ગયા અંકમાં આપણે ગીતાના બીજા અધ્યાયના ૬૦મા શ્લોકમાં નિર્દિષ્ટ ઇન્દ્રિયસંયમની આવશ્યકતા વિશે જાણ્યું, હવે આગળ…

૬૧મો શ્લોક કહે છે :

तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः ।

वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ।।61।।

‘સાધકે બધી ઇન્દ્રિયોને વશ કરીને મારામાં તલ્લીન રહેવું કેમ કે જેની ઇન્દ્રિયો વશમાં હોય, તેની બુદ્ધિ સ્થિર થાય છે.’

માટે तानि सर्वाणि संयम्य, ‘તારામાં રહેલી આ બધી ઇન્દ્રિયઊર્જાને વશમાં રાખ.’ એકને પણ ન છોડ. એક પણ બહાર રહી તો તારો નાશ કરવા માટે એ એક પૂરતી છે. સંયમ એટલે ‘નિયમન, વશમાં રાખવું.’ ઇન્દ્રિયો તો રહેવાની જ. આપણે એમનો નાશ નથી કરતા. આપણને શક્તિશાળી ઇન્દ્રિયતંત્ર જોઈએ છે, પણ એ વશમાં રહેવું જોઈએ. પ્રવાસ વખતે તમારે તેજ ઘોડા જોઈએ. તો જ તમે મુકામે પહોંચી શકો. પણ એ ઘોડાઓ તમારા વશમાં હોવા જોઈએ. નહીં તો એ પ્રવાસ ઘોડાનો થશે, તમારો નહીં ! એમ નહીં થવું જોઈએ. માટે શ્લોક કહે છે, युक्त आसीत मत्परः, ‘મારામાં ભક્તિવાળો’ થઈને, ચૈતસિક અને ઇન્દ્રિયોની શક્તિઓને વશમાં રાખી આ જીવનમાં રહે. वशे हि यस्येन्द्रियाणि, ‘ઇન્દ્રિયતંત્ર જેને વશ છે’ અને ઇન્દ્રિયોમાં વસતી ઊર્જા જેને વશ છે, तस्य प्रज्ञा प्रतिष्ठिता, ‘તેની પ્રજ્ઞા સ્થિર થઈ છે !’ મન અને બુદ્ધિને અસ્થિર કરી નાખનાર ઇન્દ્રિયતંત્ર વશમાં આવી ગયું છે. ઇન્દ્રિયોને નિયમનમાં રાખવી તે જ સર્વ ચારિત્ર્યઘડતરનો પ્રારંભ છે. બાળકો કશું ખોટું કરે ત્યારે માતા કહેશે, ‘એમ નહીં કરો’, આરંભમાં જ આમ ‘કરો’ ને ‘ન કરો’ શા માટે કહે છે ? આપણે નાનાં હોઈએ છીએ ત્યારે ઇન્દ્રિયોના આવેગોની થોડી કેળવણી જરૂરની હોય છે માટે. એમને વશમાં રાખવા આપણે શક્તિમાન થઈએ ત્યાં સુધી આપણાં વડીલો આપણને મદદ કરે છે અને તેમણે એમ કરવું જ જોઈએ. મોટાં થઈએ ત્યારે લગામ આપણા હાથમાં લઈએ છીએ. શું કરવું ને શું ન કરવું, કેટલું આગળ વધવું અને કેટલું નહીં તે આપણે સમજીએ છીએ; એ પ્રકારની તાલીમ જાતને આપવા આપણે કોશિશ કરીએ છીએ. અતિ સામર્થ્યવાન ઇન્દ્રિયતંત્રને વશમાં રાખવા જે મન સમર્થ છે તે ચોક્કસ સ્થિતપ્રજ્ઞ થઈ શકે છે.

