પ્રારંભિક

હઝરત મુહમ્મદ પૂર્વેનો સમય જેને ઈસ્લામ ધર્મનાં પુસ્તકોમાં ‘અજ્ઞાનનો યુગ’ કહે છે તેમાં જંગલી પ્રજાના ધર્મનું તેમજ અધમ અવસ્થામાં પડેલા યહૂદી અને ખ્રિસ્તી ધર્મનું મિશ્રણ જોવામાં આવે છે.

અરબ લોકોની જાતવાર જુદી જુદી ટોળીઓ હતી, દરેક ટોળીને પોતપોતાનો દેવ હતો અને એ દેવની પથ્થરની મૂર્તિઓને તેઓ પૂજતા. એમ કહેવાય છે કે તેઓને ૩૬૦ દેવતાઓ હતા. તેઓ જાદુ, શુકન-અપશુકન અને ભૂત-પ્રેતની માન્યતા તથા મૃતકના પાછળ જંગલી રીતનું શ્રાદ્ધ પણ કરતા.

આ અંધ મૂર્તિપૂજા સાથે પુષ્કળ વહેમ, અનીતિ અને નિર્લજ્જતા જોડાયાં હતાં. આ બધાં અનિષ્ટોનો આમૂલ નાશ કરવાના મહાન ઉદ્દેશથી મુહમ્મદ પયગંબરનું અવતરણ થયું હતું.

ઈસ્લામ શબ્દ જે મૂળ ધાતુમાંથી બન્યો છે તેનો અર્થ છે, ‘અમન’ એટલે કે ‘શાંતિ’. ઈસ્લામ ધર્મમાં માનવાવાળાને મુસ્લિમ અથવા મુસલમાન તરીકે ઓળખવામાં આવે છે. તેઓ જ્યારે એકબીજાને મળે છે ત્યારે બોલે છે :

‘અસ્સલામોઆલુકેમ’ જેનો અર્થ થાય છે – ‘આપને શાંતિ મળે.’

ઈસ્લામની પાયાની પાંચ નિષ્ઠાઓને દરેક મુસ્લિમ પાળતો હોય છે. ઈસ્લામ ધર્મમાં કહ્યું છે, ‘જે વ્યક્તિ પાયાની આ પાંચ વાતોમાં વિશ્વાસ ધરાવે છે તે સાચો મુસ્લિમ છે, તે સાચો ઈમાનદાર છે.’

* અલ્લાહ ઉપર વિશ્વાસ.

* અલ્લાહ વિશેનાં પુસ્તકો ઉપર વિશ્વાસ.

* ફરિસ્તાઓ ઉપર વિશ્વાસ.

* રસૂલો ઉપર વિશ્વાસ.

* આખિરત (કયામત) ઉપર વિશ્વાસ.

ધર્મસ્થાપકનું જીવનવૃત્તાંત

હઝરત મુહમ્મદ સલ્લનો જન્મ ૧૨ રબીઉલ અવ્વલ, સોમવાર, ઈસવીસન ૫૭૧ની ૩૦ એપ્રિલના રોજ મક્કા શહેરમાં થયો હતો. તેમના દાદા અબ્દુલ મુત્તલિબે પોતાના એક શુભ સ્વપ્ન પ્રમાણે તેમનું નામ ‘મુહમ્મદ’ રાખ્યું. એમનો ઉછેર ગામડાના સ્વચ્છ અને ખુલ્લા વાતાવરણમાં થયો હતો.

મુસલમાનો એમને ઈશ્વરના ‘પયગંબર’ યાને દૂત તરીકે માને છે અને એમને ‘હઝરત’ એવું પવિત્રતાવાચક વિશેષણ લગાડે છે.

‘સલ્લ’ આનું પૂર્ણરૂપ ‘અલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ’ થાય છે અર્થાત્ તેમના ઉપર અલ્લાહ શાંતિ અને સલામતીની વર્ષા કરે. અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ (સલ્લ)નું નામ લખતાં, બોલતાં કે વાંચતાં આદર અને પ્રેમ દર્શાવવા દુઆના આ શબ્દ વધારી દેવામાં આવે છે.

બાળપણનો સમય ખેલ-તમાશાનો હોય છે પરંતુ હઝરત મુહમ્મદ સલ્લ આ બધાથી હંમેશાં દૂર રહ્યા. તેઓ નકામી વાતો અને નિરર્થક કામોમાં કોઈ રસ ન લેતા અને હંમેશાં સત્યની ખોજમાં રહેતા.

