ગયા અંકમાં ધાર્મિક સુધારકો અને સુધારણાઓ વિશે જોયું, હવે આગળ…

બંગાળમાં રાજા રામમોહન રાય, પંજાબમાં સ્વામી દયાનંદ સરસ્વતી અને મહારાષ્ટ્રમાં જ્યોતિરાવ ફૂલે, એમ.જી. રાનડેથી શરૂ કરીને આ સુધારણાની ચળવળ ભારતના બધા પ્રાંતોમાં પ્રસરી. સુધારણાના કાર્યક્રમસૂચિ પરની મોટાભાગની બાબતો ૧૮૩૦ અને ૧૮૯૦ વચ્ચે ઉકેલાઈ ગઈ હતી. આ બાબતો પ્રકરણ – ૧માં ‘વિકૃત’ પેટા શિર્ષક હેઠળ અગાઉ નોંધી છે તે જ હતી : બાળવિવાહ નાબૂદી, કન્યાઓ તથા મહિલાઓને શિક્ષણ આપવું, યુવાન વિધવાઓ તથા દ્વિજોને પુન :વિવાહ માટે પ્રોત્સાહિત કરવાં (શૂદ્રો તથા અન્ય લોકોમાં પરંપરાગત રીતે આ કરાતું જ હતું), મહિલાઓ માટે વ્યવસાય શીખવા તથા જીવનયાપન માટે કમાણી કરવાનો હક સ્થાપિત કરવો, લગ્નગ્રંથિની બહાર જન્મેલાં બાળકો માટે રાજ્યાશ્રય પૂરો પાડવો, પરિવારમાંથી બહાર કાઢી મુકાયેલ મહિલાઓ માટે રહેઠાણ પૂરાં પાડવાં, જ્ઞાતિભેદ તથા અસ્પૃશ્યતા દૂર કરવાં, અસ્પૃશ્યોની વસ્તીની મુલાકાત લેવી તેમજ તેઓને ભોજન માટે આમંત્રણ આપવું, તેમને લખતાં-વાંચતાં શીખવવું, અસ્પૃશ્યો, શૂદ્ર, મુસ્લિમ-મ્લેચ્છ અને યવન-યુરોપિયનો સાથેના બ્રાહ્મણોએ રાખેલા ‘અપવિત્રતા’ના ખ્યાલ સામે લડત આપવી. આમાંના કેટલાક ૧૯૩૦ સુધી, જ્યારે કેટલીક નવી બાબતો ઉમેરવામાં આવી ત્યાં સુધી ચાલ્યા. બીજી સામાજિક સુધારણાઓ હતી : દહેજ (લગ્ન સમયે કન્યાપક્ષ પાસેથી વરપક્ષ વડે લેવાતા પૈસા) પ્રથા દૂર કરવી, પરિણામે યુવાન વધૂઓનાં દહેજ-મૃત્યુને અટકાવવાં અને તેમનો વિરોધ કરવો, આંતરજ્ઞાતિય લગ્નો સહન કરી લેવાં અથવા તેમને પ્રોત્સાહન પણ આપવું, જન્મનિયંત્રણની પદ્ધતિઓનો પ્રચાર કરવો, ‘નીચલી’ જ્ઞાતિઓના પુખ્તવયના પુરુષો તથા મહિલાઓનું અક્ષરજ્ઞાન વધારવું. પોતે ગમે તે જ્ઞાતિનાં હોય પણ આમાંના દરેક પુરુષ કે સ્ત્રી સુધારકે બધી જ જ્ઞાતિઓ-ખાસ કરીને દ્વિજ જ્ઞાતિઓના જૂનવાણી પુરુષો તથા મહિલાઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. શૂદ્ર જ્ઞાતિઓમાં તથા અસ્પૃશ્ય સમાજમાં પણ પ્રતિશોધનો ભય