સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાંથી શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ સંન્યાસી શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજના અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

(ગતાંકથી આગળ…)

યુરોપવાસીઓનું બૌદ્ધિક પુન :જાગરણ

સુખ્યાત ઇતિહાસવિદ્ એચ.જી.વેલ્સના ‘આઉટ લાઈન ઓફ હિસ્ટ્રી- ઇતિહાસની રૂપરેખા’નામના પુસ્તકમાં ‘યુરોપવાસીઓનું બૌદ્ધિક પુન :જાગરણ’ના નામે એક પ્રકરણ છે. આ પ્રકરણમાં એવું વર્ણન આવે છે કે યુરોપની પ્રજાએ સામૂહિક માનસિક શક્તિને કામે લગાડીને ૧૨મી, ૧૩મી અને ૧૪મી સદીમાં કેવું નવજાગરણ લાવી દીધું. એને પરિણામે યુરોપની સામાન્ય પ્રજામાં પણ જ્ઞાન માટેનો પ્રેમ અને જ્ઞાન મેળવવા માટેના પ્રયાસો વધુ ને વધુ પ્રમાણમાં પ્રસરતા ગયા. વળી ક્રૂઝેડ-ધર્મયુદ્ધ દ્વારા આ નવજાગૃત યુરોપવાસીઓ મધ્યપૂર્વના દેશોની સુવિકસિત સભ્યતાના સંપર્કમાં આવ્યા. આ સંપર્કસંબંધથી યુરોપવાસીઓ પ્રચીન ગ્રીસનું દર્શનશાસ્ત્ર અને ગ્રીકભાષામાં લખાયેલ શિષ્ટ સાહિત્ય કૃતિઓ અને અરેબીક અંકશાસ્ત્ર તેમજ કાગળ બનાવવાની કળા શીખ્યા.

આ બધાએ યુરોપમાં બૌદ્ધિક નવજાગરણ લાવી મૂક્યું. ઓક્્સફર્ડ, પૅરીસ, બોલોગ્ના અને બીજાં કેટલાંય શહેરોમાં વિશ્વવિદ્યાલયો સ્થપાયાં. મઠો પણ જ્ઞાનનાં કેન્દ્રો બન્યાં. પુસ્તકોની ઘણી મોટી માગ હતી અને ૧૫મી સદી સુધી યુરોપમાં છાપકામ અસ્તિત્વમાં ન હતું એટલે પુસ્તકો હાથે લખાતાં અને હસ્તલિખિત પ્રતો તૈયાર થતી.

આ બૌદ્ધિક જાગરણે પછીની સદીઓમાં રેનેસાં – નવજાગરણ નિપજાવ્યું. પરિણામે વિજ્ઞાનનો વિકાસ, યંત્રોની શોધો, દૂર મહાસાગરોના પ્રવાસો અને સમગ્ર વિશ્વના બધા ભાગમાં સંસ્થાનો સ્થાપવામાં તેમને સક્ષમ બનાવ્યા. દક્ષિણ અમેરિકા, એશિયા અને આફ્રિકામાં પોતપોતાનાં સંસ્થાનો સ્થાપીને લોકોને ગુલામ બનાવીને યુરોપવાસીઓએ અઢળક ધન, શક્તિ મેળવ્યાં.

ભારતનું નવજાગરણ

ઇતિહાસની એ વિચિત્ર વાત છે કે જ્યારે યુરોપવાસીઓનાં મન જાગ્યાં ત્યારે જ ભારતીય લોકોનાં મન ઊંઘને વર્યાં. ભારતની આ કુંભકર્ણ જેવી નિદ્રા સાત સો વર્ષ સુધી ટકી રહી. આ વાત સર્વવિદિત છે કે ૧૨મી સદી સુધી ભારત વિશ્વમાં સૌથી સમૃદ્ધ રાષ્ટ્ર હતું અને વિશ્વની જીડીપીનો એકતૃતીયાંશ ભાગ ભારત પેદા કરતું હતું. પરંતુ ૧૧મી સદીથી માંડીને ભારત પર વિદેશી પ્રજાનાં થયેલાં આક્રમણોને કારણે તેની સમૃદ્ધિ ઘટવા લાગી અને ૧૬મી સદીમાં આ વૈશ્વિક જીડીપીમાં ભારતનો હિસ્સો નહીં જેવો બની ગયો. ચીન ભારતથી આગળ વધી ગયું અને પશ્ચિમ યુરોપનો હિસ્સો વધવા લાગ્યો. ઈ.સ. ૧૭૦૦ પછી બ્રિટિશ રાજ્યને કારણે ભારત વિશ્વમાં સૌથી ગરીબ રાષ્ટ્રોમાંનું એક રાષ્ટ્ર બન્યું.

માત્ર આર્થિક ક્ષેત્રમાં નહીં પરંતુ આ પતન ભારતનાં બધાં ક્ષેત્રો સુધી પહોંચી ગયું. જ્ઞાતિપ્રથાના નિયમો વધારે જડ બન્યા અને સમાજના મોટા ભાગના લોકો બહિષ્કૃત થયા અને એમને અસ્પૃશ્ય ગણવામાં આવ્યા. જ્ઞાતિઓ પેટા જ્ઞાતિઓમાં વહેંચાઈ ગઈ; પેટા જ્ઞાતિઓના લોકો વચ્ચે લગ્ન અને જમણવાર પર પણ પ્રતિબંધ હતો. મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય પછી ભારત નાનાં નાનાં રાજ્યોમાં ખંડિત થઈ ગયું અને એ બધાં રાજ્યો એક બીજાં સાથે લડતાં રહેતાં. પરિણામે રાષ્ટ્રની ભાવાત્મક એકતા પણ ચાલી ગઈ. સ્ત્રીઓને શિક્ષણના અધિકારથી વંચિત રાખવામાં આવી અને વસતીનો મોટો ભાગ નિરક્ષર રહ્યો. ઊતરતી કક્ષાના સંપ્રદાયો અને અનૈતિક આચારોના ફેલાવાને લીધે તેમજ અંધશ્રદ્ધા અને વહેમ, પુરોહિતવાદથી લોકોનું ધર્મજીવન પણ અધોગતિ પામ્યું. વિજ્ઞાન, કલા, સાહિત્ય, દર્શનશાસ્ત્ર જેવાં બધાં ક્ષેત્રોમાં બૌદ્ધિક સર્જનાત્મકતામાં જબરી ઓટ આવી. ૧૦મી સદી પછી તો ભારતીયોનાં મનબુદ્ધિએ પ્રકૃતિમાં રસ લેવાનું અને પ્રકૃતિની દુનિયામાં ખુલ્લુ મન રાખવાનું જાણે કે થંભાવી દીધું. ૨૦૦૧ના નોબેલ પારિતોષિક વિજેતા સુપ્રસિદ્ધ સાહિત્યકાર નાઈ પોલે જણાવ્યું છે કે એક પ્રકારના ‘સાર્વત્રિક સ્મૃતિભ્રંશે’ ભારતીય લોકોના મનમસ્તિષ્કનો જાણે કે કબજો લઈ લીધો. ૧૮મી સદીના અંત સુધી ભારત જાણે કે એક સુષુપ્ત વિરાટકાયની જેમ રહ્યું.

૧૯મી સદીના પ્રારંભમાં આ સૂતેલા વિરાટકાયે જાગૃતિના સંકેતો આપવા માંડ્યા. જેમ મધ્યપૂર્વની સંસ્કૃતિના સંસ્પર્શથી યુરોપની પ્રજાનાં મનમસ્તિષ્ક ૧૩મી અને ૧૪મી સદીમાં જાગ્યાં તેમ પશ્ચિમની સંસ્કૃતિના આક્રમણે ભારતીય પ્રજાનાં મનને ૧૯મી સદીમાં જગાડ્યાં. ભારતની આ જાગૃતિ વિશે સ્વામી વિવેકાનંદે પ્રથમ વખત ઉદ્ઘોષણા કરી. ૧૮૯૭માં દક્ષિણના રામનદમાં આપેલા વ્યાખ્યાનમાં તેમણે કહ્યુ હતું, ‘યુગયુગાંતરથી વ્યાપી રહેલી રાત્રિનું અવસાન થતું જણાય છે, ભારે કષ્ટદાયક એવી દુર્દશાનો આખરે અંત આવતો જણાય છે, પ્રાણરહિત લાગતો મૃતદેહ જાણે ચેતનવંત બની ઊઠતો દેખાય છે; અને દૂર સુદૂર જે અતીતના અંધકારમાં ડોકિયું કરવામાં ઇતિહાસ અને પરંપરા પણ નિષ્ફળ નીવડે છે, ત્યાંથી આવી રહેલો જ્ઞાન, ભક્તિ અને કર્મના વિરાટ હિમાલયનાં શિખરે શિખરે પ્રતિઘોષ પાડતો, ચાલ્યો આવતો, મૃદુ સુદૃઢ અને છતાં પોતાનાં વચનોમાં અચૂક તેમજ સમયના વહેણની સાથે વિસ્તારમાં વધતો જતો એક ગેબી અવાજ આપણી તરફ આવી રહ્યો છે ! અને જુઓ, એ સાથે જ આપણી માતૃભૂમિ ભારત નિદ્રાધીન અવસ્થામાંથી જાગ્રત થઈ રહી છે ! હિમાલયમાંથી વહી આવતી વાયુલહરીની પેઠે તે તેનાં મૃતપ્રાય : અસ્થિ અને સ્નાયુઓમાં પ્રાણ પૂરી રહ્યાં છે. સુસ્તી ઊડતી જાય છે અને માત્ર ચક્ષુહીન જ જોઈ નહીં શકે અગર તો જાણી જોઈને અવળી મતિવાળાઓ નહિ જુએ કે આપણી આ માતૃભૂમિ પોતાની દીર્ઘ, ગાઢ નિદ્રામાંથી જાગ્રત થઈ રહી છે. હવે એનો વધુ કોઈ પ્રતિકાર કરી શકે તેમ નથી; હવે એ કદી પાછી સૂઈ જવાની નથી. કોઈ વિદેશી સત્તા તેને ફરીથી વધુ ગુલામીમાં જકડી શકે તેમ નથી, કારણ કે એ વિરાટકાય શક્તિ આળસ ખંખેરીને પોતાના પગ ઉપર ઊભી થઈ રહી છે.’

ભારતના આ અનંત મહાકાય માનવના નવજાગરણની આ વાર્તા છે અને સ્વામી વિવેકાનંદે એના નવજાગરણમાં આપેેલ મહત્ત્વનું પ્રદાન એ આપણા લેખનો વિષય છે. આ અસલ સ્વરૂપને અને સ્વામીજીના પ્રભાવના સારભૂત તત્ત્વને સમજવા આપણે આદર્શ કે વિચારોની શક્તિ વિશે અને આ નવા આદર્શાે કેવી રીતે નવસર્જિત થયા એ વિશે જાણવું આવશ્યક છે.

આદર્શ કે વિચારોની શક્તિ

જો આપણે આપણા રોજિંદા જીવનનો અભ્યાસ કરીએ તો આપણને જોવા મળશે કે આપણાં વલણો – અભિરુચિઓ અને કાર્યો ચોક્કસ વિચારો કે સિદ્ધાંતો દ્વારા માર્ગદર્શન મેળવે છે. જ્યારે આપણે નિષ્ફળ જઈએ અને જરા આંતરનિરીક્ષણ કરીએ તો આ અલ્પ આત્મનિરીક્ષણ પણ એ પ્રગટ કરશે કે આપણે નિષ્ફળ ગયા છીએ કારણ કે આપણે ખોટા સિદ્ધાંતો કે વિચારોને અનુસર્યા છીએ. આ સિદ્ધાંતો અને વિચારોમાં પરિવર્તન કરીને આપણે સફળતા મેળવી શકીએ. જે એક વ્યક્તિ માટે સાચું છે તે કોઈ પણ સમાજ કે રાષ્ટ્ર માટે પણ સાચું છે. સમગ્ર રાષ્ટ્રની અત્યંત પછાત અવસ્થામાંથી વિચાર અને આદર્શની શક્તિથી ઉત્થાન પામવાનું સારું ઉદાહરણ છે અરેબિયા. છઠ્ઠી સદી સુધી અરેબિયા-અરબસ્તાનના દેશો રણભૂમિના અજાણ્યા દેશો તરીકે જાણીતા હતા. પછી ત્યાં મહમ્મદ પયગંબરનો જન્મ થયો. તેમણે લોકોને નવા આદર્શાે અને વિચારો આપ્યા. ૫૦ વર્ષમાં અરેબિયનોએ સમગ્ર મધ્યપૂર્વને જીતી લીધું અને ત્યાં એક ભવ્ય સભ્યતાનું સર્જન કર્યું. હાલનાં થોડાં વર્ષો પહેલાં લેનિનની સરદારી હેઠળ સોવિયેટ યુનિયનનો ઉદય અને માઓત્સે તુંગની માર્કસવાદી વિચારસરણીને લીધે ચીનનો થયેલો નવોદય વિચાર કે આદર્શની શક્તિ લોકોના-પ્રજાના ભાવિને કેવું અજબ રીતે બદલાવી નાખે છે, એ બતાવે છે.