જેમાંથી કોઈ માર્ગદર્શન મળી જાય, એવો સંકેત એમાં હોય અને એમાં વાસ્તવિકતાની માહિતી મળે, એવી બાબતની શોધ-ચિંતામાં રહેતા.

જ્યારે તેઓ એકાગ્રચિત્ત થતા ત્યારે તમામ વાતો પર ચિંતન-મનન કરતા, જે વાત સાચી જણાતી તેને દિમાગમાં લેતા અને જે ખોટી લાગતી તેનાથી દૂર રહેતા.

બાર વર્ષની ઉંમરથી તેઓ બકરીઓ ચરાવવા લાગ્યા હતા. આ તેમની પસંદગીનું કામ હતું.

મક્કાનાં ૪૦ વર્ષનાં ધનવાન અને ઉમદા મહિલા ખદીજા સાથે હઝરત મુહમ્મદ સલ્લનાં ૨૫ વર્ષની વયે લગ્ન થયાં. આ રીતે એમના વૈવાહિક જીવનનો પ્રારંભ થયો.

જ્યારે હઝરત મુહમ્મદ સલ્લની વય લગભગ ૪૦ વર્ષની થઈ હતી ત્યારે તેઓ એકાંતપ્રિય બની ગયા, કેમ કે અત્યાર સુધીના પોતાના ચિંતન-મનને એમનું બૌદ્ધિક સ્તર ઉચ્ચતર કરી દીધું હતું. એ પ્રમાણે સત્તૂ અને પાણી લઈને મક્કાથી આશરે ૬ માઈલ દૂર આવેલી હિરા નામની ગુફામાં જઈને રહેવા લાગ્યા. આ ચાર ગજ લાંબી અને પોણા બે ગજ પહોળી નાની એવી ગુફા હતી.

ત્યાં જ તેઓ કેટલાય દિવસો અને કેટલીય રાતો સુધી રહેતા અને ઈબ્રાહીમી રીત મુજબ અલ્લાહની બંદગીમાં મગ્ન રહેતા. જે સત્ય માટે વ્યાકુળ હતા તેને પામવાનો પ્રયત્ન કરતા અને જે જ્ઞાનની અભિલાષા હતી તેની ખોજ કરતા. રમઝાન મહિનામાં આ જ ગુફામાં રોકાતા તેમજ અલ્લાહની બંદગી અને ચિંતન-મનનમાં મગ્ન રહેતા. તેમના બધા પુત્રો – કાસિમ, અબ્દ અલ્લાહ અને ઈબ્રાહિમ અલ્લાહને પ્યારા થઈ ગયા, માત્ર દીકરીઓ – ઝૈનાબ, રૂકૈયા, ઉમ્મ કુલથુમ અને ફાતિમા જીવિત રહ્યાં.

જ્યારે તેઓ એક દિવસ હિરાની ગુફામાં અલ્લાહની યાદમાં મગ્ન હતા ત્યારે રમઝાનનો મહિનો હતો. સવારનો આહ્લાદક સમય હતો. અચાનક એક ફરિશ્તો એમની નજરે ચડ્યો. આ હઝરત જિબ્રઈલ અલૈ હતા. જિબ્રઈલ અલૈ એ હઝરત મુહમ્મદ સલ્લને સંબોધીને કહ્યું :

‘મુહમ્મદ! આપ શુભ-સૂચના સ્વીકાર કરો. આપ અલ્લાહના રસૂલ (પયગંબર) છો અને હું જિબ્રઈલ છું. પઢો, અલ્લાહના નામ સાથે.’

તેમણે કહ્યું, ‘હું શું વાંચું? મને તો વાંચતાં પણ નથી આવડતું.’ આવું ઘણી વખત ચાલ્યું. પછી જિબ્રઈલ અલૈએ સૂર : અલકનો શરૂનો ભાગ પઢ્યો, તેઓ પણ સાથે પઢતા ગયા –

‘જેણે (બધું જ) પેદા કર્યું છે એવા પોતાના રબ (પ્રભુ)ના નામની સાથે પઢ. મનુષ્યને થીજી ગયેલા લોહીથી પેદા કર્યો. પઢ, તારો રબ ખૂબ શાનવાળો છે, જેણે કલમ દ્વારા (જ્ઞાન) શિખવાડ્યું અને મનુષ્યને તે નહોતો જાણતો એ બધું જ શિખવાડ્યું.’ (કુર્આન. ૯૬ :૧-૫). આમ કહીને ફરિશ્તો અંતર્ધાન થઈ ગયો.

