(સપ્ટેમ્બરથી આગળ…)

સ્વામી વિવેકાનંદ એને વ્યવહારુ વેદાંત કહે છે. વેદાંત અત્યાર સુધી ચર્ચાનો વિષય રહ્યું છે. ચા-પાણી વખતની ચર્ચા. આખા ભારતમાં આવી વેદાંત ચર્ચા આપણે ત્યાં હતી. હું મૈસુરમાં હતો ત્યારે મેં આ મારી આંખે જોયું છે; બપોરના ભોજન પછી અનેક પંડિતો ભેગા થાય. ‘ચાલો, આપણે ચર્ચા કરીએ. આજે કયા વિષય પર વાદ કરીશું ?’ એમાંનો એક બોલે, ‘અમારું વસ્ત્ર શુદ્ધ નથી, એટલે અમારા પોતાના સંપ્રદાયની ચર્ચા આજે નહીં કરીએ; આપણે અન્ય સંપ્રદાય વિશે વાદ કરીશું.’ આવી ક્ષુદ્રતા ત્યાં હતી અને મહાન વેદાંત વહેમના અને શાબ્દિક દલીલોના કળણમાં ખોવાઈ ગયું હતું. પછી વ્યવહારુ વેદાંતની પોતાની સિંહગર્જના કરતા વિવેકાનંદ આવ્યા.

સાંસારિક અભ્યુદય અને આધ્યાત્મિક વિકાસનો સંગમ કરવા માટે આપણા દેશમાં વેદાંતી સમાજ અને સભ્યતા ઊભી કરવાનો આ રાષ્ટ્રવ્યાપી પ્રયત્ન આપણે પહેલીવાર કરીએ છીએ. બંને સાથે જ ચાલશે. આ ગીતાનો યોગ છે. કેટલાક મહિના પછી એના છેલ્લા શ્લોકનો સ્વાધ્યાય આપણે કરીશું ત્યારે તમને એની ખાતરી થશે; આખા ગ્રંથ પર પૂર્ણવિરામ મૂકતો સંજય બોલે છે : ‘જ્યાં જ્યાં કૃષ્ણનો ભાવ છે, જ્યાં જ્યાં અર્જુનનો ભાવ છે, તે સમાજમાં, શ્રી-સમૃદ્ધિ, વિજય-જીત, ભૂતિ-સામાન્ય કલ્યાણ અને ધ્રુવા નીતિ- શાશ્વત ન્યાય જોવા મળશે.’ માનવ જીવન અને ભાવિ વિશેનું ગીતાનું આ સુંદર વિવરણ છે. એટલે આજે, આપણો બધો ઝોક વ્યવહારુ વેદાંત પર હોવો જોઈએ. સિદ્ધાંતનો આપણી પાસે ઢગલો છે. ટનબંધ સિદ્ધાંત છે પણ એક અધોળ અમલ ખાંડી સિદ્ધાંતની બરાબર છે. આ બોધ આપણે ગ્રહણ કરવાનો છે. બની શકે એટલું વેદાંત આપણે જીવવું જોઈએ.

એટલે તો સ્વામી વિવેકાનંદ ફરી ફરીને વ્યવહારુ વેદાંત પર ભાર દેતા. ૧૮૯૭ના પોતાના મદ્રાસમાંના વ્યાખ્યાનમાં તેમણે ‘વેદાંત અને ભારતીય જીવનમાં વ્યવહાર’ વિષય પસંદ કર્યો હતો. થોડા મહિના પછીના પોતાના લાહોર પ્રવચનમાં તેમણે લોકોને અનુરોધ કર્યો હતો : ‘અસ્પૃશ્યતા અને જ્ઞાતિવાદનું આ કલંક દૂર કરો.’ માણસ પ્રત્યે આપણે માણસ તરીકે વર્તીએ, પશુની જેમ નહીં. આપણા કરોડો શિક્ષિત નાગરિકો આ વેદાંત ભાવનાને આત્મસાત્ કરશે ત્યારે પોતાના રાજકારણમાં અને સમાજમાં ભારત સંપૂર્ણ પરિવર્તન અનુભવશે. લશ્કરી ક્રાંતિમાં અનેક માણસો મૃત્યુ પામે છે અને અંતે બહુ ફાયદા જેવું રહેતું નથી. પણ આ પ્રકારની, વિચારની ક્રાંતિ, અભિગમની ક્રાંતિ શાશ્વત હોય છે. આપણને એની જરૂર છે. થોડીક આજ્ઞાઓ અને થોડાક નિષેધોથી એ ક્રાંતિ આવી શકે નહીં. ડોકટરો, વકીલો, એન્જિનિયરો, રાજકારણીઓ એમ સૌને માટેની આચારસંહિતાની ચર્ચા છે. આચારસંહિતાનો દળદાર ગ્રંથ રચી શકાય ! પણ એથી શું ? તમે મારી ઉપર નજર રાખશો ત્યાં સુધી હું ખોટું નહીં કરું. તમે મારી સામે જોતા નહીં હો ત્યારે હું ગમે તે કરીશ. આ છે તમારી સામાજિક આચારસંહિતા. હું ગંભીર હોઉં ત્યારે એનું થોડું સારું પરિણામ આવે. નહીં તો વિધિનિષેધોથી મારામાં કંઈ ફેર પડતો નથી. લોકો આજે પૂરી શંકાશીલ વૃત્તિ ધરાવતા થઈ ગયા છે. એટલે વિધિનિષેધો તમારું કશું ભલું નહીં કરે. પણ તમારામાં પરિવર્તન આવે અને તમારા અંતરમાં ખાતરી થાય કે ‘આ સારો માર્ગ છે, આ સારો માર્ગ છે’, તો જ વ્યક્તિનું સારું ચારિત્ર્ય પ્રકટે. કર્મો પાછળની વિચારણા સાથે આપણે કામ છે તે આપણે સતત લક્ષમાં રાખવું જોઈએ. પછી એ જ કર્મ નહીં પણ એની પછીનાં બીજાં કર્મો પણ એ નવી વિચારણા અનુસારનાં જ થશે. આમ વિચારક્રાંતિની જરૂર છે.

