ગુજરાતના સાહિત્યકાર, કેળવણીકાર અને સુખ્યાત વક્તા જ્યોતિબહેન થાનકીનો આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.

‘સ્વામીજી, પેલી અમેરિકન મહિલાથી સાવધાન રહેજો, તમારી વાણી, તમારું આકર્ષક વ્યક્તિત્વ અને મહાસભામાં તમારાં પ્રવચનોમાંથી વ્યક્ત થતી વિદ્વત્તાથી અનેક અમેરિકન સ્ત્રીઓ તમને આકર્ષવાના પ્રયત્નો કરી રહી છે, તેથી મને ચિંતા થાય છે, ક્યાંક તમે એમના પ્રભાવમાં આવી ન જાઓ, માટે સાવધાન રહજો.’ શ્રીમતી લાયનની ચિંતા જોઈને સ્વામીજીના ચહેરા ઉપર પ્રસન્નતાનો ભાવ આવી ગયો, કેમ કે શ્રીમતી લાયનને તેઓ પોતાનાં માતા સમાન ગણતા હતા. તેમણે કહ્યું : ‘ઓ મારાં વહાલાં માતાજી, આપ મારા માટે બિલકુલ નિશ્ચિંત રહેજો. એ ખરું છે કે એક જમાનમાં, ગામની બહાર વડલાના ઝાડ નીચે સૂઈને તથા કોઈ ગ્રામવાસીએ આપેલા મૂઠી ભાત ખાઈને મેં દિવસો વીતાવ્યા છે. તો વળી કોઈક મહારાજાની મહેમાનગતિ સ્વીકારીને મહેલમાં પણ રહ્યો છું, તે વખતે દાસીઓ મોરપીંછના વીંજણાથી રાતભર પંખો નાંખતી હોય, એવા દિવસો પણ મેં વિતાવ્યા છે. પાર વગરનાં પ્રલોભનો મેં દીઠાં છે, પણ એમાનું કશું જ મને સ્પર્શ્યું નથી. મારા માટે તમે ચિંતા કરશો નહીં.’ શ્રીમતી લાયન પોતાના પુત્ર સમા તેજસ્વી સાધુની વાણી સાંભળી ગૌરવ અનુભવવા લાગ્યાં.

અમેરિકામાં શિકાગો ધર્મસભામાં આવેલા પ્રતિનિધિઓને શિકાગોના પ્રતિષ્ઠિત લોકોએ પોતાને ત્યાં અતિથિરૂપે રાખવા સંમતિ આપી હતી. તેમાં જે.બી.લાયન અને તેમનાં ઉદાર પત્ની એમિલિ મુખ્ય હતાં. તેમને ત્યાં ધર્મસભામાં આવેલા પ્રતિનિધિઓમાંના એકને રાત્રે લાવવામાં આવશે, તેવા સમાચાર મળતાં, ઘરના સભ્યો એ પ્રતિનિધિને જોવા ઉત્સુક બની ગયા. એ વખતે લાયનના ઘરમાં વિશ્વમેળો જોવા માટે અને ધર્મસભામાં હાજરી આપવા માટે એમનાં ઘણાં જ સગાંસંબંધીઓ પણ આવેલાં હતાં. ઘરમાં એટલા બધા મહેમાનો હતા કે નવા મહેમાનને ક્યાં રાખવા, એ પણ મૂંઝવણ હતી. એટલે શ્રીમતી લાયને એમના વચેટ દીકરાને કહ્યું કે ‘તું થોડા દિવસ તારા મિત્રને ઘરે જતો રહે.’

ધર્મસભાના પ્રતિનિધિની રાહ જોતાં સહુ ઊંઘી ગયાં. એક માત્ર શ્રીમતી લાયન જાગતાં હતાં. મધ્યરાત્રિએ ઘંટી વાગતાં બારણું ખોલ્યું ત્યારે લાંબો ભગવો ઝભ્ભો પહેરેલા એક યુવાન સાધુને જોઈને શ્રીમતી લાયન પણ સ્તબ્ધ થઈ ગયાં. આ પહેલાં એમણે કોઈ ભારતીય સાધુને જોયા ન હતા. તેમ છતાં આદર-સત્કાર કરીને એમણે એમનો રહેવાનો ઓરડો બતાવી દીધો, પણ પછી તેમને ભારે ચિંતા થઈ. એમના મહેમાનો બધા ગોરા લોકો જ હતા. તેઓ બીજા લોકો સાથે રહેવાનું પસંદ કરે તેમ ન હતા. આથી એમણે પોતાની ચિંતા પતિને જણાવતાં કહ્યું કે આ લોકો ભારતીય સ્વામી સાથે નહીં રહે, તેથી આપણે બીજી વ્યવસ્થા વિચારવી પડશે. એવું કરી શકાય કે સ્વામીજીને નજીકની ઓડિટોરિયમ હોટલમાં રહેવાનું ગોઠવીએ. ‘સવારે વિચારીશું’ એમ કહીને શ્રીમાન લાયન સૂઈ ગયા.

બીજા દિવસે સવારે શ્રી લાયન વહેલા તૈયાર થઈ વાચનખંડમાં છાપું વાંચવા ગયા. તો તેમના આશ્ચર્ય વચ્ચે સ્વામીજી પણ આટલા વહેલા તૈયાર થઈને વાચનખંડમાં કંઈ વાંચી રહ્યા હતા. ચા-નાસ્તા પહેલાં જ બન્ને વચ્ચે ઘણી વાતો થઈ ગઈ. ચા-નાસ્તા વખતે બધાં ભેગાં થયાં, ત્યારે એમણે શ્રીમતી લાયનને કહ્યુંં ‘એમિલિ, આપણા બધાય મહેમાનોને જતા રહેવું હોય તો ભલે જતા રહે. તેની જરા જેટલી પણ ચિંતા કરીશ નહીં. અત્યાર સુધીમાં આપણા ઘરે જેટલા માણસો આવેલા છે, તે બધામાં આ ભારતીય સાધુ સહુથી વધારે બુદ્ધિમાન અને ઉમદા છે. તેમને આપણા ઘરે જેટલા દિવસ રહેવું હોય તેટલા દિવસ ભલે રહે.’ આમ થોડી વાતચીતમાં જ શ્રી લાયન સ્વામીજીની મહાન પ્રતિભાને ઓળખી ગયા અને ત્યારથી જ સ્વામીજીની સાથે એમનો આત્મીય સંબંધ સ્થાપિત થઈ ગયો હતો. શિકાગોમાં ધર્મસભામાં તથા બીજાં સ્થળોએ સ્વામીજીનાં જે કંઈ ભાષણો યોજાયાં તે બધાંમાં લાયન દંપતિ હાજર રહ્યાં હતાં.

સ્વામીજી એમિલિને માતા સમાન ગણતા. તેમનો તેમની સાથેનો વ્યવહાર પણ એવો જ રહેતો. એમિલિનાં વિધવા પુત્રી અને તેની છ વરસની નાની પુત્રી પણ એમની સાથે જ રહેતાં હતાં. નાની કર્નેલિયા તો સ્વામીજી સાથે ખૂબ જ હળી ગઈ હતી. તે વખતે તેની ઉંમર છ વર્ષની હતી. પાછળથી તેણે પોતાનાં આ સંસ્મરણો લખ્યાં તેમાં જણાવ્યું છે કે, ‘મારી શૈશવની સ્મૃતિમાં જડાઈ રહ્યાં છે, એમનાં તેજસ્વી નેત્રો, મધુર અવાજ અને સાવ પોતાના માણસ જેવું મુક્ત હાસ્ય. તેઓ મને ભારતની વાતો – વાંદરા, મોર, પાર વિનાના પોપટ, કેળનાં ઝાડ, ઢગલે ઢગલા ફૂલ, લીલાંછમ શાકભાજી અને ફળોથી ભરેલાં બજારો વગેરેની વાતો કરતા. જેવા તેઓ ઘરે આવે કે હું કૂદકો મારીને એમના ખોળામાં ચઢી બેસતી અને હઠ કરતી કે ‘સ્વામીજી એક વાર્તા કહોને.’ મને એમની પાઘડી એક અજાયબ વસ્તુ જેવી લાગતી. કેવી કસી કસીને બાંધતા! તેઓ કેવી રીતે બાંધે છે, એ બતાવવાનું હું એમને કહેતી. અમારા અમેરિકાના ભોજનમાં બહુ મસાલા તો હોય નહીં. આથી મારાં નાનીમાને ચિંતા રહેતી કે સ્વામીજીને અમારું ભોજન નહીં ભાવે તો ! પણ સ્વામીજીએ નાનીમાને કહ્યું હતું કે તેઓ જ્યાં જાય ત્યાં ખાવા-પીવા સાથે મેળ બેસાડી દે છે. તેમને જે કંઈ આપતા તે આનંદપૂર્વક ખાતા. નાનીમા સલાડ બનાવતી વખતે તીખા સોસનો ઉપયોગ કરતાં. સ્વામીજીને એ સલાડની શીશી બતાવીને કહ્યું કે ‘મન થાય તો તેનાં બે ચાર ટીપાં સલાડમાં નાંખવાં.’

Total Views: 268

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.