આપણે ઇન્દ્રિયતંત્રથી આરંભ કરીએ છીએ. વાસ્તવમાં, તમે કોઈ પથરો લો. એનામાં ઇન્દ્રિયતંત્ર નથી. માત્ર જીવંતમાં જ ઇન્દ્રિયતંત્ર હોય છે. એકકોષી જીવથી મનુષ્ય સુધી, સરળ અને સંકુલ સ્વરૂપોમાં, ઇન્દ્રિયતંત્રો હોય છે. ચિમ્પાન્ઝી સુધીનું એ ઇન્દ્રિયતંત્ર બાહ્ય જગતથી અથવા તેમાંના ઇન્દ્રિય પદાર્થાેથી અંકુશિત છે. કેવળ મનુષ્ય કક્ષાએ જ, ઇન્દ્રિય આવેગને ‘ના’ કહેવાની થોડી શક્તિ આપણને જોવા મળે છે. એ ‘ના’ પૂરી વિકસિત, દૃઢ અને સ્થિર હોવી જોઈએ. જે કામનું છે તેની પાછળ જ હું પડીશ, બીજી બાબતો પાછળ નહીં. એ શક્તિ કેવળ આધ્યાત્મિક પરિમાણમાંથી જ પ્રાપ્ત થઈ શકે છે. એ કેવળણી જ ઉચ્ચ ચારિત્ર્ય અને આધ્યાત્મિક વિકાસનું નિર્માણ કરી શકે. તેથી આ વિચાર, वशे हि यस्येन्द्रियाणि, ‘જેના વશમાં ઇન્દ્રિયો છે,’ तस्य प्रज्ञा प्रतिष्ठिता, ‘તેની પ્રજ્ઞા સ્થિર થઈ છે.’ આ માનવશરીર મૃત શરીર છે. એને શું જીવંત રાખે છે ? ઇન્દ્રિયશક્તિ; એ શક્તિ શરીરને મહાબળોનું કેન્દ્ર બનાવે છે ને એમને આપણે જાતે જ હાથમાં રાખવાની છે. મારે બદલે બીજું કોઈ તેમ કરી શકે નહીં; હું એમને કામે ન લગાડું તો એ મને કામે લગાડશે. પછી આપણે જીવનમાં નિષ્ફળ બની જઈએ છીએ. આ સત્ય ગીતા ૬૪મા અને ૬૭મા શ્લોકોમાં કહેવાની છે – એ બે અદ્‌ભુત શ્લોકો છે. આ ૬૧મા શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે કે ઇન્દ્રિયતંત્ર સાથે આપણે આમ કામ કરવાનું છે. એ કામ કરવાની રીત આપણે નહીં જાણીએ તો આપણે નીચે ને નીચે ગબડતા જઈએ તેની પૂરી શક્યતા છે અને અંતે આપણે સાવ ખોવાઈ પણ જઈએ. આ કંઈ ઝડપથી નથી બનતું. ડગલે ડગલે, ધીમે ધીમે, આપણે નીચે સરકીએ છીએ. આ નીચે સરકવાનો અનુભવ પણ માનવજીવનમાં લેવા જેવો છે. જરા ઢોળાવવાળે રસ્તે તમે મોટરગાડી ઊભી રાખી હોય અને બ્રેક ન લગાવી હોય તો તમારી ગાડી ધીમે ધીમે નીચે સરકવા લાગશે; પછીથી એનો વેગ વધશે અને એ ઝડપથી ગબડવા લાગશે અને ખલાસ થઈ જશે. મનુષ્યતંત્રમાં પણ એ જ રીતે નીચાણ તરફ જવાનું વલણ છે. પછીના બે શ્લોકોમાં ગીતા એ વિષય લે છે; એ શ્લોકો ખૂબ પ્રખ્યાત છે. શ્લોક ૬૨ – ૬૩ :

ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषूपजायते ।

सङ्गात् सञ्जायते कामः कामात्क्रोधोऽभिजायते ।।

‘ઇન્દ્રિયવિષયોનું ચિંતન કર્યેથી, (માનવીમાં) એમને માટે આસક્તિ જાગે છે; એ આસક્તિમાંથી પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગે છે અને એ ઇચ્છામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે.’

