૩ ફેબૃઆરી, ૨૦૧૫ : સ્વામી અદ્‌ભુતાનંદ જયંતી

શ્રીરામકૃષ્ણ પાસે આવનારા ત્યાગી શિષ્યોમાં સ્વામી અદ્‌ભુતાનંદ અથવા લાટુ મહારાજ સૌ પ્રથમ હતા. તેમના બાળપણનું નામ રખતુરામ હતું. બિહારના છપરા જિલ્લાના નિર્ધન પરિવારમાં તેઓ જન્મ્યા હતા. બાળપણમાં જ તેમણે માતાપિતા ગુમાવ્યાં હતાં.

લાટુ મહારાજ શ્રીરામકૃષ્ણદેવના એકમાત્ર શિષ્ય હતા જે લખી-વાંચી પણ શકતા ન હતા. ગુરુદેવના માર્ગદર્શન હેઠળ લાટુ મહારાજે રાતભર ધ્યાન કરતા રહીને તીવ્ર સાધના કરી હતી અને આ આદત તેઓએ જીવનભર નિભાવી હતી. સ્વામી અદ્‌ભુતાનંદ વિશે બોલતાં સ્વામી વિવેકાનંદે એક વખત કહ્યું હતું, ‘લાટુ શ્રીરામકૃષ્ણનો મહાનતમ ચમત્કાર છે. થોડું પણ ઔપચારિક શિક્ષણ ન હોવા છતાં માત્ર ગુરુદેવના સ્પર્શના પ્રભાવે તેઓએ ચરમ જ્ઞાનની પ્રાપ્તિ કરી.’

કાશીપુરમાં ઠાકુરની બીમારી દરમિયાન, લાટુ મહારાજે શ્રીરામકૃષ્ણદેવની સેવા કરવાની જવાબદારી સંભાળી. લાટુ મહારાજ કહેતા, ‘ગુરુદેવની સેવા કરવી એ અમારી ઉપાસના હતી. અમારે અન્ય આધ્યાત્મિક સાધનાઓની જરૂર ન હતી.’ શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ લાટુ મહારાજ વૃંદાવન, વારાણસી, અયોધ્યા અને અન્ય તીર્થસ્થાનોની યાત્રામાં શ્રીમા સારદાદેવીની સંગાથમાં રહ્યા.

પછીથી ૧૮૮૭માં તેઓ વરાહનગર મઠમાં જોડાયા અને સંન્યાસ ગ્રહણ કર્યો. તેમના ગુરુભાઈઓના જણાવ્યા મુજબ અદ્‌ભુતાનંદે વરાહનગર મઠમાં જપ-ધ્યાન કરતા રહીને અત્યંત તપોમય જીવન જીવ્યું હતું. કેટલીક વાર તેઓ ગૃહસ્થ ભક્તોના નિવાસસ્થાને રહેતા પણ મોટા ભાગે તેઓ ગંગાકિનારે સાદગીથી રહેતા હતા. કેટલીક વાર તેઓ આલમબજાર મઠ અને બેલુર મઠમાં રહેતા. સ્વામી વિવેકાનંદ સહિત અન્ય ગુરુભાઈઓ સાથે તેઓએ ઉત્તર ભારતની ઘણીય તીર્થયાત્રાઓ પણ કરી. તેઓ શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ ભક્ત બલરામ બોઝના નિવાસ સ્થાને સન ૧૯૦૩ થી ૧૯૧૨ સુધી રહ્યા હતા. ત્યારબાદ તેઓ વારાણસી આવ્યા. અહીં સૌ પ્રથમ તેઓ રામકૃષ્ણ અદ્વૈત આશ્રમમાં અને પછીથી વિવિધ સ્થળોએ રોકાયા.

જિંદગીના છેલ્લાં થોડાં વર્ષો તેઓ મધુપ્રમેહ અને નજીવી શારીરિક બીમારીઓથી પીડાતા રહ્યા. અંતમાં તેમના પગે એક ફોલ્લો થયો અને તે ગેંગ્રીનના રૂપે વિકસિત થઈને ઘાતક બન્યો. ૨૪ એપ્રિલ, ૧૯૨૦ના રોજ પાવનકારી વારાણસી નગરમાં અદ્‌ભુતાનંદ નિર્વાણ પામ્યા.

સ્વામી વિવેકાનંદનાં અમેરિકન શિષ્યા જોસેફાઈન મૅક્લાઉડને અદ્‌ભુતાનંદજીના મૃત્યુ અંગે સ્વામી તુરીયાનંદજીએ લખ્યું હતું, ‘તેમની બીમારીમાં પીડાનાં કોઈ ચિહ્નો તેમના પર જણાતાં ન હતાં. પરમ આશ્ચર્ય તો એ હતું કે તેમના મૃત્યુ બાદ જ્યારે અગ્નિસંસ્કારના વિધિ અંતર્ગત તેમના મૃતદેહને બેઠેલી મુદ્રામાં રાખવામાં આવ્યો ત્યારે અમે તેમને કેવા અતિ સુંદર, ગંભીર, શાંતિપૂર્ણ અને પરમાનંદ સભર જોયા! તેમનો ચહેરો આભા અને અકથ્ય જ્ઞાનથી પ્રકાશિત હતો જાણે કે તેમના મિત્રો પાસેથી પ્રેમમય વિદાયમાન વખતના આશિષ સાથે અંતિમ વિદાય લઈ રહ્યા હોય!’

Total Views: 303

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.