સ્વામી હર્ષાનંદપુરીએ ૨૦૧૨માં બ્રહ્મસૂત્રના શંકરભાષ્યને અનુસરીને ‘વિવેકસૌરભ’ નામે સ્વતંત્ર ભાષ્ય સહ એક પુસ્તક બેંગાલુરુના રામકૃષ્ણ મઠ તરફથી સંસ્કૃત ભાષામાં પ્રકાશિત કર્યું છે. આટલી જૈફ અવસ્થાએ પણ તેમનો વિદ્યાવ્યાસંગ કેટલો તાજો-નવીનતાભર્યો-રમણીય છે, તેની આ ગ્રંથ સાક્ષી પૂરે છે. એ તો સુપ્રસિદ્ધ જ છે કે તેમણે એકલે હાથે ચાલીસ વર્ષોના અથાક પરિશ્રમથી ‘હિદુંધર્મનો વિશ્વકોશ’ પણ દળદાર ગ્રંથમાં પ્રકાશિત કર્યો છે અને હજુએ તેમની વિદ્યાની સરવાણી ભાગીરથીની પેઠે અવિચ્છિન્ન પ્રવાહથી વહી રહી છે !

પ્રસ્તુત ગ્રંથમાં તેમણે બ્રહ્મસૂત્રના ચારેય અધ્યાયો-સમન્વય, અવિરોધ, સાધન અને ફૂલ-ના દરેકના ચાર ચાર પદોના બધાં જ અધિકરણોનાં બધાં જ સૂત્રોનું શાંકરભાષ્ય અનુસાર સાદી સંક્ષિપ્ત સંસ્કૃત ભાષામાં વિવરણ આપ્યું છે. એમાં શાંકરભાષ્યનો એકેય મહત્ત્વનો મુદ્દો એમણે છોડ્યો નથી. કેવળ બૌદ્ધિકવિલાસ અને પુરાણી વાદવિવાદની દલીલો જ રદ કરી છે.

સૂત્રયુગમાં રચાયેલાં સૂત્રો અલ્પાક્ષરી હોવાને કારણે સંદિગ્ધ અર્થવાળાં બની ગયાં અને પછી એનો અર્થ સ્પષ્ટ કરતાં અનેક ભાષ્યો એમના પર રચાયાં. જીવનનાં તત્કાલીન બધાં જ ક્ષેત્રોનાં વાઙમયમાં આવા સૂત્રગ્રંથોનું જ્ઞાન નષ્ટપ્રાય થતાં આવા ભાષ્યોએ એને પુનર્જીવિત કરવા પ્રયત્ન કર્યો. તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં પણ આવું જ બન્યું. પણ ધીમે ધીમે એ ભાષ્યોમાં આત્મલક્ષિતા આવવા લાગી ગઈ. તેથી એ ભાષ્યો પર પણ પાછી ટીકાઓ અને એના પર પણ ટીકાઓની પરંપરા ચાલી.

બાદરાયણનાં બ્રહ્મસૂત્રો પર રચાયેલાં બધાં જ ભાષ્યોમાં શ્રી શંકર ભગવાત્પાદનું શરીરકભાષ્ય અતિ ઉત્કૃષ્ટ કોટિનું-મોખરાનું સ્થાન ધરાવે છે. એમાં દરેક અધિકરણ-વિષયમાં પૂર્વપક્ષ, પૂર્વપક્ષનું નિરાકરણ, ઉત્તરપક્ષ, સંદેહ સ્થાપન-શાસ્ત્રોના પ્રમાણવાક્યો સહિત આપવામાં આવેલ છે. ભાષ્યની પ્રસન્નગંભીર શૈલી તો સુપ્રસિદ્ધ જ છે.

હવે જે લોકોને ઉપનિષદોનું સામાન્ય જ્ઞાન હોય અને ભારતનાં દર્શનોની સામાન્ય રૂપરેખાનો પરિચય તો હોય, પરંતુ બ્રહ્મસૂત્ર શાંકરભાષ્યને સમજવામાં તકલીફ પડતી હોય કે કોઈ અધ્યાપક પાસે બેસીને શીખવાનો સમય કે શક્તિ પણ ન હોય એવા વેદાંત જિજ્ઞાસુઓ માટે શાંકરભાષ્યનું થોડાંક જ સમયમાં ઠીક ઠીક જ્ઞાન મળી રહે તેવો કોઈપણ અનન્ય ગ્રંથ હોય તો તે આ ‘વિવેકસૌરભ’ છે એમ માન્યા વગર ચાલે તેમ નથી.

શાંકરભાષ્યના સંસ્કૃત સારરૂપ એક બીજો ગ્રંથ સંસ્કૃતમાં લખાયેલો તો છે. એ છે સ્વામી ભારતીકૃષ્ણની ‘વૈયાસિક ન્યાયમાલા !’ એમાં દરેક અધિકરણ દીઠ બબ્બે શ્લોકોમાં સાર આપીને નીચે એનું ગ્રંથમાં વિવરણ અપાયું છે, પણ દરેક સૂત્રવાર સાર આપવામાં આવ્યો નથી. એટલે મૂળ શાંકરભાષ્યની મધુરતાનો અને વિષયના અમુક મુદ્દાનો આભાસ ઘણો ઓછો મળતો હોય એમ બની શકે. વળી દરેક અધિકરણમાં આવતાં સૂત્રોની યાદી જ ત્યાં આપી છે. એટલે દરેક સૂત્રનો શો અર્થ થાય તેનો ખ્યાલ આવી શકતો નથી. બ્રહ્મસૂત્ર શાંકરભાષ્યનો સાર આલેખતો એક ગ્રંથ બીજો પણ છે – સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રચીત ‘Brahma Sutra’. પણ એ તો અંગ્રેજીમાં લખેલો છે એટલે મૂળ સંસ્કૃતનો સ્વાદ સહજ રીતે જ એમાં ન હોય. ‘વિવેક સૌરભ’ કરતાં વિસ્તૃત વિવેચન હોવા છતાં એનો આ સ્વાદ અંગ્રેજી ન જાણનાર સંસ્કૃતપ્રેમી પરંપરાગત જિજ્ઞાસુને મળી ન શકે.

આ રીતે આ ગ્રંથની ઉપદેયતા બેવડી છે. વળી જે વિદ્યાર્થીઓ પરંપરા શૈલીથી સંસ્કૃત ગ્રંથોનો પંક્તિશ : અભ્યાસ કરીને તે પ્રકારની ‘શાસ્ત્રી’ કે ‘આચાર્ય’ પરીક્ષાઓ માટે તૈયારી કરી રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓને મુદ્દાઓ યાદ રાખવા માટે અને સ્વતંત્ર ભાષામાં પરીક્ષામાં રજૂ કરવા માટે તો આ ગ્રંથનું આવર્તન ખૂબ જ ઉપયોગી છે. કદાચ એ માટે તો આ એક જ સરળ ઉપાય છે. આ ગ્રંથ વહેલો (૧૯૬૧માં) લખાયેલો હોવા છતાં મોડો પ્રકાશિત થઈ શક્યો એ ભાગ્યની જ વાત ! બીજું શું ?

Total Views: 212
By Published On: September 1, 2013Categories: Keshavlal V Shastri0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram