(ગતાંકથી આગળ…)

આજે આખા જગતમાં વ્યક્તિત્વ કૌશલની, આંતરિક કૌશલની તાતી જરૂર છે. આ મહાન દર્શનની જરૂર સોવિયેત રશિયાને જણાય છે. એ શીખવનાર કોઈ નથી. લોકો આ ગહન વસ્તુને ઝંખી રહ્યાં છે. એટલે ગીતા જેવાં પુસ્તકોની માંગ છે અને વધારે ને વધારે લોકો તે વાંચી રહ્યાં છે. મને ખાતરી છે કે વ્યક્તિ જાતે વાંચશે તો તેનું થોડું સારું પરિણામ આવશે અને પોતાના જીવનમાં અને કાર્યમાં એના બોધને યથાશક્તિ લાગુ કરવાથી પણ સારું પરિણામ આવશે. योगः कर्मसु कौशलम्, આ વિશેષ ઘોષણા માનવીના આધ્યાત્મિક જીવનની અનન્ય પ્રકારની વ્યાખ્યા છે; માનવીના સંસારી જીવનની એ વિરોધી નથી પણ બંને પ્રકારના જીવનનો તેમાં સમાવેશ છે. બાહ્ય જીવન અને આંતર જીવન, મનુષ્ય જીવનનાં આ બેઉ પરિમાણોને ગીતાનો યોગ આવરી લે છે. બાહ્ય જીવન તે કામનું જીવન, આંતર જીવન તે આંતરિક વિકાસનું જીવન. ધર્મનિરપેક્ષ અને ધાર્મિક જીવનમાં ગીતા એવો ભેદ પાડતી નથી. યુગો પૂર્વે શ્રીકૃષ્ણે એ ખાઈ પૂરી દીધી હતી. માટે આ વ્યાખ્યા દરેક વિચારશીલ મનને, દરેક તર્કપ્રધાન મનને, અજ્ઞેયવાદીઓને, નાસ્તિકોને – ભલે એ લોકો ‘ધર્મ’ શબ્દથી ભડકતા હોય – તોપણ સૌને સ્પર્શશે. યોગ શબ્દના પ્રચલિત અર્થ હઠાગ્રહ કે કર્મકાંડ રૂપે છે, આમાં ધર્મ જેવું કંઈ નથી. ગીતાના યોગમાંથી પ્રાપ્ત, જીવનની વ્યાપક ફિલસૂફી આ છે, જીવનની આધ્યાત્મિકતા છે. દરેક માણસ માટે એ છે. શ્રીકૃષ્ણ કહે છે, ચાલો, આપણે યોગી થઈએ. ‘યોગી થા’, એમ શ્રીકૃષ્ણ દરેકના કાનમાં કહે છે. આપણે તરત જ ખોટો નિર્ણય તારવીએ કે યોગી થવા માટે આપણે કોઈ જુદી જાતના માણસ થવું પડશે; કંઈ જાદુ, કંઈ ચમત્કાર, આ ને તે, બધું યોગી પાસે હોવું જોઈએ. શ્રીકૃષ્ણ કહે છે, ‘ના, હું એવું કંઈ કહેતો નથી. હું કહું છું કે એકદમ સામાન્ય જીવન જ જીવો પણ તેમાં એક ઊંડાણને ઉમેરીને.’ કેવું તો વૈશ્વિક તત્ત્વચિંતન આ છે! તમે જીવન જીવો છો, તમે પ્રવૃત્તિ કરો છો, બીજાંઓ સાથે તમે વર્તાે છો ને, આ સર્વથી તમારા ચિત્તને અને હૃદયને ઘડો છો અને તમારી ભીતર રહેલા દિવ્ય સ્ફુલિંગનો આવિષ્કાર કરવા કોશિશ કરો છો. આ રીતે બહારથી, સામાજિક અભ્યુદય અને વિકાસ સધાય છે અને એને સમાંતર, આંતરિક રીતે આધ્યાત્મિક વિકાસ અને પૂર્ણતા પમાય છે.

