(ગતાંકથી આગળ…)

પ્રકરણ : ૫

ખુશ મુશ્કેલીઓનો હિંમતપૂર્વક

સામનો કરતાં શીખ્યો

સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા લઈને હિંમતપૂર્વક મુશ્કેલીઓનો સામનો કરતાં શીખે છે

મુશ્કેલીઓનો સામનો કરવા વિશે સ્વામી વિવેકાનંદનાં સાહસ અને હિંમત વિશે ખુશે સાંભળ્યું હતું. સ્વામી વિવેકાનંદ કાશીમાં હતા ત્યારે એક ઘટના બની હતી :

‘ભારતભ્રમણમાં એક વખત સ્વામી વિવેકાનંદ વારાણસીના દુર્ગા માતાના મંદિરેથી આવતા હતા, ત્યારે વાંદરાનું એક ટોળું એમની પાછળ પડ્યું. એમનાથી બચવા સ્વામીજી દોડવા લાગ્યા. વાંદરા પણ હૂપ હૂપ કરતા એમની પાછળ પડ્યા. એ જોઈને એક સાધુએ કહ્યું : ‘‘ભાગો નહીં, એમનો હિંમતથી સામનો કરો!’’ સ્વામીજીએ શબ્દો સાંભળ્યા અને નીડરતાથી વાંદરાના ટોળા સામે ઊભા રહી ગયા. તરત જ વાંદરાઓની કનડગત બંધ થઈ અને નાસી ગયા.’

સ્વામી વિવેકાનંદે આ ઘટનામાંથી આ ઘણો મોટો બોધ લીધો હતો કે જ્યારે જીવનમાં મુસીબતો આવે ત્યારે આપણે મુસીબતોથી ભાગવા કરતાં હિંમતપૂર્વક તેમનો સામનો કરવો જોઈએ.

પોતાની ભૂલોનો સ્વીકાર કરવા માટેની

હિંમતનો અભાવ

વાસ્તવિકરૂપે મુસીબતોનો સામનો હિંમતપૂર્વક કરી શકે એવા અવસરની ખુશ રાહ જોતો હતો. એક વાર પોતાની કોલોનીમાં બીજાં બાળકો સાથે ક્રિકેટ રમતો હતો. કોલોનીના છોકરાઓમાંથી બે ટુકડી થઈ. પ્રત્યેક ટુકડી ગમે તે ભોગે જીત મેળવવા ઇચ્છતી હતી. બન્ને ટુકડીઓ ખોટી રીતે રમત રમવા લાગી. એને લીધે લડવા-ઝઘડવાનું વધ્યું અને રમતને સમય ઓછો મળ્યો. રમત પૂરી થવા આવી અને બન્ને ટુકડીઓ લડવા માટે સામસામે આવી ગઈ. અચાનક રમત થંભી ગઈ અને બન્ને ટુકડીઓ અપશબ્દ બોલતાં બોલતાં મારામારી પર આવી ગઈ. બન્ને ટુકડીઓ રમતના મેદાનમાંથી ચાલી ગઈ. પરંતુ એનાથી એક નવો અધ્યાય શરૂ થયો. બાળકોનાં મોટેરાં વચ્ચે શત્રુતાનો ભાવ ઊભો થયો. એને પરિણામે કોલોનીનાં બાળકોનું રમવાનું બંધ થઈ ગયું.

ખુશને લાગ્યું કે આ સમસ્યાનું સમાધાન કરવા થોડી વધારે હિંમતની જરૂર છે. એણે સ્પષ્ટ રીતે જોયું હતું કે લડવા-ઝઘડવા માટે બન્ને ટુકડીઓ જવાબદાર હતી. પણ બેમાંથી એકેય પોતાની ભૂલ કબૂલ કરવાની હિંમત કરી શકે તેમ ન હતી. રવિવારનો દિવસ હતો અને ખુશ હાથમાં મીઠાઈનો ડબ્બો લઈને પોતાની વિરોધી ટીમના ખેલાડીઓનાં ઘરનાં બારણાં ખખડાવવા લાગ્યો. જ્યારે તે પ્રથમ વિરોધી ટુકડીના નેતા રાજુનાં ઘરે ગયો ત્યારે ખુશને એ જોઈને આશ્ચર્ય થયું કે રાજુના માતાપિતા તેને જોઈને જ ગુસ્સે થયાં. તેઓ એમ માનતાં હતાં કે ખુશનો એના પુત્ર રાજુ પર ખરાબ પ્રભાવ પડશે. તેઓ એમ પણ માનતાં હતાં કે રાજુ ખુશ સાથે મિત્રનો સંબંધ ન રાખેે. છતાંય ખુશે હિંમત કરીને રાજુનાં માતાપિતાને મીઠાઈ આપી. આપણે જોયું તેમ તેઓ ખુશ વિશે આનાથી ઊલટું જ ધારતાં હતાં. મીઠાઈ આપતાં આપતાં ખુશે એમને કહ્યું, ‘આપ વડીલોને સાચી વાત કહું છું કે ગયે અઠવાડિયે ક્રિકેટ રમતાં રમતાં અમારી વચ્ચે પરસ્પર ઝઘડો થયો હતો. એને કારણે આપણી કોલોનીનાં બાળકો સાથે એમનાં મોટેરાઓમાં પણ એકજાતનો દુર્ભાવ ઊભો થયો છે. વાસ્તવિક રીતે જોઈએ તો ભૂલ બન્ને ટુકડીઓની હતી. કારણ કે રમતમાં અપ્રામાણિકતા તો બન્ને પક્ષોએ કરી હતી. વળી એકબીજાએ સામાવાળાની ભૂલ કાઢીને પોતાની ભૂલ છાવરી હતી. આ મારો સાચો અભિપ્રાય છે અને મારી ટુકડી વતી હું આપની પાસે માફી માગવા આવ્યો છું. મને એવી આશા છે કે બીજી ટુકડીના સભ્યો પણ પ્રેમથી આગળ આવશે અને પોતાની ભૂલનો સ્વીકાર કરીને કોલોનીના મેદાનમાં રમત ફરીથી શરૂ કરશે.’

નાના ખુશના મોઢેથી આવી સાચી અને પ્રામાણિકતાની વાત સાંભળીને રાજુનાં માતાપિતાને ઘણું આશ્ચર્ય થયું. સાચી વાત જાણીને એમનો ગુસ્સો સમી ગયો. રાજુએ પણ પોતાની ભૂલનો સ્વીકાર કરવાની હિંમત કરી અને બન્ને મિત્રોને ફરીથી મળવાનો પ્રયાસ કરતા જોઈને રાજુનાં માતાપિતા રાજી થયાં. તેમણે ખુશને શાબાશી આપી અને રાજુએ પણ આગળ આવીને ખુશ સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો.

હવે ખુશ એકલો ન હતો, એને રાજુનો સાથ પણ મળ્યો હતો. ખુશ રાજુને સાથે લઈને બીજા મિત્રોના ઘરે ગયો અને બધાએ એકી સાથે ખુશની આ સારી સલાહ માની લીધી. આને પરિણામે તે દિવસે સાંજે બધા મિત્રો મેદાનમાં એક સાથે મળ્યા અને પોતપોતાની ભૂલનો સ્વીકાર કરીને પ્રેમ અને ઉત્સાહ સાથે પહેલાંની જેમ ક્રિકેટ રમવા લાગ્યા.

ખુશની સમાધાન કરાવવાની અને અરસપરસ મેળમેળાપ કરાવવાની આ પહેલથી માત્ર બાળકો જ નહીં, પણ એમનાં પાલકોનું ધ્યાન પણ નાના ખુશની તરફ ગયું. કારણ કે આ કિસ્સો બધાની પરેશાનીનું કારણ બની ગયો હતો. ખુશના મને આ સમસ્યાને વધારે સમય સુધી વધવા ન દીધી. એણે સાહસ અને હિંમતથી એનો સામનો કર્યો અને એનો ઉકેલ પણ શોધી કાઢ્યો. બધાએ ખુશના આ કાર્યની ઘણી પ્રશંસા કરી, કારણ કે એની ભાવના સાચી અને હિંમતવાળી હતી.

