ગયા અંકના પ્રથમ લેખમાં આપણે સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વ અંગેની વિશિષ્ટતાપૂર્ણ ઝલકો જોઈ. હવે આપણે સ્વામીજીના જીવનવૃત્તાંતનો પ્રારંભ કરીએ છીએ.

વંશપરિચય

કોલકાતા નગરના ઉત્તર વિભાગમાં સિમલા કે સિમુલિયા નામનો એક વિસ્તાર છે. દત્ત પરિવારનું ઘર અહીં જ આવેલું હતું. વિશાળ દરવાજો, ખુલ્લું આગણું, અનેક ઓરડા, ઘણા બધા લોકોના રહેવાથી હર્યો-ભર્યો પરિવાર જાણે પ્રેમ અને સમૃદ્ધિનો ભંડાર હતો. સ્વામી વિવેકાનંદના પરદાદા હતા શ્રી રામમોહન દત્ત. તેઓ એક અંગ્રેજી વકીલની સાથે ભાગીદાર તથા વ્યવસ્થાપક કર્મચારી તરીકે કામ કરતા હતા. પોતાના વ્યવસાયમાં તેમણે ઘણી નામના મેળવેલી અને ધન કમાયેલા. સમગ્ર રીતે દત્ત વંશ પહેલેથી જ એક ધનવાન તથા વિદ્વાન કુટુંબ હતું. દાન કરવામાં અને સ્વાભિમાન રૂપે પ્રગટ થનાર સ્વાધીનતાનો ભાવ આ કુટુંબની એક ખાસ વિશિષ્ટતા હતી. શ્રી રામમોહન દત્તને બે પુત્ર હતા-દુર્ગાપ્રસાદ અને કાલીપ્રસાદ. દુર્ગાપ્રસાદમાં બુદ્ધિમત્તાની વિલક્ષણ ચમક હતી. તેઓ ફારસી અને સંસ્કૃત ભાષાના પણ જાણકાર હતા. કાયદા-કાનૂનના જ્ઞાનમાં પણ તેઓ એટલા નિપુણ હતા કે તેમના પિતાએ પોતાના જ વકીલાતના વ્યવસાયમાં દુર્ગાપ્રસાદને ભાગીદાર બનાવી લીધા હતા. તેમની પત્નીનું નામ શ્યામાસુંદરી હતું. તેઓ પણ ઘણાં કર્મઠ હતાં. વકીલાતના વ્યવસાયની શરૂઆતથી જ દુર્ગાપ્રસાદનું મન સંન્યાસી બનવાની કામનાથી તડપી રહ્યું હતું. છેવટે ૧૮૩૫માં પોતાના જીવનના પચીસમા વર્ષે તેઓ સાધુ થવા માટે નીકળી ગયા. એ પછીનાં બાર વર્ષોના તેમના સાધનાકાળ દરમિયાન ક્યાંયથી કોઈને પણ તેમના અંગેના કોઈ સમાચાર ન મળ્યા. તેઓ તેમની પાછળ પત્ની શ્યામાસુંદરી અને નાનકડા પુત્ર વિશ્વનાથને છોડી ગયા હતા.

નાનકડા પુત્ર વિશ્વનાથની સંભાળ લેતાં રહીને શ્યામાસુંદરી દેવી પોતાનો પતિવ્રતાધર્મ નિભાવી રહ્યાં હતાં. ત્યારે તેમના જીવનનો મુશ્કેલીભર્યો સમય શરૂ થયો. વિશ્વનાથ જ્યારે ત્રણ વર્ષનો હતો, ત્યારે તેને લઈને વારાણસીની તીર્થયાત્રા પર નીકળ્યાં. ત્યારે ત્યાં સુધી જવા રેલગાડીની સુવિધા થઈ ન હતી, તો પણ તીર્થયાત્રા માટે નીકળવાવાળા આખા સમૂહને એક મોટી હોડીમાં બેસીને પાંચસો માઈલની યાત્રા કરવી પડી હતી. હોડીમાં ઘણો બધો સામાન વગેરે પણ લદાયેલો હતો. રસ્તામાં આવતાં નવાં-નવાં નગર, નવાં-નવાં પ્રાકૃતિક દૃશ્ય, નવાં-નવાં રીતરિવાજ તથા ભાષાઓ – બધું નીરખતા રહીને યાત્રીઓનો આ સમૂહ ધીરે-ધીરે વારાણસી તરફ આગળ વધી રહ્યો હતો. આ ધીમી ગતિની યાત્રા દરમિયાન એક દિવસ એક ઘટના બની ગઈ. વિશ્વનાથ હોડીની ઉપર એક બાજુ રમતાં રમતાં સમતુલા ખોઈને એકાએક ગંગાજીમાં જઈ પડ્યો. તે સમયે શ્યામાસુંદરી ત્યાં જ ઊભાં હતાં. તેઓ ક્ષણભરનો પણ વિચાર કર્યા વિના, પલકારામાં જ પાણીમાં કૂદી પડ્યાં. તેમને તરવાનું આવડતું ન હતું. તેથી તેમના પ્રાણો પર સંકટ આવી પડ્યું, પરંતુ હોડીના બીજા યાત્રીઓની મદદથી માતા-પુત્ર બન્નેને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યાં. શ્યામાસુંદરી દેવીએ પાણીમાં કૂદ્યા પછી અત્યંત બળપૂર્વક વિશ્વનાથને પકડી લીધો હતો. તેમની એ પકડ એટલી મજબૂત હતી કે તેનું ચિહ્ન વિશ્વનાથના શરીર પર અનેક વર્ષો સુધી રહ્યું હતું.

સમય આવતાં વારાણસી નગર આવી પહોંચ્યાં. કાશીનો અર્થ છે પ્રકાશમાન. આ નગર હિન્દુઓના પરમપ્રિય મહાદેવ વિશ્વનાથ અને દેવી અન્નપૂર્ણાનું નિવાસ હોવાના કારણે એક મહાતીર્થ બની ગયું છે. શ્યામાસુંદરીદેવી ઘણા આનંદ સાથે વીરેશ્વર શિવ તથા તેની આજુબાજુનાં બીજાં અનેક મંદિરોના દર્શન માટે જતાં રહેતાં હતાં. એક દિવસ તેઓ ગંગાસ્નાન કર્યા પછી વિશ્વનાથ-મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યાં હતાં. મંદિર તરફ જતી સાંકડી ગલીમાં ઘણી ભીડ હતી, ધૂપ-ધૂણીની સુગંધ ફેલાયેલી હતી, ‘ૐ નમ : શિવાય’ નો ધ્વનિ ગુંજી રહ્યો હતો- આવી તે ગલી હતી! એકાએક શ્યામાસુંદરીદેવીનો પગ ફસકાઈ પડ્યો અને તે જોરથી નીચે પડી ગયાં. તેઓ એટલા જોરથી પડ્યાં હતાં કે પોતાનું શાન-ભાન ખોઈ બેઠાં. તે જ વખતે એક સંન્યાસી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજર સમક્ષ જ આ દુર્ઘટના બની હતી. તેઓ તરત જ એ માતાને મદદ કરવા આગળ આવ્યા. તેઓ એમને ટેકો આપીને લઈ ગયા અને નજીકના મંદિરના પગથિયે બેસાડી દીધાં. થોડીવાર પછી જયારે શ્યામાસુંદરીદેવીને ભાન આવ્યું અને તેમણે આંખો ખોલીને જોયું તો તે ભારે આશ્ચર્ય સાથે ચોંકી ઊઠ્યાં! આ સંન્યાસી સ્વયં તેમના પતિ દુર્ગાપ્રસાદ હતા. પરંતુ હવે બીજી વખત આ સંસારના પ્રપંચોમાં ફસાવાનું આ બંનેના ભાગ્યમાં લખાયેલ ન હતું. હૃદયથી એક મૂક રુદન ઊઠ્યું અને શ્યામાસુંદરી દેવીના ગળે ડૂમો ભરાયો. કદાચ તે સંન્યાસીનાં નેત્રોના ખૂણા પણ ભીના થયા હશે! ક્ષણમાત્રમાં જ તે સંન્યાસી પાછા ફર્યા અને ‘માયા, આ જ તો માયા છે!’ – કહીને બબડતા રહીને ભીડના સમુદ્રમાં ભળી જઈને અદ્દશ્ય થઈ ગયા. શ્યામાસુંદરીદેવીએ જાતને સંભાળી અને શાંત મને કાશી જઈને વિશ્વનાથનાં દર્શન કરવા માટે મંદિરમાં પ્રવેશ કર્યો.

Total Views: 301

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.