સંપાદકીય નોંધ : અશોક ગર્દેએ મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત કરેલ પુસ્તક Modern Hinduism નો સ્વાતિ વસાવડાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.

ધર્મ : મહાન વારસો

હિન્દુ, ઇન્ડિયા અને હિન્દુઇઝમ (હિન્દુધર્મ) આ શબ્દો ભારતમાં બહારથી આવેલા લોકોએ એશિયાના આ ઉપખંડના રહેવાસીઓ, દેશ તથા ધર્મ માટે વાપર્યા છે. પાછળ આ શબ્દો હિન્દુઓ- ભારતીયોએ પણ સ્વીકારી લીધા હતા અને ઇ.સ. ૧૮૦૦થી તે સામાન્ય ઉપયોગમાં વપરાતા આવ્યા છે. આ ત્રણેય શબ્દો સિંધુ (ગ્રીકમાં ઈન્ડસ) નદીના નામ પરથી ઊતરી આવ્યા છે. ઉત્તરપશ્ચિમની એ મુખ્ય નદી છે, એ પ્રદેશમાં ‘સ’નો ઉચ્ચાર પર્સિયનો તથા આરબો ‘હ’ જેવો કરતા. ભારત માટે હિન્દુશ શબ્દનો સૌથી શરૂઆતનો ઉલ્લેખ ઇ.સ.પૂ. ૪૮૬ના ઝોરોસ્ટ્રીઅન સાહિત્યમાં જોવા મળે છે. લગભગ ઇ.સ. ૬૦૦ સુધીમાં ભારતના લોકો માટે હિન્દુ શબ્દ સર્વસામાન્ય થઈ ગયો અને ઇ.સ. ૧૧૦૦ સુધીમાં પર્સીયનોએ હિન્દુઓના દેશને ‘હિન્દુ-સ્તાન’ એવું નામ આપ્યું. ગ્રીક લોકો લગભગ ઇ.સ.પૂ. ૪૪૦થી આ દેશને ઈન્ડિયા કહેતા હતા, પરંતુ ‘ધર્મ’ માટેના લગભગ ઇ.સ. ૧૭૦૦માં ‘હિન્દુઈઝમ’ શબ્દ રચાયો. ઇ.સ.પૂર્વે ૬૦૦૦માં આ દેશનું નામ આર્યાવર્ત હતું જે પાછળથી ભારતવર્ષના નામે વિસ્તર્યું. રહેવાસીઓ પોતાને આર્ય (આર્ય=ઉમદા વ્યક્તિ) કહેતા, તેમની ભાષા સંસ્કૃત હતી અને તેમની જીવન જીવવાની પદ્ધતિ માટે વપરાતો શબ્દ હતો ધર્મ. સંસ્કૃતમાં ધર્મના ૧૬થી વધારે અર્થ છે. કર્તવ્ય, વિશિષ્ટ લાક્ષણિકતા, ગુણવત્તા, ન્યાય, પવિત્રતા, નીતિનિયમ, નૈતિકતા, સદ્વર્તન અને ધર્મ-ઉપાસના પદ્ધતિ વગેરે. ઇ.સ.પૂર્વે ૮૦૦૦થી ૫૦૦૦ ના સમયગાળામાં કોઈક સમયે આર્યો મધ્ય એશિયામાંથી ભારત આવ્યા. ચાર વેદ તેમના ધર્મગ્રથો-શાસ્ત્રગ્રંથો હતા. તે ગ્રંથો તેમના ધર્મની વિગતો આપતા હતા. તેમણે ભારતમાં સુવિકસિત મૌલિક સંસ્કૃતિ જોઈ. એને ઉત્તરની સિંધુખીણની સંસ્કૃતિ (ઇ.સ.પૂર્વે ૭૫૦૦ થી ઇ.સ.પૂર્વે ૨૫૦૦) કહેવામાં આવે છે. જે દક્ષિણની પ્રસરતી સંસ્કૃતિ સાથે સામ્ય ધરાવતી હોવાથી કેટલાક ઇન્ડોલોજીસ્ટોએ ‘દ્રાવિડ સંસ્કૃતિ’ એવું નામ ૧૮મી સદીમાં અપાયું.

આ બંને સંસ્કૃતિની અરસપરસ અસર થઈ હતી. આ બંને સંસ્કૃતિઓ એકઠી મળીને અખિલ ભારતીય હિન્દુ સંસ્કૃતિ તથા ધર્મ બની. જેણે જીવન અને તેના હેતુઓ વિશે બધું જ શીખવા તથા પ્રશ્નો પૂછવાને પ્રોત્સાહન આપ્યું. પછીના સાત હજાર વર્ષો સુધી આ સંસ્કૃતિ ટકી રહી તથા સમૃદ્ધ થતી રહી અને લોકો એને અપનાવતા રહ્યા. આજે એ વર્તમાન ભારતમાં પણ જીવંત સંસ્કૃતિ છે. આ સમયગાળા દરમિયાન ફીલોસોફી, ધાર્મિક દર્શનો, કળા તથા વિજ્ઞાન વિકસ્યાં (અને ક્ષીણ થયા), જે દરમિયાન ભારત પર ઘણા વંશોએ શાસન કર્યું. ઇ.સ.પૂ. ૬૦૦ની આસપાસ, લોકો વડે શાસકો પસંદ કરાતા હતા તેવા ગણરાજ્યોનું પણ અસ્તિત્વ હતું.

