મંદોદરી

મંદોદરી લંકાના રાક્ષસ રાજા રાવણનાં પત્ની હતાં. રામાયણમાં એક મહાન, પવિત્ર અને વિલક્ષણ ગુણોવાળાં નારી તરીકે એમનું વર્ણન થયું છે. તેઓ શાંત, ભવ્ય અને સંપૂર્ણપણે રાવણનાં અનુરાગી હતાં. જ્યારે હનુમાન લંકામાં આવ્યા ત્યારે તેમણે પણ તે સીતા છે એવું માનવાની ભૂલ કરી હતી.

મંદોદરીએ રાવણને અવારનવાર ચેતવીને કહ્યું હતું કે સીતાનું અપહરણ કરીને તેમણે પાપકૃત્ય આચર્યું છે. પરાક્રમી શ્રીરામને તેઓ કોઈ કાળે જીતી શકે તેમ નથી. મંદોદરી પોતાના સદ્ગુણી જીવનના પ્રભાવથી ઝઝૂમતા વિનાશને જાણી શક્યાં હતાં. તેમણે પોતાના પતિને કહ્યું હતું કે એક પવિત્ર પત્નીનાં જમીન પર પડેલાં આંસુ વ્યર્થ જતાં નથી અને શ્રીરામ પ્રત્યેના સીતાના પ્રેમભાવના અગ્નિથી રાવણ બળીને રાખ થઈ જશે. પોતાની સલાહ છતાં જ્યારે મંદોદરીને ખ્યાલ આવ્યો કે રાવણ પોતાના નિર્ણયમાં અડગ છે ત્યારે તેમણે શાંતિથી આ દુ :ખપીડા સહન કર્યાં.

સાથે ને સાથે અંતિમ વિનાશનો સામનો કરવા પોતે તત્પર થયાં. રાવણને પરણીને ઉપસ્થિત થનારી કરુણાંતિકાનો સામનો કરવા તેઓ આંખમાં આંસુ સાથે અડગ ઊભાં રહ્યાં. મંદોદરી પવિત્ર જીવનનું અને પોતાના પતિ પ્રત્યેના એકનિષ્ઠાવાળા પ્રેમનું ઉદાહરણ છે.

હિન્દુઓ સવારમાં જે મહાન સાત નારીઓને સ્મરે છે તેમાં એક નામ મંદોદરીનું પણ છે.

અરુંધતિ

હિન્દુઓના લગ્નમાં એક વિધિ પ્રમાણે વરકન્યાને અરુંધતીનો તારો બતાવાય છે. પોતાનાં પવિત્રતા, પતિભક્તિ તેમજ પતિની એકનિષ્ઠાથી કરેલી સેવાને કારણે અરુંધતી તારાઓની દુનિયામાં સ્થાન પામ્યાં છે. અરુંધતી ઋષિ વશિષ્ઠનાં પત્ની હતાં. તે બન્નેએ પોતાનાં જીવન કઠિન તપશ્ચર્યા અને સેવા માટે સમર્પિત કરી દીધાં હતાં. તેમને સાત પુત્રો થયા હતા અને એ સાતેય મહાન ઋષિ બન્યા.

એક વખત હિમાલયમાં સતત બાર વરસ સુધી વરસાદ ન પડ્યો. સાતેય મહાન ઋષિઓ ત્યાં રહેતા હતા અને તપશ્ચર્યા કરતા હતા. કંદમૂળ અને ફળ ખાવા ન મળતાં હોવાથી તેમને ઘણું કષ્ટ સહન કરવું પડ્યું. અરુંધતીએ હિમાલયમાં વરસાદ વરસાવવાનું વિચાર્યું. તેમણે કઠિન તપશ્ચર્યા આદરી. વર્ષો સુધી એ આકરું તપ ચાલતું રહ્યું. અંતે એમના મનની દૃઢતા જોઈને ભગવાન શિવે તેમને દર્શન દીધાં અને આશીર્વાદ આપ્યા. અરુંધતીએ ત્યારે ભગવાન શિવને વરસાદ વરસાવવા માટે પ્રાર્થના કરી.

શિવજીએે વરદાન આપ્યું અને ખૂબ વરસાદ પડ્યો. માત્ર ઋષિઓ જ નહિ પરંતુ બધાં પ્રાણીઓ પણ રાજી રાજી થઈ ગયાં.

અરુંધતી અને ઋષિ વશિષ્ઠે પવિત્ર સરસ્વતી તીર્થમાં તપશ્ચર્યા કરી અને અંતે આકાશમાં પ્રવેશ્યાં અને બે તારા બન્યાં. ઋષિ વશિષ્ઠ સપ્તર્ષિના ઝૂમખામાં એક તારારૂપે દેખાય છે અને તેની નજીકમાં જ અરુંધતીનો તારો દેખાય છે.

Total Views: 136
By Published On: August 1, 2015Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram