકડા તરીકે જોવાતા અને જીવાતા જીવન સામે જેહાદ જગાવી હતી ! એમને મન દરેક વ્યક્તિ માત્ર કંઈ વિવિધ બૌદ્ધિક અને ભાવનાત્મક ગુણોનું બંડલ નથી પણ એ એક એવું અખંડ એકમ છે કે જે મૂળ પદાર્થ સાથે જુદા જુદા ઘટકો એક અખંડ શક્તિ દ્વારા સદા જોડાઈને જ રહેલા હોય છે. આ મૂળ – મુખ્ય ધરી જ વ્યક્તિના જીવન-કાર્યને નિયંત્રિત કરે છે. જ્યાં સુધી આ ધરી ન પકડાય, ત્યાં સુધી બધા સુધારણાના પ્રયાસો નિષ્ફળ જ રહેવાના ! આ એકાત્મતાનું નિયંત્રણ કર્યા વગર ધર્મ, શિક્ષણ, સંપત્તિ, સામાજિક પ્રતિષ્ઠા કોઈ કાળે સંતોષકારક રીતે નહિ જ બદલાય ! સ્વામીજી કહે છે; ‘મને સુધારામાં નહિ, પ્રગતિમાં જ આસ્થા છે.’ બસ, આ એક વાક્ય એમના ઉપદેશોનો સાર છે. વ્યક્તિ સાથે સમાજે પણ વિકસવું જ જોઈશે. સારી માટીમાં વાવેલો એક છોડ ઊગશે, પલ્લવિત થશે પણ કોઈ મરેલા કે માંદા ઝાડની કોઈ ડાળી ઉપર કંઈ ફૂલ ઊગી શકે નહિ.

વ્યક્તિ કે સમાજને નવજીવન દેનારી શક્તિ ભીતરથી જ આવશે. એટલે જ સ્વામીજીએ વારંવાર આત્મવિશ્વાસ અને શરીરબળની ખામીને આપણી અસફળતાનાં કારણો બતાવ્યાં છે. આ વાત તેમણે અનેકવાર કરી છે. સ્વામીજીને મતે આ આત્મશ્રદ્ધા અને અંગબળ તેમજ મનોબળ આપણને ઉપનિષદો અથવા વેદાંત આપે છે. આ વેદાંતદર્શન આપણો સમૃદ્ધ વારસો છે અને ભારતમાં વિકસિત સમસ્ત વિચારધારાઓની આધારભૂમિ છે. આ વેદાંત એવા આત્માની વિભાવના પર ખડું છે કે જેને તલવાર કાપી ન શકે, અગ્નિ બાળી ન શકે. આ આત્મામાં શ્રદ્ધા રાખવાથી શક્તિ આવશે. એ કંઈ ફકત સંન્યાસીઓ માટે નથી. સ્વામીજી કહે છે, ‘આ સત્યો ફકત વનો કે ગિરિગુફાઓમાં કેદી નહિ બની રહે ! આ તો વકીલો, ન્યાયાધીશો, પ્રાર્થનામંદિરો, ગરીબો, ઝૂંપડપટ્ટીઓ, માછીમારો, ઘરો, વિદ્યાર્થીઓ, શાળા-કોલેજો – બધે જ ફેલાઈ જશે અને કાર્યાન્વિત થઈ જશે.’

આ માત્ર વાણી વિલાસ નથી. સ્વામીજીની એ આસ્થા હતી કે માછીમાર પણ પોતાને આત્મા માનીને કામ કરશે તો તે ઉત્તમ માછીમાર થશે, વિદ્યાર્થી પોતે આત્મા માનીને ભણશે તો એ ઉત્તમ વિદ્યાર્થી થશે.

વેદાંતની આવી રીતની નવી ભાવના તેમણે આપી. એમાં બુદ્ધિ, લાગણી, વ્યવહાર, અધ્યાત્મ વ્યક્તિ અને સમાજનો વિરલ સંવાદ સધાયો. માનવને ભીતરની દિવ્યતા અભિવ્યક્ત કરવાનો ઉપાય સાંપડી ગયો. અને એનાથી જ એમણે ‘વિદ્યામંદિર’નો આદર્શ જગત સામે મૂકી દીધો! વિવિધ જીવન ક્ષેત્રોને એકસૂત્રે બાંધીને તેમણે ‘અખંડ જીવન’નું દર્શન આપ્યું! તેમનું આ પ્રદાન શાશ્વત છે.

આ વર્ષે સ્વામીજીની ૧૫૦મી જન્મજયંતીને અવસરે આપણા સૌના સક્રિય નમસ્કારો એમનાં ચરણકમલોમાં શોભી રહો! ચાલો, આપણે અખંડ જીવનના, સર્વાંગીણ જીવનના ઉપાસક ઘડીએ અને આપણું એકાંગીપણું દૂર થાઓ એવી પ્રાર્થના કરીએ. ·

Total Views: 320

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.