સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવ સાથે સંકળાયેલ એક સંન્યાસી દ્વારા મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે હાથ ધારાયેલ વિવિધ પ્રકલ્પો વિશે આ ચિંતનાત્મક નિબંધ લખાયો છે. – સં.

વિવેકાનંદ-પરિચય

આપણે ભારતીઓએ આપણો ઇતિહાસ, આપણી સંસ્કૃતિ, આપણી જ્વલંત ખ્યાતિ વિષે વિચારવાનું છોડી દીધું છે. વેદકાળથી અત્યાર સુધી આપણી ભારતમાતાએ અનેક વિરલ વ્યક્તિઓને જન્મ આપ્યો છે જેમણે પોતાના જીવન અને કાર્ય દ્વારા આપણો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ખજાનો વિશ્વ સમક્ષ પ્રગટ કર્યો છે. પરંતુ કમભાગ્યે જેમ કોઈ વૃક્ષ તેના મૂળ સાથે સંબંધો તોડી નાખે તેમ આપણું રાષ્ટ્રીય જીવન પણ જાણે કે પોતાની ઓળખ ગુમાવી રહ્યું છે. જો કે આપણે ‘ખરેખર’ તો આપણી સંસ્કૃતિને ભૂલ્યા નથી.આપણી મહાન વિભૂતિઓની જન્મજયંતી પર સન્માનપૂર્વક ઉત્સવ મનાવીએ છીએ, મંચ પર તેમના ફોટાઓ મૂકીને ફૂલ-હાર અને અગરબત્તી અર્પણ કરીએ છીએ, તેમણે આપેલ યોગદાન વિષે ભાષણ તૈયાર કરીએ છીએ, પુસ્તકોની વહેંચણી કરીએ છીએ અને ત્યાર બાદ ? ત્યાર બાદ આપણે તેમની આગામી જન્મજયંતી સુધી તેમને ભૂલી જઈએ છીએ.

૧૮૬૩ થી ૧૯૦૨ સુધી, ચાલીસ વર્ષથી પણ અલ્પ જીવનકાળ દરમ્યાન સ્વામીજી માનવ – સંસ્કૃતિના દરેક ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપીને ચિરસ્મરણીય બની ગયા છે. પરંતુ જ્યાંસુધી આ મહાન વ્યક્તિએ આપેલ યોગદાન આપણા જીવનમાં ફળદાયી નહિ બને ત્યાં સુધી આપણી સંસ્કૃતિ પર એક કલંક રહેશે.

હાલ આપણે ભારતના એક મહાન સપૂત સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ઊજવી રહ્યા છીએ. સ્વામીજીએ સ્થાપેલા રામકૃષ્ણ મિશન દ્વારા આ જન્મજયંતી મહોત્સવ અત્યંત ઉત્સાહ અને ઉમંગથી ત્રણ વર્ષ માટે ઉજવવામાં આવી રહ્યો છે, જે ૨૦૧૦ થી શરૂ થયો હતો અને ૨૦૧૪ સુધી ચાલશે. ત્રણ વર્ષની ઉજવણીનું મુખ્ય ધ્યેય, એને એક ઐતિહાસિક પ્રસંગ માત્ર બનાવી દેવાને બદલે સ્વામીજીના ઉપદેશ અને આદર્શોને બહોળા લોકસમુદાય સુધી લઈ જઈ, ઘરેઘરે જઈ, દરેકને ભાગીદાર બનાવી એમને મધુર રસનું પાન કરાવવાનું છે, જેથી તેમનાં રોજીંદા જીવનમાં આશા, શક્તિ અને સફળતાનો સંચાર થાય.

