સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોની વ્યાખ્યા આપણે ગયા અંકથી જોઈ રહ્યા છીએ, હવે આગળ…

આમ કટોકટીને કાળે આપણને ભાન થાય છે કે આખરી મૂલ્ય માનવી પોતે જ છે, એની માલમત્તાનું નહીં. આ ચીજવસ્તુઓને રસ્તા પર પડેલી મેં જોયેલી છે. એ લોકો સમજતાં હતાં કે જીવતાં રહીશું તો ભદ્રા પામીશું. તૃષ્ણાવાયરો વીંઝાતો હોય ત્યારે આપણામાંનાં કેટલાં બધાં જમીનદોસ્ત થઈ જઈએ છીએ ! પણ આપણાં મૂળ ઊંડાં હોય તો આપણને કશી આંચ આવે નહીં. એ મૂળ તે આત્મા છે. આત્મભાનમાં મારા જીવનનું મૂળ છે. પછી કોઈ એને હલાવી શકે નહીં. નવા કરાર (New Testament) માં ઈસુની દૃષ્ટાંતકથાને આ ઘણું મળતું આવે છે :

‘એક મૂર્ખ માણસે રેતીમાં પોતાનું ઘર બાંધ્યું અને વરસાદ પડ્યો. પુર આવ્યાં, પવન ફૂંકાયો, એ સૌએ એ ઘર પર મારો ચલાવ્યો ને, એ પડયું, એ કડડભૂસ કરતું પડયું હતું. પણ એ શાણા નરે પોતાનું ઘર ખડક પર બાંધ્યું, વરસાદ પડયો, પવન ફૂંકાયો, અને એ ઘર પર મારો ચલાવ્યો પણ, એ ન પડયું, કારણ કે એ ખડક પર બંધાયેલું હતું.’

ઘણું સુંદર દૃષ્ટાંત : આત્માના આ ખડક ઉપર તમારા જીવનની ઈમારત ઊભી કરશો તો એને કશુંય ડોલાવી શકશે નહીં. એને ચારિત્ર્યની સ્થિરતા કહેવાય. આધ્યાત્મિક જાગૃતિ પર આધારિત ઉચ્ચ ચારિત્ર્ય બળવાળા માનવી પાસે જઈ કોઈ એને લાખ રૂપિયાની લાંચ આપવાની વાત કરશે તો એ પેલાને કહી દેશે, ‘મહેરબાની કરી ચાલતો થઈ જા.’ આ બળ કયાંથી આવે છે ? મનુષ્યના આ આધ્યાત્મિક પરિમાણમાંથી માત્ર; એ વ્યક્તિએ પોતાના અનંત સ્વરૂપ ઉપર પોતાના વ્યક્તિત્વનો પાયો રોપ્યો છે. એ પાયો રેતી પર હોત તો માત્ર પાંચ રૂપિયાની લાંચના પવનની લહેરે એ ડોલી ગયો હોત. લોકો આ ગીતાવિચાર સમજશે ત્યારે સ્થિતપ્રજ્ઞ દશા પ્રગટ થશે. એ વિચારો જીવનમાં અમલમાં ઉતારવાના છે જેથી શબ્દના સાચા અર્થમાં લોકો માનવી બની શકે, નહીં કે જરાક અમથી બહારની લહેરખીએ પોતાની સમતુલા ગુમાવી બેસે તેવાં પ્રાણી. એટલે आत्मन्येव आत्मनातुष्टः, ‘મનુષ્ય માત્ર આત્માથી જ સંતુષ્ટ રહેતો થાય છે ત્યારે’ स्थितप्रज्ञस्तदा उच्यते, ‘ત્યારે એને સ્થિર બુદ્ધિનો, સ્થિતપ્રજ્ઞ, કહેવામાં આવે છે.’ વેરાગી લોકો, વૈરાગ્ય લીધા પછી પણ પ્રસન્ન રહી શકે તો તેમનો વૈરાગ્ય સાચો વૈરાગ્ય. જે ત્યાગીઓ પ્રસન્ન હોય, જેમનામાં કરુણા હોય, જે લોકોને ચાહતા હોય, તેમનો વૈરાગ્ય તદ્દન સાચો અને ઊંચા પ્રકારનો. જે વેરાગી સાવ સૂકા હોય, જે લોકો પ્રત્યે ચીડ દાખવતો હોય તેનામાં કશીક ગરબડ છે. આત્માનંદ જેવું કશુંક મૂલ્યવાન એણે ગુમાવ્યું છે. ત્યાગમાં આનંદ માનવ માટે અનન્ય છે. એ હાસ્ય કયાંથી પ્રકટે છે ? બહારથી નહીં જ, ભીતરના કોઈ અનંત દિવ્યમાંથી એ પ્રકટે છે. આદિ શંકરાચાર્યના વિવેકચૂડામણિ (ના શ્લોક ૫૪૩)માં આ વાત કહેવાઈ છે :

निर्धनोऽपि सदा तुष्टोऽप्यसहायो महाबलः।

नित्यतृप्तोऽप्यभुञ्जानोऽप्यसमः समदर्शनः।।

કેવો તો સુંદર શ્લોક !

‘જે મનુષ્ય પાસે ધન નથી, સત્તા નથી, સાધનસ્રોતો નથી છતાં જે આનંદિત રહે છે તે અસાધારણ મનુષ્ય છે; એને કોઈ સહાયકો નથી હોતા. છતાં એ ખૂબ બળવાન છે, ઈન્દ્રિયભોગ નથી ભોગવતો છતાં નિત્ય તૃપ્ત છે; બીજાઓ કરતાં એ કયાંય ચડિયાતો છે છતાં સમદર્શી છે.’

