ગયા અંકમાં હિંદુશાસ્ત્રો, પુનર્જન્મની વિભાવના, ત્રણ યોગ અને ધર્માંતરણ વિશે જોયું, હવે આગળ…

પ્રકરણ – ૪

ધર્મ : સામાજિક સુધારણાઓ

ઇ.સ.પૂ. ૧૦મી સદીમાં લોકાયત તરફથી વર્ણપ્રથામાં રહેલ અસમાનતા પર પ્રથમ હુમલો થયો. લોકાયત ચાર્વાક-ફિલસુફીના નામથી પણ જાણીતો હતો. તે વેદોની સત્તા સ્વીકારતો ન હતો અને ‘માત્ર પાંચ ઇન્દ્રિયો વડે જે સમજાય તે જ સાચું છે, જોવાયેલી હકીકતોની ધારણા નહીં’ના નોંધપાત્ર તર્ક સાથે ભારપૂર્વક કહેતો. તેમના મતે જીવ, પુનર્જન્મ તથા ઈશ્વર જેવા ખ્યાલો અમાન્ય અને બિનજરૂરી છે. ‘પ્રકૃતિમાં તમામ જીવ માટે જન્મ અને મૃત્યુ હોય છે. તે હકીકત હોવાથી, યોગ્ય ફિલસૂફી એ છે કે જીંદગીને શક્ય હોય તેટલી માણો અને દરેક પ્રકારના દુ :ખને ઘટાડવાનો પ્રયાસ કરો. વર્ણપ્રથા બ્રાહ્મણોની ઉપજાવેલી વાત છે અને પૂજારીપણું એ તેમની રોજીરોટી કમાવાનું માધ્યમ છે. બધા માણસોને સમાન રીતે સર્જવામાં આવ્યા છે.’ આ ફિલસૂફીમાં નારીઓ વિશે કંઈ જ સ્પષ્ટતા જોવા મળતી નથી, આથી તેમને સુખપ્રાપ્તિની પ્રવૃત્તિમાં સમાન હિસ્સેદાર ગણી હોય તેવી ઘણી શક્યતા છે. એ નોંધવું જોઈએ કે આ વિચારધારાને પડકારવામાં આવી હતી, પરંતુ તેના પ્રચારકો પર ન તો ત્રાસ ગુજારાયો કે ન તો તેમનો બહિષ્કાર કરાયો. સામાન્ય લોકોની રક્ષણ કરનાર ઈશ્વરની ઝંખનાને કારણે અને પછીના કાળમાં લોકાયતના અનુયાયીઓના અભાવને કારણે નાસ્તિકોનો આ મતવાદ ક્રમશ : વિલુપ્ત થઈ ગયો. વર્ણાશ્રમ પ્રથા ચાલતી રહી. પછીનો હુમલો ઈ.સ.પૂ.ની સાતમી સદીમાં જૈન તથા બૌદ્ધ ધર્મ તરફથી આવ્યો. લોકાયતની જેમ જ તે બંનેએ વેદની સત્તાનો અસ્વીકાર કર્યો, પુનર્જન્મમાં વિશ્વાસ કર્યો અને સમાજની બધી વ્યક્તિઓને સમાન ગણી. તેમણે બધાંને તેમના વર્ણની પરવા કર્યા વગર અનુક્રમે સાધુઓ તથા ભિખ્ખુઓ બનવા માટે આવકાર્યા. કંઈક અંશે નારાજગીપૂર્વક, તેમણે સાધ્વીઓ તથા ભિખ્ખુણીઓ તરીકે મહિલાઓને પણ સ્વીકારી. બધા પુરુષો સમાન હતા પરંતુ પરિત્યાગના જીવનમાં મહિલાઓનું ઊતરતું સ્થાન હતું. જો કે આમાંથી કોઈપણ ધર્મે તે સમયે વર્ણ પ્રથા અને પછીથી જ્ઞાતિ પ્રથા દૂર કરવાનું કાર્ય હાથ ધર્યું ન હતું. યહૂદી ધર્મ અને જરથોસ્તી ધર્મ ભારતમાં પ્રવેશવા પામ્યો હતો પણ હિન્દુ ધર્મ પર તેની કોઈ અસર પડી ન હતી. ભારતીય પટ પર ઈસ્લામના પ્રવેશે, પ્રથમ સિંધ પ્રાંતમાં ૯૧૨ ઇ.સ.માં હિન્દુઓને યહૂદી ધર્મ અને ખ્રિસ્તી ધર્મ જેવા ‘બુક રીલીજીયન્સ’ના અનુયાયીઓને જે સ્થાન અપાયું હતું તેના સમકક્ષ સ્થાન આપવાની શરૂઆત કરી. આ કુરાન વડે મંજૂરી ન અપાયેલ વ્યાવહારિક દૃષ્ટિવાળો નિર્ણય હતો. કુરાનમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે મૂર્તિપૂજકો કાફીરો છે. કાફીરો માટે માત્ર બે જ વિકલ્પો છે, ઈસ્લામમાં પરિવર્તન અથવા મૃત્યુ! ૧૧૦૦ ઇ.સ. થી મુસ્લિમ શાસકો ભારતના શાસકો બન્યા ત્યાર પછી બળજબરીપૂર્વક અથવા લાલચ આપીને, હિન્દુઓનું વિશાળ પાયે ધર્મપરિવર્તન કરાયું તે ઈસ્લામની અસર હતી. ફરી, વ્યવહારુ દૃષ્ટિકોણે જેઓ હંમેશાં જનસંખ્યામાં બહુમતીમાં હતા તેવા હિન્દુઓને કાફીર ગણવાને બદલે અને તેમના દ્વારા શરીયતના કાયદાઓ કબૂલ કરાવવાને બદલે શાંતિથી રહેવા દેવા તરફ લઈ ગયો. આ શાસકોના દબાણ હેઠળ હિન્દુઓ તેમની સામાજિક તથા ધાર્મિક પ્રથાઓના વધુ સારા રક્ષક બન્યા. માત્ર ઈસ્લામના કેટલાક સારા મુદ્દાઓ લઈને કોઈ સુધારાઓ કરવાની શરૂઆત ન કરી. પછીથી ૧૫૦૦માં ઈસ્લામ અને હિન્દુધર્મ વચ્ચેનો સંઘર્ષ નવા ધર્મ – શીખ ધર્મની સ્થાપના તરફ દોરી ગયો. માત્ર ખ્રિસ્તી મિશીનરીઓ વડે ધર્મપરિવર્તનના પ્રયાસો અને ૧૮૩૦ની આસપાસ અંગ્રેજી ભાષા દ્વારા બહારની દુનિયા તરફનાં દ્વાર ખૂલ્યાં તે જ બાબતો હિન્દુધર્મને મોટા સુધારા તરફ લઈ ગઈ. બધા જીવાત્માઓની સૈદ્ધાંતિક સમાનતા અને વાસ્તવિક રીતે નરનારીઓના જીવનમાં રહેલ ભેદભાવના વિશાળ અંતરને પૂરવું જરૂરી હતું; હિન્દુધર્મને આંતરિક રીતે દૃઢ, ન્યાયી અને નિષ્પક્ષ બનાવવા માટે ફિલસૂફી અને આચરણ વચ્ચેના ભયાનક શૂન્યાવકાશને દૂર કરવો પડે તેમ હતો.

સુધારાઓ

હિન્દુધર્મની અંદરથી સુધારાની પ્રક્રિયા ૧૧મી સદીથી શરૂ થઈ ગઈ હતી. ભક્તિમાર્ગના સંતકવિઓની એક શ્રેણીએ પછીની પાંચ સદીઓમાં લોકબોલી (૧૮ થી વધુ)માં ગીતો રચ્યાં તથા ગાયાં હતાં, જે ૧૭૦૦ સુધી ચાલ્યું. તેઓ રામ, કૃષ્ણ, શિવ, ગણપતિ, હનુમાન અને દેવી દુર્ગાની વાર્તાઓ દ્વારા હિન્દુધર્મનાં પાયાનાં તત્ત્વો જનસમુદાય સુધી લઈ આવ્યા. તેમનો સંદેશ એ હતો કે બધાં એક જ ઈશ્વરનાં સંતાનો છે અને સદાચાર દ્વારા તેઓ મોક્ષ મેળવશે. તેમની કવિતાઓ, ગીતો તથા બધા જીવો માટે પ્રેમ અને કરુણાનો સંદેશ ૨૧મી સદીમાં પણ ગવાય છે. સંતકવિઓની ઈશ્વરની ભક્તિથી પ્રેરાઈને તેમના ઘણા અનુયાયીઓ થયા અને ભારતનાં બધાં રાજ્યોમાંના અશિક્ષિત લોકો પણ પોતાના ધર્મનાં કેટલાક મહત્ત્વનાં પાસાંથી વાકેફ થયા.

આ સંતકવિઓના ઈશ્વરીય સંદેશને મહત્ત્વ અપાયું હતું તથા પવિત્ર ગણાતા હતા, છતાં પણ જુદી જુદી જ્ઞાતિઓ અને જુદા જુદા વર્ણાેમાંથી આવતા હોવાથી તેઓ જ્ઞાતિમર્યાદાથી પાર જઈ ન શક્યા. શૂદ્ર અને અછૂત સંતોને તેઓ જે ઈશ્વરને ભજતા હતા તેમનાં જ મંદિરમાં જવાની છૂટ ન હતી! ઉચ્ચ જ્ઞાતિના લોકો દ્વારા તેમના જીવનકાળ દરમિયાન તેમનો બહિષ્કાર થયો હતો; પછીથી આ સંતકવિઓના હિન્દુધર્મ માટેના મહાન પ્રદાનને કારણે તેમને પૂજ્ય ગણ્યા હતા. આ સંતો હિન્દુ સમાજનાં બધાં સ્તરોમાં જડ કરી ગયેલ જ્ઞાતિના ભેદભાવ અને અસ્પૃશ્યતાને દૂર કરવા ઇચ્છ્યું નહીં અને દૂર કરી શક્યા નહીં.

જે જે ચળવળ ૧૮૧૦માં શરૂ થઈ અને ૧૯૬૦માં પરાકાષ્ઠાએ પહોંચી. આ સમયગાળા દરમિયાન તેણે હિન્દુધર્મની સંપૂર્ણ વૈચારિક સુધારણાનું કાર્ય પૂરું કર્યું.

બ્રિટિશરો વડે સ્થપાયેલ (અને આ રીતે અંગે્રજી ભાષા તથા સાહિત્ય સાથે પરિચિત) નવી પદ્ધતિમાં શિક્ષણ પ્રાપ્ત કરેલ વ્યક્તિઓએ હિન્દુ સામાજિક પ્રથાનાં એક અથવા વધારે પાસાંમાં સુધારો લાવવાનું હાથ ધર્યું અને આવાં કાર્યો માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. અપેક્ષાકૃતપણે હિન્દુ સમાજમાં જેઓ ‘શિક્ષણ’ની પરંપરામાં ઊછર્યા હતા તેવા દ્વિજવર્ણના લોકો (બ્રાહ્મણો, ક્ષત્રિયો, કેટલાક વૈશ્યો પણ) આવું શિક્ષણ મેળવનારાઓમાં પ્રથમ હતા. પ્રબુદ્ધ બ્રિટિશ, હિન્દુ નેતાઓ તેમજ રજવાડાંના હિન્દુ શાસકોના ટેકાને કારણે ઘણા શૂદ્રો અને થોડાક અછૂતો પણ આવું શિક્ષણની તક મેળવવા માટે ભાગ્યશાળી બન્યા. (ક્રમશ 🙂

Total Views: 298

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.