સ્વામી વિવેકાનંદની એક પ્રબળ અને સ્પષ્ટ સંકલ્પના હતી કે કોઈ પણ બાળક પોતાનાં માતપિતાને એમાંય વિશેષ કરીને માતાને માન-આદર આપ્યાં વિના સાચી મહત્તા મેળવી ન શકે. ભારતીય સંસ્કૃતિની પ્રણાલીના સાચા અનુયાયી તરીકે સ્વામીજીએ પોતાનાં માતાના મહાન ચારિત્ર્યની ગૌરવગરિમા આ શબ્દોમાં કરી છે :

‘(મારાં માતા) ..હંમેશાં સહન કરતાં અને સદૈવ ચાહતાં.. મારાં માતાએ મને આપેલા પ્રેમથી જ હું આજે જે છું તે બન્યો છું. એ માટે હું એમનો અત્યંત ઋણી છું અને હું ક્યારેય એમનું ઋણ ચૂકવી ન શકું…

હું જાણું છું કે મારો જન્મ થયો તે પહેલાંથી મારાં માતા ઉપવાસ કરતાં, પ્રભુને પ્રાર્થના કરતાં અને એવું ઘણું ઘણું કરતાં કે જે હું પાંચ મિનિટ માટે પણ ન કરી શકું. એમણે આવી તપસ્યાઓ બબ્બે વર્ષ સુધી ચાલુ રાખી. હું દૃઢપણે માનું છું કે જે કંઈ ધાર્મિક સંસ્કાર મારી પાસે છે તેને માટે હું તેમનો ઋણી છું. સતત જાગ્રતપણે મારી માતાએ હું જે છું તે બનાવવા આ વિશ્વમાં મને લાવી મૂક્યો. જે કોઈ પણ સદ્ગુણની આંતરિક ભાવના મારામાં છે તે મારી માતાએ મને જાગ્રતપણે આપી છે, જરાય ચૂક્યા વિના.’

માતૃત્વ અને પોતાનાં માતાના સદ્ગુણોને વર્ણવતાં સ્વામીજી ક્યારેય થાકતા નહીં. ૧૮ જાન્યુઆરી, ૧૯૦૦ના રોજ કેલિફોર્નિયાના પાસાડેનામાં આપેલ ‘ભારતીય નારી’ વિશેના એક વક્તવ્યમાં સ્વામીજીએ કહ્યું હતું :

‘માતૃત્વના આદર્શમાંથી આવે છે જબરદસ્ત જવાબદારી. મૂળ ત્યાં છે. શરૂઆત ત્યાંથી કરો. વારુ, માતાનું આટલું બધું સન્માન જાળવવાની જરૂર શી ? જરૂર એટલા માટે છે કે અમારાં શાસ્ત્રો એમ શીખવે છે કે જન્મ પૂર્વેની અસર બાળકને શુભ કે અશુભ પ્રેરણા આપે છે. ભલે હજારો વિદ્યાલયોમાં ભણી વળો, લાખો પુસ્તકો વાંચી નાખો, વિશ્વના સર્વ વિદ્વાનોનો સંપર્ક સાધો, પરંતુ જો તમે યોગ્ય સંસ્કારો સહિત જન્મ્યા હો તો આ બધા કરતાં ઉચ્ચ કક્ષાએ તમે છો…

અમારાં શાસ્ત્રો કહે છે : જન્મ પહેલાંના સંસ્કારો પ્રત્યે ધ્યાન આપો. માતા પૂજનીય શા માટે ગણાવી જોઈએ? કારણ કે તેણે પોતાની જાતને પવિત્ર બનાવી છે; પોતાની જાતને વધારેમાં વધારે પવિત્ર બનાવવા સારુ તેણે અનેકવાર ઉગ્ર વ્રતાદિ તપશ્ચર્યાઓ કરી છે…

મારાં માતા અને પિતાએ ઉપવાસવ્રત કર્યાં છે અને વર્ષોનાં વર્ષો સુધી પ્રભુની પ્રાર્થના કરી છે કે જેથી મારો જન્મ થાય. કોઈ પણ બાળક જન્મે તે પહેલાં તેઓ પ્રભુને પ્રાર્થના કરે છે. મનુસ્મૃતિ નામના ગ્રંથ દ્વારા નિયમો આપનાર મહાન મનુએ સાચા આર્યની વ્યાખ્યા આપતાં કહ્યું છે : ‘એ જ સાચો આર્ય છે કે જે પ્રાર્થના દ્વારા જન્મે છે.’

તેઓ (ભુવનેશ્વરીદેવી) એક સંતરૂપે મને આ વિશ્વમાં લાવ્યાં. તેમણે વર્ષો સુધી પોતાના દેહને શુદ્ધ, પવિત્ર; આહારને પવિત્ર અને નિર્મળ; વસ્ત્રોને પણ શુદ્ધ પવિત્ર રાખ્યાં. સાથે ને સાથે પોતાની કલ્પનાઓને પણ પવિત્ર અને શુદ્ધ રાખી. એનું કારણ એ હતું કે જેથી હું જન્મ લઉં. એમણે (મારા માટે) આટલું બધું તપ કર્યું એ માટે તેઓ પૂજવા યોગ્ય છે.’

એ જ વક્તવ્યમાં એમણે માતા પ્રત્યેની પૂજ્યભાવના વિશે કહ્યું હતું : ‘નાના બાળક અને કિશોર અવસ્થા સુધી પણ દરરોજ અમે વહેલી સવારે નાનો પાણીનો લોટો લઈને માતાની સમક્ષ મૂકતાં, માતા એમાં પોતાનાં ચરણ ધોતાં અને અમે એ ચરણામૃત પીતા.’

સ્વામીજી તો ‘મૂર્તિમંત ભારત’ હતા. એમનામાં સમગ્ર ભારતનો અનાદિકાળથી ચાલ્યો આવતો શાશ્વત આધ્યાત્મિક વારસો જોવા મળે છે. માનવ માતાના રૂપે એમણે માતૃપૂજા કે વંદનાને પ્રેરી છે. સમગ્ર વિશ્વના સાહિત્યગ્રંથોએ માતૃપ્રેમને સૌથી વધારે પવિત્ર સમર્પણભાવના રૂપે ગૌરવાન્વિત કર્યો છે. ભારતના માતૃપૂજાના આદર્શમાં આપણે જો કંઈ ઉમેરવા ઇચ્છતા હોઈએ તો એમનાં પોતાનાં માતા પ્રત્યેનાં ભવ્યોદાત્ત પ્રેમભક્તિના આદર્શમાંથી તે ઉમેરણ આપણને મળે છે. જન્મથી જ પ્રજાના આધ્યાત્મિક આદર્શથી અભિસિંચિત એવા સ્વામી વિવેકાનંદ તત્ત્વજ્ઞાન અને આદર્શને રજૂ કરે છે અને પોતે પણ એ આદર્શવાદના અનુસરણીય પુરુષ છે.

Total Views: 197

One Comment

  1. Maithili July 19, 2023 at 7:12 pm - Reply

    🙏🏻

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.