સીતા

સ્વામી વિવેકાનંદે કહ્યું હતું : ‘સીતા અપ્રતિમ છે; એ ચરિત્ર તો એક જ વાર અને કાયમને માટે આલેખાયેલું છે. રામ કદાચ અનેક થયા હશે, પરંતુ સીતા તો એક જ થયાં છે !’

સીતામાં અણિશુદ્ધ પવિત્રતા, પતિવ્રતાપણું અને ધૈર્યના ઉદાત્ત ગુણો હતા. સીતાની સહિષ્ણુતા કોઈ પથ્થર કે દીવાલ જેવી ન હતી. તેઓ આ ભીતરના વહેણની બાહ્ય અભિવ્યક્તિ થવા દેતાં ન હતાં. એમની પોતાની આ વિશિષ્ટ ક્ષમતા હતી. દુ:ખ અને આક્રંદ વચ્ચે તેમની વિશિષ્ટ ક્ષમતા, પતિપરાયણતાને વળગી રહેવાના પોતાના વિવેકનો ઉપયોગ, પોતાનાં માતપિતા, પતિ અને બીજાં સગાંવહાલાંઓના માનમોભાને શોભતી રીતે વર્તન વ્યવહાર કરવાની એમનામાં ક્ષમતા હતી.

સ્વામી વિવેકાનંદે ભારતીય નારીના આદર્શરૂપે સીતાને મૂક્યાં છે. તેમણે એવી પણ ચેતવણી આપી છે કે સીતાના પથથી ભારતીય નારીઓને દૂર લઈ જવાનો કોઈ પણ પ્રયાસ વિનાશકારી બની જશે.

સીતા રાજા જનકનાં પુત્રી હતાં. તેમણે અયોધ્યાના રાજકુમાર રામ સાથે લગ્ન કર્યાં હતાં. જ્યારે રામને ૧૪ વર્ષનો વનવાસ મળ્યો ત્યારે સીતાની પ્રથમ કસોટી થઈ. તેમણે તરત જ પોતાની સાથે લઈ જવા રામને કહ્યું. રામે પૂછ્યું, ‘એક રાજકુમારી તરીકે અજાણ્યા અને પુષ્કળ ભયથી ભરેલ જંગલની મુશ્કેલીઓ તમે કેવી રીતે સહન કરશો?’ સીતાએ જવાબ આપ્યો, ‘જ્યાં જ્યાં રામ જશે, તે મારા માટે અયોધ્યા બનશે. તમે મને રાજકુમારી ગણીને આવી વાત કેમ કરો છો? હું તમારી પાછળ પાછળ આવીશ!’ એટલે સીતા પણ વનમાં ગયાં. સાથે ને સાથે નાનોભાઈ લક્ષ્મણ પણ તેમની સાથે ગયો.

સીતાએ જંગલનાં કષ્ટો ધૈર્ય અને શાંતિથી સહન કર્યાં. નદીના કિનારે તેમણે એક કુટિર બાંધી. રામ અને લક્ષ્મણ હરણનો શિકાર કરવા જતા અને ફળફૂલ લાવતા. એક દિવસ સોનાના સુંદર હરણને જોઈને તેમના તરફ આકર્ષાયાં ત્યાં સુધી સીતાનું જંગલમાંનું જીવન બહુ સહજ સરળ રીતે પસાર થતું. તેમણે રામને એ હરણ પકડી લાવવા કહ્યું. રામ ગયા હરણની પાછળ. રામ અને લક્ષ્મણની ગેરહાજરીમાં લંકાના રાક્ષસ રાજા રાવણે સીતાને છેતરીને તેમનું અપહરણ કર્યું. આમ સીતાની બીજી કસોટી શરૂ થઈ.

રાવણ સીતાને લંકા લઈ ગયો અને તેણે પોતાની રાણી બનવા માટે તેમને કહ્યું અને પોતાની વિનંતી સાથે સંમત થવા ઘણી લાલચો આપી.

પરંતુ સીતા તો પતિપરાયણતાનાં અવતાર હતાં એટલે તેમણે એની સાથે વાત કરવાનો પણ સ્પષ્ટ રીતે ઇન્કાર કરી દીધો. તે દરરોજ ઘાસનું એક તણખલું તોડતાં, પોતાની સામે મૂકીને તેની સાથે વાતચીત કરતાં.

પોતાના પ્રયત્નોમાં નિષ્ફળ જતાં રાવણે દિવસ અને રાત સીતાને વૃક્ષ નીચે રહેવાની ફરજ પાડી અને તેમને માટે સ્ત્રી ચોકીદારો રાખ્યાં, જેથી તેઓ તેની દરખાસ્તને સ્વીકારવા માટે સીતાને મનાવી શકે. (ક્રમશ:)

Total Views: 95
By Published On: May 1, 2015Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram