સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી સારદાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

સ્વામીજી કોઈની અવગણના ન કરતા. અમને જેમની સાથે વાત કરવાનું ગમતું નહીં એમની સાથે સ્વામીજી બબ્બે કલાક સુધી વાતચીત કરતા.

ધર્મ વિશે જે કંઈ સાંભળું છું, વાંચું છું એ બધું તો સ્વામીજી જ કહી ગયા છે. એમાં કંઈ નવું તો સાંભળવા મળતું નથી. શ્રીઠાકુરે કહ્યું છે, ‘નરેન ધ્યાનસિદ્ધ છે.’ નાનપણમાં ધ્યાન કરતી વખતે જે કંઈ નિષ્પન્ન થતું હતુંં, એમાં તેઓ શું શું ન જોતા ! ધ્યાન માટે જ તેઓ નાની ઉંમરે લાંબા સમય સુધી ઘરનું બારણું બંધ કરીને બેસી રહેતા.

કાયદાનો અભ્યાસ કરવા સ્વામીજી લો કોલેજમાં દાખલ થયા. એક દિવસ મનમાં આવ્યું કે આ બધું વ્યર્થ છે, શ્રીઠાકુર હવે ઝાઝા દિવસ રહેશે નહીં. અશાંત મને, ખુલ્લે પગે, કાશીપુરના ઉદ્યાનગૃહમાં આવી પહોંચ્યા. એ વખતે સ્વામીજીના ઘરની દશા ઘણી ખરાબ. માસ્ટર મહાશય પાસેથી કેટલીક રકમ ઉધાર લઈને માને આપી હતી અને પછી કહ્યું, ‘હવે મને વધારે હેરાન ન કરતાં.’ કાશીપુરમાં શ્રીઠાકુરનો જન્મોત્સવ આવતો હતો. ન.બાબુ (નગેનબાબુ) એ એમને ખુલ્લે પગે આવતાં જોઈને ‘શું થયું છે ?’ એવું જિજ્ઞાસા સાથે પૂછ્યું. ત્યારે સ્વામીજીએ કહ્યું, ‘મારો અહમ્ મરી ગયો છે.’ સ્વામીજીએ ગુપ્ત રીતે ગિરીશબાબુને પોતાના મનની આ અવસ્થાની વાત કરી હતી. ઉદ્યાનગૃહમાં શ્રીઠાકુર પાસે પહોંચતાં જ એમની માગણી વધારે પ્રબળ બની. શ્રીઠાકુરે હસીને પૂછ્યું, ‘નરેન, તારે શું જોઈએ છે ?’ સ્વામીજીએ કહ્યું, ‘સમાધિસ્થ થવાની ઇચ્છા છે. સમાધિસ્થ બનીને વળી પાછા વચ્ચે વચ્ચે સમાધિભાવમાંથી નીચે ઊતરીને ખાઈપીને વળી પાછો સમાધિસ્થ થઈશ.’ આ સાંભળીને શ્રીઠાકુરે કહ્યું, ‘તારી આ વાત સાંભળીને મને દુ :ખ થાય છે ! તું કેટલો મોટો આધાર છો ! તારી આવી બુદ્ધિ કેવી રીતે થઈ ? સમાધિ અવસ્થાનો અભ્યાસ કરીને ભગવદ્ દર્શન કરવા શા માટે મથી રહ્યો છે ?’ સ્વામીજીએ કહ્યું, ‘તો પછી મહાશય, જે સારું હોય તે આપ જ કરી દો !’ એ સાંભળીને શ્રીઠાકુરે કહ્યું, ‘ઘરની સમસ્યા ઉકેલીને પાછો આવ, પછી બધું થઈ રહેશે.’

સ્વામીજીએ શ્રીઠાકુરના નિર્દેશ પ્રમાણે સાધનાનો અભ્યાસ ચાલુ કર્યો. એક પછી એક અવસ્થાલાભ થતો ગયો. છેલ્લે, એક દિવસે સંધ્યા સમયપૂર્વે નિર્વિકલ્પ સમાધિ પણ પ્રાપ્ત થઈ. ઘણા સમય પછી સ્વામીજીને દેહભાન આવ્યું. ત્યારે પોતાના મસ્તક સિવાય શરીરના કોઈ બીજા અવયવનું ભાન ન હતું. એ જ અવસ્થામાં તેઓ કહેવા લાગ્યા, ‘અરે ગોપાલદા ! મારું શરીર ક્યાં ગયું ?’ શરીરને દબાવીને ગોપાલદાએ કહ્યું, ‘તારું શરીર અહીં આ રહ્યું.’ પરંતુ બાહ્યભાન ન આવ્યું. શ્રીઠાકુરને કાને આ વાત પહોંચી ત્યારે એમણે હસીને કહ્યું, ‘રહેવા દો સાલાને એમાં ! મને રોજ ઊઠીને પરેશાન કરી મૂકતો ! હવે એને સમજ પડશે !’ ઘણા સમય પછી દેહભાન ફરીથી આવ્યું.

શ્રીઠાકુરની સાથેની દક્ષિણેશ્વરની બીજીવારની મુલાકાતના દિવસે સ્વામીજીને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ હતી. સમાધિના આસનમાં રહીને સ્વામીજીએ શ્રીઠાકુરને કહ્યું, ‘તમે આ શું કર્યું ? મારે પણ ઘરે માતા અને ભાઈઓ છે.’ એ સમયની સમાધિ પછી સ્વામીજી શ્રીઠાકુર પાસે આવતા ત્યારે સ્વામીજીને એ વાત યાદ કરાવીને શાંત પાડી દેતા. શ્રીઠાકુરે કહ્યું, ‘બધું તો જોઈ લીધું ને ? હવે પેટી બંધ કરું છું. એની ચાવી મારી પાસે રહેશે. સમય થશે એટલે એ ચાવી મળશે.’

સ્વામીજીનું આખું જીવન આ સમાધિલાભ માટે આતુરતા સાથે વીત્યું હતું. એકવાર હૃષીકેશમાં ખૂબ તાવ આવ્યો, હાથપગ ઠંડા થઈ ગયા. નાડી મળતી ન હતી. અમને લાગ્યું કે હવે ખેલ ખલાસ છે. ગમે તેમ થયું પણ અંતે ભાનમાં આવ્યા. પછી અમને કહ્યું હતું, ‘નિર્વિકલ્પ સમાધિ થઈ હતી. ત્યારે મને સમજાયું કે કામ તો કરવું પડશે અને મૃત્યુ પહેલાં ફરીથી આવો સમાધિલાભ નહીં થાય.’ ત્યારથી કયું કામ કરવું પડશે, કેવી રીતે પૂર્ણ કરવું પડશે, એ બધાંની ચિંતા થવા લાગી. ધ્યાનાવસ્થામાં શ્રીઠાકુરને જોઈને સ્વામીજીને તૃપ્તિ થતી ન હતી. આ જ નજરે શ્રીઠાકુરને જોવા સ્વામીજી આતુર બન્યા હતા. હંમેશાં એમને એ યાદ રહેતું કે શ્રીઠાકુરે એમનો હાથ પકડ્યો છે. અસુખ કે અશાંતિના સમયે આ જ હાથ તેઓ સર્વાંગે ફેરવી દેતા. સ્વામીજી સામાન્ય રીતે શરીર અસ્વસ્થ હોય ત્યારે કોઈને પોતાના શરીરને હાથ પણ લગાડવા ન દેતા. અવશ્ય, આ વાતની સેવકને જાણ કરી ન હતી. પોતાના દેહત્યાગના કેટલાક સમય પહેલાં આમ બોલ્યા હતા, ‘શ્રીઠાકુરે મારો હાથ છોડી દીધો છે. પહેલાંની જેમ કોઈએ મારો હાથ પકડ્યો નથી.’ શ્રીઠાકુરે કાશીપુર ઉદ્યાનગૃહમાં સ્વામીજી પાસે અનેક પ્રકારની સાધનાઓ કરાવ્યા પછી નિર્વિકલ્પ સમાધિ કરાવી આપી. He was the rock upon which the whole structure was to be built – સ્વામીજીને આધારશિલા બનાવીને જ રામકૃષ્ણ સંઘ રચાયો.

એક વાર સ્વામીજીએ કહ્યું, ‘અરે, મઠમાં બેસીને ખાલી અન્નનો બગાડ કરો છો ! જાઓ, પેલી બાજુ દક્ષિણેશ્વર જઈને ભિક્ષા માગીને ખાઓ અને ધ્યાનધારણા કરો.’ એટલે ગયો હતો. અને બેત્રણ દિવસમાં જ બેલુર મઠમાં કોઈ બીમાર પડ્યું. સેવા કરનાર માણસની જરૂર હતી. મને કહેણ મોકલ્યું : ‘જલદી પાછો આવ.’ એટલે હું મઠમાં પાછો આવ્યો.

Total Views: 307

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.