અતિશય અને વાસ્તવિક હતો. પ્રારંભિક તબક્કામાં નીચલી જ્ઞાતિઓના માત્ર નૈતિક રીતે હિંમતવાન લોકો જ બધા માટે સમાનતા તથા મુક્તિ માટેની ચળવળમાં જોડાયા. સુધારકોની ઠેકડી ઉડાવાઈ, ધમકીઓ અપાઈ, જાહેરમાં પથ્થરો તથા છાણાં ફેંકાયાં, કેટલીક વખત લાકડી વડે માર પડ્યો અને સમાજમાંથી બહિષ્કૃત કરાયા. નિરપવાદપણે કોઈપણ સુધારકે એનો વળતો જવાબ ન આપ્યો. દરેક પ્રાંતમાં વ્યક્તિઓએ તથા જૂથોએ જુદા જુદા ઉદ્દેશો માટે કામ કર્યું; કોઈ અખિલ ભારતીય મધ્યવર્તી આયોજન કે નિયંત્રણ હતું નહીં. આ જૂથોના નેતાઓ બીજા પ્રાંતોની મુલાકાત લેતા, તેમનાં પ્રયોજનોનો પ્રચાર કરતા, એ જ પ્રકારનાં જૂથો કે તંત્રો સ્થાપવામાં મદદ કરતા અને યોગ્ય લાગે તે મુજબ એકબીજાને પરસ્પર ટેકો આપતા. સુધારકોએ ખૂબ જ વ્યવહારુ અને સાચો ખ્યાલ અપનાવ્યો કે તેઓ બદલવા માગતા હતા તેવાં મોટાભાગનાં આચરણોને મુખ્ય ધર્મગ્રંથ ગણાતી શ્રુતિઓ એટલે કે વેદો તરફથી ટેકો ન હતો. તેમણે જાણ્યું કે કેટલીક પરંપરાઓ, ખાસ કરીને વર્ણ-જ્ઞાતિ આધારિત ભેદભાવ સ્મૃતિઓમાંથી ઉદ્ભવ્યાં હતાં. તેઓએ દર્શાવ્યું કે સ્મૃતિઓ માનવસર્જિત છે (વેદોની જેમ અપૌરુષેય નથી) અને સમય સાથે તેમને બદલવી જરૂરી છે. અહીં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે, બધા જીવોમાં સમાન આત્મા હોવાની વિચારધારા અને સંતકવિઓનાં કાર્યો તેમની મદદે આવ્યાં. તેમણે તેમના જીવનકાળ દરમિયાન ધીરજપૂર્વક હિન્દુ જનસમાજ, ખાસ કરીને ઉચ્ચજ્ઞાતિના દ્વિજોની માનસિકતા બદલવાનું તેમનું કાર્ય ચાલુ રાખ્યું. તેમણે બ્રિટિશ સરકાર વડે ૧૮૬૦માં પસાર કરાયેલ સોસાયટીઝ એક્ટ હેઠળ મોટી સંખ્યામાં ટ્રસ્ટ તથા સોસાયટીઓ સ્થાપ્યાં. આ સંસ્થા-ઘડતરે માત્ર તેમના સંબંધિત ઉદૃેશને મજબૂત જ ન કર્યા પરંતુ લાંબા સમયગાળામાં સાતત્યની પણ ખાતરી આપી. ઘણી સંસ્થાઓ તેમણે આગળ વધારેલા હેતુઓ સામાન્ય આચરણ બની ગયા પછી સંકેલાઈ ગઈ, ઘણીએ ૨૧મી સદીમાં પણ કામ ચાલુ રાખ્યું અને આ બધી જ હવે ધર્મની દરકાર કર્યા વગર જરૂરિયાતવાળા લોકો માટે ખુલ્લી છે.