असमः समदर्शनः, એવરેસ્ટ શિખરની માફક એ અલપ : છે, એ શિખરની સમાન કશું નથી છતાં એ બધાંને પોતાની સમાન ગણે છે, શંકરાચાર્યના આ શ્લોકોમાંના આદર્શની નિકટ પહોંચેલી એક વ્યક્તિને આપણા જીવનમાં, રાજકીય ક્ષેત્રે આપણે જોઈ છે. એ મહાત્મા ગાંધી હતા. આ મહત્તા આધ્યાત્મિક મહત્તા કહેવાય છે. સામાન્ય મહત્તા આ સદ્ગુણ પ્રકટાવી શકે નહીં. શ્રીરામકૃષ્ણ કહેતા કે ‘પોતાના અનંત સ્વરૂપનો સાક્ષાત્કાર કરીને શિવ આનંદથી નાચે છે.’ આ શકયતા આપણા સૌમાં નિગૂઢ છે. જગતમાંની બીજી ચીજોની જેમ આપણે એક ચીજ નથી. મેજ કે ખુરશી કે મિલકત કે આ કે તે, કોઈપણ ચીજને આપણા સાચા સ્વરૂપ સમાન ગણી શકાય નહીં.

આ સત્યનો આપણે થોડો પણ સાક્ષાત્કાર કરીશું તો આપણી પાસે મિલકત ભલે હોય, પૈસો ભલે હોય – પણ આપણે એમના ગુલામ નહીં બનીએ. ગીતામાં આ બાબત પર ભાર દેવાયો છે.

જીવન ચાલે છે તેમ ચાલતું રહેશે પણ મૂલ્યતંત્રો બદલાઈ જશે. થોડા રૂપિયા માટે હું કોઈને છેતરીશ નહીં. પૈસાનું મૂલ્ય હું જાણું છું પણ પૈસાના મૂલ્ય કરતાં માણસનું મૂલ્ય વધારે છે તે હું જાણું છું. આ રીતે મનુષ્યજીવનમાં ઉપરથી નીચે સુધી એ પરિવર્તન લાવી શકે. ગમે તેમ પણ આપણા અભિગમમાં અને જીવનમાં થોડું પરિવર્તન વધારે ને વધારે સુખ લાવનારું થાય. આપણા પરિવારોમાં, ઘણીવાર, પૈસાની નાની રકમ માટે મોટા ઝઘડા થતા હોય છે; એ ભયંકર પરિસ્થિતિ છે. ભાઈઓ, બહેનો સૌ ભાંડતાં ઝઘડતાં હોય. ચિત્તને અસર કરનાર આ સંદેશ પછી સમગ્ર ચિત્ર બદલાઈ જશે.

ચીજવસ્તુઓ અને લોકો વિશે ઉદાર મનથી વિચારતાં શીખવાની આપણાં લોકોને ઘણી જરૂર છે. એક બહેન વિધવા થઈ તો એને છેતરીને લૂંટી લેવા માટે નહીં પણ એને મદદ કરવા માટે કુટુંબીઓએ તત્પર રહેવું જોઈએ. માનવચિત્તમાં થોડું અધ્યાત્મ, થોડો સ્થિતપ્રજ્ઞ- અભિગમ ઊગશે પછી સમાજને આવી ક્ષુદ્રતા નહીં પીડે. આમ સ્થિતપ્રજ્ઞ વિભાગનો આ પ્રથમ શ્લોક (૨.૫૫) ખૂબ ફલદાયી શ્લોક છે :

प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान् ।

आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ।।

તમારી અંદર તમે કશા મહાનની અનુભૂતિ કરો છો માટે બાહ્ય આકર્ષણોને તમે સ્વાભાવિક રીતે ત્યજી દો છો. નાની વસ્તુને તમે ત્યજી દો છો, કારણ તમને મોટી વસ્તુ સાંપડી છે. તમારા અંતરમાંના અનંત તત્ત્વે સાન્ત તત્ત્વની જવાબદારી ઉઠાવી લીધી છે તે રીતે તમારી પોતાની મહત્તાનો તમે સાક્ષાત્કાર કર્યો છે. એ જ્ઞાન આપણા સમાજને રોગની જેમ વળગેલી ક્ષુલ્લકતાનો થોડાઘણા અંશે નાશ કરી નાખે છે. જીવનને દરેક સોપાને, એ સુસંગત છે કારણકે આ આત્મા, અનંત અને અચર, આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને આપણને એનું ભાન થવું જોઈએ.

ગાંધીજીના સમયમાં, એમના આશ્રમમાં આ શ્લોકો રોજ બોલાતા કારણકે એ એટલા ઉદાત્ત છે. આ વિચારોનું ચિંતન કરવું, એમનું ધ્યાન કરવું તે માનવવિકાસ માટેનું મોટું શિક્ષણ છે, માનવીનો આધ્યાત્મિક વિકાસ છે.

જીવનમાં સફળતા માટે મનની સ્થિરતાની આપણને જરૂર છે. ચંચળ મન કશી મહાન સિદ્ધિ હાંસલ કરી શકે નહીં. મોટાભાગના માણસોમાં સ્થિરતાની થોડી માત્રા હોય છે. એ બતાવે છે કે એમણે પોતાનાં ચિત્તને થોડાં કેળવ્યાં છે. આંતરજીવનમાં વધારે ને વધારે દૃષ્ટિપાત થઈ શકે તે હેતુથી એ કેળવણી વિગતે અહીં આપવામાં આવી છે. (ક્રમશ 🙂

Total Views: 239

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.