(ગતાંકથી આગળ…)
પ્રકરણ : ૯

વ્યાયામશાળામાં એક સુદૃઢ શરીરનું નિર્માણ

શાળામાં એ દિવસ ખુશ માટે ઘણો સરસ રહ્યો. નાની ઉંમરમાં જ શરીરને બલિષ્ઠ બનાવવાની આવશ્યકતા પર બોલતાં એમના વ્યાયામ શિક્ષકે સ્વામી વિવેકાનંદના જીવનમાંથી કેટલીક ઘટનાઓ સંભળાવી. તેમણે કહ્યું, ‘સ્વામી વિવેકાનંદ ઇચ્છતા હતા કે નવયુવાનોએ વિભિન્ન ખેલકૂદમાં ભાગ લઈને તેમજ વ્યાયામ દ્વારા સુદૃઢ શરીરનું નિર્માણ કરવું જોઈએ. એક વાર તો સ્વામી વિવેકાનંદે ત્યાં સુધી કહ્યું હતું કે વિદ્યાર્થી ગીતા વાંચવા કરતાંં ફૂટબોલ રમીને ઈશ્વરની વધારે નજીક પહોંચી શકે છે. શાળામાં અભ્યાસ કરતી વખતે નરેન્દ્રના મન અને શરીરમાં એક અસીમ શક્તિ તેમજ ઊર્જા વહ્યા કરતી. સાથે ને સાથે તેમણે પોતાના ઘરમાં જ એક વ્યાયામશાળા બનાવી દીધી. પરંતુ દુર્ભાગ્યવશ નરેન્દ્રના એક સંબંધીના બાળકે વ્યાયામ કરતા સમયે હાથ ભાગ્યો. એટલે નરેન્દ્રને પોતાની આ વ્યાયામશાળા બંધ કરવી પડી. પરંંતુ તેણે તરત જ તેનો એક વિકલ્પ શોધી કાઢ્યો. પોતાના મિત્રોની સાથે નરેન્દ્રે એક વ્યાયામશાળામાં પ્રવેશ મેળવ્યો. આ વ્યાયામશાળા નવગોપાલ મિત્ર નામના એક સજ્જન ચલાવતા હતા. આ રીતે તેમનું વ્યાયામ કરવાનું કાર્ય ફરીથી ચાલુ થયું. નરેન્દ્રનાથનો ઉત્સાહ જોઈને નવગોપાલ મિત્રે એ વ્યાયામશાળાની બધી જવાબદારી તેને સોંંપી દીધી.’

સ્વામી વિવેકાનંદ વિશે આગળ વાત કરતાં ખુશના વ્યાયામ શિક્ષકે કહ્યું, ‘સ્વામી વિવેકાનંંદે વ્યાયામ કરવાનું પોતાનો અભ્યાસ પૂરો થયા પછી પણ છોડ્યું નહીં. તેઓ જીવનભર તેનો અભ્યાસ કરતા રહ્યા. તેમણે ભારતની ગરીબી દૂર કરવા માટે તથા પોતાના નિશ્ચિત કરેલા મિશનને પૂર્ણ કરવા ઘણો વધારે પરિશ્રમ કરવો પડતો હતો. તેને માટે એક પ્રબળ શરીરની જરૂર હોય છે અને તેઓ પોતાના પાછળના જીવનમાં પણ ડંંબેલ્સ લઈને શારીરિક વ્યાયામ કરી લેતા.’ સ્વામી વિવેકાનંદ નિયમિત રીતે શારીરિક વ્યાયામ કરતા હતા, તે સાંભળીને ખુશને તેનાથી ઘણી મોટી પ્રેરણા મળી અને તેણે પોતાની નિવાસી કોલોનીમાં એક નાની વ્યાયામશાળા ઊભી કરવાનો વિચાર કર્યો. તેના પિતાજીએ આ સારા ઈરાદાની પ્રશંસા કરી અને તેમણે કેટલાંક ડંબેલ્સ, બૂલવર્કર જેવાં સાધનો પણ ખરીદી લીધાં. નાનાંં બાળકોનો ઉત્સાહ જોઈને તો મોટા છોકરાઓ પણ એ વ્યાયામશાળામાં આવવા લાગ્યા. સાથે ને સાથે મોટી ઉંમરના લોકો પણ આ વ્યાયામશાળામાં આવીને થોડો સમય વ્યાયામ કરવા લાગ્યા. આને લીધે ખુશને કોલોનીના બધા લોકો એક પ્રગતિશીલ બાળકના રૂપે જોવા લાગ્યા.

ખુશ હવે પોતાની સફળતા અંગે સ્વપ્નજગતમાં સ્વામી વિવેકાનંદને કહેવા આતુર બની ગયો. એ રાત્રે વહેલો સૂવા ગયો અને અત્યંત વ્યાકુળતા સાથે સ્વામી વિવેકાનંદને પ્રાર્થના કરવા લાગ્યો. ખુશ તરત જ સ્વામી વિવેકાનંદના સ્વપ્નલોકમાં પહોંચી ગયો અને એણે સ્વામી વિવેકાનંદને પોતાની તરફ આવતા જોયા. આ વખતે ખુશે એમને સાષ્ટાંંગ પ્રણામ કર્યા અને એમના આશીર્વાદ મેળવ્યા. સ્વામી વિવેકાનંદે વિચાર્યું કે આજે ખુશને હનુમાનજીનાં દર્શન કરાવવાં જોઈએ. એટલે તેઓ તેને લઈને એક ગાઢ જંગલમાં નીકળી પડ્યા. માર્ગમાંં જતી વખતે સ્વામી વિવેકાનંદે ખુશને પોતાના બાળપણની એક ઘટના સંભળાવી. તેમણે કહ્યું, ‘હું જ્યારે નાનો હતો ત્યારે હું ભગવાન રામ અને હનુમાનજીને ખૂબ ચાહતો. એકવાર રામાયણ પર વક્તવ્ય આપતી વખતે એક પંડિતજીએ કહ્યું કે હનુમાનજી કેળના બગીચામાં નિવાસ કરે છે. ભાષણના અંતે હું એ પંડિતજીને મળ્યો અને પૂછ્યું કે ખરેખર હનુમાનજી કેળના બગીચામાં રહે છે ? અને જો પોતે એ બગીચામાં જાય તો તેમનાં દર્શન તે કરી શકે ? પંડિતજી મારા પ્રશ્નથી ઘણા મૂંઝાયા, પરંતુ એમણે કહ્યું કે જો હું પોતે એવું કરું તો એ બની શકે અને મને હનુમાનજીનાં દર્શન થાય. એક દિવસ હું ખરેખર કેળના બગીચામાં ગયો. ત્યાં હનુમાનજીને ખૂબ શોધ્યા પણ ક્યાંય મળ્યા નહીં. હું ઘરે પાછો આવ્યો અને મારાં માતાને આ બધી વાત કહી સંભળાવી. મારાં માએ મને સાંત્વના આપતાં કહ્યું કે એવું પણ બની શકે કે આજે હનુમાનજી કદાચ શ્રીરામના કોઈ અગત્યના કામે ગયા હોય. ત્યાર પછી હું કેળના બગીચામાં ક્યારેય ન ગયો.’

