પ્રકરણ – ૨

અભ્યાસનું ગૃહકાર્ય હવે ભારેખમ નથી લાગતું

શાળામાંથી આપેલું ગૃહકાર્ય એક બોજો છે, એમ ખુશ ધારતો. એને મન તો શાળાનું ભણવાનું કામ ત્યાંજ પૂરું થઈ જવું જોઈએ, શાળાએથી છૂટીને બાળકોને રમવા ભમવાનું મળવું જોઈએ.

શાળાએથી છૂટતાં પહેલાં ઘણું ગૃહકાર્ય અપાતું. એને લીધે બીજી ઘણી પ્રવૃત્તિઓમાં અડચણ ઊભી થાય છે.

ઘરનાં બધાં ખુશને સમજાવતાં કે એને જ આવું શાળાનું ગૃહકાર્ય અપાય છે, એવું નથી, પણ એને ગળે આ વાત ઊતરતી નહીં. કેટલીયવાર એક દિવસનું ગૃહકાર્ય પૂરું ન થાય એટલે એ ઘરલેસન બીજે દિવસે ચડી જવાનું. એને લીધે હેરાનપરેશાન ! ઘણીવખત ઘરલેસનમાં દાદાજી મદદ કરતા અને ખુશને બચાવી લેતા. ક્યારેક એ કાર્ય પૂરું ન થાય તો શાળામાં શિક્ષકનો ઠપકો પણ સહન કરવો પડતો. પણ જ્યારે ઘરનાં બધાં એકી સાથે આ પ્રમાદ માટે ખુશને આવી બેકાળજી માટે ઠપકો આપતાં ત્યારે સમસ્યા વધારે ગંભીર બની જતી. એનાં ભાઈબહેન એની ખૂબ ટીકા કરીને કહેતાં કે તે સ્વામી વિવેકાનંદનો ભક્ત બનવા યોગ્ય નથી, કારણ કે તે પોતાનું ઘરલેસન નિયમિત રીતે કરી શકતો નથી. ખુશથી આવી કઠોર અને કડવી આલોચના સહન ન થતી. આવે વખતે તે પોતાનાં માતા અને દાદીમાનાં શરણે જતો. ત્યાં પણ ક્યારેક ઠપકો અને ટીકા સાંભળવા મળતાં. તેઓ કહેતાં કે તું તારી જાતને સુધાર. ખુશ એક લાગણીશીલ છોકરો હતો. એટલે તે પોતે પણ પોતાની આવી નબળાઈઓ પર વિજય મેળવવા ઇચ્છતો. તે પોતાને પોતાની મેળે સહાયરૂપ થઈ ન શકતો ત્યારે તે પોતાના હૃદયના ઊંડાણપૂર્વક સ્વામી વિવેકાનંદ પાસેથી આશીર્વાદની યાચના કરતો. એક દિવસ વર્ગશિક્ષકે ખુશનાં માતપિતાને નામે એક પત્ર મોકલ્યો. એમાં એની ગૃહકાર્યની અનિયમિતતાઓ વિશે લખ્યું હતું. સાથે ને સાથે તેઓ એને મદદ કરે એવી ભલામણ પણ કરી. એ દિવસે ખુશે રાતનું વાળુ ન કર્યું અને આંખમાં આંસુ સાથે પથારીમાં પડ્યો.