આમ આપણે જોઈએ છીએ કે હિન્દુઓમાં બધા પુરુષો તથા મહિલાઓ માટે તક અને મુક્તિની સમાનતા તરફની આ પ્રગતિ માટે ૧૫૦ વર્ષના સમયગાળામાં હિન્દુ ધર્મના સમર્પિત પુરુષો તથા મહિલાઓના વિશાળ વર્ગે પીડાદાયક અને ઉદ્યમશીલ પ્રયાસો વડે સખત પરિશ્રમ કર્યો. સામાજિક સુધારણાઓનો વિરોધ બીજી દિશામાંથી પણ થયો હતો : ૧૯૦૦થી ૧૯૩૦નાં વર્ષો દરમિયાન ઘણા એવા મતના હતા કે બ્રિટિશરો સામેની સ્વતંત્રતા માટેની ચળવળ કરતાં સામાજિક સુધારણાને ઓછી અગ્રતા આપવી જોઈએ. સદ્ભાગ્યે બંનેની એકી સાથે જ પ્રગતિ થઈ.

બમણો ટેકો

સામાજિક સુધારાઓને સફળતા માટે કાયદાકીય તથા રાજકીય ટેકાની જરૂર પડે છે. પરિવર્તનને ટેકો આપવા માટે જરૂરી હોય તેવા ખાતરીપૂર્વકના તથા ઝડપી અમલીકરણ માટે જરૂરી ટેકો પૂરો પાડવા માટે બ્રિટિશ સરકાર દ્વારા ઘણા કાયદાઓ લાગુ કરાયા હતા. બાળહત્યા અટકાવવી (૧૮૧૦), સતી બનાવવાને કાયદાકીય ગુનો ગણવો (૧૮૩૦) અને લગ્ન માટેની લઘુત્તમ ઉંમર નક્કી કરવી (૧૯૧૦) એ આનાં ઉદાહરણો છે. જ્ઞાતિ આધારિત સામાજિક ઉચ્ચતા નાબૂદ કરવા માટે તથા સદીઓથી જે વંચિત હતા તેમને રાજકીય બળ આપવા માટે રાજકીય ટેકો મળવો અતિ આવશ્યક હતો. બ્રિટિશ શાસન હેઠળ ૧૯૩૬-૩૭માં પ્રાંતીય તથા રાજ્ય – કેન્દ્ર સરકારની પ્રથમ ચૂંટણીએ ક્રિયાશીલ લોકશાહી જોઈ. ધર્મ તથા જ્ઞાતિની દરકાર કર્યા વગર દરેક પુરુષ તથા મહિલાને મત આપવાનો અધિકાર અપાયો હતો. જો કે જનસંખ્યાના લગભગ ૧૫%ને જ મત આપવા માટે યોગ્ય ગણવામાં આવ્યા હતા. કુલ બેઠકોની ૪૬% અનામત હતી, જેમાંથી લગભગ ૩૦% બેઠકો મુસ્લિમો માટે અનામત હતી. સરકાર વડે ‘નીચલી જ્ઞાતિ’ના ટેકામાં લેવાયેલ પ્રથમ વિધિવત્ પગલું ૧૯૦૨માં મહારાષ્ટ્રમાં કોલ્હાપુરના રજવાડાના હિન્દુ શાસક વડે લેવાયું હતું. તેમણે સરકારમાં ૫૦% નોકરીઓ દ્વિજ ન હોય તેવી જ્ઞાતિઓ માટે અનામત રાખી અને તેમના કિશોરો તથા કન્યાઓ માટે શિક્ષણને મફત તેમજ ફરજીયાત બનાવ્યું. આ જ પ્રકારના મનોભાવમાં અન્ય રજવાડાં પૈકી ઈન્દોર, વડોદરા અને મૈસૂરનાં હિન્દુ રજવાડાઓએ ૧૯૧૦થી ૧૯૪૦ દરમિયાન કેટલાક કાયદાઓ પસાર કર્યા : લગ્ન માટેની લઘુત્તમ વય, વિધવાવિવાહને મંજૂરી આપવી, કન્યાઓના શિક્ષણને સહાય, મહિલાઓને મિલકતનો હક આપવો વગેરે. જો કે દલિતોનું સાચું રાજકીય સશક્તીકરણ તો ૧૯૪૭માં ભારતે સ્વાતંત્ર્ય મેળવ્યું તે પછી જ થયું. સ્વતંત્ર ભારતના બંધારણે (૧૯૫૦) ભારતને સરકારના સ્વાયત્ત માળખા સાથેના ધર્મનિરપેક્ષ લોકશાહીતંત્ર તરીકે જાહેર કર્યું. તેણે બધા જ પુરુષો તથા સ્ત્રીઓને મતાધિકાર અને ધર્મ, જ્ઞાતિ કે વર્ણની દરકાર કર્યા વગર સમાન તકનો અધિકાર આપ્યો. અસ્પૃશ્યતા પર પાબંદી મુકાઈ અને તેના આચરણને સજાપાત્ર ગુનો ઠરાવ્યો. વધુ મહત્ત્વનું એ છે કે બંધારણે જેઓ ૨૦૦૦ કરતાં પણ વધુ વર્ષોથી વંચિત હતા તેવા સમાજના વર્ગાે માટે શૈક્ષણિક સંસ્થાઓ તથા સરકારી નોકરીઓમાં અનામત બેઠકો રાખવાનું સકારાત્મક પગલું લીધું. આવા હેતુઓ માટે ઓળખાવવામાં આવેલ જ્ઞાતિઓને અનુસૂચિત જાતિઓ અને આને માટે નક્કી થયેલ આદિવાસી જાતિ માટે અનુસૂચિત જનજાતિઓ એવાં નામ આપવામાં આવ્યાં. ૧૯૩૧ની જનગણનામાં તેમની જનસંખ્યાના આધારે અનુસૂચિત જાતિ માટે ૧૫% અને અનુસૂચિત જનજાતિ માટે ૭.૫% નો હિસ્સો હતો. આ અનામત પ્રથમ પાંચ વર્ષ માટે રાખવામાં આવી હતી. પરંતુ તેને સતતપણે લંબાવવામાં આવી છે. પછીથી ૧૯૯૦માં અન્ય પછાતવર્ગાે (ઓ.બી.સી.)નો પણ આ સૂચિમાં સમાવેશ કરાયો, જે અનામતનો આંકડો ૫૨.૫% પર લઈ ગયો. આ રાજકીય સશક્તીકરણ અને સકારાત્મક પગલાંની પ્રક્રિયાએ હિન્દુ સમાજને સૈદ્ધાંતિક રીતે પોતાના માળખાની અંદરના બધા માટે ન્યાયપૂર્ણ અને યોગ્ય બનાવવામાં મોટો ભાગ ભજવ્યો છે. હજુ પણ કોઈક અલ્પ લઘુમતિ જ્ઞાતિપ્રથાના ઊંચાનીચા દરજ્જાનો અને મહિલાઓના ગૌણ સામાજિક દરજ્જાવાળી જૂની પ્રથાનો સામનો કરતી હોઈ શકે પરંતુ હિન્દુઓનો એક ઘણો જ વિશાળ બહુમત સમાનતા તથા સ્વતંત્રતાના ખ્યાલને સ્વીકારે છે. જો કે આવા ભેદની સંપૂર્ણ નાબૂદી આચરણમાં શક્ય બની નથી.

સદ્વર્તન

સિંહાવલોકન કરતાં હિન્દુ ધર્મમાં થયેલ સામાજિક સુધારાની સમગ્ર પ્રક્રિયાને જૂની નીતિઓ વડે બંધાયેલ પારંપારિક હિન્દુ સમાજની સદ્વર્તન સાથે જોડાયેલ કે આધુનિક હિન્દુ સમાજ સાથેની ચળવળ તરીકે જોઈ શકાય. નીતિના વિચારો બાળપણની શરૂઆતથી ઘડાય છે : માતા, પિતા, પરિવાર, ધર્મ, શાળા તથા સમાજના વિચારો વ્યક્તિ પર પ્રભાવ પાડે છે અને કિશોર-કિશોરીની નૈતિક શૈલી નક્કી કરે છે. નૈતિક માન્યતાઓ અનિવાર્યપણે પ્રથમ અસ્વૈચ્છિક રીતે સ્વીકારાય છે, તેમનું વિવેકબુદ્ધિપૂર્વકનું સમર્થન પછીથી આવે છે. આથી નૈતિક માન્યતા સંસ્કૃતિનિર્દિષ્ટ છે અને આમ ઇતિહાસના સમયગાળા પર પણ આધારિત છે. સદ્વર્તનની સચોટપણે વ્યાખ્યા કરાઈ છે : ‘અ’ વ્યક્તિને ‘ક્ષ’ ક્રિયા કરવા દો જેનાથી તે ખુશ થાય. જો ‘ક્ષ’ ક્રિયા ‘બ’નામની બીજી વ્યક્તિને અસર કરે અને જો ‘બ’ વ્યક્તિએ એ જ ‘ક્ષ’ ક્રિયા ‘અ’ વ્યક્તિને અસર કરે તેવી રીતે કરવાની હોય તો શું ‘અ’નું ખુશ થવાનું ચાલુ રહેશે? જો હા તો ‘ક્ષ’ ક્રિયા એ સદ્વર્તન છે. ઉદાહરણ : ‘હું કોઈકના પૈસા ચોરીને ખુશ થાઉં છું. પરંતુ જો તે જ વ્યક્તિ મારી પાસેથી ચોરી કરે છે તો હું નાખુશ થાઉં છું! માટે ચોરી કરવી એ અસદ્વર્તન છે.’ આમ ઇતિહાસનો સમયગાળો કોઈપણ હોય, સદ્વર્તન વૈશ્વિક રીતે બધા માનવસમાજને લાગુ પડે છે. દરેક નૈતિક માન્યતા, ભલે તેનો સ્ત્રોત ગમે તે હોય, તે પણ સદ્વર્તન છે કે નહીં તે નક્કી કરવા માટે ચકાસાવી જરૂરી છે. સદ્વર્તનની રીતે માન્યતાઓ સમાજમાં અપનાવવા લાયક છે અને જે સદ્વર્તનની રીતે તટસ્થ હોય તેને અપનાવી અથવા સહન કરી લઈ શકાય. જે માન્યતાઓ નૈતિક રીતે અસ્વીકાર્ય લાગતી હોય તેને અવગણી જોઈએ. જે સદ્વર્તનની રીતે ખરાબ માન્યતાઓ હોય તેમની ઉગ્રતા અને પ્રસારના આધારે તેને માટે લેવાનાર પગલાઓ સમજાવટ, શિક્ષણ અથવા કાયદાકીય રીતે અટકાવવાનાં હોઈ શકે. આપણે નોંધ લઈએ કે હિન્દુ સમાજે સદ્વર્તનની રીતે અસ્વીકાર્ય (પરંતુ એક સમયગાળામાં સ્મૃતિઓ અથવા રૂઢિચુસ્ત પારંપારિક રીતે વર્ણવાયાં હોવાથી નૈતિક રીતે યોગ્ય) સામાજિક આચરણોને દૂર કરવાનો આવો માર્ગ અપનાવ્યો છે. (ક્રમશ 🙂

Total Views: 298

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.