દરેક ધર્મને જીવનનાં બે પાસાં હોય છે : પરમતત્ત્વ સાથે સંબંધિત વ્યક્તિ અને બીજો સામાજિક વ્યકિત. શાસકોનો ધર્મ અને તેમની પ્રજાના ધર્મો તરફની તેમની નીતિ સાથે મળીને ધર્મોના વિષય તથા પ્રચાર-પ્રસાર પર વિશાળ પ્રભાવ પાડે છે. આથી, હિન્દુધર્મ સંબંધે રાજકીય પટ પર શું ચાલી રહ્યું હતું તે જોવા માટે આપણે ૭૦૦૦ ઇ.સ.પૂ. થી ૨૦૦૦ ઇ.સ. સુધીના સમયગાળો તપાસીએ.

૫૦૦૦ ઇ.સ.પૂ. નાં ભારતવર્ષમાં હિમાલયની નીચે આવેલા આખા ઉપખંડ ઉપરાંત અફઘાનિસ્તાનના કેટલાક ભાગનો પણ સમાવેશ થતો હતો. શરૂઆતના (૭૦૦૦ ઇ.સ.પૂ.)ના વૈદિક રાજાઓ આદિજાતિઓના વડાઓ હતા અને પછીના સમયગાળાઓમાં ગુરુઓએ સ્થાપેલ ધર્મ પ્રમાણે રાજાઓ વહીવટ કરતા, આ સમયે નાનાં નાનાં રાજ્યો જોવાં મળે છે. રાજાઓનો પ્રથમ વંશ હતો, ઈક્ષ્વાકુ. આ વંશ રઘુના નામે ‘રઘુવંશ’રૂપે પણ ઓળખાય છે. રઘુવંશના રાજા દશરથ ૩૬મા રાજા હતા. અયોધ્યાના રાજા દશરથ (૫૦૦૦ ઇ.સ.પૂ.) તેમની ત્રણ પત્નીઓમાંથી એક કૈકૈયી સાથે વચનથી બંધાયેલા હતા. એ વચનને કારણે તેમણે તેમના સૌથી મોટા પુત્ર રામને ચૌદ વર્ષનો વનવાસ આપવો પડ્યો, જેથી કૈકૈયીનો પુત્ર ભરત રાજ્ય પર શાસન કરી શકે. રામની સાથે ભાઈ લક્ષ્મણ અને પત્ની સીતા દક્ષિણમાં આવેલ દંડાકારણ્યમાં ગયાં. લંકાના રાજા રાવણે તેરમા વર્ષે સીતાનું હરણ કર્યું અને લંકાના યુદ્ધમાં રાવણ હણાયો. તે લંકાના યુદ્ધ પછી સીતાને બચાવી લીધાં. ત્યાર પછી રામ અયોધ્યા પાછા ફર્યા અને રામના નામે રાજ્ય ચલાવનાર ભરતે રામને રાજ્ય પાછું સોપ્યું. રામ અને તેમના સુદીર્ઘ કાળના પરોપકારી અને પ્રજાપ્રિય શાસનની આ વાત રામાયણમાં એટલી સરસ રીતે વર્ણવવામાં આવી કે રામને શ્રેષ્ઠ પુરુષ (પુરુષોત્તમ) તરીકે આરાધ્યદેવ ગણવામાં આવ્યા અને સમયાંતરે તેઓ હિન્દુઓ માટે મોટા દેવ બન્યા.

