(ગતાંકથી આગળ…)

શાસ્ત્ર-મર્મ અને બોધસામર્થ્ય

કેટલીયે વાર એવું લાગે છે કે જેમને અધ્યાત્મજ્ઞાન છે તેઓ બધાની વચ્ચે તે જ્ઞાનનું વિતરણ કેમ કરતા નથી ? વસ્તુત : સાચા જ્ઞાનીનો જ્ઞાનભંડાર તો બધાને માટે ખુલ્લો રહે છે. પરંતુ લેવાવાળા લોકો ક્યાં છે ? કોઈ લેવાવાળો ન હોય અને ભંડાર ખુલ્લો રહે તો શો લાભ ? અપાત્રને દાન દેવાથી વસ્તુનો દુરુપયોગ થશે, એનાથી અનર્થ થશે. એક જ આત્મજ્ઞાનનો ઉપદેશ ઇન્દ્રે એક રીતે અને વિરોચને બીજી રીતે સમજ્યો. વિરોચન અન્યભાવથી સમજીને દેહ સર્વસ્વ બની ગયા અને ઇન્દ્ર ક્રમશ : આત્મજ્ઞાનના અધિકારી બન્યા. એટલે તત્ત્વજ્ઞાન દેતાં પહેલાં સારી રીતે વિચાર કરીને અપાય છે. બ્રહ્માએ ઇન્દ્રને તત્ત્વજ્ઞાન દેતાં પહેલાં એમને તત્ત્વજ્ઞાનનો અધિકારી બનાવવા એમની પાસે દીર્ઘકાળ સુધી બ્રહ્મચર્યનું પાલન કરાવ્યું.

પ્રાચીનકાળમાં ઋષિઓના આશ્રમમાં જે લોકો બ્રહ્મચારીના રૂપે આવતા પહેલાં ગુરુ એમને અનેક પ્રકારના શારીરિક પરિશ્રમનાં કાર્ય સોંપતા. એમની પાસે ગાયો ચરાવતા, ખેતીવાડી વગેરે જેવા કઠોર પરિશ્રમનાં કાર્ય કરાવતા. શું ગુરુ એમની પાસેથી પોતાના ઘરનું કામ કરાવવા એમનો એક યંત્રની જેમ ઉપયોગ કરતા હતા ? ના, એવી વાત નથી. એમનામાં શિક્ષણ ગ્રહણ કરવા યોગ્ય મનોભાવ ઉત્પન્ન કરવા તેઓ આવું કરતા. ગ્રહણ કરવા યોગ્ય માનસિક તૈયારી આપણામાં પણ નથી. એટલે જ ધર્મના ઉપદેશથી કંઈ કામ સરતું નથી.

ઈશુ ખ્રિસ્તે એક ઉપમા આપી છે – એક વ્યક્તિ જમીનમાં બીજ વાવતો હતો. કેટલાંય બીજ બહાર પડ્યાં અને એ બીજ પક્ષીઓ ખાઈ ગયાં. કેટલાંક ઘાસ ઉપર પડ્યાં અને જંગલી છોડે એમને ઊગવાં ન દીધાં, મારી નાખ્યાં. કેટલાંક પથ્થરો ઉપર પડ્યાં અને સૂકાઈ ગયાં. વળી કેટલાંક ખેડેલી જમીન ઉપર પડ્યાં, ત્યાં પાક પાક્યો. તત્ત્વજ્ઞાન ગ્રહણ કરવાના માર્ગમાં બાધકરૂપે જે અનેક પ્રકારનાં તત્ત્વ છે, પહેલાં તો એ બધાં ને દૂર કરવાં પડે. આ તત્ત્વને સાંભળી લઈએ એટલે પૂરું થયું એવી વાત નથી. આ કોઈ ઇતિહાસ કે ગણિત નથી, જેને શિક્ષક એક જ વાતમાં સમજાવી દે. આ વસ્તુને એવી રીતે સમજાવી ન શકાય. મનની પૂર્વ તૈયારી વિના તત્ત્વજ્ઞાનની વાતો સાંભળીને કંઈ થતું નથી. શાસ્ત્રોએ વારંવાર કહ્યું છે કે જે શુશ્રૂષુ નથી, વિનયી નથી, સેવાપરાયણ નથી તેને જ્ઞાન ન આપવું. વિનયી શા માટે ? એટલા માટે કે વિનયી હોવાથી એનામાં ગ્રહણ કરવાની મનોવૃત્તિ ઊભી થશે, સેવાપરાયણ હોવાથી ગુરુકૃપા પ્રાપ્ત કરવાની ક્ષમતા આવશે. અધ્યાત્મતત્ત્વ ગ્રહણ કરવા આ બધી વાતોની નિતાંત આવશ્યકતા છે. સાધારણ શિક્ષણ મેળવવું હોય તો માસિક વેતન આપીને શિક્ષક પાસેથી મેળવી શકાય. ત્યાં સેવાપરાયણ થવું પડતું નથી. વ્યક્તિત્વ ઘડતર જ કેળવણીનો ઉદ્દેશ્ય છે. કેવળ થોડીક જાણકારીઓ મેળવી લેવી એ કેળવણી નથી. કેળવણીનો વાસ્તવિક હેતુ માનવને માનવ બનાવવાનો છે. સ્વામીજી કહે છે, ‘Man making, Character-building education – જેના દ્વારા માનવ બનાવી શકાય અને ચારિત્ર્ય ઘડતર થાય એવી કેળવણીની આવશ્યકતા છે.’ કેવળ શિક્ષણનો અભાવ જ નહીં પણ ખરાબ શિક્ષણને કારણે આપણે ઘણું ઘણું ભોગવી રહ્યા છીએ. આદર્શ પ્રત્યે શ્રદ્ધાવિહીન બનીને આપણે મૂલ્યબોધ ગુમાવી દીધો છે. સાધારણ રીતે કેળવણીનો હેતુ આવો થઈ ગયો છે – નોકરી મેળવવી કે શોધ વગેરે કરીને કોઈ નવી વસ્તુનો આવિષ્કાર કરવો. જીવનયાત્રા સરળ બને, ભોગનાં સાધન સુલભ બને, એ જાણે કે આજના જીવનનો આદર્શ છે, એમાં ચારિત્ર્ય ઘડતરની વાત જ નથી આવતી. (ક્રમશ 🙂

Total Views: 306

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.