(ગતાંકથી આગળ…)

ખૂબ પરિશ્રમ કરો ને, તમારા કાર્ય દ્વારા સમાજનું સુખ અને કલ્યાણ સાધો. પ્રભુને માત્ર પ્રાર્થના કરવાથી કે કોઈ કર્મકાંડ કરવાથી આ કરી શકાતું નથી. આપણે એ ભૂલ કરી છે. ભૌતિક સુખસંપત્તિ માટે આપણે કર્મકાંડો અને વિધિઓની પાછળ પડયા – પૈસો પ્રાપ્ત કરવા માટે માણસ ઘરની ભીંતે લક્ષ્મીનું ચિત્ર રાખી તેની આરતી ઉતાર્યે રાખે છે. અસંખ્ય લોકો આવું મૂર્ખાઈભર્યું કૃત્ય કરે છે. એને બદલે જાઓ અને કામે લાગો. લક્ષ્મી એથી પેદા થાય છે. કુશલ પરિશ્રમથી, સહકારી પરિશ્રમથી લક્ષ્મી નીપજે છે. છેલ્લા કેટલાક સૈકાઓમાં આપણે આ સત્ય સાવ વીસરી ગયા; સખત પરિશ્રમ કર્યા પછી ભલે તમે ચિત્રની આરતી ઉતારો. વિદ્યાની દેવી સરસ્વતીનો સાચો અર્થ ન સમજીને, એના ચિત્રની માત્ર પૂજા કરવાથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકવાના નથી. આ માત્ર પ્રતીકાત્મક પૂજા છે, કેવળ ચિત્ર છે, સખત અને ઉત્પાદક શ્રમ કર્યા પછી અને ગ્રંથોના અધ્યયન અને ચિંતન પછી ભલે તમે એકવાર ચિત્રની પૂજા કરો; સાચું જ્ઞાન એ રીતે આવે. આ પાઠ આપણે ભૂલી ગયાં. આપણે એને ફરીથી તાજો કરવાની અને શીખવાની જરૂર છે. આપણે સરસ્વતીના અને લક્ષ્મીના સાચા ભક્તો થઈશું અને આજના યુગમાં નવો પાઠ શીખીશું. સ્વામી વિવેકાનંદે એની ઉપર ભાર મૂકયો હતો અને કહ્યું હતું કે લક્ષ્મી સરસ્વતીની નીપજ છે. જ્ઞાન જેટલું વધારે, તેટલી સમૃદ્ધિ વધારે, અજ્ઞાન સમૃદ્ધિ ઉત્પન્ન ન કરી શકે. માટે પહેલાં જ્ઞાનની ઉપાસના કરો; એ સરસ્વતી પૂજા છે. પછી તમારી આસપાસનાં પ્રકૃતિનાં પરિબળો ઉપર તમારું જ્ઞાન કામે લગાડૉ. એ સમૃદ્ધિમાં, લક્ષ્મીમાં પરિણમે છે. એ બંને પ્રેમાળ બહેનો છે. બંને અદેખી બહેનો છે એ જૂની માન્યતા હતી. લક્ષ્મી આવે ત્યાંથી સરસ્વતી જતી રહે અને એથી ઊલટું પણ બને. આપણા પૂરતું એ સાચું હતું. પૈસાદાર લોકો પાસે બહુ જ્ઞાન ન હોય અને જ્ઞાનીઓ પાસે પૈસો ન હોય.

લક્ષ્મી અને સરસ્વતીનો સાચો અર્થ ન સમજવાથી આપણી એ દશા થઈ હતી. આજે આ બંને બહેનોને દરેક ઘેર આણવાની, આપણા આખા સમાજમાં પ્રસ્થાપિત કરવાની જરૂર છે. પહેલાં સરસ્વતી, પછી લક્ષ્મી. તમારા જ્ઞાનને વ્યવહારમાં કામે લગાડો એટલે લક્ષ્મી આવશે.