પછીનો મોટો વંશ કુરુઓનો છે (૩૦૦૦ ઇ.સ.પૂ.). અંધ રાજા ધૃતરાષ્ટ્રના ૧૦૦ પુત્રો-કૌરવો અને તેમના ભાઈ પાંડુના પાંચ પુત્રો-પાંડવો મહાભારતના મહાકાવ્યનો મુખ્ય વિષય છે. કુરુક્ષેત્રના યુદ્ધ માટે યાદવોના રાજા કૃષ્ણે પોતાની સેના કૌરવોને આપી અને આ યુદ્ધમાં પાંડવોને સફળતા મળે તે માટે માર્ગદર્શન આપ્યું. આ યુદ્ધમાં પાંડવોએ તેમના હક્કો માટે લડવું પડ્યું હતું. કૌરવો અને પાંડવોનાં રક્ષણ હેઠળના નાનાં રાજ્યોની વિશાળ સંખ્યાનો મહાભારતમાં ઉલ્લેખ જોવા મળે છે. રાજા કૃષ્ણે પાંડવ બંધુઓમાં બીજા એવા અર્જુનના સારથિ બનવાનું પસંદ કર્યું હતું. જ્યારે અર્જુન માત્ર એક રાજ્યના ભોગવટા માટે તેના પિતરાઈઓ, વડીલો તથા ગુરુઓ સામે યુદ્ધ શરૂ કરતાં ખચકાયો ત્યારે કૃષ્ણે તેને આ અણગમતાં કાર્યથી વિમુખ ન બનવા કેટલીક સલાહ આપી. આ માર્ગદર્શનમાં ધર્મ (પછીથી જેને હિન્દુધર્મ કહેવાયો)નાં તત્ત્વજ્ઞાનો તથા આચરણોનો સારાંશ જોવા મળે છે. આમાં આર્યના વૈદિક શાસ્ત્રો અને ભારતની દ્રવિડ સંસ્કૃતિના વિચારો તથા આચરણોનું સુભગ સંયોજન જોવા મળે છે. (ઇ.સ.પૂર્વે ૧૦૦૦ વર્ષથી માંડીને રામાયણ અને મહાભારતનાં મહાકાવ્યો ૧૦૦૦ વર્ષના સમયગાળામાં ભિન્ન ભિન્ન લેખકો દ્વારા રચાયાં હતાં.)

આ વાર્તાઓ ચારણો અને ભાટોએ ગાઈને લોકો સમક્ષ રજૂ કરી અને તેમાં વધારો પણ કર્યો પછીથી એને લેખિત રૂપ અપાયું. જ્યારે અર્જુનને આપેલ માર્ગદર્શનને વિસ્તૃતરૂપ અપાયું (કદાચ ૧૦૦ ઇ.સ.પૂ. થી ૧૦૦ ઇ.સ. દરમિયાન) ત્યારે વેદના ભાગરૂપ એવા ઉપનિષદોમાં પ્રગટ થયેલી દર્શનવાણીનો પણ એક ભાગરૂપે સમાવેશ કરાયો હતો. સૌથી વધુ મહત્વનું એ છે કે રાજાકૃષ્ણ ભગવાન કૃષ્ણ બની ગયા. ભગવાન કૃષ્ણ એટલે માનવરૂપે ઈશ્વરનું પ્રગટીકરણ. સંસ્કૃત શ્લોકરૂપે ભગવાન કૃષ્ણે અર્જુનને આપેલ આ ઉપદેશ ભગવદ્-ગીતા ના નામે જાણીતો છે. તેની હિન્દુધર્મના મુખ્ય ધર્મગ્રંથોમાં ગણના કરવામાં આવે છે. આજે કૃષ્ણ ભગવાન હિન્દુધર્મના અગ્રગણ્ય દેવ છે.

