(ગતાંકથી આગળ…)

સામાન્ય ભાષામાં આપણે કહીએ છીએ કે ઉત્પાદનકૌશલ પહેલા પ્રકારનું કૌશલ છે. સારા કાર્યકર્તાઓ, કુશળ ખેડૂતો, ઔદ્યોગિક કામદારો, વહીવટદારો, વ્યાવસાયિકો, સૌ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અદા કરવામાં કાર્યક્ષમ હોવા જોઈએ. કૌશલનું આ એક પાસું છે. બીજું પાસું તદ્દન ઉપેક્ષિત રહ્યું છે અને શ્રીકૃષ્ણ ગીતામાં સતત એના પર જ ભાર મૂકે છે. ઉત્પાદનકૌશલનાં વર્ષો પછી તમને શું થયું છે તે જુઓ. તમારો આધ્યાત્મિક વિકાસ થયો છે? તમારી ભીતર જે દિવ્ય સ્ફુલિંગ છે તેના અંશનો પણ તમે સાક્ષાત્કાર કર્યો છે ? દેહ-મન સંકુલની, એના ખેંચાણ અને દબાણની ઉપર તમે ઊઠી શકયા છો અને ભીતરમાં શાંત અને સ્વસ્થ થઈ શકયા છો ? આજની પાશ્ચાત્ય સભ્યતામાં આ ગહન સવાલો કેટલાક લોકો પૂછી રહ્યા છે. માનવીને શું થયું છે ? એ સરસ કાર્યકર થયેલ છે. પણ વર્ષોના ઉત્પાદનકૌશલ પછી એ ભાંગી ગયેલ વ્યક્તિ બની ગયેલ છે. એના પગાર અને એ પગારમાંથી મળતી સગવડો સિવાય એનાં કાર્યે એનું કશું ભલું નથી કર્યું. કામ કરનારના આંતરિક જીવનનું શું ? ભીતરથી એ સમૃદ્ધ શાંત અને સંતુષ્ટ છે? આમ ગીતા ઉપદેશેલ યોગની બેવડી કુશલતા તરીકે એ વ્યાખ્યા આપે છે; ઉત્પાદક કાર્યકુશલતા અને ભીતરની વ્યક્તિગત કે ચારિત્ર્યની કુશલતા. આ બંને સાથે જ રહેવી જોઈએ. એને છૂટી ન પાડૉ. એક જ કર્મથી માનવી આ બેઉ સિદ્ધ કરી શકે તો આપણો નફો કેટલો બધો વધી જશે ?

આજે આ બીજી બાબત પર ભાર આપવાની આખા જગતમાં મોટી જરૂર છે કારણ કે માનવી નાનો અને નાનો, વધારે તનાવ અનુભવતો, દુ :ખ ને અસિદ્ધિથી પીડાતો અને આત્મઘાતી વૃત્તિ ધરાવતો બની ગયો છે. આજની ખૂબ કુશળ ટેક્નોલોજિકલ સભ્યતામાં આ બધી બાબતો છે. માનવી પર્યાવરણનો જંતુ બની ગયો છે કારણ કૌશલની વિભાવનાનું બીજું પરિમાણ આપણે ઉવેખ્યું છે. કાર્યરત સૌ માનવીઓને ગીતા મૃદુ સલાહ આપે છે. તમે ગમે તે ક્ષેત્રમાં કામ કરતાં હો, તમારા પ્રામાણિક, કુશળ અને સહકારી શ્રમથી તમે સમાજનું હિત કરો છો; તમારું આંતરજીવન પણ ગુણદૃષ્ટિએ સમૃદ્ધતર, આનંદપૂર્ણ, શાંતિપૂર્ણ, પ્રેમપૂર્ણ અને મનુષ્યજાત માટે લાગણીવાળું બને તેનું ધ્યાન રાખો. એ જ આધ્યાત્મિક વિકાસ છે. આજે, આપણે એને મનુષ્ય જીવનની ગુણાત્મક સમૃદ્ધિ કહી શકીએ.

ને આ પહેલી જ વાર, અર્વાચીન વિજ્ઞાન, ખાસ કરીને વીસમી સદીનું જીવશાસ્ત્ર માનવજીવનમાં ગુણવિકાસના અગત્ય પર ભાર દઈ રહ્યું છે. અગાઉ, બધો ભાર જથ્થા ઉપર હતો. પરંતુ આજે પ્રગતિ થઈ છે તે દર્શાવવા માટે માનવસોપાને ઉત્ક્રાંતિને ગુણના માપદંડની જરૂર રહે છે. તમારા જીવનનો એ ગુણ કયો છે ? ઉત્પાદનની બહુલતા (જથ્થો), વપરાશની બહુલતા ઉપર આપણે ફરી ફરી ભાર દઈએ છીએ. બધું કાર્યકૌશલ એની પાછળ પડયું છે અને આ વપરાશ કૂદકે ને ભૂસકે વધતો જાય છે, જીવનના મોજશોખોની પાર એ પહોંચે છે; પાગલ વપરાશવાદે ઘર ઘાલ્યું છે. સભ્યતા આજે આવી છે. પણ તેનું પરિણામ છે, માનવીના ગુણદારિદ્રતામાં. કારણ ? ઈન્દ્રિય કક્ષાથી ઉપરની મનુષ્યપ્રકૃતિમાં દૃષ્ટિપાત કરવાની શક્તિ અર્વાચીન વિજ્ઞાન પાસે નથી. એટલે કૌશલના એક પાસા પર ભાર દેવાય છે અને બીજું ઉવેખાય છે. અર્વાચીન ચિત્તનું ધ્યાન એ બીજું પાસું ધીમે ધીમે ખેંચી રહ્યું છે કે તારી જાતની ગુણસમૃદ્ધિ તું વધારી શકે એનાં શાસ્ત્ર અને ટેક્નોલોજી છે.