જો આપણે તાત્કાલિક સફળતાની દૃષ્ટિએ વિચાર કરીએ તો આ કાર્ય એટલું સહેલું નથી. ઘણીવાર વિચારો અસ્પષ્ટ સ્વરૂપે યોગ્ય પાત્રના માનસપટમાં બીજરૂપે વાવેતર પામીને લાંબા સમય ગાળા બાદ કાર્યરૂપે અંકુરમાં પરિવર્તીત થાય છે. ક્યારેક ઉત્સાહના અતિરેકમાં તે અત્યંત કાર્યશીલ થવા પ્રયત્ન કરે છે પણ ધીરે ધીરે દુન્યવી રોજબરોજના ઘર્ષણમાં લુપ્ત થઇ જાય છે અને પરિણામ સ્વરૂપે ક્યારેક તે અવ્યક્ત બને છે, ક્યારેક અદૃશ્ય થાય છે અને ક્યારેક તેની અસર નક્કર સ્વરૂપ ધારણ કરે છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પણ સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીને અનુલક્ષીને જનતાની, કેન્દ્ર સરકારની તથા ભક્તગણની આર્થિક સહાય વડે વિવિધ સાંસ્કૃતિક, શૈક્ષણિક તેમજ સેવાલક્ષી પ્રકલ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આપણે જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદ તેમની મહાસમાધિનાં સોથી અધિક વરસો બાદ પણ લોકોમાં જાણીતા છે. જો કે મોટેભાગે તેમના વિશેનું જ્ઞાન ઉપરછલ્લું હોય છે, જેમ કે – સ્વામીજીનો જ્ન્મ કોલકાતામાં ૧૨મી જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ થયો હતો, તેઓ શ્રીરામકૃષ્ણના શિષ્ય હતા, તેમણે પરિવ્રાજકરૂપે આખા ભારતનું ભ્રમણ કર્યું હતું, શિકાગોની વિશ્વધર્મપરિષદમાં તેમણે હિન્દુ ધર્મના તત્ત્વજ્ઞાન પર વૈશ્વિક મંચ પરથી ઘોષણા કરી હતી, તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી અને તેમનો દેહાંત ૪ જુલાઈ, ૧૯૦૨ના રોજ થયો હતો વગેરે વગેરે. બસ, આપણે સ્વામીજી વિશે આટલું જ જાણીએ છીએ. પરંતુ આ પ્રકારની ઐતિહાસિક ઘટનાઓ એક વ્યક્તિ કે જેના જીવનનું લક્ષ્ય ભારતની આધ્યાત્મિકતાનું પુન : સ્થાપન કરી તેને આપણા જીવનનું એક અભિન્ન અંગ બનાવવાનું હતું તેને સાચા અર્થમાં પરાવર્તિત કરતી નથી.

ઓછા પરિચિત વિવેકાનંદ

આશ્રમ દ્વારા, આશ્રમના પ્રાંગણમાં તથા ગુજરાતમાં અનેક સ્થળોએ સ્વામીજીના જીવન અને ઉપદેશો પર આધારિત કઠપૂતળીના ખેલો, લેસર શો તથા એકપાત્રી નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બધા સાંસ્કૃતિક કાર્યક્રમો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ કલાકારો દ્વારા ભજવવામા આવ્યા હતાં અને હજારો લોકો, ખાસ કરીને યુવાવર્ગે નિહાળ્યા હતા. ‘વિવેકાનંદ રથ’ નામની એક બસમાં એક પ્રદર્શન અને પુસ્તકો ગોઠવી ગુજરાતના નજીક અને દૂરના વિસ્તારોમાં પ્રવાસ ખેડાયો હતો. લગભગ ૩૬,૦૦૦ વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો. સ્વામી વિવેકાનંદના જીવનની અનેક પ્રેરક કથાઓ પોસ્ટરો અને ચિત્રકથાઓના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવી હતી અને પ્રેક્ષકોએ પ્રશંસા કરી હતી. ફળસ્વરૂપે લોકોને સ્વામીજીના જીવન અને સંદેશ વિશે પરંપરાગત પુસ્તકો અને પ્રવચનો કરતાં વધુ માહિતી પ્રાપ્ત થઈ.

આ ઉપરાંત, વાચકોની સ્વામી વિવેકાનંદનાં જીવન અને કાર્ય વિશે વધુ અભ્યાસની જિજ્ઞાસાને ધ્યાનમાં રાખીને ‘કમ્પલીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ’ ના સઘળા વિભાગોનું ગુજરાતી ભાષાંતર નવા ક્રમમાં પુનરાવર્તિત કરી નવી આવૃત્તિ ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ પ્રકાશિત કરી તેની ૨૦૦૦ નકલોનું સસ્તા દરે વિતરણ કરાયું હતું.