હનુમાનજી વિશે વાત કરતાં સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘હનુમાનજી બાળકોના સૌથી વધારે મહાન આદર્શ છે. તેમને પ્રાર્થના કરવાથી બાળકોને શક્તિ અને સાહસ મળી શકે છે. ચાલ, હું તને મહાભારતમાં વર્ણવેલ હનુમાનજી અને ભીમના મિલનની એક અનોખી વાર્તા સંભળાવું છું : હનુમાજી વાયુપુત્ર હતા. એ રીતે હનુમાનજી અને ભીમ ભાઈ-ભાઈ કહેવાય. એકવાર ભીમ ગાઢ જંગલમાંથી પસાર થતા હતા. અહીં હનુમાનજી રહેતા હતા. પાંડવો કુરુક્ષેત્રના મહાન યુદ્ધમાં વિજય મેળવી શકે એટલે હનુમાનજીને પોતાના નાના ભાઈને અશીર્વાદ આપવાની ઇચ્છા થઈ. એમણે એક વૃદ્ધ તેમજ સામાન્ય વાંદરાનું રૂપ ધારણ કર્યું અને ભીમના રસ્તામાં પોતાની લાંંબી પૂંછડી આડી રાખીને બેસી ગયા. ભીમે વાંદરાને ત્યાંથી હટી જવા કહ્યું. વૃદ્ધ વાંંદરાએ અનિચ્છાએ કહ્યું કે હવે તો તે ઘરડો થઈ ગયો છે અને તે પોતે જ પૂંછડી ઉપાડીને પોતાના માર્ગે ચાલ્યો જા. એને એક સાધારણ વાંદરો માનીને ઉપેક્ષાના ભાવથી ભીમે કેવળ હાથથી જ પૂંછડી પકડીને તેને દૂર હટાવવાનો પ્રયત્ન કર્યો પણ એમ કરી ન શક્યો. ત્યાર પછી તો પોતાના બન્ને હાથે પૂંછડી પકડીને તેને દૂર કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો, તે પરસેવે રેબઝેબ થઈ ગયો, પણ પૂંછડી એમને એમ જ રહી. એક તસુભર પણ ખસી નહીં. જ્યારે ભીમે એ વાંદરાને પ્રણામ કરીને પૂછ્યું કે આપ કોણ છો. એટલે હનુમાનજીએ ભીમને દર્શન દીધાં અને કહ્યું, ‘ભગવાન રામે મને એવું વરદાન આપ્યું છે કે જ્યાંં સુધી પૃથ્વી પર રામાયણ રહેશે ત્યાં સુધી હું અહીં રહીશ. મારી એક જ ઇચ્છા છે કે હું વારંવાર આ મહાકાવ્ય જ્યાં જ્યાં ગવાય ત્યાં ત્યાં સાંભળતો રહું.’ ભીમ પોતાના મોટા ભાઈ વાયુપુત્ર હનુમાનને મળીને ખૂબ રાજી થયો. હનુમાનજીએ કહ્યું, ‘હે ભીમ, હું અહીં રહું છું એ કોઈને બતાવતો નહીં. હું કૌરવો સાથેના યુદ્ધમાં તમને મદદ કરીશ. હું યુદ્ધના સમયે અર્જુનના રથ પર લહેરાતી ધજામાં રહીશ. હું તમારા શત્રુઓનાં તેજ-શક્તિને મારી પોતાની ઘોર ગર્જનાથી છિન્નભિન્ન કરી દઈશ અને તમને પ્રેરણા આપીશ.’

જેવા તેઓ ગાઢ જંંગલમાં દાખલ થયા કે તરત જ સ્વામી વિવેકાનંદે ખુશને કહ્યું કે આજે પણ હનુમાનજી રામના ધ્યાનમાં અહીં બેસે છે. પણ સામાન્ય લોકોને તે દેખાતા નથી. તેઓ ખુશને હનુમાનજી પાસે લઈ ગયા. ખુશે હનુમાનજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને તેમના આશીર્વાદ મેળવ્યા.

ખુશને એના ઘરે છોડતી વખતે સ્વામી વિવેકાનંદે શારીરિક અને માનસિક બળના મહત્ત્વની વાત કરતાં કહ્યું, ‘નિર્બળ લોકો માટે અહીં કોઈ સ્થાન નથી, પછી ભલે તે આ જીવનમાં હોય કે અન્ય જીવનમાં. નિર્બળતા ગુલામીને જન્મ આપે છે. નિર્બળતાથી બધા પ્રકારનાંં શારીરિક અને માનસિક દુ :ખ આવે છે. નિર્બળતા એટલે મૃત્યુ. આ એક અટલ સત્ય છે : શક્તિ એ જ જીવન અને નિર્બળતા એટલે મૃત્યુ. આપણે શક્તિની આવશ્યકતા છે એટલે પોતાની જાતમાં શ્રદ્ધા રાખો. પોતાના સ્નાયુઓને સુદૃઢ બનાવો. આપણને પોલાદની માંંસપેશીઓ અને રક્તવાહિનીઓની જરૂર છે. બાળપણથી જ તમારા મગજમાં ભાવાત્મક, દૃઢ, સહાયતાપૂર્ણ વિચારને પ્રવેશવા દેવા જોઈએ. આ વિચારોને પોતાની ભીતર ઉતારવા સદા તૈયાર રહો અને નિર્બળ તેમજ અભાવાત્મક વિચારોને દૂર ફેંકી દો.’

સ્વામી વિવેકાનંદને વિદાય આપીને ખુશ સ્વપ્નમાંથી જાગ્યો. નિયમિત રીતે વ્યાયામ કરીને એક મજબૂત શરીરની આવશ્યકતાનું મહત્ત્વ હવે તેને સમજાયું. (ક્રમશ 🙂

Total Views: 251

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.