ગતાંકથી આગળ…

સ્વાધીન ઇચ્છા અને શ્રીરામકૃષ્ણ

આ બન્ને મતોની વચ્ચે એક બીજી વાત પણ છે. શ્રીરામકૃષ્ણ કહે છે કે સાવ સ્વાધીન ન થવા છતાં પણ થોડી ઘણી સ્વાધીન ઇચ્છા એમણે – ઈશ્વરે મનુષ્યને આપી છે. એ પ્રમાણે તે કાર્ય કરે છે, પરંતુ તે જે ઇચ્છે તે કરી શકતો નથી. જેમ ખીલે બંધાયેલી ગાય જેટલા અંતર સુધી એના ગળાનું દોરડું જાય એટલે દૂર સુધી તે હરીફરી શકે છે. એનાથી બહાર જઈ શકતી નથી. શ્રીરામકૃષ્ણે આ ઉદાહરણ બીજે પણ આપ્યંુ છે. એમણે એ પણ કહ્યું છે કે ગાયના માલિકની ઇચ્છા થાય તો તે દોરડું થોડું વધારે લાંબું પણ કરી શકે. અર્થાત્ સ્વાધીનતાની સીમા વધારી શકાય છે. પરંતુ નિયંત્રણ તો રહે જ છે. અહીં અપેક્ષાના ભાવથી સ્વાધીનતાની વાત કહેવામાં આવી છે. પૂર્ણ સ્વાધીનતા છે કે નહીં એ નથી બતાવ્યું. कर्तुम् अकर्तुम् अन्यथा वा कर्तुं समर्थः। અંતે ચર્ચા પછી માસ્ટર મહાશય સ્વગત કહે છે, ‘પછી સાથે ને સાથે આનંદ મળે છે કે કેમ એ કહેવું કઠિન છે. આનંદના બળથી જો કાર્ય થતું રહે તો સ્વાધીન ઇચ્છા પછી રહે છે જ ક્યાં ?’ અર્થાત્ આનંદવાદીઓની પણ સ્વતંત્રતા બચી ન શકી. એમનું કર્મ આનંદ દ્વારા નિયંત્રિત થઈ ગયું. એ જ આનંદને ઈશ્વરરૂપે માની લેવાથી ‘એમની જ ઇચ્છાથી બધું થઈ રહ્યું છે’ એમ દેખાય છે.

શ્રીરામકૃષ્ણનો સિદ્ધાંત પણ બરાબર આવો જ છે. ખીલે બંધાયેલ ગાયની વાત તેઓ આપેક્ષિકરૂપે સમજાવવા કહે છે. નિયંત્રણની અંદર પણ થોડીઘણી સ્વતંત્રતા છે. જો એવું ન હોય તો ધર્મોપદેશ કોને આપવો ? ઉપદેશ સાંભળીને કોઈ કામમાં લાગી શકે છે, એટલે શાસ્ત્રો ઉપદેશ આપે છે. ડોક્ટરે પહેલેથી જ શ્રીરામકૃષ્ણને કહ્યું હતું, ‘તો પછી આપ આટલી બધી બકબક શા માટે કરો છો ?’ શ્રીરામકૃષ્ણે ઘણો સુંદર જવાબ આપ્યો છે. તેઓ કહે છે, ‘હું આ બકબક કરું છું, એ કોણે કહ્યું ? હું તો યંત્ર છું. જવાબદારી એમની છે કે જે યંત્ર ચલાવે છે, યંત્રની નહીં.’

ચિકિત્સક અને સેવા

વાત કરતાં કરતાં ડોક્ટરીકર્મની વાત નીકળી. આ વિશે શ્રીરામકૃષ્ણ કહે છે, ‘રૂપિયા પૈસા ન લઈને, બીજાંનાં દુ :ખ જોઈને કોઈ દયાભાવથી ચિકિત્સા કરે તો તે મહાન છે, એનું કાર્ય પણ મહાન છે… ડોક્ટરીમાં જો નિ :સ્વાર્થભાવે પરોપકાર થાય તો તે ઘણું સારું છે.’ મનુષ્ય વિપત્તિમાં પડે છે, ડોક્ટર એના પર દબાણ કરીને અર્થાેપાર્જન કરે છે. આ રીતે ઉપાર્જિત અન્ન અશુદ્ધ થાય છે, એટલે શ્રીરામકૃષ્ણ એને સ્વીકારી ન શકતા. છતાં પણ બધાના માટે આ વાત લાગુ પડતી નથી. શ્રીરામકૃષ્ણ કહે છે કે જે સેવાબુદ્ધિથી આ કાર્ય કરે છે એમનું કાર્ય મહાન છે. વસ્તુત : સ્વાર્થબુદ્ધિથી પ્રેરાઈને જે કાર્ય કરાય છે તે નિકૃષ્ટ – નિમ્નતમ કર્મ છે અને બીજાના કલ્યાણ માટે નિ :સ્વાર્થભાવે કરેલું ઉત્તમકાર્ય સેવા છે. સંસારના કોઈપણ કાર્યનો ઊંચનીચ, સારાં નરસાનો વિચાર કરવા માટે આ જ એક કસોટી છે. ડોક્ટર દ્વારા મનુષ્ય ઉપરાંત બીજા જીવોની સેવાની વાત આવતાં શ્રીરામકૃષ્ણ કહે છે, ‘જીવોને ખવડાવવું એ સાધુઓનું કામ છે’.

આનો અર્થ એ છે કે નિ :સ્વાર્થભાવે જીવનાં કલ્યાણ માટે કરેલ કર્મ જ શ્રેષ્ઠ છે.

વિજયકૃષ્ણ અને સ્વામીજીનાં દર્શન

વિજય આવ્યા છે. ભક્તોની સાથે વાત કરતાં વિજય કહે છે, ‘કોણ જાણે કોઈક એક સર્વદા મારી સાથે રહે છે, હું દૂર રહું તો પણ મને બતાવી દે છે કે ક્યાં શું થઈ રહ્યું છે.’ નરેન્દ્ર કહે છે, ‘સ્વર્ગીય દૂતની જેમ.’ અર્થાત્ કોઈ વિજય પર નજર રાખે છે અને સાચે રસ્તે એમને ચલાવે છે. વિજય કહે છે, ‘મેં એમને (શ્રીરામકૃષ્ણને) ઢાકામાં જોયા છેે, દેહને સ્પર્શીને !’ શ્રીરામકૃષ્ણ હસતાં હસતાં કહે છે, ‘તો તો એ કોઈ બીજો હશે.’ નરેન્દ્રનાથ કહે છે, ‘મેં પોેતે પણ એમને કેટલીયે વાર જોયા છે.’

સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણને આવી રીતે કેટલીય વાર જોયા હતા. આ વાતને એમણે બીજા સમયે પણ કહી છે. એક વાર નરેન્દ્ર પોતાના ઘરમાં રાતને સમયે વાચનલેખન કરતા હતા, દરવાજો બંધ હતો; જુએ છે તો શ્રીરામકૃષ્ણ ઉપસ્થિત છે. એટલે કહે છે, ‘કેવી રીતે કહી શકું કે મને તમારી વાતો પર વિશ્વાસ નથી થતો.’ શ્રીરામકૃષ્ણના સ્થૂળદેહમાં રહેતી વખતે અને એમના દેહત્યાગ પછી પણ અનેક વાર સ્વામીજીને એમનાં દર્શન અને ઉપદેશ સાંપડ્યાં છે. અરે, એમનાં વ્યાખ્યાનોનું વિષયવસ્તુ પણ શ્રીરામકૃષ્ણે એમને બતાવી દીધું છે. સ્વામીજીએ ૫ોતે એમ નથી કહ્યું કે શ્રીરામકૃષ્ણ એમને બતાવતા હતા પરંતુ એમણે કહ્યું હતું કે કોઈ આવીને બતાવી જતું હતું.

શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનાં ચરિત્ર પરસ્પર પૂરક છે. શ્રીરામકૃષ્ણની અગાધ શક્તિ સ્વામી વિવેકાનંદના માધ્યમથી વ્યક્ત થઈ છે. ભગવાનનો આ આવિર્ભાવ અને એમના સહકારીરૂપે સ્વામીજીનંુ આવવું એ એક લોકોત્તર ઘટના છે. આપણી માનવીય બુદ્ધિ એની વ્યાખ્યા ન કરી શકે. એટલે જેને સમજી ન શકીએ એના પર થોડોઘણો વિશ્વાસ રાખવો પડે. ભાગવત્માં લખ્યું છે કે શ્રીકૃષ્ણે પૃથ્વી પર અવતાર લેતાં પૂર્વે દેવતાઓને પણ પોતાનાં કાર્યમાં સહાયતા કરવા પૃથ્વી પર અવતરવાનું કહ્યું હતું. શ્રીરામકૃષ્ણે કહ્યું છે તેમ ‘કમળનું દલ,’ એકને ખેંચવાથી આખું દળ ખેંચાઈને આવી જાય છે. આ લોકોની જાણે કે એક મંડળી છે. એમનો પરસ્પરનો સંબંધ પણ લોકાતીત છે. જીવોના કલ્યાણ માટે એમનો આવિર્ભાવ થયો છે. ‘જેમ બાઉલ સાધુઓનું દળ આવ્યું, નાચ્યું, ગાયંુ અને ચાલ્યું ગયું,’ જગતના લોકોમાંથી કોઈને એમના સ્વરૂપનો આભાસ મળ્યો અને કેટલાક એમને ઓળખીએ ન શક્યા. પરંતુ એમના કાર્યનો પ્રભાવ દીર્ઘકાળ સુધી ચાલતો રહે છે. સ્વામીજીએ કહ્યું છે કે શ્રીરામકૃષ્ણના સ્થૂળદેહના અવસાન પછી વિપુલ શક્તિ સંપૂર્ણ જગતમાં કાર્ય કરે છે. સ્થૂળદેહમાં એ શક્તિ જાણે ધાર્યા કરતાં સીમિત રહે છે. પરંતુ દેહત્યાગ પછી સૂક્ષ્મદેહમાં એમનું કાર્ય સમગ્ર વિશ્વમાં ચાલતું રહે છે. તેઓ સ્વયં કાર્ય કરે છેે અને એમની સાથે આવનારા પણ કાર્ય કરતા રહે છે. અનેક પ્રકારની અલૌકિક ઘટનાઓ બનવા છતાં સ્વામીજીએ એ બધાને મહત્ત્વ આપવાનું નથી કહ્યું. એનુ કારણ એ છે કે એમણે અલૌકિકતા – ચમત્કારને આશ્રય આપ્યો ન હતો. એનાથી મન દુર્બળ બને છે, ત્યાં બુદ્ધિ કામ કરતી નથી અને કેટલીયેવાર લક્ષ્યભ્રષ્ટ થવાની પણ શંકા રહે છે.

સ્વામીજી વિજયકૃષ્ણને કહે છે, ‘મેં પણ એમને કેટલીય વાર જોયા છે.’ આ સભા ઘણીખરી અંતરંગ સભા છે. પોતાની અનુભવેલી વસ્તુ પર અવિશ્વાસ ન કરી શકાય. પોતાનો પ્રત્યક્ષ અનુભવ હતો, એટલે સ્વામીજી વિજયકૃષ્ણની વાત પર અવિશ્વાસ ન કરી શક્યા. આ યાદ રાખવું પડશે કે આ બધું હોવા છતાં તેઓ આ વાત પર ભાર દઈને તેનો ચારે બાજુ પ્રચાર કરવાના વિરોધી હતા. એટલે તેઓ ભક્તોને કહેતા કે શ્રીરામકૃષ્ણના જીવનની આ ઘટનાઓ અસત્ય નથી, છતાં પણ એને મહત્ત્વ આપીને પ્રચાર ન કરવો.

એ સમયે આવો પ્રચાર ન થયો અને અત્યારે પણ એ વાતો પર વધારે ભાર દેવાતો નથી. કેટલીક ઘટનાઓ લીલાપ્રસંગમાં વર્ણવાઈ છે અને તે પણ અત્યંત સંયમપૂર્વક. સ્વામીજી એવું જ ઇચ્છતા હતા કે આપણી શ્રદ્ધા કે આપણો વિશ્વાસ બુદ્ધિ પર આધારિત હોવો જોઈએ.’ (ક્રમશ 🙂

Total Views: 345

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.