જેવો તે સ્વપ્નની દુનિયામાં સરી પડ્યો કે સીધે સીધો સ્વામી વિવેકાનંદના સ્વપ્નલોકમાં પહોંચી ગયો. ખુશે જોયું તો એક વિમાન તેના મકાનની અગાશી પર ઉતરી રહ્યું છે અને તે હર્ષ અને આનંદ સાથે ત્યાં પહોંચી ગયો. પાયલટની સીટ પરથી સ્વામી વિવેકનંદ એને બોલાવી રહ્યા છે એ જોઈને એના આશ્ચર્યનો પાર ન રહ્યો. સ્વામી વિવેકાનંદે વિમાનની બારીમાંથી એક દોરડાની સીડી નીચે નાખી અને ખુશ સાવધાની સાથે વિમાનમાં પ્રવેશી ગયો. ખુશ તો પહેલીવાર કોઈ વિમાનમાં બેઠો હતો એટલે એનું હૃદય આનંદથી છલકાઈ ગયું. તેણે વિમાનના આકાર અને પ્રકારને ઝીણી નજરે જોયાં. ખુશે જોયું કે આ વિમાન તો એની પોતાની કલ્પનાના વિમાનથી સાવ અલગ પ્રકારનું જ છે. વિમાનની માહિતી એને શાળાનાં પુસ્તકોમાંથી મળતી રહેતી. સ્વામી વિવેકાનંદે એને સમજાવ્યું કે યાત્રીઓને લઈ જતું વિમાન દર કલાકે સાત સો નોટિકલ માઈલ અંતર કાપે છે – ઊડે છે. આ વિશેષ વિમાન તો એવાં સામાન્ય વિમાનો કરતાં દસ ગણી ઝડપથી ઊડી શકે છે, એમાં એવું એક વિશેષ એન્જિન લગાડ્યું છે. આ વિમાન બે કલાકમાં મુંબઈથી શિકાગો જઈ શકે છે અને ૪૫ મિનિટમાં મુંબઈથી પેરિસ શહેર સુધી પહોંચી શકે છે. સ્વામી વિવેકાનંદ ખુશની ઈંતેજારી જોઈને હસ્યા અને તેને સાથી વિમાન ચાલકની સીટ પર બેસાડ્યો. આ બેઠક સ્વામીજીની નજીકમાં જ હતી. સ્વામી વિવેકાનંદે ખુશને સુરક્ષા બેલ્ટ બાંધી લેવા કહ્યું. ખુશ પોતાના પિતાની સાથે મુસાફરી કરતી વખતે ગાડીમાં બેલ્ટ બાંધી લેતો એટલે અહીં એવો બેલ્ટ બાંધવામાં એને કંઈ મુશ્કેલી ન પડી.

ખુશની સાથે વાતચીત શરૂ કરતાં પહેલાં સ્વામી વિવેકાનંદ તેને એટલાન્ટિક મહાસાગરની પેલે પાર ઉત્તર અમેરિકાના મહાદ્વીપમાં લઈ જવા ઇચ્છતા હતા. ખુશને આનંદ મળે એટલે તેઓ આવું કરતા હતા. ખુશનું ધ્યાન તો વિમાનની બારીએથી નીચેની તરફનાં દૃશ્યો જોવામાં લાગી ગયું; એટલામાં બે કલાક વીતિ ગયા અને હવે વિમાન અમેરિકા ઉપરથી પસાર થઈને ઉડતું હતું, એનો ખ્યાલ પણ ન આવ્યો. ખુશનું ધ્યાન પોતાના તરફ દોરવા સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘જો બેટા, હવે આપણે અમેરિકા ઉપર ઊડીએ છીએ. અહીં ૫૦ રાજ્ય અને એક સંઘીય જિલ્લો આવેલ છે.’

સ્વામી વિવેકાનંદે પોતાની વાત આગળ ચલાવતાં કહ્યું, ‘હું જૂન, ૧૮૯૩થી માંડીને ડિસેમ્બર, ૧૮૯૬ સુધી, સાડા ત્રણ વર્ષ અમેરિકામાં રહ્યો છું. અહીંના શિકાગો, ડેટ્રોઈટ, સેન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન જેવાં અનેક સ્થળે હું વ્યાખ્યાનો આપતાં આપતાં આ વિસ્તારમાં ફરી વળ્યો છું. અમેરિકા જવા પાછળનો મારો હેતુ પશ્ચિમના દેશોમાં આધ્યાત્મિક ચેતનાને જગાડવી અને એના બદલામાં ભારતના ગરીબ લોકો માટે એ દેશોની ભૌતિક સમૃદ્ધિ અને પ્રદ્યૌગિકીની યોગ્યતા લાવવાનો હતો. મેં ૧૮૯૩ની ૧૧ સપ્ટેમ્બરે શિકાગોની વિશ્વધર્મપરિષદમાં મારું પ્રથમ વ્યાખ્યાન આપ્યું હતું. (ક્રમશ 🙂

Total Views: 221

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.