સ્વામી વિવેકાનંદ બહુમુખી પ્રતિભા ધરાવતી એક વિરલ વ્યક્તિ હતી. સંગીત – અંતરાત્માનાં ગીત સ્વરૂપે -સ્વામીજીની સંગીત કળામાં, બન્ને કંઠ્ય અને વાદ્ય, ખાસ કરીને શાસ્ત્રીય સંગીતનામાં મુગ્ધસ્વરૂપે વ્યક્ત થાય છે. ભારતભરના નામાંકિત સંગીતકારો દ્વારા સ્વામીજીને સંગીતાંજલિરૂપે એક દિવસની સંગીત સભાનું આયોજન પણ આશ્રમ દ્વારા કરવામાં આવ્યું હતું. લગભગ ૨૦૦૦ પ્રેક્ષકોએ ખૂબ જ શાંતિપૂર્વક આ કાર્યક્રમ નિહાળ્યો હતો અને સ્વામીજીને સંગીતમય શ્રધ્ધાંજલિ આપી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ગુજરાતની સામાન્ય જનતા અને ખાસ કરીને યુવાવર્ગ કે જેઓ સ્વામીજીના વ્યક્તિત્વ વિશે અજાણ હતો એને સ્વામીજીની પ્રતિભાનો વિસ્તૃત પરિચય થયો.

વિવેકાનંદનું પ્રતિબિંબ

જ્યારે સૂર્ય આકાશમાં પ્રકાશે છે ત્યારે નાના-મોટા પાણીના જથ્થા પર આપણે પ્રકાશનું પ્રતિબિંબ જોઈએ છીએ. આપણને પાણીમાંથી જ કિરણો નીસરતાં હોય અને ધરતી પર અનેક નાના સૂર્યોમાં રૂપાતંરિત થતાં હોય તેમ લાગે છે. તેવી જ રીતે આપણા જેવા સામાન્ય લોકો સ્વામી વિવેકાનંદ જેવી મહાન વિભૂતિઓના જીવનના અભ્યાસ અને ચિંતન દ્વારા તેમના આદર્શોને આપણા જીવનમાં આત્મસાત્ કરી વ્યક્ત કરવાનો પ્રયત્ન કરીએ અને આપણું ‘સામાન્યપણુ’ તેમની ‘મહાનતા’માં પરિવર્તિત કરીને આપણે આપણા અને અન્યના જીવનને કીર્તિવંત બનાવીએ.

ગુજરાતની શાળાઓ અને કોલેજોના લગભગ ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓને આવરી લેતા મૂલ્યલક્ષી શિક્ષણ પ્રદાન કરતા પ્રકલ્પનું અભિયાન હાથ ધરાયેલ છે. આ અભિયાનને અત્યંત સુંદર પ્રતિભાવ મળી રહેલ છે. અને અવિરત પ્રયત્ન ધીમી પણ મક્કમ ગતિએ પ્રભાવ પાડી રહ્યો છે. આ અભિયાનમાં ભાગ લઇ રહેલ યુવાવર્ગ ખરેખર સ્વામીજીના આદર્શ શિક્ષણ દ્વારા ‘ચારિત્ર્ય ઘડતર’ માં પરિવર્તિત થઇ રહ્યો છે. આપણી માતૃભૂમિનો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો તેનાં બાળકોનાં જીવનમાં મૂલ્યલક્ષી શિક્ષણ અભિયાનના વિવિધ પાસાઓ દ્વારા પ્રવેશી રહ્યો છે. આ ઉપરાંત યુવાનો માટે સકારાત્મક વિચારધારાની પ્રવૃત્તિઓ, જે સ્વામીજીનો મુખ્ય આદર્શ હતો, તે પણ તેમના માનસપટ આકાર લઇ રહ્યો છે.

