ગતાંકથી આગળ…

એક મહિલા : શું આપ પુનર્જન્મ વિશે વેદાંત સોસાયટીનો દૃષ્ટિકોણ અમને બતાવી શકો ?

સ્વામી રંગનાથાનંદજી : હિન્દુ તથા ભારતમાં જન્મેલ બધા ધર્મો જેમ કે બૌદ્ધ અને જૈન ધર્મમાં પુર્નજન્મનો એક આશ્ચર્યજનક સિદ્ધાંત જોવા મળે છે. એ કહે છે કે તમને જન્મજન્માંતરોના સંઘર્ષ પછી મુક્તિ મળે છે. અને અંતે છેલ્લા જન્મમાં જ્યારે તમારું મન પૂર્ણત : પરિપક્વ બની જાય છે ત્યારે તમને આધ્યાત્મિકતાની પ્રાપ્તિ થાય છે. જીવનનો ઉદ્દેશ્ય આ આધ્યાત્મિકતાને મેળવવાનો છે. તે આપણી ભીતર છુપાયેલી છે, પરંતુ એને કેવી રીતે વ્યક્ત કરવી એ આપણે નથી જાણતા એટલે આપણે સંઘર્ષ કરવો પડે છે. છતાં પણ એક જ જીવનમાં આપણે આ બધી આધ્યાત્મિકતાને ઉન્નત કરી શકતા નથી અને મેળવી શકતા નથી. એટલે હિન્દુ ઋષિઓ કહે છે, ‘મનુષ્ય આ પ્રક્રિયાને પૂરી કરવા જન્મજન્માંતરોની યાત્રા કરે છે’. માનવ વ્યક્તિત્વનું ગહન અધ્યયન કરીને શોધેલું આ સત્ય છે. અને એને સુંદર રીતે વ્યક્ત કર્યું છે. પ્રત્યેક મનુષ્યને બે શરીર છે. એક ભૌતિક શરીર જેને સંસ્કૃતમાં ‘સ્થૂલ શરીર કહે છે’. સ્થૂલનો અર્થ છે – સાકાર કે મૂર્ત. બીજું શરીર છે, ‘સૂક્ષ્મ શરીર’. તમારી બધી ઇચ્છાઓ, ભાવનાઓ, તમારી પ્રકૃતિનાં ચેતન, અવચેતન, અચેતન તત્ત્વ; તમારા દ્વારા કરેલ કાર્યોના બધા સંસ્કારોથી તમારું સૂક્ષ્મ શરીર બને છે. અને એે જ વાસ્તવિક મનુષ્ય છે. બાહ્યરૂપે દેખાતો મનુષ્ય તો ઓશિકાની ખોળ જેવો છે. આ સ્થૂળ શરીર મનુષ્યની કેવળ જાગૃત ચેતનામાં જ કામ કરે છે.

એક ત્રીજું વધુ સૂક્ષ્મતર શરીર પણ છે. એને કારણ શરીર કહે છે. સ્થૂળ દેહ જાગ્રત અવસ્થામાં મુખ્ય હોય છે, સૂક્ષ્મદેહ સ્વપ્ન અવસ્થામાં મુખ્ય હોય છે. અને કારણ દેહ ગહન નિદ્રા કે સુષુપ્તિ અવસ્થામાં મુખ્ય છે. આ ત્રણેય સ્થિતિઓનો સાક્ષી અસીમ આત્મા છે. તે નિત્યમુક્ત, શુદ્ધ અને જ્યોતિર્મય છે. જેને સાક્ષી કહેવાયો છે – ત્રણે સ્થિતિઓના વિષયો અને વસ્તુઓનો સાક્ષી જેને વેદાંતમાં ‘અવસ્થાત્રય સાક્ષી’ કહ્યો છે. આ સાક્ષી બધા પ્રાણીઓનો સાચો આત્મભાવ છે. એ નિત્યશુદ્ધ, નિત્યમુક્ત અને જ્યોતિર્મય છે. એને કોઈ જન્મ નથી કે નથી કોઈ મૃત્યુ. પરંતુ જ્યારે આ આત્મા દેહની જંજાળમાં ફસાઈ જાય છે ત્યારે જીવનના ભિન્ન ભિન્ન અનુભવોમાંથી પસાર થાય છે. એમાં જીવન અને મૃત્યુનો અનુભવ પણ આવી જાય છે.

એટલે મૃત્યુના સમયે આપણે આ સ્થૂળદેહને પાછળ મૂકી દઈએ છીએે અને સૂક્ષ્મદેહ એમને એમ રહે છે. આ સમયે પણ આ સૂક્ષ્મદેહ મારી ભીતર ક્રિયાશીલ છે. મારી પાચનક્રિયા સૂક્ષ્મદેહ દ્વારા થાય છે. શરીરમાં મારી કોશિકાઓ આ સૂક્ષ્મ શરીર દ્વારા નિર્મિત થાય છે. સૂક્ષ્મ શરીર આ વિશે કંઈ કરતું નથી. પરંતુ આ સૂક્ષ્મ શરીરની ગતિવિધિઓથી આપણને ફાયદો થાય છે. એટલે જ્યારે એ એનાં કાર્યો માટે ઉપયોગ વિહોણી બની જાય છે ત્યારે આ સૂક્ષ્મ શરીર આ સ્થૂળદેહનો ત્યાગ કરી દે છે. આને આપણે મૃત્યુ કહીએ છીએ. પરંતુ આ સૂક્ષ્મ શરીર એમને એમ રહે છે અને બીજો જન્મ લે છે. વળી પાછો સંઘર્ષ શરૂ થાય છે. અને આ રીતે જ્યાં સુધી એક પરિપક્વ અવસ્થા ન આવે ત્યાં સુધી જન્મજન્માંતરો પર્યન્ત ક્યારેક આપણે ઉપર આવીએ છીએ તો ક્યારેક નીચે. આમ સામાન્ય રીતે થોડું થોડું કરીને આ ક્રમ ચાલતો રહે છે.

બધા દોષ, ખરાબ સંસ્કાર કે પ્રભાવ અંતે નાશ પામે છે. તે બધા આધ્યાત્મિક જ્ઞાનની અગ્નિમાં, આધ્યાત્મિકતાની પ્રાપ્તિમાં બળી જાય છે. આવા સ્ત્રી કે પુરુષ માટે આ પ્રકારના જન્મ અને મૃત્યુના ઉદ્ગમનું સ્રોત સમાપ્ત થઈ જાય છે. એનું કારણ એ છે કે જો બીજ આગમાં બળી જાય તો એને માટીમાં વાવવાથી એનામાં ફરીથી અંકુરિત થવાની શક્તિ રહેતી નથી. આ રીતે આ બધાં બીજ જેને મનુષ્યોમાં વૃત્તિઓ, સંસ્કાર કે વાસનાઓ કહેવાય છે; તે અંતરતમ વૃત્તિઓ કે પૂર્વજન્મમાં કરેલાં કર્મોના ફળ માટે વપરાતા સંસ્કૃત શબ્દો છે. આ બધા અધ્યાત્મની અગ્નિમાં, આધ્યાત્મિકતાની પ્રાપ્તિની આગમાં બળી જાય છે. પછી વધુ જન્મ હોતા નથી અને મૃત્યુ પણ હોતું નથી. તે સ્ત્રી કે પુરુષ સ્વતંત્ર – મુક્ત બની જાય છે. આ મુક્તિ કે આધ્યાત્મિક સ્વતંત્રતાની સ્થિતિ છે. એટલે ભગવાન શ્રીકૃષ્ણ ગીતાના ૬ ઠ્ઠા અધ્યાયમાં કહે છે, ‘અનેક જન્મ સંસિદ્ધ : તતો યાતિ પરાં ગતિમ્’ અનેક જન્મો પછી કોઈ સર્વોચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરે છે. એક મનુષ્ય એક યોગી બનવાનો સંઘર્ષ કરે છે. એક જ જીવનમાં એ સ્ત્રી કે પુરુષ ઘણું બધું મેળવી શકતો નથી. છતાં કંઈક તો મેળવે છે; અને સંઘર્ષ આગલા જન્મમાં પણ ચાલુ રહે છે, ત્યાર પછીના જન્મમાં. એમ જ્યાં સુધી અંતિમ જન્મમાં તે એટલો બધો પરિપક્વ બની જાય કે તે સ્ત્રી કે પુરુષ સત્યની પ્રાપ્તિ કરીને મુક્ત બની જાય છે.

