ભારતીય ચિન્તન, એનો આદર્શવાદ, સંસ્કૃત વાઙ્મયનો એનો મહાનિધિ, એની આધ્યાત્મદૃષ્ટિની ગહનતા, એનું શાન્તિપ્રિય જીવન – આ બધાંએ વિદેશી રાષ્ટ્રોનું હૃદય સદીઓથી આકર્ષ્યું છે. સાંસ્કૃતિક, નૈતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે ભારતના આ મૂંગા પ્રદાને વિશ્વના વિજેતાઓ અને શાસકો કરતાં પણ વધારે પ્રભાવ પાથર્યો છે. ભારતીય રહસ્યવાદ, દિવ્યજીવન પ્રત્યે પ્રેમ, સત્ય પ્રત્યેની એની તલસાટભરી જિજ્ઞાસા, મુક્તિની ઝંખના વગેરે આદર્શાે રામ, કૃષ્ણ, બુદ્ધ, શંકર અને અન્ય અનેક મહાત્માઓનાં ચરિત્રો દ્વારા અભિવ્યક્ત થયા છે. એ બધાએ પોતાના લોકોમાં ચિન્તનની આ તરેહ વાળવામાં મદદ કરી છે, આ જીવનમૂલ્યો પ્રેરિત કર્યાં છે અને તેમના દિવ્યજીવનને એનાથી વિકસાવવાની શીખ આપી છે. ભારતના લોકોના આ આધ્યાત્મિક વલણને અને તેનાં મહાન નરનારીઓની વિવેકબુદ્ધિને લીધે જ એનો આ કિંમતી ખજાનો પવિત્ર થાપણરૂપે કાળની થપાટો છતાં સદીઓથી હજુએ જળવાઈ રહ્યો છે.

એની અગાધ સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત પહોંચવા માટે સ્પેન, પોર્ટુગલ વગેરેના સાગરખેડૂઓએ સાહસો કર્યાં. પોર્ટુગલ વાસ કો ડી ગામાએ કલીકટમાં ૨૦ મે,૧૪૯૮ના રોજ ઉતરાણ કર્યું ત્યાર પછી ખ્રિસ્તી મિશનરીઓનાં ટોળાં, યાત્રીઓ અને બીજાઓ આ નવી ભૂમિશોધ પછી આવ્યા, તે બધા ભારતની અગાધ મેધાશક્તિ અને પછીથી પ્રકાશમાં આવેલા ભારતના ‘સાચાદર્શન’થી અત્યંત મુગ્ધ થઈ ઊઠ્યા. ભારતનું આ ‘સાચું દર્શન’ કરાવવાનું શ્રેય એ આગન્તુકોમાંના કેટલાક મેધાવી વિદ્વાનોને ફાળે જાય છે. મેક્્સમૂલરે ગ્લેડસ્ટોમને પત્રમાં લખ્યું : ‘સાચા ભારત’ની શોધ, આ નવા પ્રજ્ઞાવાન ગોળાર્ધની શોધ મારા મતે વાસ કો ડી ગામાની શોધ કરતાંય બહુ મોટી શોધ છે. ૧૮૨૦ થી ૧૮૨૫ના સમયગાળામાં યુરોપે પ્રાચીન અને આધુનિક ભારત વિશે વધુ માહિતી મેળવી. સિકંદર પછી સૌથી વધુ ભારતવિષયક માહિતી યુરોપને આ કાળમાં મળી.

ભારતીય-વિદ્યા અને સંસ્કૃત-સંસ્કૃતિનિધિનું પરિશીલન કરનારા આ તેજસ્વી અને ઉદારમનવાળા વિદેશી વિદ્વાનોમાં મેક્સમૂલર (૧૮૨૩ – ૧૯૦૦) ભારતમાં સર્વાધિક પ્રિય છે. તેઓ ભારતના સાચા પ્રેમી હતા. ભારતીય વિદ્યાના તેઓ પ્રશંસક અને સહાનુભૂતિપૂર્વક અધ્વેતા-શોધક હતા. અન્ય વિદેશી ભારતીય વિદ્યોપાસકો એના પ્રાચીન ગૌરવપૂર્ણ અભિનવ જ્ઞાનપ્રાપ્તિના માત્ર જિજ્ઞાસુઓ જ હતા. એમ વિદ્વાનો માને છે. મેક્સમૂલરની સાચી મહત્તા સમજવા માટે, મેક્સમૂલરના ખાસ આમંત્રણથી એની મુલાકાત સ્વામી વિવેકાનંદે ૧૮૯૬ના મે ની ૨૮મી તારીખે લીધા પછીના ઉદ્ગારો જોઈએ :