क्रोधाद्भवति संमोहः संमोहात् स्मृतिविभ्रमः ।

स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति ।।

‘ક્રોધમાંથી મોહ ઉત્પન્ન થાય છે અને મોહમાંથી સ્મૃતિલોપ થાય છે. સ્મૃતિભ્રંશમાંથી વિવેકબુદ્ધિનો નાશ આવે છે ને, વિવેકબુદ્ધિના નાશથી વ્યક્તિનો સર્વનાશ થાય છે !’

જિંદગીમાં આપણું પતન કેવી રીતે થાય છે ? ધારો કે તમે જેલની મુલાકાતે જાઓ છો; ત્યાં તમને એક જુવાન કેદી જોવા મળે છે. એણે શું કર્યું હતું ? કોઈ દુકાનમાંથી એણે કશુંક ચોર્યું હતું. એનામાં ચોરવાની આ વૃત્તિ કેવી રીતે જન્મી અને અંતે એ જેલ ભેગો કેવી રીતે થયો તેનો અભ્યાસ કરો. તેનો ઉત્તર આ શ્લોકોમાં છે. ध्यायतो विषयान् पुंसः, ‘તમે ઇન્દ્રિય વિષયોનું સતત ચિંતન કર્યા કરો છો.’ અને એ વિષયો આકર્ષક લાગતાં, શું થાય છે ? सङ्गस्तेषूपजायते, ‘મનને એમની પ્રત્યે આસક્તિ જાગે છે.’ ‘મને એ ગમે છે.’ પહેલાં હું એને જોતો જ હોઉં છું. પછી એની સાથે હું ચીટકી જાઉં છું, એની પ્રત્યે આસક્ત થઈ જાઉં છું. પછી શું બને છે ? सङ्गात् सञ्जायते कामः, ‘મારે એનો કબજો મેળવવો જ જોઈએ’, આસક્તિમાંથી એ ઇચ્છા જન્મે છે. આમ પહેલાં એક વસ્તુ જોઈને, એનો લાંબો સમય વિચાર કરીને, પછી એનાથી આકર્ષાઈને અને પછી એને પ્રાપ્ત કરવાની ઇચ્છા જન્મે છે. અને એમાં લોકો આડા આવે તો कामात् क्रोधोऽभिजायते, ‘કામનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે’, જો મારા એના મેળવવા આડે કોઈ આવે તો પછી શું બને છે ? क्रोधाद्भवति संमोहः ‘ક્રોધ ઉત્પન્ન થાય એટલે મોહ ઉત્પન્ન થાય.’ તમે આજુબાજુના સંજોગો ભૂલી જાઓ છો, તમારું વ્યક્તિત્વ વીસરી જાઓ છો, તમારી કુલીનતા ભૂલી જાઓ છો, એ દશામાં બધું જ ભૂલી જવાય છે. માટે તો માનસશાસ્ત્ર કહે છે કે ક્રોધમાં આવે ત્યારે માનવી પાગલ બની જાય છે. થોડા સમયનું ગાંડપણ ગુસ્સો કહેવાય છે. એ સમયે તમે ભાન ભૂલી જાઓ છો. પછી શું બને છે ? क्रोधात् भवति संमोहः ‘એ ક્રોધમાંથી મોહ જાગે છે.’, संमोहः, પછી તમારું ચિંતન નિર્મળ રહેતું નથી. બધું ગરબડવાળું છે. એ સમયે મનનું સ્વરૂપ એવું થઈ જાય છે કે કોઈ વસ્તુને સ્પષ્ટ જોઈ શકતું નથી.

પછી संमोहात् स्मृतिविभ्रमः, ‘એ સંમોહમાંથી સ્મૃતિલોપ આવે છે’, ‘તમે કોણ છો, શું છો, તમારું કુળ કેવું છે એ બધું તમે વીસરી જાઓ છો. એટલે પછી એ સમયે તમે દુષ્કૃત્ય કરવા તૈયાર થઈ જાઓ છો. બધી નબળાઈઓ પ્રવેશી ગઈ છે; શરીરમાં રોગોની નબળાઈઓ પ્રવેશે પછી બહારનાં બધાં ઝેર અંદર આવી જાય. શરીર એને નિમંત્રે અને એ રોગનું ઘર બને. મનનું પણ તેવું જ છે, એ રીતે આપણે પતન તરફ જઈએ છીએ. क्रोधात् भवति संमोहः संमोहात् स्मृतिविभ्रमः, स्मृतिभ्रंशात् बुद्धिनाशो, સ્મૃતિ ચાલી જાય ત્યારે આપણી આસપાસના સંજોગોની, આપણી જાતની સ્મૃતિ પણ જતી રહે, પછી રુૂરુથ્ણળયળજ્ઞ, ‘શું યોગ્ય ને શું અયોગ્ય, શું કરવું ને શું ન કરવું એ બધું વિવેકભાન ચાલ્યું જાય છે.’ પછી ? बुद्धिनाशात् प्रणश्यति ‘બુદ્ધિનાશને કારણે તમે સીધા નાશ પામો છો.’ આમ ડગલે ડગલે આપણું પતન થાય છે.

મનના આ સ્વરૂપને આપણે જાણવું જોઈએ; તો જ આપણે તેની સામે લડી શકીએ અને વધારે સ્વસ્થ તથા વધારે સ્થિર વ્યક્તિત્વનું ઘડતર કરી શકીએ. સારાં માણસો પણ ખોટાં કામ કેવી રીતે કરે છે ને પછી વિવિધ દુષ્પરિણામોથી પીડાય છે તે આ બે શ્લોકો (૬૨.૬૩) કહે છે. વિદેશોમાં પ્રવાસ કરતાં, અનેક વાર હું વર્તમાનપત્રોમાં સુપર માર્કેટોમાં થતી ચોરીઓની વાત વાંચતો. ઘણા દેશોમાં – ભારતમાં પણ હવે એવી માર્કેટો થવા લાગી છે – તમે જાઓ, કોઈપણ વસ્તુ પસંદ કરી લો, થડા પર એને લાવો, એનું મૂલ્ય ચૂકવો અને બહાર નીકળી જાઓ. આવાં સુપર માર્કેટોમાંથી પણ કેટલાક લોકો ચોરી કરે છે.

અમેરિકામાં મિત્રોએ મને કહ્યું કે આશરે દસ ટકા વસ્તુઓ ચોરાઈ જાય છે પણ એ દસ ટકાનું રક્ષણ મોંઘેરું હોવાથી, હાટવાળા એ દસ ટકા પ્રત્યે દુર્લક્ષ કરે છે. હવે કોઈક વાર કોઈ ભદ્ર વ્યક્તિ, કોઈ રાજદ્વારી વ્યક્તિનું કોઈ સગુંસંબંધી દાખલ થાય છે, એને કોઈક ચીજ ખૂબ ગમે છે અને તેને એ પોતાની બેગમાં સરકાવી દે છે. કોઈ વાર એ પકડાય પણ. એમ થાય ત્યારે પોતાનો મોટો મોભો ગયાનું દુ :ખ થાય, તે કલ્પી શકાય છે. આ થોડા શ્લોકો આ બધી દશાઓને પ્રકટ કરે છે.

આ બધી અનિષ્ટ શકયતાઓ જાણવી સારી, જેથી આપણે આગોતરી સાવચેતી લઈ શકીએ, આપણી વિવેકશક્તિને સુદૃઢ કરી શકીએ અને ઇન્દ્રિયતંત્રમાંથી ઉદ્ભવતી શક્તિથી એને ક્ષીણ ન થવા દઈએ. બુદ્ધિ વડે ઇન્દ્રિયતંત્રનું નિયમન થવું જોઈએ; એનાથી ઊલટું નહીં.

સારથિ પર ઘોડાઓનો અંકુશ નહીં પણ ઘોડાઓ ઉપર સારથિનો અંકુશ હોવો ઘટે. ઉપનિષદોની અને ગીતાની એ ભાષા છે. (ક્રમશ 🙂

Total Views: 413

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.