૭૦૦૦ ઇ.સ.પૂ. થી ૬૦૦ ઇ.સ.પૂ. સુધી ભારતમાં માત્ર એક જ ‘ધર્મ’ હતો: દ્રાવિડોની શિવપૂજાથી પ્રભાવિત એવો વેદિક ધર્મ, જેને આર્યોએ ‘સનાતન ધર્મ’ કહ્યો. જૈન અને બૌદ્ધધર્મ લગભગ ૭૦૦-૬૦૦ ઇ.સ.પૂ. માં આવ્યા. જૈન ધર્મના મુખ્ય સ્થાપક મહાવીર અને બૌદ્ધધર્મના સ્થાપક ગૌતમ, બંને નાનાં રાજ્યોના રાજકુંવરો હતા. તેમણે ‘પરમ સત્યની શોધ’ માટે રાજપાટ છોડી દીધાં. ૭૦૦ થી ૩૨૦ ઇ.સ.પૂ. સુધી ઉત્તરમાં હર્યાન્કા, શિશુનાગ અને નંદ વંશે શાસન કર્યું. જ્યારે ગ્રીસના મહાન એલેક્ઝાન્ડરે (૩૨૭ ઇ.સ.પૂ.) ભારત પર ચડાઈ કરી ત્યારે તેણે કેટલાંક રાજ્યો જીત્યાં અને ભારતના પૂર્વ પ્રદેશમાં પોતાના અનુગામી તરીકે સેલ્યુકસને સ્થાપ્યો. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યે નંદ વંશનું સ્થાન લીધું અને ૩૨૨થી ૨૯૮ ઇ.સ.પૂ. સુધી રાજ્ય કરીને એક વિશાળ સામ્રાજ્ય રચ્યું. તેણે સેલ્યુકસને હરાવ્યો અને ભારતીય નેતૃત્ત્વનું પુન:સ્થાપન કર્યું. મૌર્ય વંશ ૧૩૬ વર્ષ સુધી ચાલ્યો. જેણે આખી દુનિયામાં બૌદ્ધધર્મનો પ્રસાર કર્યો, સમ્રાટ અશોક (૨૬૯ થી ૨૩૧ ઇ.સ.પૂ.) આ વંશનો હતો. પછીથી, પરમાર વંશના સમ્રાટ વિક્રમાદિત્ય, જેણે ઉજ્જૈનથી શાસન કર્યું, તેણે ૫૭ ઇ.સ.પૂ. માં વિક્રમ સંવત નામના સંવતની શરૂઆત કરી. દક્ષિણમાં ઇ.સ.પૂર્વે ૨૩૦ થી લગભગ ઇ.સ. ૨૦૦ સુધી સતવાહનનો વંશ હતો, જેના સમ્રાટ શાલીવાહને ઇ.સ. ૭૨માં શક નામનો નવો સંવત શરૂ કર્યો. આજે મુખ્યત્વે ધાર્મિક ઉત્સવો તથા રિવાજો સંદર્ભે ભારતમાં આ બંને પંચાંગનો ઉપયોગ થાય છે. (સર્વસામાન્ય દુનિયાના કેલેન્ડર તરીકે, ભારતનું સત્તાવાર કેલેન્ડર ગ્રેગોરીયન છે. આથી, આ પુસ્તકના બધા જ સંદર્ભાે સામાન્ય યુગ ઇ.સ.ના છે.) નિરપવાદપણે, જૈન, બૌદ્ધ, વૈષ્ણવ (કૃષ્ણ) અથવા શૈવ (શિવ) ના ચોક્કસ ધાર્મિક દર્શનને આગળ વધારનાર શાસકોએ બીજાં દર્શનોને પણ વિસ્તરવા દીધાં.

ઉત્તરમાં મૌર્ય વંશ પછી કુશાન અને ગુપ્ત વંશ આવ્યા, દરેકે લગભગ ત્રણ સદીઓ સુધી શાસન કર્યું. આ બે વંશમાંથી સમ્રાટ કનિષ્ક અને સમ્રાટ સમુદ્રગુપ્ત થઈ ગયા. ગણિત, ખગોળવિદ્યા તથા વિજ્ઞાને આગળ સ્થાન મેળવ્યું અને કળા ઘણા રૂપે ખીલી હોવાથી ૩૦૦થી૬૦૦ ઇ.સ. સુધીનો સમયગાળો હિન્દુઓનો સુવર્ણકાળ ગણાય છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણમાં વંશો હતાં : પલ્લવ, પાંડ્યા, કદમ્બ, ચાલુક્ય, ચોલા. પૂર્વમાં : ખરવેલા, વર્મન અને પાલ; પશ્ચિમમાં: ક્ષાત્રપ, વાતાટક અને રાષ્ટ્રકૂટ. મોટાભાગના શાસકો હિન્દુ હતા. કેટલાકે જૈન ધર્મ અને કેટલાકે બૌદ્ધધર્મને આગળ વધાર્યો. ૭૧૧ ઇ.સ. માં મુસ્લિમોની ચડાઈ શરૂ થઈ ત્યાં સુધીમાં ઉત્તર ઘણાં નાનાં રાજ્યોમાં ખંડિત થઈ ગયું હતું. મુસ્લિમ શાસકોએ ૧૧૦૦થી ભારતમાં તેમનાં રાજ્યને સુદૃઢ બનાવવાનું શરૂ કરી દીધું હતું અને ૧૫૫૦માં તેઓ ઉત્તરમાં ભારતના શાસકો બની ગયા.

૯૦૦ થી ૧૫૫૦ દરમિયાન દક્ષિણ, પૂર્વ તથા પશ્ચિમ મુખ્યત્વે હિન્દુ વડે શાસિત હતાં : દક્ષિણમાં – કાલાચૂરી, હોયસાલા, નાયક, વિજ્યનગર સામ્રાજ્ય અને ચોલા વંશ; પૂર્વમાં – સેન, ગંગા, મ્લેન્છ; પશ્ચિમમાં – મૈત્રક, યાદવ તથા પ્રતિહાર. બૌદ્ધ ધર્મની જેમ, શરૂઆતમાં હિન્દુધર્મ પણ પૂર્વ તરફ ઈન્ડોનેશિયા તથા કંબોડીયામાં પ્રસર્યો. જ્યાં ઈસ્લામના ઉદય છતાં, ૨૧મી સદી સહિતની કેટલીય સદીઓના લાંબા સમયગાળાથી રામાયણ તથા મહાભારતના મહાકાવ્યોનો પ્રભાવ ચાલુ રહ્યો છે.

Total Views: 370

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.