જીવનમાં સફળતા માટે સમદર્શન અને સ્થિરતાની જરૂર છે. ચંચળ મન આપણને મહાન સિદ્ધિથી દૂર રાખે છે એ વાત આપણે ગયા અંકમાં જોઈ. હવે ગીતાના બીજા અધ્યાયના આગળના શ્લોકનું અધ્યયન કરીએ…

दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः ।

वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते।।2.56।।

‘દુ :ખથી જેનું ચિત્ત ચલાયમાન થતું નથી અને સુખની પાછળ જે દોડતો નથી, આસક્તિ, ભય અને ક્રોધથી જે મુક્ત થયો છે તે જ સ્થિર બુદ્ધિનો મુનિ છે.’

જે स्थितधीः, ‘જે વ્યક્તિની धी, અર્થાત્, બુદ્ધિ स्थित સ્થિર છે તે મુનિ કહેવાય છે. સંસ્કૃતમાં મુનિ શબ્દનો અર્થ मननशीलो मुनिः, મનન કરનાર તે મુનિ, એવો છે; આપણે સામાન્ય રીતે મૌન પાળનાર સાથે મુનિ શબ્દ જોડીએ છીએ. આ અદ્‌ભુત શબ્દનો એ તો કેવળ બાહ્ય વ્યવહારનો ભાગ છે. અગત્યનો ભાગ છે, ‘મનનશીલ હોવું.’ આપણા સાહિત્યમાં મુનિ અને ઋષિ શબ્દો વારંવાર વપરાયેલા જોવા મળે છે. મુનિ મોટો શબ્દ છે. મુનિના મુખ સામે જુઓ; આપણને વિચારશીલ ચહેરો જોવા મળશે, ખાલી, છીછરો કે આછકલાઈવાળો નહીં. આજે આપણે ત્યાં લોકશાહી છે. લોકશાહીની સફળતાનો આધાર વધારે ને વધારે લોકો ચિંતનની શક્તિ અને સેવાભાવના વિકસાવે તેની પર છે. જેમનો પોતાની લાગણીઓ ઉપર અંકુશ નથી અને આવેશપૂર્ણ રીતે જેઓ કાર્ય કરે છે તે લોકો આપણી લોકશાહીનો નાશ કરે છે; અને આપણા રાજકારણના મોટા ભાગનું એ જ લક્ષણ છે. પણ સુદૃઢ લોકશાહીમાં લોકોમાં મુનિગુણ વધારે હોય તે જરૂરનું છે. मननशीलो मुनिः, ‘ચિંતન કરતાં લોકો મુનિઓ છે.’ સમાજમાંની બધી પ્રગતિ લોકોની ચિંતનશક્તિમાંથી આવે છે. આ સંદર્ભમાં આપણે મુનિ શબ્દ પ્રયોજીએ છીએ ત્યારે આપણને કદાચ એવું લાગે કે ‘અરે ! આ તો ઉચ્ચ આદર્શ છે ! અમે એના જેવા શી રીતે થઈ શકીએ ?’ પણ આપણી પોતાની કક્ષાએ આપણે મુનિ થઈ શકીએ. મુનિ બનવાની કક્ષાઓ ઘણી છે. એટલે આપણે એ માર્ગ હંમેશાં યાદ રાખવો જોઈએ. दुःखेष्वनुद्विग्नमनाः, ‘શોકથી જેમનું ચિત્ત ઉદ્વેગ પામતું નથી.’ એ જ રીતે सुखेषु विगतस्पृहः, ‘સુખની આકાંક્ષાથી જે ચલાયમાન થતો નથી.’

પછી આવતું વચન અત્યંત સુંદર છે : वीतरागभयक्रोधः, ‘મનુષ્યને ખૂબ નુકસાન પહોંચાડતા ભાવો ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે તે’; એ ભાવો કયા ? રાગ, ભય, ક્રોધ, ‘આસક્તિ ભય, ક્રોધ.’ અમુક મર્યાદાથી પર આ ત્રણેય હોય તો સમાજનાં સુખશાંતિ જોખમમાં આવી પડે. એટલે ગીતામાં આ વાત વારંવાર કહેવાઈ છે. આપણે ૪થા અધ્યાયનો અભ્યાસ કરીશું ત્યારે આ બોધની વધારે વિશદ ચર્ચા જોવા મળશે. વેદાંતમાં સમગ્રપણે ભયને અનિષ્ટ ગણાયો છે. ધાર્મિક ગુણ તરીકે ભયને એણે કદાપિ ઉત્તેજન આપ્યું નથી. આપણા સમાજે આ એક પાઠ શીખવાનો છે. આ કે તે બાબતનો ભય બાળકમાં ઠાંસી આપણે તેમને ઉછેરીએ છીએ. વેદાંત કહે છે, ‘નહીં, બાળકોને અભયમાં ખીલવા દો.’ ‘અભય સદ્ગુણ છે. ભય, પાપ છે’; એમ સ્વામી વિવેકાનંદે કહ્યું છે. એ વેદાંતનો બોધ છે. બાળકની નૈતિક કેળવણીમાં ભયને કોઈ સ્થાન નથી. સામાન્ય ભય હોય છે જ. વાઘ મળે તો હું એને ભેટવા જવાનો નથી જ ! એ ભય બૌદ્ધિક અને તાર્કિક છે. પરંતુ વર્તનને વિષમ બનાવતા અતાર્કિક ભયોને ટાળવા જોઈએ. આપણાં બાળકોમાં આપણે વિષમ ભયોનું આરોપણ કરીએ છીએ. ને તેથી, એ સાચું નૈતિક જીવન જીવી શકતાં નથી. ભય દ્વારા એમને નૈતિક બનાવીએ છીએ. પોલીસનો ભય, જાહેર મતનો ભય વગેરે. ને આપણે નીતિ સમજીએ છીએ ને એવા ભયના પ્રેર્યા આપણે સીધા ચાલીએ છીએ. વેદાંત અનુસારના ચારિત્ર્ય ઘડતરના મનોવિજ્ઞાનમાં આ પ્રકારના ભયને સ્થાન નથી. બીજા કોઈ સાહિત્યમાં માનવી માટે ભયને ખરાબ ગણવામાં આવ્યો હોય એમ આપણે જોતા નથી. અભય જ સદ્ગુણ છે, ભય નહીં. હું જૂઠું બોલું છું તે શા માટે ? મને ડર છે માટે હું જૂઠું બોલું છું. મને ભય ન હોય તો હું કદી જૂઠું ન બોલું. માતાપિતા સમક્ષ હું સાચું જ બોલીશ. એટલે અભયમાં ઊછરેલાં બાળકો સ્વાભાવિક રીતે જ નીતિમાન થશે. એ પ્રામાણિક થશે. પોતાના જીવનમાં એ સ્વાભાવિક થશે. બાળકોનાં મનમાં કદી ભય ન ઠોકી બેસાડો; મોટેરાંઓ તરીકે આપણે પણ ભયને જીતવાનો છે. ભગવદ્ ગીતાના આ ગ્રંથમાં આ વિષય સતત આવ્યા જ કરે છે. માટે રાગ, ભય અને ક્રોધને વશમાં રાખો.