આ બાબત આપણને આધુનિક વિજ્ઞાનના દૃષ્ટિકોણથી પણ જોવા મળે છે. વિજ્ઞાને જે સૌથી વધારે પાયાનાં સત્યોમાંનું એક સત્ય શોધ્યું છે, તે છે ઉત્ક્રાંતિ. બધા જીવંત પદાર્થાેએ આ ઉત્ક્રાંતિમાંથી પસાર થવું પડે છે. પરંતુ પ્રાણીઓ, વનસ્પતિઓમાં આ ઉત્ક્રાંતિ માત્ર બાહ્યદૈહિક હોય છે; જ્યારે માનવની બાબતમાં જુલિયન હક્સલે જેવા જીવ વૈજ્ઞાનિકોના મતે આ ઉત્ક્રાંતિ મુખ્યત્વે મનોસામાજિક હોય છે. ૫૦ વર્ષ પહેલાં જુલિયન હક્સલેએ લખ્યું હતું, ‘માનવની ઉત્ક્રાંતિ એ જૈવિક નથી હોતી પરંતુ તે મનોસામાજિક હોય છે, સાંસ્કૃતિક પ્રણાલીઓના ઢાંચા કે માળખા દ્વારા કાર્યાન્વિત થાય છે અને તેમાં શરીરશાસ્ત્રીય અને જીવશાસ્ત્રીય સંરચનાને બદલે જ્ઞાન, વિચાર, માન્યતા, આદર્શની નવી પ્રભાવી માનસિક સંરચનાની પ્રગતિ સંકળાયેલી છે.’

માનવની મનોસામાજિક ઉત્ક્રાંતિની વાત માનવ-ઇતિહાસના નામે ઓળખાય છે. વિશાળ ફલકમાં જોઈએ તો માનવનો ઇતિહાસ એટલે આદર્શ કે વિચારોનો ઇતિહાસ એમ કહી શકાય. ૧૯મી સદીમાં જર્મન દર્શનશાસ્ત્રી હેગલે કહ્યું, ‘(જગતનો) સમગ્ર ઇતિહાસ એટલે વિચારોનો ઇતિહાસ.’

આ સંદર્ભમાં જોઈએ તો ઘણા મૂળભૂત પ્રશ્નો ઊભા થાય છે. શું ઇતિહાસ આવા કાર્યકારણના સિદ્ધાંત સાથે હેતુલક્ષી છે ? એટલે કે માનવસભ્યતા કે સંસ્કૃતિને અંતિમ સાધ્ય કે હેતુ છે ? એવાં કયાં પરિબળો છે કે જે ઐતિહાસિક પરિવર્તનો પર અંકુશ ધરાવે છે ? સભ્યતા કે સંસ્કૃતિઓના પતનનાં કારણો શાં છે ? અને એવાં કયાં સાધનો કે જેના દ્વારા સંસ્કૃતિનું પુન :નવીનીકરણ કે પોતાની મેળે એનો કાયાકલ્પ થાય છે ? હેગલ, આર્નાેલ્ડ ટોયન્બી, ઓસ્વાલ્ડ સ્પેંગ્લર, પિતિરીમ સોરોકિન જેવા ઇતિહાસના મર્મજ્ઞો અને સુખ્યાત વિચારકોએ ઉપરના પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રયાસ કર્યો છે. એમના અભ્યાસોના આધારે આપણે ઐતિહાસિક આગેકૂચ વિશે મૂળભૂત તારણો તારવી શકીએ.