વિવેકાનંદે કહ્યું હતું : તંદુરસ્ત, નૈતિક, માનવવાદી, આધ્યાત્મિક વિચારો ભારતમાં બધે ફેલાવો. એથી ખૂબ પ્રગતિ થશે. ગીતાના યોગની આ અગત્ય છે. એ પૂર્ણપણે વ્યવહારુ છે એ નિત્ય યાદ રાખો. આપણા કાર્યને અને જીવનને એ નવું રૂપ આપે છે અને લાગતા વળગતા માનવીમાં નવું સૌંદર્ય અને ગુણસમૃદ્ધિ પ્રકટાવે છે. ને આમ योगः कर्मसु कौशलम् – એ માત્ર નાની વ્યાખ્યા છે. બે શ્લોકો પહેલાં, समत्वं योग उच्यते, ‘મનની સમતા તે યોગ છે,’ એમ યોગની વ્યાખ્યા આપી હતી. આ વ્યાખ્યા એની પૂરક છે અને અર્થમાં ખૂબ ઊંડે ઊતરનારી તથા વ્યાપક છે. योगः कर्मसु कौशलम्, આ બોધ આખા જગતમાં જવો જોઈએ કારણ માનવજીવનને ગુણથી સમૃદ્ધ કરે તેવી ફિલસૂફીની આજે આપણને આવશ્યકતા છે માત્ર જથ્થા ઉપરના દબાણે અર્વાચીન સભ્યતાનો લગભગ નાશ કર્યો છે.

કોઈ મા’રાજને મંત્રો ભણવા માટે પૈસા આપી આપણે ધર્મ નથી સાધી શકતા. આપણામાંના ઘણા એવા ધર્મમાં માનીએ છીએ. ધર્મની આપણી વિભાવના કેટલી અધમ દશાએ પહોંચી છે !

હરિદ્વાર જેવાં સ્થાનોમાં મેં એને નીચામાં નીચી દશાએ પહોંચતો જોયો છે; ત્યાં જઈ તમે પંડાને પાંચ રૂપિયા આપો, તમે ગાયનું પૂછડું પકડી ઊભા રહો ને તમે સ્વર્ગે જશો. ઘણાં માણસોને મન એ ધર્મ છે. કેટલી નીચી પાયરીએ એ ઊતર્યો છે ! એનાથી તમને શું મળ્યું છે ? કંઈ નહીં.

પાંચ રૂપિયા પંડાને મળ્યા છે અને તમે ગાયનું પૂછડું પકડયું છે; તમે એ જ છો, ગાય એ જ છે અને પંડો પણ એ જ છે. કશો ફરક પડયો નથી. પણ આ આંતરિક વિકાસ, આધ્યાત્મિક વિકાસ ધીમો અને મૃદુ છે; એનો દેખાડો હોતો નથી, ઝાકઝમાળ નથી. દેખાવ કરીને આપણે સાધુ થવાનો વિચાર કરતા હતા. દેખાવ કરનારા સાધુ; દેખાવની સંતતા હોતી જ નથી. સાવ સામાન્ય દેખાતો માણસ ખૂબ મહાન સંત હોઈ શકે. સમાજમાં આપણને આવા સંતોની જરૂર છે. આપણે ત્યાં ધંધાદારી સાધુઓ છે. ભારતમાં એમનું પ્રમાણ ઘણું બધું છે. પરંતુ સંતત્વ તમને સહજ રીતે સામાન્ય રીતે વિકાસ તરીકે પ્રાપ્ત થાય છે – ભારતમાં આવી સંતતા ઠેરઠેર જોવા મળે એની આવશ્યકતા છે. નહીં તો મોટા વડવૃક્ષની ચોમેર નાનાં તણખલાં જેવું ભારત છે. અધ્યાત્મના કેટલાક મહાત્માઓ અને ચોમેર વામણાઓ. (ક્રમશ 🙂

Total Views: 325

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.