શુદ્ધ વિજ્ઞાન અને પ્રાયોજિત વિજ્ઞાન, એમ આપણે કહીએ છીએ. આર્થિક અને પર્યાવરણીય વિકાસરૂપી ફળમાં જ્ઞાનનું પરિવર્તન. આજે પણ આપણી ગ્રામપ્રજા પાસે મેટ્રિકયુલેશન (એસ. એસ. સી.)નું નહીં પણ ૮મા ધોરણ સુધીનું શિક્ષણ હોય તો આખા ભારતમાં કેટલો વિકાસ સધાયો હોત ! અભ્યાસ, ઊંડું ચિંતન અને સખત પરિશ્રમ જ ખરી પૂજા છે. ભારતમાં એણે પાછા આવવાની જરૂર છે. પણ આર્થિક આબાદી આવશે અને તમારાં ચિત્તમાં અને હૃદયમાં દરિદ્રતા હશે તો એ જ મોટી કરુણાંતિકા થશે. આપણી ભીતર આધ્યાત્મિક જાગૃતિ કરીને આપણા ચિત્તહૃદયમાંથી આપણે દરિદ્રતાની હકાલપટ્ટી કરી દેશું. જેઓ સારા કાર્યશીલ છે, જેમણે ઉચ્ચ ચારિત્ર્ય, જાહેર જવાબદારીની ભાવના, સેવાવૃત્તિ અને સમર્પણની ભાવના વિકસાવ્યાં છે તે સૌ કોઈપણ રાષ્ટ્રની મોટી મૂડી છે. જગતભરમાં આવા લોકો મોટી સંખ્યામાં પેદા કરવા તે આજના યુગમાં ગીતાનું કાર્ય (મિશન) છે. ને ગીતા એમ કરવાની જ અને લોકો આજે વિવેકપૂત, વ્યવહાર્ય ધર્મને ખોળી રહ્યા છે, એમને કશું રહસ્યમય, કશું બાબાવાકય પ્રમાણ જેવું, કશું સાંપ્રદાયિક મર્યાદાવાળું નથી ખપતું. માટે પોતાની શક્તિ અનુસાર સૌએ આ ટૂંકી વ્યાખ્યાનો અભ્યાસ કરી, એનું ચિંતન કરી, એને વ્યવહારમાં મૂકવી જોઈએ.

શ્રીકૃષ્ણે અગાઉ કહ્યું હતું, ‘એનો થોડોક અંશ પણ તારનાર છે’, स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्, ભારતની ઉત્પાદનક્ષમતા પાંચ ટકા પણ વધશે તો આ બધી ગરીબાઈને અને બધા પછાતપણાને આપણે હાંકી કાઢી શકીશું. શ્રીકૃષ્ણ મને યોગી થવાનું કહે છે. હું સો ટકા યોગી નથી બની શકતો એટલે જે છું તે જ હું રહું. તો એ વલણ બરાબર નથી. એક ટકો, પાંચ ટકા, જેટલા બની શકો તેટલા યોગી બનો. એનાથી તમને અને તમારા સમાજને લાભ જ થવાનો છે. આપણી નજર સામે આ સત્ય કાયમ રહેવું જોઈએ. બધી આળસ જવી જોઈએ; ધર્મને નામે, ધ્યાનને નામે, સમાધિને નામે આપણે આળસુ બની ગયા અને સૈકાઓ સુધી ઊંઘતા રહ્યા. આ ગીતા શ્રીકૃષ્ણનો શંખનાદ ફૂંકે છે ને આપણને સૌને જગાડે છે. અગિયારમા અધ્યાયમાં (૩૩મા શ્લોકમાં) એ કહેવાના છે : तस्मात् त्वं उत्तिष्ठ यशो लभस्व जित्वा शत्रून्भुड्क्ष्व राज्यं समृद्धम्, ‘હે અર્જુન, તું ઊઠ’, तस्मात् त्वं उत्तिष्ठ यशो लभस्व ‘માનવની છે તે કીર્તિ મેળવ.’ માનવીઓ સાથે કીર્તિ જોડાયેલી છે. એ કીર્તિ આપણે ગુમાવી બેઠા છીએ; આપણે એ ફરી મેળવવાની છે. जित्वा शत्रून्, તારા શત્રુઓ પર વિજય મેળવીને’, શત્રુઓ છે ગરીબાઈના, પછાતપણાના રૂપમાં. તે પછી भुङ्क्ष्व राज्यं समृद्धम्, ‘આપણા આ અદ્‌ભુત દેશમાં પૂરી રીતે જીવન માણો.’ આ સ્થિતિ કેવી અદ્‌ભુત હશે ! આજનું દારિદ્ર અને પછાતપણું જિતાઈ ગયેલ હશે ત્યારે એવા દેશમાં, જીવવું અને અન્ય લોકો સાથે કામ કરવું એનો મોટો આનંદ હશે. આપણી પ્રજાના બહુસંખ્યક લોકો આ ફિલસૂફીને વ્યવહાર્ય બનાવશે ત્યારે એ પરિવર્તન આવશે. (ક્રમશ 🙂

Total Views: 271

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.