૧. સમગ્ર માનવજાત અનેક સભ્યતાઓ અને સંસ્કૃતિઓમાં વહેંચાયેલ છે. દરેકે દરેક સભ્યતાને પોતાનો ચોક્કસ ઝોક, સામાન્ય રસરુચિ અને વિશેષ લાક્ષણિકતાઓ હોય છે. ગ્રીક સભ્યતાની મુખ્ય રુચિ ભૌતિક વિશ્વની પ્રકૃતિનું રહસ્યોદ્ઘાટન કરવામાં હતી. હિબ્રૂ સભ્યતા એકેશ્વરવાદ અને નૈતિક પ્રશ્નો કે સમસ્યાઓની આજુબાજુ રહે છે. ચીનની સભ્યતાને મોટે ભાગે સમાજ અને સામાજિક સંબંધો સાથે વધારે સંબંધ છે. ભારતીય સંસ્કૃતિની મુખ્ય વિલક્ષણતા તેની આધ્યાત્મિકતા છે.

૨. દરેક સભ્યતાએ સમયકાળ કે યુગને નામે જાણીતા કેટલાક કાળ – તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. દરેકે દરેક સમયકાળ પર ચોક્કસ વિચાર – વલણોનું વર્ચસ્વ હોય છે. આ યુગ કે સમયકાળ એટલે ઇતિહાસના ચોક્કસ સમયગાળામાં સામાન્ય બૌદ્ધિકતા, નૈતિકતા અને સંસ્કૃતિ અને સભ્યતા અર્થાત્ વિચારો, આદર્શાે, માન્યતાઓ અને મૂલ્યોનું વાતાવરણ જે તે કાળના લોકોના મન પર અદ્‌ભુત પ્રભુત્વ ધરાવે છે.

૩. લોકોનું નૈતિક અધ :પતન, વિદેશીઓનાં આક્રમણ, ગૃહયુદ્ધ અને દેશમાં સામાજિક સંઘર્ષને કારણે પ્રત્યેક સભ્યતાએ અધ :પતનના કાળમાંથી પસાર થવું પડ્યું છેે. ઇતિહાસકાર ટોયન્બીના મતાનુસાર આમાંની જે સભ્યતાઓએ નૈતિકતા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના સ્રોતોનો જથ્થો પૂરતા પ્રમાણમાં જાળવી રાખ્યો હોય તેવી સંસ્કૃતિઓ આવા કટોકટીના કાળમાંથી સુપેરે બહાર આવી જાય છે અને પોતાનું પુનર્નિર્માણ કરી લે છે.

૪. અહીં આપેલાં પરિબળો દ્વારા આ નવઉત્થાન થાય છે :

* અધ :પતન પામતી પ્રજા એક વિકસિત અને પ્રાણવંત સંસ્કૃતિના સંપર્કમાં આવે ત્યારે.

* પયગંબર કે અવતાર ગણાતા કોઈ આધ્યાત્મિક મહાવ્યક્તિનો ઉદ્ભવ થવો. આ પયગંબર પોતે જે યુગનું નિર્માણ કરે છે તે નવા યુગ માટે સુયોગ્ય અને જે તે સમયે અને સંજોગોમાં આવશ્યક નવો સંદેશ આપે છે. વળી આવી મહાન વિભૂતિ પોતાના અનુયાયીઓનો સમૂહ રચે છે અને આ અનુયાયીઓ સામાન્યજનોમાં તેમનો સંદેશ ફેલાવે છે. આર્નાેલ્ડ ટોયન્બીના શબ્દોમાં કહીએ તો આવા મહામના માનવો પ્રથમ તો ‘સર્જનાત્મક લઘુમતી’ રચે છે. પરંતુ જેમ વધારે ને વધારે લોકો આ નવસંદેશના પ્રભાવ હેઠળ આવતા જાય તેમ તેમ રાષ્ટ્રિય જીવન, સભ્યતા કે સંસ્કૃતિનું નવીનીકરણ શરૂ થાય છે.

* આવી જ રીતે કોઈ વિદેશી સંસ્કૃતિ કે વિચારસરણી રશિયાના લેનિન અને ચીનના માઓ જેવા રાજનૈતિક નેતાનું સર્જન કરે છે અને આવા નેતાઓ જૂની સભ્યતાને બદલે નવી સભ્યતા ઊભી કરે છે.

જેમને ઇતિહાસની ઊંડી સમજણ હતી એવા સ્વામી વિવેકાનંદે પોતાનાં ઘણાં વક્તવ્યો અને લખાણોમાં ઉપર્યુક્ત ઐતિહાસિક પ્રક્રિયાઓનો ઉલ્લેખ કર્યો છે. ‘જગતના મહાન ધર્માવતારો’ નામના કેલિફોર્નિયામાં ઈ.સ. ૧૯૦૦માં સ્વામી વિવેકાનંદે આપેલા વ્યાખ્યાનમાં કહ્યું છે, ‘આ વિશ્વ એક પછી એક ઊઠ્યા કરતા સાગરતરંગોની પેઠે ગતિમાન રહે છે. મોજાંની માફક તે ચડે છે, શિખરે પહોંચે અને પછી નીચે પડે છે અને થોડોક સમય જાણે કે ઊંડાણમાં પડી રહેતું હોય તેમ લાગે છે અને ફરી ઊંચે ચડે છે અને મોજાંની માફક એક તરંગ પછી બીજો અને એક પતન પછી બીજું પતન, એવી રીતે ચાલ્યા જ કરે છે. સમગ્ર જગત માટે જે સત્ય છે તે જગતના વિભાગો માટે પણ સાચું છે. માનવજીવનનો પ્રવાહ પણ તેમ જ ચાલે છે; પ્રજાઓના ઈતિહાસનું પણ તેમ જ છે. પ્રજા ઉત્થાન પામે છે અને પાછી પડે છે; ઉન્નતિ પછી અવનતિ આવે છે અને અવનતિ પછી વળી વિશેષ પ્રબળ ઉન્નતિ આવે છે. આ ગતિ સર્વદા ચાલ્યા જ કરે છે. ધર્મની બાબતમાં પણ તેવી જ પ્રવૃત્તિ ચાલે છે. પ્રત્યેક પ્રજાના આધ્યાત્મિક જીવનમાં ઉન્નતિ-અવનતિનો ક્રમ આવ્યા કરે છે. એક પ્રજાનું પતન થાય છે અને જાણે કે સર્વ છિન્નભિન્ન થઈ ગયું હોય તેમ લાગે છે; વળી પાછો તેમાં શક્તિનો સંચાર થાય છે અને તેનું ઉત્થાન થાય છે. એક મહાન મોજું -જાણે કે ભરતીનો એક મહાન ઉછાળો ચઢી આવે છે અને એ મહાન મોજાંના સર્વોચ્ચ શિખરે એક દિવ્ય આત્મા-ઈશ્વરનો અવતાર- ઊતરી આવે છે. વારાફરતી સર્જક અને સર્જન બંને સ્વયં બનતો એ અવતાર પ્રજાને એક એવો વેગ આપે છે કે તે પ્રજા ઉત્થાન પામે છે. પણ જે શક્તિથી આવું મહાન મોજું ઉત્પન્ન થાય છે તે જ શક્તિ તેને સર્જે છે અને આમ પરસ્પર આઘાત-પ્રત્યાઘાતના નિયમોને અનુસરે છે. સમાજ ઉપર તે પોતાનો પ્રબળ પ્રભાવ પાડે છે અને જે તે છે, તેવો સમાજ બનાવે છે. આ બધા વિશ્વના મહાન વિચારકો છે, વિશ્વના પયગંબરો છે, જીવનના સંદેશવાહકો છે, ઈશ્વરના અવતારો છે.’

સ્વામી વિવેકાનંદ માનતા હતા કે ભારતનું નવજાગરણ માનવજાતના ઇતિહાસમાં નવા યુગના પ્રારંભમાં સ્પષ્ટપણે જોવા મળે છે. માનવજાતની જાગૃત થયેલી આધ્યાત્મિક ચેતના આ નવા યુગનું મુખ્ય વિશિષ્ટ લક્ષણ બની રહેશે. સ્વામીજી માનતા હતા કે શ્રીરામકૃષ્ણ માર્ગદર્શક પયગંબર બનશે અને તેમનો સંદેશ નવા યુગમાં દિશાસૂચક સિદ્ધાંત બની રહેશે. (ક્રમશ 🙂

Total Views: 230

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.