૧૯૮૫ની ૨૫મી માર્ચે બેલુર મઠમાં આયોજિત સ્વામી વીરેશ્વરાનંદ મહારાજની સ્મૃતિસભામાં તે સમયના સહાધ્યક્ષ સ્વામી ગંભીરાનંદજીની અનુપસ્થિતિમાં તેમનું લખેલ પ્રવચન સ્વામી ગહનાનંદજીએ વાંચ્યું હતું, તે ટેપરેકોર્ડરમાંથી અદિતિ લાહિડીએ લખેલ છે. અનુવાદક છે અંજુબહેન ત્રિવેદી – સં.

એક આધુનિક ગીતની પંક્તિમાં છે :
‘તમારી સમાધિ ફૂલોથી ઢંકાયેલ,

કોણ કહે છે આજ તમે નથી.
તમે છો તેમ મન કહે છે.’

પૂજ્ય૫ાદ સ્વામી વીરેશ્વરાનંદજીનો મૃતદેહ પવિત્ર ચિતાગ્નિમાં ભસ્મીભૂત થયો છે. તે સ્થળ અત્યારે ફૂલોથી સજાયેલ છે અને સાક્ષી આપે છે કે તેમનો દેહ હવે નથી. તે છતાં પણ તેમના દેહની આકૃતિ અત્યારે પણ આપણી સ્મૃતિમાં સજીવ છે. અત્યારે પણ તેઓ ભક્તોના ધ્યાનની વસ્તુ છે. તેમનો દેહ, તેમનું જીવન, તેમનું ચરિત્ર, તેમનું ભાવરાજ્ય – તે બધું જ આપણા માટે પવિત્ર અને પ્રેરણાદાયક છે. ઈશ્વરને સામે ન મેળવી શકતા આપણે તેમની પ્રતિમાની પૂજા કરતા રહીએ અને મનથી સમજીએ કે પ્રતિમા સાચે જ ઈશ્વર છે. તે પ્રતિમાની આકૃતિ, અંગ – આભૂષણ, નિર્માલ્ય, ચરણામૃત – બધું જ આપણા માટે પવિત્ર, બધી જ ધ્યાનની વસ્તુ.

પરંતુ આ જ સંપૂર્ણ નથી. પૂજ્યપાદ સ્વામી વીરેશ્વરાનંદજીની અંદરથી ગુરુશક્તિ પ્રકાશિત થઈ હતી, તથા તે શક્તિના બળથી જ તેઓએ નિરંતર ભારતના જુદાં જુદાં સ્થળે ભ્રમણ કરીને હજારો સ્ત્રી-પુરુષોને ધર્મમાર્ગે દોર્યાં છે. આ ગુરુશક્તિ આપણા માટે વિશેષ આદરણીય છે. ઠાકુર કહેતા, ‘ગુરુને મનુષ્યબુદ્ધિથી ન જોવા.’ પ્રભુ મહારાજનો દેહ જ બધુ નહોતો. તેમની અંદર જે ગુરુશક્તિ પ્રકાશિત થઈ હતી તે તરફ જ આપણી દૃષ્ટિ રાખવી આવશ્યક છે, માત્ર મનુષ્ય તરીકે નહીં. આ ગુરુશક્તિની દૃષ્ટિમાં જ શક્તિ અને શક્તિમાન અભિન્ન છે. એ માટે જ શાસ્ત્ર કહે છે :

‘ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર : —।
ગુરુરેવ પરં બ્રહ્મ તસ્મૈ શ્રીગુરવે નમ : ।’

આ દૃષ્ટિને લીધે જ તેઓ કોઈને પોતાની જન્મતિથિ જણાવતા નહીં. કહેતા કે ઠાકુર, મા, સ્વામીજીની જન્મતિથિ મનાવવી અને તેમના પર જ દૃષ્ટિ રાખવી. ગુરુપૂર્ણિમા પણ તેઓ મનાવતા, પરંતુ તેમને ભય હતો કે પછીથી ભક્તો જુદા જુદા ગુરુને અવલંબન કરીને જુદા જુદા વિભાગમાં વહેંચાઈ જશે.

તેઓ જેમ ગુરુ હતા તેમજ સંઘાધ્યક્ષ પણ હતા. એ કામ કેટલું જવાબદારીવાળુ છે તે જે લોકોએ તે જવાબદારી સંભાળી છે તે જ જાણે. સંઘને – ભક્ત, સંન્યાસી બધાને એકસૂત્રે બાંધીને એક ભાવે પરિચાલન કરવું એ સહેલી વાત નથી. તેથી તેઓએ ભક્તોમાં ભાવપ્રચાર પ્રત્યે વિશેષ દૃષ્ટિ આપી હતી. રામકૃષ્ણ મઠ અને મિશનની બહાર ઠાકુરના નામથી અનેક આશ્રમ સ્થપાયા છે. તેઓની વચ્ચે ભાવધારાનો વિનિયમ થાય, એક-બંધુત્વનો ભાવ રહે તે માટે તેઓ પ્રયત્નશીલ હતા. મઠમાં નવા આવનાર બ્રહ્મચારીઓ જેનાથી સુશિક્ષિત બને તે માટે તેઓએ પૈસા આપીને વ્યવસ્થા કરી છે, અને બ્રહ્મચારીઓને તેઓ દરરોજ મળતા. તેમની એક ખાસ ઇચ્છા હતી કે રામકૃષ્ણ-વિવેકાનંદનું સાહિત્ય ઓછી કિંમતે અથવા વિનામૂલ્યે લોકો પાસે પહોંચાડી શકાય.

નીચલી જાતિની ઉન્નતિ પ્રત્યે તેમની દૃષ્ટિ હતી. અરૂણાચલ પ્રદેશમાં પ્રથમ કેન્દ્ર આલોંગ શહેરમાં આવાસિ વિદ્યાલય તેમના જ ઉત્સાહથી શરૂ થયું. હાલમાં પલ્લીમંગલના કાર્ય પ્રત્યે તેમની દૃષ્ટિ આકૃષ્ટ થઈ હતી, તથા તેનું કાર્ય ખૂબ જ આગળ વધાર્યું છે. સ્વામીજીના આદર્શ મુજબ ગંગાના સામે કિનારે સ્ત્રીમઠની સ્થાપના માટેના તેઓ મુખ્ય પ્રોત્સાહક હતા. તેઓએ ઘણાં પુસ્તકોની રચના કરી હતી. શરૂઆતમાં તેઓ વક્તા ન હતા, પરંતુ સંઘાધ્યક્ષ બન્યા પછી તેઓએ ઘણી જગ્યાએ ઘણાં પ્રવચનો આપ્યાં હતાં અને તે પ્રવચનો સુંદર અને વિચારણીય (ચિંતનશીલ) હતાં. આ બધા ગુણોમાં સર્વોત્તમ તેમની ઠાકુર, મા, સ્વામીજી અને મહારાજ પ્રત્યે અગાધ શ્રદ્ધા-ભક્તિ અને આકર્ષણ હતાં. વૃદ્ધ ઉંમરે જીર્ણ, ક્ષીણ, રોગગ્રસ્ત શરીર હોવા છતાં તેઓ દરરોજ બેલુર મઠના દરેક મંદિરમાં પ્રણામ કરવા જતા તથા અંતિમ વિદાય પણ તેઓએ ચારેયને પ્રણામ કરીને લીધી હતી. ઠાકુરની સેવામાં કોઈપણ પ્રકારની ત્રુટી તેઓ સહન નહોતા કરી શકતા. એકવાર એક શાખા કેન્દ્રના અધ્યક્ષ માટે તેમને જ્યારે કહેવામાં આવ્યું કે તેઓ સારા કાર્યસંચાલક છે ત્યારે તેઓએ મંતવ્ય આપ્યું કે તેઓ સંચાલક હોઈ શકે પરંતુ સેવક નહીં.

આ બધા શરૂ કરેલા અસંપૂર્ણ અને પ્રારંભ ન થયેલા કાર્યોનો ભાર તેઓ આપણને સોંપી ગયા છે. તેમણે દર્શાવેલ પ્રણાલી મુજબ સંઘના પ્રત્યેક અંગ – ભક્ત, સાધુ, બ્રહ્મચારી બધાએ સાથે મળીને ઉપાસના કરવી જોઈએ.

(ક્રમશ 🙂

Total Views: 234

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.