ગયા અંકમાં આપણે વિષયો પરનું અનાસક્તિ જેમ સ્થિર પ્રજ્ઞા કે લક્ષણ જોયા. હવે આપણે અધ્યાય-૨ ના શ્લોક ૫૯નું અધ્યયન કરીએ.

આ પછીના શ્લોકમાં માનવચિત્તનો ઊંડો મનોવૈજ્ઞાનિક અભ્યાસ જોવા મળે છે :

विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः ।

रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते ।।59।।

‘સંયમી વ્યક્તિ પાસે ઈન્દ્રિયના વિષયો ખરી પડે છે અને માત્ર રસ રહી જાય છે. પરંતુ તે રસ પણ પરમનો સાક્ષાત્કાર થતાં નિવૃત્ત થઈ જાય છે.’

દરેક શબ્દ અર્થસભર છે. આપણે મનુષ્યનો અભ્યાસ ઉપરઉપરથી કરીએ પણ તેથી એની પ્રવૃત્તિઓ, સફળતા-નિષ્ફળતાને સમજી શકીશું નહીં. માનવચિત્તમાં ઊંડા ઊતરીએ અને ત્યાં કયાં પરિબળો કાર્યરત છે એની ભાળ મેળવીએ તો આપણે વધારે સ્થિર વ્યક્તિત્વ પ્રસ્થાપિત કરી શકીએ. માનવમનના તર્કવાદ ઉપર આધારિત પાશ્ચાત્ય ઈતિહાસની માન્યતા મુજબ વીસમી સદીના આરંભ સુધી પ્રકાશનો યુગ હતો. ફ્રોઈડવાદે આ ગૃહીતને પડકાર્યંુ. શું છે આ પ્રકાશ / જ્ઞાન યુગ ? અર્ધચેતન (Subconscious) અને અચેતન (Unconscious) મનની ઊર્જા વડે એક સેકન્ડમાં એને ફેંકી દઈ શકાય છે. આ મોટી શોધ હતી, પશ્ચિમના દેશોને લાગેવળગે છે ત્યાં સુધી, ગહન માનસની ક્રાંતિકારી શોધ એ હતી. ફ્રોઈડને એ (ગહન) મન વાસના અને હિંસાથી ખદબદતું જણાયું હતું. પરંતુ માનવચિત્તના ઊંડાણનો તાગ પામવાનું કાર્ય ૪૦૦૦ કરતાં વધારે વર્ષો પૂર્વે ઉપનિષદોના ઋષિઓએ કર્યું હતું; અર્ધચેતન મનની અને ઈન્દ્રિયબદ્ધ અહંની પણ પાછળ રહેલા નિત્ય મુક્ત, અમર આત્માનું પ્રકાશતું સત્ય શોધ્યું હતું. ગીતામાં માનવજીવન અને માનવભાવિની રજૂઆત ઉપનિષદોના માનવ શકયતાઓના વિજ્ઞાનને આધારે થયેલી છે. ગીતામાં માનવચિત્તની ગહનતાના જ્ઞાનને ઉચ્ચતમ અને ગહનતમ સપાટીએ લઈ જવાયું છે. विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः, ‘દેહ ધારણ કરનાર મનુષ્ય’ પોતાની જાતને કહે છે : ‘હું આજે કશું ખાઈશ નહીં’ અને એ ઉપવાસ કરે છે. પણ એ મનુષ્ય ખરેખર ઉપવાસ નથી કરતો. મનમાં ખાવાની ઇચ્છા ખૂબ પ્રબળ છે. આમ દરેક ઈન્દ્રિયની તૃષ્ણાની બાબતમાં, તમારી સામેથી ઈન્દ્રિય વિષયને હઠાવી લેવામાં આવે તેથી તમે આત્મસંયમી નથી બની જતા. આવી વ્યક્તિનું વર્ણન रसवर्जं પદ વડે કરવામાં આવ્યું છે; રસ એ તૃષ્ણા છે, એ રસ મોજૂદ છે. એ તૃષ્ણાને તમે જીતી શકો ખરા ? તો તમે અદ્‌ભુત. બીજી પંક્તિમાં એ મોટી વાત કહેવાઈ છે. परं दृष्ट्वा निवर्तते આ તૃષ્ણા પણ જતી રહે, કયારે ? પરમ, પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે, સર્વના અંતર્યામી પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે તે તૃષ્ણા પણ ચાલી જાય. વિષય શબ્દ સંસ્કૃતમાં ઈન્દ્રિયોના વિષયો માટે અને વિષયી શબ્દ (વિષયો ભોગવનાર) મનુષ્ય માટે શાસ્ત્રીય પરિભાષાની રીતે વપરાય છે. વેદાંતના આ બંને શાસ્ત્રીય શબ્દો છે. તૃષ્ણાઓ જાય ત્યારે જ તમે પૂર્ણરૂપે મુક્ત છો. નહીં તો તૃષ્ણા નવી પરિસ્થિતિઓ ઊભી કરી શકે, બધો સમય નવા પડકારો આવી શકે, નવી લાલચો આવી શકે. પરંતુ તૃષ્ણા જ જ્યારે જતી રહે ત્યારે તમે તદ્દન મુક્ત થઈ જાઓ. અનંત આત્મા તરીકે પોતાના સ્વરૂપને જાણ્યા પછી તૃષ્ણા તદ્દન નિર્મૂળ થઈ ગઈ હોય એવું આ ઊર્ધ્વતમ ચિત્ત છે.