પૂર્વજન્મની અવધારણાનું આ જ તત્ત્વ છે. ભારતમાં અનેક અત્યંત તેજસ્વી મનસ્વીઓ અને પ્રજ્ઞાવાન વિચારકોએ એને માન્યું છે; સામાન્યત : વ્યક્તિઓએ નહીં, જાદુ કે ચમત્કાર કરનારા કે બતાવનારાઓએ નહીં, પરંતુ બુદ્ધ, શંકરાચાર્ય, શ્રીકૃષ્ણ અને આજના સ્વામી વિવેકાનંદ જેવા વ્યક્તિઓએ એને માન્યું છે. પહેલાં ઉપનિષદોના ઋષિઓ તથા મહાન ધર્મગ્રંથો દ્વારા આ ઉપદેશ કે શિક્ષણ અપાયા. એનું કારણ એ છે કે એમણે મનુષ્યમાં દેખાતા આ સ્થૂળ શરીરથી પર એક અદૃશ્ય સૂક્ષ્મ શરીરને પણ મેળવ્યું – જોયું. આ સ્થૂળ શરીર તમે પોતાની આંખોથી જોઈ શકો છો. તમે એની સાથે વ્યવહાર રાખી શકો છો. પશ્ચિમનું જગત કેવળ એને જ મનુષ્યરૂપે ઓળખે-જાણે છે. પરંતુ ભારત એવું માને છે કે જ્યારે આ શરીર નાશ પામે છે ત્યારે પણ વ્યક્તિનું અસ્તિત્વ સમાપ્ત થઈ જતું નથી, પરંતુ આગળ અને આગળ ચાલુ રહે છે. એટલે મૃત્યુ કેવળ અર્ધવિરામ છે, વાક્ય તો ચાલુ રહે છે; અધ્યાય ચાલુ રહે છે. પુનર્જન્મના સિદ્ધાંતથી આવી જ ધારણા વિકસિત થાય છે. મૃત્યુ કેવળ એક વિસ્મૃતિ છે, અને આપણે એક નવા જીવન તરફ વળીએ છીએ. પુનર્જન્મ પ્રત્યે એકમાત્ર વિરોધ એ છે કે આપણને પૂર્વજન્મની સ્મૃતિ રહેતી નથી. આ પણ એટલા માટે છે કે પ્રકૃતિએ પૂર્વજન્મોની સ્મૃતિને ઢાંકી રાખી છે. એને લીધે સદૈવ આગળને આગળ વધતા કે ઉન્મુખ રહીને માનવીય વિકાસમાં સહાયતા મળે છે. પૂર્વજન્મની સ્મૃતિ તમારા આધ્યાત્મિક વિકાસને અવરુદ્ધ કરી દે છે. એટલે પ્રકૃતિ આ સ્મૃતિને રુંધિને માનવતા પર કૃપા કરી રહી છે. એને લીધે એમની પ્રગતિ થઈ શકે છે. આ સમાલોચના – તમને તમારા વિગત જીવન વિશે સ્મરણ નથી એટલે આ સિદ્ધાંત ખોટો છે – એ સ્વયં ખોટી જ વાત છે; કારણ કે સ્મૃતિ અસ્તિત્વનો માપદંડ નથી.

(ક્રમશ 🙂

Total Views: 238

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.