ખુશ પોતાની આ સફળતા પર હર્ષોન્મિત થઈ ગયો. તે પોતાના આ અપૂર્વ અનુભવમાં સ્વામી વિવેકાનંદને પોતાના સ્વપ્ન જગતમાં સહભાગી બનાવવા ઇચ્છતો હતો અને એમની પાસેથી ભવિષ્યમાં પણ માર્ગદર્શન મેળવવાની આશા રાખતો હતો. એ રાત્રે ખુશ સૌની પહેલાં સૂવા ચાલ્યો ગયો. જેવું એ સ્વપ્ન જોવા લાગ્યો, કે તરત જ એણે જોયું કે એક અવકાશયાન એના ભવન પર આવીને ઊતર્યું. તે તરત જ છત પર ચાલ્યો ગયો.

ખુશે એ અવકાશયાનને ઊતરતાં ખૂબ ધ્યાનપૂર્વક જોયું. જો કે બાહ્યદૃષ્ટિએ જોતા તે અવકાશયાન એક વિમાન જેવું જ હતું. પરંતુ તે એક સાધારણ વિમાન કરતા અનેક રીતે ભિન્ન ૫ણ હતું. તેમાં બે ડેલ્ટા પાંખ હતી. પાંખના અંતિમ છેડે ચાર એવીલોન સ્થાપિત કર્યાં હતાં. રડાર અને સ્પિડ બ્રેકર્સ એન્જિનની સાથે અવકાશયાનની પાછળના ભાગમાં સંલગ્ન હતા, જેથી અવકાશયાનને ઉપર ઊડાડી શકાય અને નીચે પણ ઊતારી શકાય. એમાં બેસવા માટે માત્ર બે સીટ હતી અને અવકાશયાનના બાકીના ભાગમાં સ્નાનાગાર, સૂવાની પથારી અને અન્ય સામગ્રીઓ માટે એક ભંડાર-ઘર તથા અંતરિક્ષયાત્રીઓ માટે પાણી અને ભોજનની વ્યવસ્થા હતી. સ્વામી વિવેકાનંદ ફલાઈટ-ડેકમાં બેઠા હતા તથા એમણે ત્યાંથી એક દોરડાની સીડી શટલથી નીચે ફેંકી. ખુશે દોરડાની સીડીની મદદથી અવકાશયાનમાં પ્રવેશ કર્યો. ખુશ જેવો શટલમાં પ્રવેશ્યો કે તરત જ તેણે પોતાની સફળતાની પ્રશંસા કરવાનું શરૂ કરી દીધું, કેવી રીતે બધા ખેલાડીઓને એકબીજા સાથે મળાવ્યા, વગેરે. સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘બેટા, હું તારાં આ સાહસપૂર્ણ કાર્યથી ખૂબ પ્રસન્ન છું અને એની ભેટરૂપે તને હું આ સ્પેસવોકમાં લઈ જાઈ રહ્યો છું જેથી ભવિષ્યમાં તારાં સાહસ અને આત્મવિશ્વાસ વધશે. આ સ્પેસવોક શું છે એ તું જાણે છે ? આ સ્પેસ શટલમાં બેસીને આપણે પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં જઈ શકીએ છીએ. એની ઊંચાઈ ૧૦૦ કિ.મી.થી માંડીને ૨૦૦૦ કિ.મી.ની હોય છે. એકવાર આપણે એમાં પહોંચી જઈએ, ત્યારે આપણે અવકાશમાં ચાલી શકીએ છીએ. પણ તારે ઝડપથી કેટલીક વાતો શીખી લેવી પડશે જેથી તું સ્પેસવોક માટે તૈયાર થઈ શકીશ.’