‘ખરેખર, આ મુલાકાત મારે માટે એક ચમત્કાર જ હતી. નાનું-સુંદર ઘર, પાસે સુંદર બાગ, રૂપેરી વાળવાળા ઋષિ, શાન્ત અને મંગલ મુખ, સિત્તેર શિયાળાઓ વીતી જવા છતાં એક બાળક જેવું સીધું-સપાટ કપાળ, એ ચહેરાની એકેએક રેખા, એની પાછળ ક્યાંક રહેલી આધ્યાત્મિકતા ઊંડી ખાણ જાણે કે બતાવતી હતી અને તેમનાં ઉમદા પત્ની અનેક વિરોધો અને પ્રલોભનોને પગ તળે કચરીને ઉમળકાભેર આગળ વધતા તેમના આ રસમાં સખત પરિશ્રમ કરવા માટેના આ લાંબાગાળા દરમિયાન સદૈવ તેમનાં સહભાગી રહ્યાં ! એમણે મારામાં ભારતના પ્રાચીન ઋષિઓ, અરે છેવટે વૃક્ષો, પુષ્પો, સ્વચ્છ આકાશ, શાન્તિ – વગેરે બધાં જ ઉપર માન ઉત્પન્ન કરી દીધું અને જાણે કે મને પાછો કલ્પનામાં વસિષ્ઠ અને અરુન્ધતીના મહાન વાનપ્રસ્થાશ્રમના ભવ્ય ભૂતકાળમાં મોકલી દીધો ! આપણા બ્રહ્મર્ષિઓના અને રાજર્ષિઓના એ દિવસો !

એમનામાં મેં ન તો કોઈ તત્ત્વજ્ઞાની કે કોઈ વિદ્વાન નિહાળ્યો. એમનામાં મેં તો એક સર્વદા બ્રહ્મ સાથે અદ્વૈતનો સાક્ષાત્કાર કરતો આત્મા નિહાળ્યો ! એક એવું હૃદય જોયું જે વિશ્વૈક્ય સાધવા વિસ્તરી રહ્યું હતું ! માહિતીની મરુભૂમિમાં ખોવાઈ જવાને બદલે તેઓ જીવનની વસંતે ઝૂલી રહ્યા હતા. ખરેખર, તેમના હૃદયના ધબકારાએ ઉપનિષદોનો લય પકડ્યો હતો… એક આત્માને જાણો. अन्या वाचो विमुंच थ ।

વિશ્વને હચમચાવનાર વિદ્વાન અને તત્ત્વજ્ઞ હોવા છતાં તેમના અધ્યયન અને તત્ત્વજ્ઞાને તેમને આત્માની ઓળખના ઊંચેરાથી વધુ ઊંચેરા માર્ગ તરફ દોર્યા. તેમનું પહેલાનું નિમ્નતર જ્ઞાન તેમના પશ્ચાદ્વર્તી ઉચ્ચતર જ્ઞાનનું પ્રેરકબળ રહ્યું અને એવું જ્ઞાન નમ્રતા જ બક્ષે ! ઉચ્ચ લક્ષ્યનો માર્ગ ન બતાવતું જ્ઞાન શા કામનું ?

અહા ! ભારત પ્રત્યે તેમનો કેવો પ્રેમ ! મારી માતૃભૂમિ પ્રત્યે એના કરતાં સોમો ભાગ પણ મને પ્રેમ હોત તો ! પચાસ કરતાંય વધુ વરસો સુધી તેઓ પોતાના પરમઉદાર અને સાથોસાથ અતિશય સક્રિય મન સાથે ભારતીય વિચારસૃષ્ટિમાં ઘૂમતા રહ્યા અને સંસ્કૃતસાહિત્યનાં કંટાળાજનક જંગલોમાં પ્રકાશ અને છાયાની સૂક્ષ્મ આ વનરાજીને ખૂબ ઊંડા રસથી અને હૃદયના પ્રેમથી જ્યાં સુધી એમના આત્મામાં એ ઊતર્યા ત્યાં સુધી એમના સમગ્ર વ્યક્તિત્વને એના રંગથી તરબોળ કરી દીધું ત્યાં સુધી નિહાળતા જ રહ્યા. મેક્સમૂલર તો વેદાન્તીઓના પણ વેદાન્તી છે !!..

આવા ફ્રેડરિક મેક્સમૂલર ૬ ડિસેમ્બર, ૧૮૨૩ માં જર્મનીમાં જન્મ્યા. એમના પિતા ડબલ્યુ મૂલર એક સારા કવિ હતા. એમણે ગ્રીક ગીતો રચીને ગ્રીકોની સ્વાતંત્ર્ય ચળવળને ટેકો આપ્યો હતો. એટલે તેઓ ‘ગ્રીક મૂલર’ નામે જાણીતા થયા હતા. નવાઈની વાત તો એ છે કે તેઓ ક્યારેય ગ્રીસ ગયા ન હોવા છતાં પણ કેવળ એના તરફના પ્રેમને કારણે જ ત્યાંના લોકોની આકાંક્ષાઓને પોતાનાં મન-હૃદયથી મુગ્ધ થઈને સમજી શક્યા હતા. તેમની અન્ય ગાઈ શકાય તેવી કવિતાઓ સંગીતમાં આબદ્ધ થઈને એક રાષ્ટ્રિય વારસો બની છે અને મેક્સમૂલરનાં માતા એકસ હેઈડ વાૅન બૅસેડોવ સુસંસ્કૃત મહિલા અંગ્રેજી, ફ્રેન્ચ અને ઈટાલિયન ભાષામાં નિપુણ હતાં, પોતાના પતિના અકાળ અવસાન અને કપરી આર્થિક સ્થિતિને લીધે તેમનું જીવન દુ :ખી હતું. છતાં તેમણે પુનર્વિવાહ ન કર્યા. એમણે પોતાના પિતાની મદદથી મુશ્કેલીથી પોતાનાં સંતાનો ઉછેર્યાં. તેમાં એક છોકરો અને એક છોકરી હતાં. આ પુત્ર અને માતા વચ્ચેનો સ્નેહ જીવનભર ટકી રહ્યો. મેક્સમૂલર બાર વરસના થયા ત્યારે ઉચ્ચતર શિક્ષણ મેળવવા માટે તેમને માતાથી છૂટા પડવાનો વારો આવ્યો અને એ વેદના ભર્યો લાંબો વિરહગાળો લગભગ ૪૭ વરસ ચાલ્યો ! મેક્સમૂલર માતાને નિયમિત પત્ર લખતા રહેતા અને માતા એ બધા પત્રો કાળજીથી સાચવતાં. એ પત્રો પાંચ ગ્રંથોમાં આજેય બોડલેઈયન લાયબ્રેરીમાં સુરક્ષિત રખાયા છે.

આઠ વરસ સુધી બેયઝીગમાં રહીને તેમણે ત્યાંની યુનિવર્સિટીની ફિલોસોફીમાં ડોક્ટરેટની પદવી હાંસલ કરી, ભાષાવિજ્ઞાન અને ફિલસૂફી તેમના પ્રિય અભ્યાસ વિષયો હતા. તેમણે ગ્રીક, લેટિન જેવી યુરોપની પ્રાચીન ભાષાઓ તથા પ્રશિષ્ટ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. પ્રો. હરમાનની વિનંતીથી બર્લિનમાં સંસ્કૃત અને તત્ત્વજ્ઞાનનો પણ અલગ અલગ અધ્યાપકો પાસે અભ્યાસ કર્યો. પછી તેમણે પૅરિસ જઈને પ્રો. બર્નાેફનાં ઋગ્વેદના પ્રથમ મંડળ પરનાં પ્રવચનો સાંભળ્યાં. આ બર્નાેફે જ તેમને સાયણભાષ્ય સહિત ઋગ્વેદનું અંગ્રેજી ભાષાંતર પ્રકટ કરવાની પ્રેરણા આપી હતી. પૅરિસમાં થોડો સમય સંશોધન કર્યા પછી તેઓ લંડન ગયા, ૧૮૪૬ માં પ્રથમવાર લંડન જોયું. ત્યાં સંશોધન કાર્ય માટે થોડાં અઠવાડિયાં રોકાવાનું નક્કી કર્યું. પણ ભાગ્યમાં જીવનનો શેષભાગ ત્યાંજ રહેવાનું લખ્યું હતું એમણે લખ્યું છે :

‘સંસ્કૃત સાહિત્ય પ્રત્યે મારામાં પહેલો પ્રેમ પ્રકટાવનાર ઉપનિષદો છે. ૧૮૪૪ની સાલમાં બર્લિનમાં જ્યારે હું શેલીંગનાં પ્રવચનો સાંભળતો હતો ત્યારે મારું ધ્યાન પ્રાચીન તત્ત્વજ્ઞાનના આ ગ્રંથો પ્રત્યે આકર્ષાયું હતું.’ મેક્સમૂલરે ખરેખર તો એક ઉપનિષદખંડનો અનુવાદ પોતાને માટે જ કર્યો હતો…

તેમના ઋગ્વેદના આ કામમાં એચ.એચ. વિલ્સનની સાચી અને સબળ સહાય સાંપડી હતી. લંડનમાં રહેતા પ્રુશિયન પાદરી બન્સેનની સહાય પણ ઉલ્લેખનીય છે. આ બન્સેન તત્કાલીન મેઘાવી પુરુષ હતા અને ધાર્મિક અને આધ્યાત્મિક પરિમાણોના મૂળ સ્રોતને ખોજવાના જિજ્ઞાસુ, એક દક્ષ રાજપુરુષ, પ્રેમાળ પુરુષ અને સફળ સામાજિક અગ્રણી હતા. તેમનામાં મેક્સમૂલરે પોતાના સાચા હિતૈષી જોયા અને તેમના આ સંબંધે તેમના જીવનની સફળતાનો માર્ગ રચાયો. તેઓ આજીવન આ બન્નેના ઋણી રહ્યા. વૈદોના પરમપ્રેમી બન્સેન (Bansen) પચીસ વરસના હતા ત્યારથી જ ભારતમાં આવીને વેદસંશોધન કરવા માગતા હતા, પણ કેટલાક કપરા સંજોગોને લીધે એ ઇચ્છા અધૂરી રહી હતી. એટલામાં જ એમની નજર વેદપ્રેમી મેક્સમૂલર પર પડી. એ વખતે મેક્સમૂલર ઋગ્વેદની પાંડુલિપિ અને ગોઠવણીનું કામ કરી રહ્યા હતા. અને એના કોઈક પ્રકાશકારી શોધમાં હતા. એ વખતે બન્સેને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ડાયરેક્ટરોને સમજાવીને આ પ્રકાશિત કરવાનું નક્કી કરાવડાવ્યું છેવટે ઋગ્વેદ પ્રકાશિત થયો અને ખૂબ સફળતા મળી.

ઈ.સ. ૧૮૫૦માં મેક્સમૂલર આૅક્સફર્ડ યુનિવર્સિટીમાં ટોલેરિયન પ્રોફેસર તરીકે પસંદ કરાયા અને ૧૮૫૪ માં પૂર્ણ પ્રોફેસર બન્યા. તેમણે ૧૮૬૦માં બોડનની સંસ્કૃત પ્રોફેસરશિપની ‘ચેર’ માટે અરજી કરી પણ અત્યંત તેજસ્વી ઉમેદવાર અને ખૂબ જ વિખ્યાત તુલનાત્મક ભાષાવિજ્ઞાની અને ભારતીય-વિદ્યાઓના નિષ્ણાત હોવા છતાં પસંદગી સમિતિએ મોનિયેર વિલિયમ્સને એ માટે પસંદ કર્યા. પછી આૅક્સ્ફર્ડે એક તુલનાત્મક તત્ત્વજ્ઞાનની નવી ‘ચેર’ સ્થાપીને એમને ૧૮૬૮માં કંઈક આશ્વાસન આપ્યું. એ ચેર ઉપર તેઓ ૧૮૮૫ સુધી રહ્યા.

તેમણે જ્યોર્જિના ગ્રેનફેલ નામની અંગ્રેજ બાઈ સાથે ૧૮૫૯ માં વિવાહ કર્યો હતો અને તેનાથી તેમને એક પુત્ર અને ત્રણ પુત્રીઓ જન્મ્યાં હતાં. તેમનાં પત્ની એક નિપુણ નારી હતાં, તેઓ શક્ય બધી રીતે તેમને મદદ કરતાં. ૧૮૭૫માં જ્યારે તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યારે તેમણે ‘ધી સેક્રેડ બુક્સ્ આૅફ ઈસ્ટ’ પ્રકાશનના જબરા પ્રકલ્પની જવાબદારી માથે લીધી. તેમના આ ભગીરથ કામની સંદર્ભસૂચિ જોઈને કોઈપણ માણસ એમના વૈદુષ્યપૂર્ણ ઉત્સાહ, કઠોર પરિશ્રમ, ધારદાર મેઘા, ભારતીય વિવેકવિચાર તરફ તેમને પ્રેમ – આ બધું જોઈને વિસ્મિત થયા વિના રહી જ ન શકે.

(ક્રમશ 🙂

Total Views: 342

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.