વિવેકાનંદનું જીવનલક્ષ્ય

જો કે આ બધા ઉત્સવો અને આનંદની વચ્ચે પણ – સ્વામીજી જે ઈશ્વરની ઉપાસના કરતા હતા – તે ઈશ્વરને અમે ભૂલ્યા નથી. ગરીબ, અજ્ઞાન અને વંચિત લોકોની સેવા એટલે કે જન-સેવા એ જ ખરી પ્રભુ-સેવા છે અને તે દ્વારા જ મુક્તિ મળે છે કે જે માનવ જીવનનું ધ્યેય છે. આશ્રમ દ્વારા કુપોષણથી પીડાતાં બાળકો, ગ્રામ્ય મહિલાઓ અને વંચિત થયેલા ગરીબ લોકો માટે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આપણે જો વિચાર કરીએ તો આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓનો પ્રભાવ અત્યંત ગહન હોય છે. આ સેવાનાં લાભાર્થી બાળકો આજે તંદુરસ્ત, શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને ઉત્સાહી જણાઈ રહ્યાં છે. મહિલાઓ પણ સશક્તિકરણ અને કૌશલ્ય-શિક્ષણની વિવિધ પ્રવૃત્તિઓનો લાભ મેળવી પોતાના વિવિધ કૌશલ્યનો વિકાસ કરી સ્વયં પગભર થઇ છે અને પોતાના કુટુંબને માટે પણ આશીર્વાદરૂપ બની રહી છે. કચ્છના દૂર દૂરના રણ વિસ્તારોનાં ગામડાઓમાં રહેતા અને ખેતી કરતા ગ્રામ્ય જનોને પણ જરૂરી વિવિધ સાધનો, ઓજારો ઉપલબ્ધ કરાવી આપતાં તેઓ હોંશભેર ખેતી કરી ગરીબાઇને જાકારો આપી રહ્યા છે. સ્વામીજીના આશીર્વાદથી આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અનેક માનવીઓના જીવનમાં બદલાવ લાવી રહી છે.

વિવેકાનંદનાં અધૂરાં કાર્યો

સ્વામી વિવેકાનંદે આદરેલાં કાર્યો હજુ ઘણા ઓછા પ્રમાણમાં થયાં છે અને તે સંદર્ભમાં હજુ ઘણું કરવાનું બાકી છે. સ્વામીજીએ એક પ્રસંગે કહ્યું હતું કે તેમણે ૧૫૦૦ વરસો સુધી ચાલે તેટલું આપણને પ્રદાન કર્યું છે. સ્વયં સ્વામીજીએ આવા કાર્યોને ઉપાસનારૂપ ગણાવ્યાં છે અને સાચો ઉપાસક પોતાની ઉપાસનાના ફળની અપેક્ષા કરતો નથી. ઉપાસનાનો આનંદ જ એની પ્રાપ્તિ અને પૂર્ણતા છે. પ્રભુ અને તેનાં સંતાનોના સેવકો બનીને આપણે કરેલી પ્રવૃત્તિઓની કેટલી અસર થઇ તેની ગણતરી કર્યા કરવી તે ઉચિત નથી.

તેમ છતાં ઘણી વાર જેમ આપણે લાંબી મજલ પર નીકળ્યા હોઇએ અને અર્ધે રસ્તે ઊભા રહીને પાછળ જોઇને આપણે કાપેલા માર્ગ પર નજર કરીએ છીએ કે જેથી આપણને બાકી રહેલ લાંબો માર્ગ કાપવાની શક્તિ અને હિંમત મળે. સ્વામીજીએ કહ્યું છે, ‘હું નિરંતર કાર્ય કરતો રહીશ, કાર્ય કરતાં ક્યારેય થોભીશ નહીં ! અને જ્યાં સુધી લોકો ઈશ્વર સાથે એકાકાર ન થાય ત્યાં સુધી તેમને પ્રેરણા આપતો રહીશ.’ તેવી જ રીતે આપણે જરા વાર થોભીને સ્વામીજીએ ચીંધેલ આ ઉપાસનારૂપ કર્મના માર્ગ પર આપણી અત્યાર સુધી કરેલ પ્રગતિનું નિરીક્ષણ કરી મક્કમ નિર્ધાર સાથે આગળ પ્રયાણ કરીએ.

Total Views: 86
By Published On: January 1, 2014Categories: Uncategorized0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram