વહાલા મિત્રો, તમને ફરવાનું ગમે ને ? તમે ક્યાં ક્યાં ફરવા ગયા છો ? માત્ર ભારતમાં ફર્યા છો કે વિદેશમાં પણ ગયા છો ? તમે જે શહેરની મુલાકાત લો ત્યાંની સંસ્કૃતિ, પહેરવેશ, રીતરિવાજ, ઉત્સવો વિશે જાણકારી મેળવો કે નહિ ? સ્વામીજીએ પૂરા વિશ્વમાં ભ્રમણ કર્યું હતું. તેઓ જ્યાં જ્યાં ગયા હતા ત્યાંના વિશે એમણે પૂરતી માહિતી એકત્ર કરી હતી. ભારતના રીતરિવાજો અને સંસ્કૃતિ સાથે એની સરખામણી પણ કરી હતી. પોતાના દેશ બાંધવોને ત્યાંથી શું શીખવા મળે છે એની પણ નોંધ કરી હતી. તો આવો, આજથી આપણે ‘બાલ ઉદ્યાન’માં સ્વામીજીના વિશ્વભ્રમણ તેમજ તેમના વિશ્વની સંસ્કૃતિ વિશેના અવલોકન આલેખતી ચિત્રકથા શરૂ કરીએ. – સં.

કન્યાકુમારી, ભારત, ડિસેમ્બર ૧૮૯૨

સંપૂર્ણ ભારતનું ભ્રમણ પૂરું કરી સ્વામી વિવેકાનંદે દેશના સૌથી છેલ્લા ટાપુ પર બેસીને આપણા ગૌરવશાળી ઇતિહાસ તેમજ સંસ્કૃતિ ઉપર ધ્યાન કર્યું. એ સમયની ભારતની અવદશા તેમજ આવનારું ઉજ્જ્વળ ભવિષ્ય પણ એમણે જોયું. એ જ ગહન ધ્યાનમાં તેમને પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણે વિદેશમાં ભારતીય આધ્યાત્મિકતાનો પ્રચાર કરવાનો તેમજ આધુનિક પશ્ચિમી વિજ્ઞાન દ્વારા અસંખ્ય ભારતીયોની ગરીબી દૂર કરવાનો આદેશ આપ્યો.

કેપકેમોરીનમાં ભારતના છેલ્લા ભૂમિપ્રદેશ પર મા કન્યાકુમારીના મંદિરમાં બેસીને મેં એક યોજના વિચારી. આપણે કેટલાય સંન્યાસીઓ ભટકીએ છીએ અને લોકોને અધ્યાત્મવિદ્યા શીખવીએ છીએ – પણ આ બધું ગાંડપણ છે. આપણા ગુરુદેવ કહેતા કે, ‘ભૂખ્યે પેટે ધર્મ ન થાય !’ આ ગરીબ માણસો પશુ જેવું જીવન ગાળે છે તે કેવળ અજ્ઞાનને લીધે જ. દરેક યુગમાં આપણે તેમનું લોહી ચૂસ્યું છે અને તેમને પગ તળે છૂંદ્યા છે…. કેટલાક પરહિતકારી નિ :સ્વાર્થી સંન્યાસીઓ ગામડે ગામડે જાય અને કેળવણી ફેલાવે, ચાંડાલ સુધીના તમામ વર્ગાેની સ્થિતિ સુધારવા મૌખિક શિક્ષણ, નક્શા, ચિત્રો આદિ સાધનો વડે શિક્ષણ ફેલાવવા પ્રયાસ કરે, તો શું સમય જતાં કંઈ સારું પરિણામ ન આવે ?… ટૂંકમાં અર્થ એ છે કે ‘પર્વત મહંમદ પાસે ન જાય, તો મહંમદે પર્વત પાસે જવું.’

– સ્વામી વિવેકાનંદ (૧૯ માર્ચ, ૧૮૯૪ના રોજ સ્વામી રામકૃષ્ણાનંદજીને લખેલ પત્રમાંથી)

મુંબઈ, ભારત, મે ૧૮૯૩

૩૧ મે, ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદ મુંબઈ પોર્ટથી ‘પેનીન્સુલર’ જહાજમાં બેઠા. ફેંટો પહેરેલા સ્વામીજી ત્યારે જાણે કે દૈવી આભાથી પ્રકાશી રહ્યા હતા. હજારો વર્ષોનો ભારતીય ગરિમામય વારસો એમની નજર સામેથી પસાર થઈ ગયો. સાથે સાથે જ એમનામાં જાગ્રત થઈ ઊઠી વિશ્વની અન્ય સમૃદ્ધ સંસ્કૃતિઓ વિશે જાણવાની ઉત્સુકતા. અનેક આશા અને અરમાનો પોતાના હૃદયમાં ભરી સ્વામીજીએ પોતાની વિશ્વયાત્રાની શરૂઆત કરી.

મારા જીવનનો એવો પણ અનુભવ છે કે અહીં દરેક વસ્તુનું હાર્દ અને કેન્દ્રમાં તો બધું શુભ જ છે. સપાટી ઉપર દેખાતા તરંગો ગમે તેવા હોય તો પણ તેની નીચે બધાના ઊંડાણમાં તળિયે તો શુભ અને પ્રેમની અનંત ભૂમિકા રહેલી છે. જ્યાં સુધી તે ભૂમિકાએ આપણે પહોંચીએ નહીં ત્યાં સુધી જ આપણને તકલીફ પડે છે. પણ એક વખત એ શાંતિના પ્રદેશમાં પહોંચ્યા પછી, ઉપર ભલેને પવનો ફૂંકાયા કરે અને તોફાનો ગર્જ્યા કરે ! યુગ યુગના જૂના ખડકો પર જે મકાન બંધાયું હોય છે તે કદી ડગમગતું નથી.

– સ્વામી વિવેકાનંદ (૨૨ મે, ૧૮૯૩ના રોજ દીવાન હરિદાસ બિહારીદાસ દેસાઈને લખેલ પત્રમાંથી).

Total Views: 206

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.