ગતાંકથી આગળ…

શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેકને તેના પોતાના પથે આગળ ધપાવી રહ્યા હતા. આ બધા પથ જે સમાજમાં ઘૃણાને પાત્ર માનવામાં આવતા એવા પથોને પણ એમણે ઈશ્વરપ્રાપ્તિ માટે એક એક માર્ગરૂપે સ્વીકાર્યા છે. છતાં પણ પોતાના શિષ્યોને એમણે કહ્યું- આ બધા અભદ્ર પથ છે. તમારા લોકો માટે એ પથ નથી. આ જ ઠાકુરની વિશિષ્ટતા છે.

જેઓ પવિત્રતાની મૂર્તિ હતા, શુદ્ધતાની પરાકાષ્ટા હતા એમણે કેવી રીતે આ માર્ગાેનો સ્વીકાર કર્યો? એવું વિચારીને આપણું મન સંશયમાં પડે છે. પરંતુ એમની અસીમતા અહીં જ પ્રગટી ઊઠે છે. આ જગત ભગવાનની રચના છે. જો તેઓ પવિત્ર હોય તો બાકીનું બીજું બધું પવિત્ર હોવું જોઈએ. પણ આવું તો નથી. તો પછી આ અપવિત્રતા આવી ક્યાંથી? સંપૂર્ણ જગત એમાંથી જ નીકળે છે. તો પછી પવિત્રતા અને અપવિત્રતા એ બંને એમની પાસે હશે ખરી. બીજા ધર્મોના પ્રવક્તાઓ કહે છે, ‘આ કામ શેતાનનું છે.’ આ શેતાન આવ્યો ક્યાંથી? ભગવાનમાંથી ન આવવાને લીધે શેતાનની સાથે ભગવાનનું સહઅસ્તિત્વ પ્રમાણિત થઈ જાય છે. આપણાં શાસ્ત્રો કહે છે કે જ્યારે તેઓ જ સમગ્ર વિશ્વના કે બ્રહ્માંડના સૃષ્ટા છે તો તેઓ કેવળ સારા કે કેવળ ખરાબ ન બની શકે? સારુંખરાબ એ બધું તેઓ જ છે અને એમનામાં જઈને સારા ખરાબના દ્વંદ્વનો લેશ પણ નથી રહેતો. શ્રીરામકૃષ્ણ કહે છે, ‘મીનાર પર ચડવાથી જમીન ઊચીનીચી દેખાતી નથી. વેદાંતની દૃષ્ટિએ જોયા વિના એને સમજવું કઠિન છે.’

ઉત્તરભારતનાં અનેક તીર્થાેનું ભ્રમણ કરીને શ્રીયુત્ વિજયકૃષ્ણ ગોસ્વામી શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા આવે છે. તેઓ પ્રથમ બ્રાહ્મોસમાજના પ્રચારક હતા. શ્રીરામકૃષ્ણ કહેતા કે જે કાંઈ કરો, ભીતર ભક્તિનું બીજ પડ્યું છે, ક્યારેક ને ક્યારેક તે અંકુરિત થઈને બહાર આવવાનું જ.’ એ કહેવાની જરૂર નથી કે શ્રીરામકૃષ્ણના દિવ્યસંપર્કમાં આવીને એમનું ભક્તિબીજ સહજ જ અંકુરિત, પલ્લવિત અને પુષ્પિત થયું છે. મહિમાચરણને એમને પૂછ્યું કે અનેક તીર્થાેમાં ફરીને આપે શું જોયું? વિજયકૃષ્ણ કહે છે, ‘જોઉ છું તો જ્યાં અત્યારે બેઠો છું એ જ બધું છે. અહીં તહીં ભટકવું વ્યર્થ છે.’ મહિમા કહે છે, ‘આપે બરાબર કહ્યું.’ છતાંપણ તેઓ જ આવાં ચક્કર લગાડવા પ્રેરે છે અને તેઓ જ બેસાડે છે.’ અર્થાત્ શ્રીરામકૃષ્ણ કોઈની સામે પોતાની જાતને ઉન્મોચિત ન કરે તો કોનું એવું સામર્થ્ય છે કે એ આવરણને ભેદીને એમને ઓળખી શકે? અવતાર પકડમાં આવતા નથી. તેઓ પોતાની જાતને એવી રીતે આચ્છાદિત કરી દે છે કે એમના ઘનિષ્ઠ પાર્ષદ પણ એમને ઓળખી શકતા નથી. ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે-

હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખં—।
તત્ત્વં પૂષન્નપાવૃણુ સત્યધર્માય દૃષ્ટયે—।।

-સુવર્ણમય પાત્રથી સત્યનું, પરમેશ્વરનું મુખ (એમનાં દર્શનનાં દ્વાર) ઢંકાયેલ છે. હિરણ્યમય શા માટે? પાત્રની આ ઉજ્જવળ પ્રભા એ જ સત્યથી પ્રાપ્ત થઈ છે. માયા કે જગતના રૂપે જે કાંઈ હું જોઉં છું તે બધી સત્યની જ અભિવ્યક્તિ છે. હું સત્યધર્મી છું અને મારા ઉપાસ્ય પણ એ જ સત્ય છે. હે જગતપોષક સૂર્ય, તમે મને દર્શન કરાવવા માટે પોતાનું આવરણ ઉન્મોચિત (દૂર) કરો. જેથી હું સત્યને જોઈ શકું – જાણે કે એક નાનો બાળક માના મુખને લાજથી ઢંકાએલ જોઈને કહે છે, ‘મા, તારી લાજ ઉઘાડને, હું તારું મુખ જોવા ઈચ્છું છું. હું સત્ય ધર્મી છું, હું સત્યનો આશ્રિત છું, એટલે તું તારું આવરણ ખોલ અને હું તને જોઈ શકું.’ એટલે જ મહિમાચરણ કહે છે, ‘આ જ ચક્રાવે ચડાવે છે અને બેસાડે છે પણ.’

શ્રીરામકૃષ્ણની સાથે વિજયકૃષ્ણ ગોસ્વામીની જે સંક્ષિપ્ત વાતચીત થઈ તે સંકેતમાં હતી. એટલે એ મનુષ્યની સમજણની બહાર અને રહસ્યમય ભાષામાં થઈ. એકાએક વિજયકૃષ્ણે શ્રીરામકૃષ્ણનાં ચરણોમાં પડીને, એમનાં ચરણયુગલ પોતાનાં વક્ષ પર ધારણ કર્યાં. શ્રીરામકૃષ્ણ ઈશ્વરાવેશમાં બાહ્યજ્ઞાન – શૂન્ય બની ગયા. આ જ પ્રેમાવેશ છે. આ અદ્‌ભુત દૃશ્ય જોઈને ભક્તોમાંથી કેટલાક સ્તવ-પ્રાર્થના કરે છે, કેટલાક રડે છે, અને કેટલાક અપલક નજરે જોઈ રહ્યા છે, વળી કેટલાક ગાઈ રહ્યા છે. જેનો જેવો ભાવ ! ઠીક ઠીક સમય પછી શ્રીરામકૃષ્ણ ભાવાવસ્થામાંથી બહાર આવ્યા અને કેટલાક લજ્જિત ભાવે માસ્ટર મહાશયને કહેવા લાગ્યા, ‘ભાવાવેશમાં કોણ જાણે શું નું શું થઈ જાય છે. … ‘હું’ પછી ‘હું’ રહેતો નથી.’

અવતાર જો હંમેશાં પોતાને ઈશ્વર જ માનતા રહે તો પછી એમની અવતારલીલા થઈ શકતી નથી. જો તેઓ નરલીલા ન કરે તો તેમનું અવતરવું પણ વ્યર્થ બની જાય. ઈશ્વરના અવતારોને હંમેશાં પોતાના અવતારત્વનો બોધ રહેતો નથી. આ ભૂલી જવું એ કેટલાક અવતારોમાં ઓછું હતું તો કેટલાકમાં વધારે. જે અવતારમાં વ્યક્ત અવસ્થા સર્વદા જોવા મળે છે, સંભવત : એમના જીવનવૃતાંતનો સંગ્રહ કરનારે એને માનવીરૂપને ભૂલીને તેને ઈશ્વરના રૂપને જ વધારે દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. એને પરિણામે ત્યાં નરલીલાનો પક્ષ જાણે કે ઝાંખો પડી જાય છે.