આમ તેમને પયગંબરીના પદ પર બિરાજમાન કર્યા. તે દિવસે તેમની ઉંમર ૪૦ વર્ષ, ૬ મહિના અને ૭ દિવસ હતી. ત્યાર પછી ઘણા દિવસો સુધી વહી (રબવાણી) આવવાનો ક્રમ બંધ રહ્યો. ફરી પાછો તે શરૂ થયો અને ૨૩ વર્ષો સુધી ચાલતો રહ્યો. આ રીતે ૨૩ વર્ષોમાં કુર્આન પૂર્ણ થયું.

આ સત્ય સંદેશનો સૌથી પહેલાં સ્વીકાર કરવાનું શ્રેય હઝરત ખદીજા રદિને પ્રાપ્ત થયું.

આમ ઈસ્લામનો સંદેશ ધીમે ધીમે ફેલાતો રહ્યો અને મુસલમાનોની સંખ્યા વધતી ગઈ. પ્રારંભમાં તેમને જેમની સાથે ઘનિષ્ઠ સંબંધ-સંપર્ક હતો તેમની સમક્ષ ઈસ્લામ પ્રસ્તુત કરતા અને તેમને તેનાથી પરિચિત કરાવતા. આ કામ ત્રણ વર્ષો સુધી વ્યક્તિગત સંપર્ક દ્વારા ચાલતું રહ્યું. આ રીતે ૪૦ થી વધુ મહાનુભાવોએ ઈસ્લામ અંગીકાર કર્યો. અલ્લાહના આદેશાનુસાર ઈસ્લામના જાહેર એલાનનો ફેંસલો કર્યો. એક દિવસ સફા પર્વત ઉપર ચઢી ગયા અને ઊંચા અવાજથી લોકોને આકૃષ્ટ કર્યા.

કુરૈશીઓએ મળીને ઈસ્લામનો વિરોધ અને અત્યાચાર ચાલુ રાખ્યા. બીજી તરફ સત્યધર્મના પ્રચાર-પ્રસારમાં મુસલમાનો પણ અડગ રહ્યા. કુરૈશીઓ તેમને વિવિધ રીતે હેરાન-પરેશાન કરતા અને તેમના વિશે વિવિધ પ્રકારની ભ્રમણાઓ ફેલાવતા રહ્યા. એકવાર તો ગળામાં ચાદર નાખીને હઝરત મુહમ્મદ સલ્લની હત્યા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

પણ હઝરત મુહમ્મદે ‘કદી સૂર્ય મારી જમણી બાજુએ અને ચંદ્ર મારી ડાબી બાજુએ આવીને મને અટકાવે પણ હું અટકવાનો નથી’ એમ નિશ્ચય કરી ઉપદેશ ચાલુ રાખ્યો.

મુસલમાનો પર કુરૈશીના અત્યાચારો વધી પડતાં તેઓ મક્કા છોડીને હબશા ચાલ્યા ગયા. ત્યારે હિજરત કરવાવાળા મુસલમાનોની સંખ્યા ૮૩ દર્શાવવામાં આવી હતી. ઈસ્લામી શિક્ષણના પ્રભાવથી પ્રતિષ્ઠિત અને સંભ્રાંત લોકો પણ ઈસ્લામ સ્વીકાર કરવા લાગ્યા. ઈસ્લામનો વધતો પ્રભાવ જોઈને બનૂ હાશિમનો (હઝરત મુહમ્મદ પયગંબરના પરિવારનું નામ) સામાજિક બહિષ્કાર કર્ર્યો. હઝરત મુહમ્મદ સલ્લે વિવિધ કારણોસર પોતાના સમગ્ર જીવનમાં બાર લગ્નો કર્યાં હતાં.

મક્કામાં ઈસ્લામના પ્રચાર-પ્રસારમાં મોટા અવરોધ ઊભો કરવાના પ્રયત્નો થવાથી મક્કાની બહાર ઈસ્લામી સંદેશ પહોંચાડવાનો વિચાર કર્યો. ક્રમશ : તેઓ મદીના પહોંચ્યા. મદીનામાં ઈસ્લામ ફેલાતો રહ્યો.

તેઓ રબી-ઉલ-અવ્વલની આઠમી તારીખ, પ્રમાણે ૨૦ સપ્ટેમ્બર ૬૧૨ના રોજ મદીના આવ્યા. આ એમનું મક્કા છોડીને મદીના તરફ નીકળી જવું તે ‘હિજરત’ કહેવાય છે અને આ હિજરતની તારીખથી મુસલમાનોનો હિજરી સંવત શરૂ થાય છે.