આપણા પુરાણોમાં મહાદેવના તપની કથા છે. કાલિદાસના મહાકાવ્ય કુમારસંભવમાં હિમાલયની પીઠિકામાં એ કથા રચાયેલી છે. પાર્વતી શિવને વરવા આતુર છે અને તપ કરતા વૈરાગી શિવ પાસે જઈને વીનવે છે, ‘મને આપની સેવા કરવાની રજા આપો.’ કોઈ યુવાન સ્ત્રી વૈરાગીની સેવામાં હોય એ યોગ્ય પરિસ્થિતિ નથી, કારણ કે વૈરાગીના ચિત્તમાં ખૂણેખાંચરે રહી ગયેલી તૃષ્ણા ભડકો થઈ ઊઠે. પણ શિવ જુદી માટીના છે. એમણે હા પાડી, ‘હા, તમને મારી સેવા કરવાની અનુમતિ આપું છું. મારે કશી ચિંતાનું કારણ નથી.’ આ પ્રસંગને કાલિદાસે એક સુંદર શ્લોક (૧.૫૮)માં ગૂંથ્યો છે :

प्रत्यर्थभूतां अपि तां समाधेः

शुश्रूषमाणां गिरीशोऽनुमेने।

विकारहेतौ सति विक्रियन्ते

येषां न चेतांसि त एव धीराः।।

‘શિવની સેવા કરવા માટે પાર્વતીએ શિવની અનુમતિ માગી ત્યારે શિવ જાણતા હતા કે પોતાની આધ્યાત્મિક સાધનામાં ઉપાધિરૂપ થાય તે છતાં એમણે પાર્વતીની સેવા સ્વીકારી.’ गिरीशोऽनुमेने, गिरीश એટલે શિવ, अनुमेने, એટલે અનુમતિ – રજા – આપી. પછી આ વાત પર કાલિદાસની જ ટિપ્પણી આવે છે : ‘માત્ર એવા લોકો જ ધીર છે’, ધીર એટલે બુદ્ધિમાન અને વીર, त एव धीराः, જે સંજોગોથી ડરતા નથી, કારણ विकारहेतौ सति विक्रियन्ते येषां न चेतांसि, ‘ચિત્તને ખળભળાવે એવા સંજોગો ઊભા થાય તો પણ જેમનાં ચિત્ત ખળભળતાં નથી.’

આવું છે આ સત્ય – આત્મસાક્ષાત્કાર થતાં આ તૃષ્ણા પણ રહે નહીં. શિવ પોતાના અનંત અને અમર શિવસ્વરૂપને જાણે છે; સમુદ્રમંથનની કથા કહે છે તે પ્રમાણે, મંથન કરતી વેળા જે વિષ નીકળ્યું હતું તે પીધા છતાં તેમને કંઈ થયું ન હતું. અને આજના યુગમાં શ્રીરામકૃષ્ણ કહે છે કે દરેક મનુષ્યમાં આ શિવસ્વરૂપ વિદ્યમાન છે અને જીવસેવા એ શિવસેવા છે.

કાલિદાસ જણાવે છે કે શિવે કામદેવને બાળી નાખ્યા પછી જ અને પાર્વતીએ આકરું તપ કર્યા પછી જ એ બંને પરણ્યાં. શિવના પાર્વતી સ્વીકારની વાત કવિએ બીજા મહાન (૫.૮૬માં) શ્લોકમાં વર્ણવી છે :

अद्य प्रभृत्यवनतांगि तवास्मि दासः

क्रीतः तपोभिरिति वादिनि चन्द्रमौलौ।

अर्हाय स नियमजं क्लममुत्ससर्ज

क्लेशः फलेन हि पुनः नवतां विधत्त्ो।।

શિવે કહ્યું : ‘હે નિર્દાેષ નારી, હવે પછીથી હું તારો દાસ છું; તારા તપ વડે તેં મને ખરીદી લીધો છે. ચન્દ્રમૌલિ શિવે આમ કહ્યું ત્યારે તપના નિયમોના પાલન વડે એને જે તનાવ અને શ્રમ ઉત્પન્ન થયા હતા તે બધા શમી ગયા; ફળ પ્રાપ્ત થતાં, બધા તાણ અને શ્રમ નવેસરથી જાગ્રત થાય છે.’

આ બંનેની આધ્યાત્મિક મહત્તાને લઈને પોતાના એ ગ્રંથના આરંભમાં કાલિદાસ કહે છે, ‘હે જગતનાં માતાપિતા, શિવપાર્વતી, હું તમને વંદન કરું છું.’ – जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ. આ કથા અનુસાર માતાપિતા આવાં દૈવી હોય તો માનવજાતિનો વંશવેલો કેવો અદ્‌ભુત ? આ સત્યનો ઉલ્લેખ વેદાંતે પ્રાચીન કાળમાં અને શ્રીરામકૃષ્ણે અર્વાચીન કાળમાં કર્યો હતો તેમજ બ્રહ્મ અને શક્તિના, શિવ અને પાર્વતીના, અવ્યક્ત અને વ્યક્ત બ્રહ્મના – યોગ તરીકે કે એકરૂપ તરીકે એ સત્યને કહ્યું છે. તો ગીતાનો આ શ્લોક (विषया विनिवर्तन्ते) સૌને માટે પડકારરૂપ છે. ‘પરમનો સાક્ષાત્કાર થતાં, રસ અથવા તો દેહીની છાનીછપની તૃષ્ણા પણ દૂર થાય છે.’ કશું જ એને લલચાવી શકતું નથી; એ धीरः કહેવાય છે. આ વેદાંતની ભાષા છે. પછી આપણે આમ મથામણ કરતાં હોઈએ ત્યારે આપણા ઈન્દ્રિયતંત્ર વિશે આપણે જાગ્રત રહેવાનું છે. ઈન્દ્રિયો ખૂબ શક્તિશાળી છે. પછીના શ્લોકનો વિષય એ જ છે. (ક્રમશ 🙂

Total Views: 348

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.