આ ચેતવણી આજે કેટલાક વૈજ્ઞાનિકો જાતે જ આપી રહ્યા છે. બ્રિટિશ જીવશાસ્ત્રી સર જુલિયન હક્સ્લીનો ઉલ્લેખ હું કરું છું. ૧૯૫૯માં ડાર્વિન શતાબ્દીની ઊજવણી વેળા, શિકાગો કોંગ્રેસ ઓફ સાયંટિસ્ટ્સ સમક્ષ આપેલા પોતાના પ્રવચનમાં આ વિષયનો ઉલ્લેખ એ કરે છે (ઈસ્યૂઝ ઈન ઈવોલ્યૂશન, ઈવોલ્યૂશન આફટર ડાર્વિન, વાે. ૩, પૃ. ૨૫૯) :

‘મનુષ્યો માટે વધારે પૂર્ણતા અને મનુષ્ય સમાજ માટે વધારે સિદ્ધિઓ શકય છે એમ આપણે એકવાર સાચે જ માનતા થઈએ એટલે ચાલુ અર્થમાં ઉપયોગિતા ગૌણ બની જાય છે. ભૌતિક ઉત્પાદનનો જથ્થો, અલબત્ત, અમુક અંશ સુધી આવશ્યક છે. અમુક સંખ્યા કરતાં વ્યક્તિદીઠ વધારે કેલરીની, પીણાં, ટી.વી. સેટોની કે ધોવાનાં યંત્રોની જરૂર નથી પણ ખરાબ છે. ભૌતિક ઉત્પાદનનો જથ્થો વિશેષ સાધ્ય માટેનું સાધન છે, જાતે સાધ્ય નથી.’

હવે માનવજાત માટેની આ મુશ્કેલીને શ્રીકૃષ્ણ અગાઉથી જોઈ શકયા હતા. પોતે મહાન કર્મ કરનારા – કર્મયોગી – હતા. એટલે હજારો વર્ષ પૂર્વે એમણે એવી ફિલસૂફી વિકસાવી કે એમાં કૌશલને બેવડું પરિમાણ પ્રાપ્ત થાય છે, જેમાં જથ્થો – સંખ્યાવૃદ્ધિ – અને ગુણવૃદ્ધિ હાથ મિલાવે છે. કૌશલપૂર્વક કાર્ય કરનારાઓને શાંતિ છે ખરી ? પરસ્પર સાથે તેઓ શાંતિથી રહી શકે છે ખરા ? પરસ્પર સેવા કરી શકે છે ખરા ? આ બધા પ્રશ્નો અગત્યના છે. મનુષ્યજીવનની ગુણ – સમૃદ્ધિના વિકાસથી જ આપણે સમાજમાંથી યુદ્ધ, હિંસા અને ગુનાખોરી નાબૂદ કરી શકીશું. આના સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. પરંતુ ભારતમાં આપણે જીવનના કર્મપાસાની ઉપેક્ષા કરી રહ્યાં છીએ. આજે એને વિકસાવવાનો સમય પાકી ગયો છે. કાર્ય, કુશળ કાર્ય અને સામૂહિક કાર્ય પર ભાર દીધા વિના આપણું પછાતપણું અને ગરીબી આપણે દૂર કરી શકવાના નથી; આપણા રાષ્ટ્રીય ચારિત્ર્ય ઉપરનો આ સૌનો તગાદો છે. જ્યારે આપણે સારા કાર્યકરો બનીશું; સારું કાર્ય અને સારી સેવા કરીશું ત્યારે જ આપણી સામુદાયિક દરિદ્રતા દૂર થશે. બધા એંશી કરોડ લોકોને પેટભર ખાવાનું, પૂરતું શિક્ષણ, પૂરતા આવાસો, એ કેવો સુંદર વિકાસ થશે ! બધા વિકસતા દેશોમાં અને ખાસ કરીને ભારતમાં અને આફ્રિકામાં, આ ઉત્પાદક કૌશલનો સંદેશ અદ્‌ભુત છે. પણ એ સિદ્ધ કરતી વેળા આપણે બીજા પરિમાણને વીસરવું જોઈએ નહીં. આપણે એની ઉપેક્ષા કરતાં થઈ ગયાં છીએ અને એનાં માઠાં ફળ આપણે લણી રહ્યાં છીએ. વધારે માનસિક તનાવ, વધારે પરિશ્રમ, વધારે ખોટકા, આ બધી બાબતો પણ આવી રહી છે. આજ સુધી તો કંઈ ક્રિયાકાંડ કરવા કે પૈસા આપી મા’રાજ પાસે કરાવવા, આપણે મન એ જ ધર્મ. મનને કેળવ્યા વિના, એમાંથી કશું પરિણામ નીપજશે નહીં. સર્વ સુખશાંતિ મનમાંથી પ્રકટે છે, બહારથી આવતાં નથી. મન પૂરું કેળવાય ત્યારે એ શાંત બને છે. એટલે આપણે જે કાર્ય કરીએ છીએ તેના ભાગરૂપે મનની આ કેળવણી ચાલુ જ રહેવી જોઈએ; આપણા સાંસ્કૃતિક વારસાની આધ્યાત્મિક લાક્ષણિકતા આપણે જાળવી રાખવી હોય તો આપણે ભારતમાં વિશેષ કાળજી લેવી ઘટે.

Total Views: 274

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.