૧૨ રબી-ઉલ-અવ્વલ, હિજરી સન ૧૧, સોમવારના દિવસે બરાબર બપોરથી થોડાક સમય પૂર્વે હઝરત મુહમ્મદ સલ્લનો દેહાંત થયો. તે વખતે તેમની ઉંમર ૬૩ વર્ષ અને ૪ દિવસની હતી. મૃત્યુ પહેલાં તેમના મુખેથી આ શબ્દો વારંવાર નીકળતા રહ્યા –

‘તે લોકોની સાથે, જેના ઉપર અલ્લાહે કૃપા કરી, અલ્લાહનો સૌથી મોટો સાથ છે.’

આમ કહેતાં કહેતાં તેઓ કયામત સુધી આ દુનિયામાંથી કૂચ કરી ગયા.

કુરાને શરીફ – ‘કુરાન’ એટલે ‘એકઠું કરવું’ કે ‘વાંચવું’ અરબી ધાતુ પરથી ઉતરી આવેલ શબ્દ છે. કુર્આન યાને કુરાને શરીફમાં ૧૧૪ સુર : (અધ્યાય) છે. તેમાં શરૂઆતમાં સામાન્ય રીતે મોટા અધ્યાય અને પછી નાના અધ્યાય છે. તેમાં કુલ ૬૨૩૭ આયાતો અને ૩૨,૨૨,૬૭૦ શબ્દો છે. વાંચવા માટે તેમાં ૭ મંઝિલ, ૩૦ પારા અને ૫૪૦ રકુઅ બનાવવામાં આવ્યા છે.

કુર્આન આકાશી ગ્રંથ છે, અલ્લાહના અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ સલ્લ ઉપર સમગ્ર માનવજાતિના માર્ગદર્શન માટે તેનું અવતરણ થયું છે. તે માનવજાતિ માટે સંયુક્ત આધ્યાત્મિક સંપત્તિ છે. મનુષ્યના માલિક અને પાલનહારનો આ ઉપહાર છે. તેના પર કોઈ વ્યક્તિનું, રાષ્ટ્રનું કે વિશેષ જાતિનું સ્વામિત્વ નથી. તે અરબી ભાષામાં છેે. આ પવિત્ર ગ્રંથમાં આસ્થાથી સંબંધિત બાબતો, નૈતિક આદેશો, શરઈ હુકમો (ધર્મ-વિધાન અંગે આદેશો), સંદેશ, ઉપદેશ, બોધપાઠ, આલોચના, ઠપકો, ચેતવણીઓ, શુભસૂચનાઓ, સાંત્વનાઓ, દલીલો, સાક્ષીઓ, ઐતિહાસિક ઘટનાઓ ઇત્યાદિ છે. તે તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મશાસ્ત્ર છે તો પણ તર્ક અને દર્શનશાસ્ત્રની ભાષામાં નથી.

કુર્આનનો વિષય ‘મનુષ્ય’ છે, એ દૃષ્ટિથી કે વાસ્તવમાં મનુષ્યનું હિત અને અહિત કઈ વસ્તુમાં છે તેનું તેમાં મુખ્યત્વે વર્ણન છે. કુર્આનની શિક્ષાઓ સર્વકાલીન છે. કુર્આનની શૈલી નદીના પ્રવાહની જેમ સરળ અને સુંદર છે. દરેક આયાતમાં થોડા શબ્દોમાં ઊંડો અર્થ ખૂબ જ સુંદર રીતે ભરી દેવામાં આવ્યો છે.

કુરાને શરીફમાં લખ્યું છે કે આ પુસ્તક પરવરદિગારની જગતને અર્પણ કરાયેલી ભેટ છે. તેને અલ્લાહે મોકલી છે. તે સાચી કિતાબ છે. તેમાં જૂઠને કોઈ સ્થાન નથી. તે અલ્લાહ તરફ જવાનો માર્ગ બતાવે છે. કુર્આન હઝરત મુહમ્મદે લખ્યું ન હતું. મોટે ભાગે એમના શિષ્યોએ તે કંઠસ્થ કરી રાખ્યું હતું અને કોઈ કોઈ ઠેકાણે એના લખેલા ટુકડા પડ્યા હતા. કુર્આનનાં પ્રકરણ ‘સુર :’ કહેવાય છે.

કુર્આન ઉપરાંત બીજાં કેટલાંક પ્રમાણો મનાયાં છે. તેમાંનું એક મુહમ્મદ પયગંબરની પોતાની રહેણીકરણી (સુન્ની) વિષેની લોકસ્મૃતિ ‘અલ્-હદિથ્’; બીજું ‘ઈજમી’ એટલે કે સર્વસામાન્ય આચાર જેમાંના મુહમ્મદ પયગંબર પહેલાંના પણ હોય અને ત્રીજું ‘કિયાસ’ એટલે દૃષ્ટાંત.