ક્રોધ પર સંયમ રાખવો ખૂબ કઠણ છે; પણ ક્રોધને વશ રાખવા માટે આપણે મનને કેળવવું પડે છે.

પહેલાં, આપણે ગુસ્સે થઈ જઈએ છીએ; થોડા વખત પછી આપણે શાંત થઈ જઈએ છીએ. તો આપણે વિચારવું જોઈએ : હું ગુસ્સે શા માટે થયો ? મેં અંકુશ ગુમાવી દીધો; હવે હું યત્ન કરીશ. આમ સંકલ્પબળ અને મોટેરા હેતુઓ પ્રત્યે સમર્પણની ભાવનાના પુનરાવર્તનથી ભય અને દ્વેષની આ ખરાબ લાગણીઓ ઉપર આપણે વિજય મેળવી શકીએ. આપણો ક્રોધ ‘ફાટી’ નીકળે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર વિલિયમ મેકડુગલના પ્રખ્યાત પુસ્તક, ‘કેરેકટર એન્ડ ધ કંડક્ટ ઓફ લાઈફ’માં આ ક્રોધ વિશે, એને કેવી રીતે કાબૂમાં રાખવો તે વિશે તથા તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે સમજાવવામાં આવ્યું છે, જીવનમાં એ ઉપયોગી છે. માનસશાસ્ત્ર મુજબ ક્રોધ સહિતની કોઈપણ ઊર્મિ સ્વયં ખરાબ નથી. પરંતુ એમની સાથે કામ કેમ પાડવું તે જાણવું જોઈએ. અને ક્રોધને મનુષ્યજીવનમાં સ્થાન છે. તમારી આસપાસ કયાંય અન્યાય આચરાતો તમે જુઓ છો; એથી તમારો ક્રોધ જાગ્રત થવો જોઈએ પણ તે તમારા અંકુશ હેઠળ. ક્રોધ વિના તમે યથાયોગ્ય પ્રતિકાર કરી શકતા નથી. અન્યાય વધતો જ જાય. આમ ક્રોધને સમાજોપયોગી માર્ગે વાળી શકાય. ભારતમાં આપણે દક્ષતાપૂર્વક એમ કરતા નથી. આપણી પાસે ગુસ્સો છે પણ અનિષ્ટ સામે લડવાને અને સમાજોપયોગી કાર્યો માટે આપણે એને કદી વાળતા નથી. ચારિત્ર્ય શિક્ષણની એક મોટી વાત એમાં આવે છે. મેકડુગલ એને ‘ન્યાયી ક્રોધ’ કહે છે. ચોમેર આપણે ખૂબ અન્યાય જોઈએ છીએ. આપણી નજર ત્યાંથી ખસેડી લઈ આપણે કહીએ છીએ કે ‘મારે એની સાથે કંઈ લાગતું વળગતું નથી.’ પણ ઘરમાં અને આશ્રિતો સાથેના વ્યવહારમાં નિરર્થક ગુસ્સાના ઢગલા છે. એટલે તો આપણે આ ઊર્મિ સાથે સારી રીતે કામ પાડી શકતા નથી. એ ઊર્મિને કેળવો. સમાજના હિત માટે એનો ઉપયોગ કરો. પછી આપણા સામૂહિક જીવનમાં એ ક્રોધનું મૂલ્ય ઘણું હશે. એ ક્રોધ વિના અનિષ્ટ વૃદ્ધિ પામશે. ભારતમાં આ આપણી મોટી ખામી છે. ન્યાયી ક્રોધ માટે ભારતમાં આપણને ઉત્કંઠા જ નથી. આપણે ગાડું ગબડવા જ દઈએ છીએ. આ અભિગમે સમાજમાં પુષ્કળ અન્યાય વધાર્યો છે. આજના યુગમાં થોડો સુધારો થતો દેખાય છે. એટલે ક્રોધને દૂર કરવાનો છે પણ ફૂલની માફક એને ચૂંટીને કાઢી શકાતો નથી. એ સ્વસંચાલિત ઊર્મિને કેળવી યોગ્ય દિશામાં વાળવાની છે. (ક્રમશ 🙂

Total Views: 282

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.