ગતાંકથી આગળ…

અહંકાર અને સ્વાતંત્ર્ય બોધ

શ્રીરામકૃષ્ણની આ એક વિશિષ્ટતા છે કે તેઓ પોતાની જાતને એક યંત્ર માને છેે અને બીજી બાજુએ પંડિતો પોતાની જાતને વક્તા સમજે છે. આ વાણી મા જગદંબાની છે, એ વાત શ્રીરામકૃષ્ણ જાણે છે. એમની કૃપાથી મૂર્ખ વિદ્વાન બની જાય છે. આ વાતમાં બગલામુખી સ્તોત્રનો એક સુંદર શ્લોક ટાંકવા જેવો છે.

वादी मूकति रङ्कति क्षितिपतिर्वैश्वानरः शीतति।
क्रोधी शान्तति दुर्जनः सुजनति क्षिप्रानुगः खञ्जति।।
गर्वी खर्वति सर्वविच्च ज’डति त्वन्मन्त्रणा यन्त्रितः।
श्रीनित्ये बगलामुखि प्रतिदिनं कल्याणि तुभ्यं नमः।।

કહેવાય છે કે એમની જ ઇચ્છાથી બોલતો મૂક થઈ જાય છે, રાજા ભિખારી બની જાય છે, તપાવતો અગ્નિ શીતલ બની જાય છે, મહાન ક્રોધી માણસ શાંત બની જાય છે, દુર્જન સજ્જન બની જાય છે, ગતિશીલ વ્યક્તિ પાંગળો બની જાય છે, સર્વજ્ઞ જડ બની જાય છે, તેઓ જેને જે રૂપે નિયંત્રિત કરે છે તે તેઓ જ બની જાય છે.

ગીતામાં કહ્યું છે :

ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति।
भ्रामयन् सर्वभूतानि यन्त्रारू’ढानि मायया।। (18.61)

ભગવાન બધાના હૃદયમાં વિરાજે છે અને યંત્રારૂઢની જેમ, કઠપૂતળીની માફક માયાના પ્રભાવથી બધાં પ્રાણીઓને ચકરાવે ચઢાવે છે. બધાં માયા દ્વારા નિયંત્રિત થઈને ચાલે છે, પરંતુ ‘હું કરું છું’ એમ વિચારે છે.

આ પ્રશ્ન મનુષ્યને ઘણો ખિન્ન કરી મૂકે છે કે પોતે સ્વતંત્ર છે કે નથી. શ્રીરામકૃષ્ણ કહે છે, ‘એમની ઇચ્છા વિના ઝાડનું પાંદડું પણ હલતું નથી.’ ઉપનિષદમાં કહ્યું છે:

एतस्य वा अक्षरस्य प्रशासने गागिर् सूर्याचन्द्रमसौ विधृतौ तिष्ठत एतस्य वा अक्षरस्य प्रशासने गागिर् द्यावा-पृथिव्यौ विधृते तिष्ठतः (बृ.उप.3.8.9)

હે ગાર્ગી, આ અક્ષરપુરુષના શાસનને અધીન થઈને સૂર્ય અને ચંદ્ર, દ્યૂલોક અને ભૂલોક ધારણ કરીને પોતાને સ્થાને રહેલ છે. એવી જ રીતે જગતનાં બધાં પ્રાણી, જડ, ચેતન એમના નિયંત્રણમાં છે.’

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણે એમના દ્વારા નિયંત્રિત થઈએ છીએ, આપણે પોતે સ્વતંત્ર નથી, તો પછી શું આપણે આપણાં સારાં-માઠાં કર્મોનું ફળ ભોગવવું પડે ? એક તલવારથી જો કોઈ બીજાની હત્યા કરે તો શું તલવારને ફાંસી થશે ? જે તલવાર ચલાવે એને જ સારું-માઠું ફળ મળે. એમાં યંત્રનો કોઈ દોષ કે ગુણ નથી હોતો. યંત્ર તો જે ચલાવે છે તે જ યંત્રીના રૂપે બધાની ભીતર રહીને એની સાથે અભિન્ન રીતે દેખાય છે અને જે સારાં-માઠાં ફળ ભોગવે છે તેઓ પણ એમને છોડીને બીજા કોઈ નથી. જેમ કે શ્રીરામકૃષ્ણે તીતીઘોડાનું ઉદાહરણ આપ્યું છે. રામ જ સર્વત્ર વિદ્યમાન છે. શ્રીરામકૃષ્ણની વાર્તામાં સાધુએ કહ્યું હતું, ‘જેણે મને માર્યો હતો તે જ મને દૂધ પિવડાવી રહ્યો છે.’

સારું-ખરાબ બધું તેઓ જ કરે છે. આપણે લોકો પોતાની અહંકાર-વિમૂઢતાને કારણે ભોગવીએ છીએ. આ જે ‘હું બુદ્ધિ’ છું – ‘મેં આ કામ કર્યું છે, હું ફળ ભોગવી રહ્યો છું’ – એ ભ્રમણાવાળું જ્ઞાન છે. તેઓ જ બધું કરે છે, ભોગ પણ તેઓ જ કરે છે, એ વાસ્તવિક અને સાચું જ્ઞાન છે. બ્રાહ્મણ દ્વારા ગૌ હત્યા કરવાની જેમ આપણે સારું કરીએ ત્યારે કહીએ છીએ – ‘મેં કર્યું છે;’ અને કંઈક ખરાબ કામ થઈ જાય તો પોતાના દોષનો ટોપલો એમના માથે મૂકીને કહીએ છીએ, ‘હું શું કરું, એમણે કરાવ્યું છે.’ કષ્ટ ભોગવતી વખતે કહીએ છીએ – ‘તેઓ શા માટે દુ:ખ આપે છે;’ સુખને સમયે આપણે કહેતા નથી કે તેઓ શા માટે સુખ આપે છે. એ સમયે આપણે ભૂલી જઈએ છીએ. આ જ આપણા મનનો દ્વિમુખી ભાવ છે. એને ‘ભાવના ઘરમાં ચોરી’ કહે છે. આપણી ભીતર પણ તેઓ જ છે અને બહાર પણ તેઓ જ છે – ‘જે કંઈ છે, તે તું જ છે.’ પ્રત્યેક ઘટમાંથી તેઓ જ ભોગ કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણે પોતાની સાધના અવસ્થાના અનુભવનો થોડો ઉલ્લેખ કર્યો છે. એકાએક આવું કરવાનું તાત્પર્ય એ લાગે છે કે તેઓ ડોક્ટર સરકાર પર કૃપા કરીને જાણે કે પોતાની પૂર્વાવસ્થાની વાત બતાવી રહ્યા છે. એનાથી એમના જ્ઞાનભંડારમાં આ વિષયનાં કેટલાંક તથ્યો સંગ્રહાય. ડોક્ટરનું વૈજ્ઞાનિક મન પ્રત્યક્ષ અને અનુમાન સિવાય બીજું કંઈ માનવા તૈયાર નથી. આ બધો આધ્યાત્મિક અનુભૂતિનો વિષય એમને માટે રહસ્યથી ઢંકાયેલો છે. એટલે શ્રીરામકૃષ્ણ આ બધાનો ઉલ્લેખ કરીને ડોક્ટરના અંત:કરણમાં એવા નવા તથ્યનો પ્રવાસ કરાવે છે કે જેની ખબર એને પોતાને નથી.

પ્રકરણ ૫

ઈશ્વર બધાને યંત્રારૂઢની જેમ ચલાવી રહ્યા છે. અગાઉનો આ પ્રસંગ આ પરિચ્છેદમાં પણ ચાલે છે. શ્રીરામકૃષ્ણ કહે છે, ‘હું તો મૂર્ખ છું, કંઈ જાણતો નથી, તો પછી આ બધું કહે છે કોણ ? હું કહું છું, ‘હે મા, હું યંત્ર છું, તમે યંત્રી છો, જેવું બોલાવો છો, એવું જ બોલું છું.’ ઈશ્વરીય શક્તિ સામે મનુષ્ય લાકડાંના હલેસાં જેવો છે.’ શ્રીકૃષ્ણે અર્જુનને ગીતામાં બતાવી દીધું કે એમની ઇચ્છાથી જ બધું ચાલે છે.

કર્તૃત્વબોધ અજ્ઞાનજન્ય છે

ભાગ્યને અધીન રહીને બધું થઈ રહ્યું છે કે પછી મનુષ્યની સ્વાધીન ઇચ્છા છે, એ પ્રશ્નને લઈને દર્શનશાસ્ત્રમાં પ્રબળ તર્ક છે, ભિન્ન ભિન્ન લોકોના વિભિન્ન મતવાદ છે. શ્રીરામકૃષ્ણ આ વિષયમાં કહે છે કે જ્યાં સુધી આપણે એમની (ઈશ્વરની) ઇચ્છાને જાણી લેતા નથી ત્યાં સુધી કર્તૃત્વબુદ્ધિ રહે છે અને ત્યાં સુધી આપણે કરી રહ્યા છીએ એવું વિચારીએ છીએ. આ કર્તૃત્વ અજ્ઞાનજનિત છે. સીમિત દૃષ્ટિએ જોઉં છું કે દેહ – ઇન્દ્રિયાદિ દ્વારા કર્મ અનુષ્ઠિત થયું છે, એટલે ‘હું’ અભિમાન કરીને કહું છું ‘મારું’ કર્મ છે. પરંતુ બીજી બાજુએ, જે લોકો જડચેતનમાં સર્વત્ર ઈશ્વરને વ્યાપ્ત થયેલા જુએ છે એમની દૃષ્ટિએ માત્ર ઈશ્વરની ઇચ્છાથી જ બધું થઈ રહ્યું છે. એટલું જ નહીં, પરંતુ જેમને લઈને બધી ઘટનાઓ ઘટી રહી છે તે બધું એમના સિવાય બીજું કંઈ નથી. અજ્ઞાનથી ઢંકાયેલ મોહગ્રસ્ત મનુષ્ય અંતર્યામી નિયંતાને ન જોઈ શકવાથી ‘હું’ અને ‘મારું’ વગેરે વિચારે છે. (ક્રમશ:)

Total Views: 263

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.