ચાર ઈબાદતો

ઈસ્લામ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે વિચારની સાથે આચાર પણ હોવા જોઈએ. ઈસ્લામ ધર્મમાં એક તરફ જ્યાં અલ્લાહ, કુરાને શરીફ, ફરિસ્તો, રસૂલો અને આખિરત ઉપર સંપૂર્ણ વિશ્વાસની વાત કહેવામાં આવી છે તેમ ચાર ઈબાદતો-આચારો ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ઈસ્લામ ધર્મમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે દરેક મુસલમાને આ ચાર ઈબાદત – આચાર જરૂર પાળવા જોઈએ.

દરરોજ – ફજ્ર, જુહર, અસ્ત્ર, મગરિબ અને ઈંશા એમ પાંચ સમય ઉપર નમાજ કાયમ કરવી જોઈએ.

રમઝાનના મહિનામાં રોજા રાખવા જ જોઈએ.

અલ્લાહના માર્ગે ઓછામાં ઓછી અઢી ટકા રકમ દાનમાં વાપરવી જોઈએ, એટલે કે નફામાંથી અઢી ટકા રકમ બાજુ પર રાખી તેનું દાન કરવું જોઈએ, જેને મુસલમાનો જકાત તરીકે ઓળખે છે.

બની શકે તો જીવનમાં એક વાર હજ યાત્રા કરવી. મક્કા અને કાબા જઈને ઝિયારત કરવી જોઈએ.

ઈસ્લામ ધર્મનો ઉપદેશ

બધા જ લોકો સાથે ભાઈચારો રાખી તે પ્રમાણેનો સરખો વ્યવહાર કરવો જોઈએ, કારણ કે અલ્લાહની નજરમાં બધા જ સરખા છે. જાતિ, વર્ણ, રંગ, પૈસાદાર કે ગરીબ, નવાબ કે મજૂર, સ્ત્રી કે પુરુષ બધા જ અલ્લાહની નજરમાં એકસમાન છે. માટે બધા સાથે એકસરખો વ્યવહાર કરવો જોઈએ.

‘લા ઈલાહ ઈલ્લિલાહ મુહમ્મદદુર્રસૂલિલ્લાહ’ – આ ઈસ્લામનો મૂળમંત્ર છે જેનો અર્થ થાય છે :

‘અલ્લાહ સિવાય બીજું કોઈ પૂજનીય નથી તથા મુહમ્મદ તેના રસૂલ છે.’ માત્ર અલ્લાહને માનવાથી કોઈ મુસલમાન ચુસ્ત મુસલમાન નથી થઈ શકતો, તેણે એ પણ માનવું પડે છે કે મુહમ્મદ એ નબી, રસૂલ અને પયગંબર છે.

તહેવારો

(૧) મુહર્રમ : ઈસ્લામ ધર્મના નવા વર્ષનો આ દિવસ છે.

(૨) ઈદે મિલાદ : હઝરત મુહમ્મદ પયગંબરના જન્મદિવસની ખુશીમાં આ તહેવાર ઉજવાય છે.

(૩) રમઝાન : ઈસ્લામિક વર્ષનો નવમો મહિનો રમઝાન છે. આ મહિનામાં અલ્લાહે કુર્આનમાં કરેલ આદેશ મુજબ મુસલમાનો રોજા પાળે છે.

(૪) ઈદ ઉલ ફિત્ર : રમઝાન મહિનાની આખરી રાત ચાંદ-રાતરૂપે મનાવાય છે. ચાંદ-રાતે ઈદનો ચાંદ જોઈને મુસલમાનો બીજા દિવસે ઈદ ઉલ ફિત્ર મનાવે છે.

(પ) ઈદ ઉલ જુહા (બકરી ઈદ) : આ તહેવાર કુર્બાનીનો તહેવાર છે. મુસલમાનો અલ્લાહ પ્રત્યે પોતાની આસ્થા અને વફાદારી પ્રદર્શિત કરવા માટે બકરી કે અન્ય પશુઓની કુર્બાની આપે છે.

માંસને ત્રણ હિસ્સામાં વિભાજિત કરીને એક હિસ્સો પોતાની પાસે રાખીને બીજો હિસ્સો સગાં સંબંધી તેમજ મિત્રો વચ્ચે અને ત્રીજો હિસ્સો ગરીબોને વહેંચવામાં આવે છે.

Total Views: 301

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.