સ્વામી વિવેકાનંદે ત્યારે સ્પેશ શટલને અવકાશમાં ઊડાડ્યું અને ખુશને આ અંતરિક યાત્રા વિશે ભિન્ન ભિન્ન જાણકારી આપવા લાગ્યા, એમણે કહ્યું, ‘આ પૃથ્વી વાયુમંડળથી ઘેરાયેલી છે અને આ વાયુમંડળની ઘનતા ઊંચાઈ વધવાની સાથે ઓછી થવા લાગે છે. સ્પેસ શટલને ઓછામાં ઓછા કલાકના ૨૮,૦૮૦ કિ.મી.ની ઝડપે ઊડવું પડે છે. એને લીધે તે પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં જઈ શકે છે. એકવાર સ્પેસ શટલ જ્યારે આ ઊંચાઈએ પહોંચી જાય છે ત્યારે તે પૃથ્વીની ચારે તરફ દર સેકંડે ૧૭૦૦૦ માઈલની ઝડપે ઊડવા લાગે છે અને આખી પૃથ્વીનું એક ભ્રમણ ૯૦ મિનિટમાં પૂરું થાય છે. ત્યાં આપણું વજન શૂન્ય થઈ જાય છે.’

એ જ સમયે શટલ પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં પહોંચી ગયું. ખુશને સ્પેસવોક વિશે સમજાવતાં સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘જો બેટા, હવે આપણે પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં પહોંચી ગયા છીએ. આપણું સ્પેસ શટલ પૃથ્વીની પરિક્રમા કરતું રહેશે અને આપણે સ્પેસ શટલની બહાર નીકળીએ તે પહેલાં મારે તને કેટલીક બાબતો સમજાવવી જરૂરી છે. સૌથી પહેલી વાત એ છે કે વાયુમંડળનો પ્રાણવાયુ બહાર ઘણી ઓછી માત્રામાં છે એને લીધે તું શ્વાસ નહીં લઈ શકે. આપણે એને માટે એક વિશિષ્ટ અંતરિક્ષ પોશાક પહેરવો જરૂરી છે. એમાં ઓક્સિજન ભરેલો રહે છે. બીજી વાત એ છે કે જ્યારે આપણે સ્પેસવોક કરતા હોઈએ ત્યારે આપણે પોતાની જાતને સ્પેસ શટલ સાથે બાંધી રાખવી પડશે નહીં તો આપણે ક્યારેય અંતરિક્ષયાનની અંદર જઈ નહીં શકીએ અને પૃથ્વી તરફ પાછા ફરવું પણ પડે. એને માટે આપણે દોરડા જેવા બંધનથી પોતાની જાતને અવકાશયાન સાથે બાંધી રાખવી પડે. એને લીધે આપણે અવકાશયાનની આજુબાજુ જ રહીશું અને ક્યાંય અંતરિક્ષમાં ચાલ્યા નહીં જઈએ. આ દોરડાનો એક છેડો હંમેશાં શટલ સાથે બંધાયેલો રહેશે અને આપણે શટલથી અલગ થયા વિના અંતરિક્ષમાં મુક્ત રીતે ફરી શકીશું. પરંતુ આપણે અંતરિક્ષમાં કેવી રીતે ચાલી શકીએ ? એમાં કેટલીક સમસ્યાઓ આડી આવે છે, જેમ કે મેં તને બતાવ્યું છે તે પ્રમાણે આપણું વજન એ વખતે શૂન્ય થઈ જાય છે અને ચાલવામાં આપણે આપણા પગનો ઉપયોગ કરી શકતા નથી. અંતરિક્ષમાં ચાલવા માટે એક વિશિષ્ટ બંડલનો ઉપયોગ કરવો પડે છે, જેને સેફર (જઅઋઊછ – જશળાહશરશયમ અશમ રજ્ઞિ ઊટઅ છયતભીય) કહે છે. અને એને પીઠ પર લાદવું પડે છે. સેફરની અંદર થ્રસ્ટર્સ (ઈલેકટ્રીક મોટર) હોય છે, જે આપણને આગળ-પાછળ તેમજ ઉપર-નીચે ધકેલે છે. આ સેફરને એક જોયસ્ટિકથી નિયંત્રિત કરવામાં આવે છે. જેવી રીતે આપણે વિડિયોની રમતમાં ઉપયગમાં લઈએ છીએ તેમ અવકાશમાં ચાલતી વખતે આપણે આપણી ગતિવિધિઓને જોયસ્ટિક પર લાગેલ બટન દ્વારા નિયંત્રણમાં લાવી શકીએ છીએ.’

(ક્રમશ 🙂

Total Views: 232

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.