શ્રીરામકૃષ્ણની જીવનકથા પર ચર્ચા કરતી વખતે આપણે આ વાતને વિશેષ રૂપે યાદ રાખવી પડશે કે એમની જીવનકથા લખનાર સ્વામી સારદાનંદજીએ એમના માનવીય પક્ષને ઘણા સ્પષ્ટ રીતે સૌની સામે રાખ્યો છે. તેઓ એ દર્શાવી દે છે કે એ માનવરૂપના આવરણના માધ્યમથી વચ્ચે વચ્ચે ઈશ્વરાવતારનું રૂપ વ્યક્ત થઈ જાય છે અને તે પણ સ્વેચ્છાએ નહીં પરંતુ સંજોગવશ. જેમ કે અહીં શ્રીરામકૃષ્ણ કહે છે, ‘વચ્ચે વચ્ચે કોણ જાણે શું થઈ જાય છે !’ તેઓ મનુષ્યરૂપે લીલા કરવા આવ્યા છે, પરંતુ જ્યારે તેઓ એ ભાવમાં આવી જાય છે ત્યારે એ માનવરૂપને પકડી શકતા નથી. બહુ થોડા, ગણ્યા ગાંઠ્યા મહાન ભાગ્યશાળીઓની સામે આ આવરણ ખસી જાય છે. આ આવરણ ન રહેવાથી નરલીલાની સાર્થકતા રહેતી નથી. ‘લીલા પ્રસંગ’નાં લેખકે એ સમજાવી દેવા ઈચ્છ્યું છે કે અવતારને આપણે મુખ્યત : માનવના રૂપે જોવો પડે. એ રૂપને જોતાં જોતાં જ્યારે આપણે એ રૂપનું વિશ્લેષણ કરવા માંડીશું ત્યારે આપણે જોઈ શકીશું કે એ આવરણ વચ્ચે વચ્ચે એમના ઈશ્વરત્વને ઢાંકી રાખી શકતું નથી. એની ભીતરથી તે વ્યક્ત થાય છે. ભાવાવેશમાં એમનું આ આવરણ ખસી જાય છે. ઉદાહરણ તરીકે પોતાના મહોલ્લાનો હરેશ નાટકમાં રાજા બનીને યુદ્ધ કરી રહ્યો છે. વચ્ચે તેના રાજાનો પોશાક ખસીને પડી ગયો. ત્યારે બધા પ્રેક્ષકો હસતાં હસતાં બોલ્યા, ‘અરે આતો આપણો હરેશ છે.’ આ હરેશ જ તેનું અસલી રૂપ છે, રાજાનું રૂપ તો તેનું આવરણ માત્ર છે. આ રીતે અવતારનું વાસ્તવિક સ્વરૂપ તો ઈશ્વર પોતે જ છે અને અવતારરૂપી વ્યક્તિ કે મનુષ્યરૂપ એનું આવરણ છે. અભિનય અને તેમાં આકર્ષણ માટે આ છદ્મ વેશની આવશ્યકતા રહે છે. નહીં તો માનવની મજલિસમાં એને ઉતારવો સંભવ નથી. એટલે કે મનુષ્ય એમને પકડી શકે, સ્વરૂપ વિશે વિરાટ ધારણાં કરીને દૂર ખસી ન જાય એ માટે એ આવરણની આવશ્યકતા છે. આ વાત આપણે વિશેષરૂપે ધ્યાનમાં રાખવી પડશે.

શ્રીરામકૃષ્ણ આ અવસ્થાનું વર્ણન કરે છે. તેઓ કહે છે, ‘આ અવસ્થા પછી ગણતરી કરી શકાતી નથી. જો ગણવા લાગો તો ૧,૭,૮ એવી રીતે ગણના થઈ જાય.’ અર્થાત્ જગતની શૃંખલા, કાર્યકારણ સંબંધ પ્રમાણે વ્યવહાર સંભવ નથી. નરેન્દ્ર કહે છે, ‘બધું એક જ છે એટલે.’ આટલા ભાવમાં હોવા છતાં શ્રીરામકૃષ્ણ આ વાક્યની ભૂલને સુધારીને કહે છે, ‘ના, એક અને બે થી પર.’ બધાં એક થઈ જાય તો એકેય રહેતું નથી. જ્યાં બે છે ત્યાં જ એકની સાર્થકતા છે. જ્યાં સુધી અભિનય ચાલુ રહે છે ત્યાં સુધી એક અને બે ની સંખ્યાઓ છે. અભિનય પૂરો થાય પછી એક અને બે થી તે પર થઈ જાય છે. જ્યાં બે નથી ત્યાં એક પણ નથી. સ્વામીજીના વાક્યમાં જે ભૂલ હતી તે અત્યંત સૂક્ષ્મ દાર્શનિક દૃષ્ટિથી હતી. પરંતુ શ્રીરામકૃષ્ણે એનું પણ સંશોધન કરી દીધું. જ્યાં દ્વૈત નથી ત્યાં અદ્વૈત પણ નથી. અદ્વૈતનો અર્થ છે, દ્વૈતનો નિષેધ. પરંતુ આમ થવાથી તે કઈ વસ્તુ છે ? એક ? ના, અહીં એક એમ કહેવું પણ ભૂલભરેલું છે. ‘એક’ એક ગુણ છે, નિર્ગુણ વસ્તુ પર કોઈ ગુણનું આરોપણ ન કરી શકાય. એટલે ‘એક’ એમ કહેવું ચાલે નહીં. એટલે જ કહે છે, ‘એક અને બેથી પર.’

(ક્રમશ 🙂

Total Views: 269

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.