૪ જાન્યુ, ૨૦૧૫ : સ્વામી તુરીયાનંદ જયંતી

શ્રીમત્ સ્વામી તુરીયાનંદજીનો જન્મ કોલકાતામાં ૩જી જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ થયો હતો. તેમનું બાળપણનું નામ હરિનાથ ચટ્ટોપાધ્યાય હતું. નાની ઉંમરમાં જ તેમણે પોતાનાં માતપિતા ગુમાવ્યાં. મોટાભાઈએ તેમને મોટા કર્યા. નાનપણથી જ દર્શનશાસ્ત્ર, ગીતા, ઉપનિષદ અને શંકરાચાર્યના શાસ્ત્રગ્રંથો વાંચવામાં તેમનું મન રહેતું.

૧૭ વર્ષની ઉંમરે દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણને તેઓ પ્રથમ વખત મળ્યા હતા. ત્યાર પછી તેઓ શ્રીઠાકુરને વારંવાર મળતા રહ્યા. શ્રીઠાકુર તેમને યોગી ગણતા.

શ્રીઠાકુરના દેહાવસાન પછી તેઓ વરાહનગર મઠમાં ગયા અને ૧૮૮૭માં સંન્યાસ દીક્ષા સાથે સ્વામી તુરીયાનંદ નામ તેમને મળ્યું.

૧૮૮૯માં તેઓ મઠમાંથી નીકળીને હિમાલય અને બીજાં તીર્થસ્થળોની યાત્રાએ ગયા. ૧૮૯૫માં તેઓ આલમ બજારમાં શ્રીરામકૃષ્ણ મઠમાં પાછા આવ્યા. રામકૃષ્ણ સંઘમાં જોડાયેલા યુવાનોને તાલીમ આપવાનું કામ તેમણે ઉપાડી લીધું. કોલકાતામાં વેદાંત વિશે જાહેર વ્યાખ્યાનો આપવાનું શરૂ કર્યું.

૧૮૯૯માં વેદાંતના વૈશ્વિક સંદેશનો ઉપદેશ આપવા તેઓ સ્વામી વિવેકાનંદ સાથે અમેરિકા ગયા. તેમણે ન્યૂયોર્ક અને પછીથી કેલિફોર્નિયામાં પોતાનું કાર્ય કર્યું. ડઝનેક શિષ્યો સાથે તેમણે કેલિફોર્નિયામાં ‘શાંતિ આશ્રમ’ની સ્થાપના કરી. તેમના ઘણા શિષ્યોમાં તેઓ વેદાંતનું જીવંત ઉદાહરણ હતા. શાંતિ આશ્રમમાં તેમનું જીવન કઠિન તપસ્યા અને પરિશ્રમવાળું હોવાથી તેમની તબિયત બગડી તેથી તેઓ ૧૯૦૨માં ભારત પાછા આવ્યા.

સ્વામી વિવેકાનંદના દેહાવસાન પછી સ્વામી તુરીયાનંદ વૃંદાવન અને ઉત્તરકાશી ગયા. તેમણે આલમોરામાં આશ્રમની સ્થાપના કરી. પછીથી તેમને મધુપ્રમેહ થયો. છેલ્લાં ત્રણ વર્ષ તેમણે રામકૃષ્ણ સેવાશ્રમ, વારાણસીમાં ગાળ્યાં અને ત્યાં જ ૨૧ જુલાઈ, ૧૯૨૨ના રોજ પોતાનો દેહ છોડ્યો.

૨૨ જાન્યુ, ૨૦૧૫ : સ્વામી બ્રહ્માનંદ જયંતી

રાખાલચંદ્ર ઘોષનો જન્મ કોલકાતાની ઉત્તર-પશ્ચિમે ૩૬ માઈલ દૂર આવેલા શિક્રાકુલિનગ્રામમાં ૨૧ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ થયો હતો. બાળપણથી જ તેઓ પ્રભુભક્તિમાં લીન રહેતા અને ધ્યાન-સાધના કરતા. ૧૨ વર્ષની ઉંમરે તેમને અભ્યાસ માટે કોલકાતા લાવ્યા. ત્યાં તેઓ નરેન્દ્રને મળ્યા અને તેમના પ્રભાવથી તેઓ બ્રાહ્મોસમાજમાં જોડાયા. એ સમયના રીતિરીવાજ પ્રમાણે ૧૮ વર્ષની ઉંમરે તેમનાં લગ્ન વિશ્વેશ્વરી સાથે થયાં. વિશ્વેશ્વરીના ભાઈ શ્રીરામકૃષ્ણના નિકટના ભક્ત હતા. લગ્ન પછી તેઓ રાખાલને શ્રીઠાકુર પાસે લઈ ગયા. જેવા રાખાલ દક્ષિણેશ્વર આવ્યા કે તરત જ શ્રીરામકૃષ્ણે અગાઉ થયેલ દર્શન પ્રમાણે તેમને માનસપુત્રરૂપે સ્વીકાર્યા. શ્રીરામકૃષ્ણ પોતાના છ શિષ્યોને ‘ઈશ્વરકોટિ’ ગણતા હતા તેમાંના તેઓ એક હતા.

૧૮૮૬માં શ્રીઠાકુરની મહાસમાધિ પછી વરાહનગરમાં નવા સ્થપાયેલા મઠમાં રાખાલ જોડાયા. સંન્યાસ દીક્ષા પછી તેમને સ્વામી બ્રહ્માનંદ નામ મળ્યું.

બે વર્ષ પછી તેઓ વરાહનગર મઠમાંથી નીકળીને વારાણસી, ઓમકારનાથ, વૃંદાવન, હરિદ્વાર અને બીજાં પવિત્રસ્થળોએ અત્યંત ધ્યાનમગ્ન અને તપોમય જીવન જીવ્યા. ૧૮૯૦માં તેઓ વરાહનગર મઠ પાછા આવ્યા. બેલુર મઠની ટ્રસ્ટરૂપે નામનોંધણી થયા પછી સ્વામી બ્રહ્માનંદજી તેના પરમાધ્યક્ષ બન્યા. જીવનના અંત સુધી તેઓ આ સ્થાને રહ્યા હતા.

તેમની પરમાધ્યક્ષની નિશ્રામાં સંઘનો ઘણો વિકાસ થયો અને કેટલાંય શાખાકેન્દ્રો ભારતમાં અને વિદેશમાં સ્થપાયાં. ધ્યાન અને તપના જીવનને મહત્ત્વ આપવાથી સંન્યાસીઓએ ઉપાડેલી અન્ય પ્રવૃત્તિઓ વચ્ચે સંતુલન જળવાઈ રહ્યું. રાજા જેવી તેમની કુશળ શાસન વ્યવસ્થાને કારણે સ્વામીજીએ તેમને ‘રાજા’ એવું ઉપનામ આપ્યું અને ત્યારથી જ તેમને સહુ કોઈ માનપૂર્વક ‘રાજા મહારાજ’ કહીને સંબોધતા.

ટૂંકી માંદગી પછી ૧૦ એપ્રિલ, ૧૯૨૨ના રોજ તેમણે પોતાનો આ નશ્વર દેહ છોડ્યો. બેલુર મઠમાં તેમના સમાધિસ્થળે આજે તેમનું સ્મૃતિમંદિર ઊભું છે.

૨૩ જાન્યુ,૨૦૧૫ : સ્વામી ત્રિગુણાતીતાનંદ જયંતી

સારદા પ્રસન્ન મિત્રનો જન્મ ૩૦ જાન્યુઆરી, ૧૮૬૫ના રોજ કોલકાતાની નજીક નાઓરા ગામમાં એક સાધનસંપન્ન કુટુંબમાં થયો હતો. સારદાને અભ્યાસાર્થે કોલકાતા મોકલવામાં આવ્યા. આ શાળામાં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક મહેન્દ્રનાથ ગુપ્ત આચાર્ય પદે હતા. તેઓ યુવાન સારદાને શ્રીરામકૃષ્ણ પાસે દક્ષિણેશ્વરના મંદિરે લઈ ગયા. શ્રીઠાકુરે તેમનામાં સેવાભાવનો ઉદય કર્યો. સારદાએ કાશીપુરમાં શ્રીઠાકુરની માંદગી સમયે તેમની હૃદયપૂર્વક સેવા કરી. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી સારદા વરાહનગર મઠમાં રોકાવા લાગ્યા. ૧૮૮૭માં તેમણે સંન્યાસ દીક્ષા લીધી અને તેમનું નામ પડ્યું સ્વામી ત્રિગુણાતીતાનંદ.

૧૮૯૧માં તેમણે તીર્થયાત્રા શરૂ કરી. તેમણે વારાણસી, અલાહાબાદ, મથુરા, વૃંદાવન, અજમેર અને કાઠિયાવાડમાં પરિભ્રમણ કર્યું. પોરબંદરમાં તેઓ સ્વામી વિવેકાનંદને મળ્યા. વરાહનગર મઠ પાછા ર્ફ્યા પછી તેઓ નવા રચાયેલા આલમબજાર મઠમાં રહેવા ગયા.

સ્વામી વિવેકાનંદે વેદાંતના પ્રચાર માટે એક સામયિકની યોજના ઘડી. આ માટે પ્રેસ વસાવવામાં આવ્યો અને ‘ઉદ્‌બોધન’ નામના સામયિકના પ્રકાશનનો હવાલો ત્રિગુણાતીતાનંદજીને સોંપ્યો. ત્રિગુણાતીતાનંદ થોડા સમય માટે શ્રીશ્રીમા સારદાદેવીના વ્યક્તિગત સેવકરૂપે રહ્યા હતા.

તેઓ ૧૯૦૨માં અમેરિકા ગયા અને સાનફાન્સિસ્કોનું કેન્દ્ર સંભાળ્યું.

૧૯૦૬ના જાન્યુઆરીના પશ્ચિમના જગતમાં પહેલું હિન્દુ મંદિર સ્થપાયું અને જાહેરજનતા માટે ખુલ્લું મુકાયું.

એક દિવસ જ્યારે તેઓ આધ્યાત્મિક ચર્ચા કરતા હતા ત્યારે તેમનો અગાઉનો એક શિષ્ય જે માનસિક રીતે અસ્વસ્થ હતો તેણે સ્વામી ત્રિગુણાતીતાનંદ તરફ એક ક્રૂડ બોંબ ફેંક્યો અને પોતાની જાતને તો ખતમ કરી, પણ સ્વામી ત્રિગુણાતીતાનંદને ભયંકર ઈજાઓ પહોંચાડી. ૧૦ જાન્યુઆરી, ૧૯૧૫ના રોજ ગંભીર ઈજાઓને કારણે તેમણે પોતાનો નશ્વર દેહ છોડ્યો.

Total Views: 286

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.