આજે આવા વિચારો આપણી સમક્ષ અર્વાચીન જીવશાસ્ત્ર તરફથી આવી રહ્યા છે : માનવ સોપાને ઉત્ક્રાંતિનું ધ્યેય ઈન્દ્રિય પરિતોષ, સાંખ્યિકી વૃદ્ધિ કે ભૌતિક અસ્તિત્વ ટકાવી રાખવાનો નથી. વીસમી સદીના જીવશાસ્ત્રી સર જુલિયન હક્સ્લી અને બીજાઓના આ શબ્દો છે. ઉત્ક્રાંતિના માનવપૂર્વ તબક્કે આ હેતુઓ હતા. પ્રત્યેક પ્રાણી ઈન્દ્રિયતૃપ્તિ સાંખ્યિકીવૃદ્ધિ ઝંખે છે. એને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું છે. પણ વીસમી સદીમાં, માનવકક્ષાએ ઉત્ક્રાંતિને નવું ધ્યેય સાંપડયું છે. એની વ્યાખ્યા પૂર્ણતા શબ્દ વડે હક્સ્લી કરે છે : ઈન્દ્રિયોની તૃપ્તિ, ઈન્દ્રિયોને ટકાવી રાખવી, સંખ્યાવૃદ્ધિ, આ બધું દ્વૈતીયિક છે. મુખ્ય ઉદ્દેશ પૂર્ણતાનો છે. કેવો તો સુંદર શબ્દ છે એ ! પૂર્ણતાની આ વિભાવનાનો પ્રયોગ પહેલીવાર કરીને, મેં અગાઉ આપેલું હક્સ્લીનું અવતરણ એ પ્રયોજે છે; ‘ઉત્ક્રાંતિનું ધ્યેય પૂર્ણતા હોય તો માનવ શકયતાઓના નવા વિજ્ઞાનની આવશ્યકતા આપણને રહેશે.’ આ શકયતાઓ કઈ છે અને એમને કેવી રીતે પ્રકટ કરવી ? આ બાબત આજે પશ્ચિમમાં કશું નથી. પણ તમે ભારતીય વેદાંતનું અધ્યયન કરો છો ત્યારે તમારી સામે આ જ વિજ્ઞાન આવે છે અને એ શકયતાઓને જીવનમાં આવિષ્કૃત કરવાની રીત પણ તે દર્શાવે છે. ને એટલે ્રૂળજ્ઞઉં : ઇંપૃલૂ ઇંળેયબપ્ર, યોગની આ વ્યાખ્યાનું સૌએ ચિંતન કરવું જોઈએ અને તેમાંથી ઉત્તમ ફળ મેળવવું જોઈએ. અને શ્રીકૃષ્ણ આપણા સૌના કાનમાં રહે ‘યોગી થાઓ’, ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસે – આઈ.એ.એસ. – આને પોતાના મુદ્રાલેખ તરીકે સ્વીકારેલ હોવાથી, મસુરીની લાલબહાદુર શાસ્ત્રી વહીવટી એકેડમીમાં, આ વિષય પર હું બોલ્યો હતો. આ માત્ર આઈ.એ. એસ. માટે જ નથી, સૌને માટે છે. દરેક સરકારી અમલદારના કાનમાં શ્રીકૃષ્ણ કહે છે : ‘યોગી થા’; શિક્ષકને, ડોકટરને અને દરેકને કહે છે : ‘યોગી થા.’ કેવા પ્રકારનો યોગી ? વેશ બદલાથી અને બાહ્ય ચિહ્નોવાળા જોવા મળતા યોગી નહીં. તમારી અંદર કોઈ ગહન પરિવર્તન આવે છે. તમારી ભીતર નવી શક્તિઓ ઊપજે છે. એ માનવીનો આધ્યાત્મિક વિકાસ છે; એ સધાય છે કામના પોતાના જ સંદર્ભમાં, માનવ સંબંધોના સંદર્ભમાં. આના કરતાં વધારે જ્યોતિર્મય અને વૈશ્વિક અને વ્યવહારુ સંદેશ બીજો કયો હોઈ શકે !

Total Views: 316

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.