પ્રારંભિક

અષો જરથુષ્ટ્રની પહેલાં ઈરાનીઓ એટલે કે ‘દએવ’ લોકો જાદુગર અને ધૂર્ત-ઠગારા હતા, તદુપરાંત ખેતીવાડી તથા યજ્ઞક્રિયાના વિરોધી હતા એમ ‘અવસ્તા’માં જણાવવામાં આવ્યું છે. અષો જરથુષ્ટ્રે પાપનાં ઊંડાં મૂળ તપાસી દુર્ગુણોમાં અને મલિનતામાં જે ઊંડું વિનાશકારી તત્ત્વ રહેલું હતું તે શોધ્યું. વળી મનુષ્યની પાપવૃત્તિ કેમ ઉદય પામે છે અને તેની સામે સતત બળપૂર્વક ઝઝૂમવાની મનુષ્યની કેવી ફરજ છે તે પણ બતાવ્યું તથા તેમાં સફળ થવા માટે ‘અહુરમજદ’ના ખરા સ્વરૂપનું સંપૂર્ણ વિવેચન કર્યું.

ધર્મસ્થાપકનું જીવનવૃત્તાંત્ત

જરથોશ્ત – જેમનું મૂળ શુદ્ધ નામ જરથુષ્ટ્ર છે – એ પશ્ચિમ ઈરાનમાં મીડિઆ પ્રાન્તમાં જન્મ્યા હતા. એમના પિતાનું નામ પોરુશસ્પ અને માતાનું નામ દુગદો હતું. એમના કુળ (ગોત્ર)નું નામ સ્પીતમ હતું અને તેથી તેઓ ‘સ્પીતમ જરથુષ્ટ્ર’ એવા નામે ઓળખાય છે.

પયગંબર જરથુષ્ટ્ર તો જન્મતાંવેંત હસ્યા હતા. એમના મુલકનો દુરાસરૂન નામે દુષ્ટ રાજા હતો. તે આ અસાધારણ બનાવથી ભયભીત થયો અને એને થયું કે ‘રખેને ઈશ્વરે આ બાળક મને સજા કરવા માટે જ પેદા કર્યું ન હોય?’ આથી તેણે બાળ જરથુષ્ટ્રને મારી નાખવાના અનેક પ્રપંચો રચ્યા.

આઠમા વર્ષે જરથુષ્ટ્રને એમના પિતાએ એક સાધુ અને વિદ્વાન એવા ગુરુ પાસે ભણવા મૂક્યા. ઉત્તમ સ્વાભાવિક ગુણો અને સારા ગુરુની કેળવણીએ એમનું ચારિત્ર્ય ઉત્તમ પ્રકારે ઘડ્યું. પંદર વર્ષની ઉંમરે એમના પિતાએ છોકરાઓને પોતાની પૂંજીમાંથી ભાગ વહેંચી આપ્યા ત્યારે પયગંબર જરથુષ્ટ્રે પોતાના પિતાની મિલકતમાંથી માત્ર એક કમરબંધ લઈને બાંધ્યો. આ રીતે એમણે એક મર્દ તરીકે મનુષ્યજાતિ પ્રત્યે પોતાની ફરજ બજાવવા કમર કસી.

વીસ વર્ષે એમણે એક પહાડ ઉપર એકાન્તવાસ કર્યો અને ત્યાં સાદા ખોરાક ઉપર રહી જીવ, જગત અને ઈશ્વર સંબંધી વિચાર કરવામાં દશ વર્ષ ગાળ્યાં. ‘ઓ અહુર (પરમાત્મા)! તને હું પૂછું છું તે બધું તું મને સમજણ પડે તેમ કહે.’ એવા શબ્દોથી જરથુષ્ટ્ર પ્રભુને આ કુદરત સંબંધી તથા મનુષ્યનાં કર્તવ્ય સંબંધી જ્ઞાન આપવા ખરા હૃદયથી પ્રાર્થના કરતા રહ્યા અને જે જ્ઞાન પ્રાપ્ત થતું ગયું તે લોકોમાં પ્રસારવા સંગ્રહિત કરતા રહ્યા. આ દરમિયાન જરથુષ્ટ્રની અહુરમજદ (પરમાત્મા) અને તેના છ અમષાસ્પન્દો (દિવ્ય સ્વરૂપ-દેવ) સાથે મુલાકાત થઈ. એ મુલાકાતમાં એમને પૂછવામાં આવ્યું, ‘તારી સૌથી મોટી ઇચ્છા શી છે? જીવીને તું શું કરવા માગે છે?’ ત્યારે જરથુષ્ટ્રે જણાવ્યું, ‘તે દાદાર (પ્રભુ) ફરમાવે તેમ પવિત્ર જીંદગી ગાળીને અષોઈ (પવિત્રતા) હું પ્રાપ્ત કરું એ જ મારી ઇચ્છા છે.’

અહુરમજદ અને તેના બીજા છ અમષાસ્પન્દોની મુલાકાત લઈ, તે પ્રભુની સર્વશક્તિઓનું સંપૂર્ણ જ્ઞાન મેળવીને જરથુષ્ટ્રે પ્રાપ્ત કરેલાં સત્યો બીજાને ઉપદેશવા માટે છેક સીસ્તાન સુધી મુસાફરી કરી. પોતાના જ્ઞાનનો ઉપદેશ કરવાનું શરૂ કર્યા બાદ દશ વર્ષે એમને પહેલો શિષ્ય મળ્યો. બાર વર્ષે બલ્ખ ખાતે શાહ ગુસ્તાસ્પના દરબારમાં ગયા. ત્યાં એ રાજાને પોતાના ધર્મની વાત ગળે ઉતારી. રાજા અને એના કુટુંબના બધા માણસો જરથોસ્તી ધર્મમાં ભળ્યા. જરથોસ્તી ધર્મ સ્વીકાર્યો તે કારણથી એ બાદશાહ અને તુરાની બાદશાહ અર્જાસ્પ વચ્ચે લડાઈ થઈ.

અર્જાસ્પે ગુસ્તાસ્પના મુલક ઉપર બે વખત હુમલો કર્યો, તેમાં બીજા હુમલામાં એ ફાવ્યો. ગુસ્તાસ્પના સાથી તુરબરાતુર નામના એક દુષ્ટ માણસના હાથે જરથુષ્ટ્ર એ યુદ્ધમાં મરાયા.

આ ઘટના જરથુષ્ટ્રના ધર્મોપદેશના કાર્યના પ્રારંભ પછી ૪૭મે વર્ષે, એટલે જરથુષ્ટ્રના ૭૭મા વર્ષમાં ઘટી.

જરથુષ્ટ્રે સંસારમાં રહીને પ્રભુપ્રાપ્તિ કરી હતી અને પ્રભુની આજ્ઞાને અનુસરતું પવિત્ર જીવન ગાળ્યું હતું. તેથી જરથુષ્ટ્રના નામ આગળ હંમેશાં ‘અષો’ – પવિત્ર એવું વિશેષણ મૂકવામાં આવે છે તે યોગ્ય છે.

ધર્મગ્રંથો

આ ધર્મના મુખ્ય ગ્રંથો અવસ્તા, પહેલવી, પાજંદ અને ફારસી ભાષામાં લખાયેલા છે. આ ગ્રંથો સાધારણ રીતે ‘જંદ અવસ્તા’ એવા નામે પ્રચલિત છે.

‘અવસ્તા’નો કોઈ નિશ્ચિત અર્થ જણાતો નથી પણ સંસ્કૃત ‘विद्’ ધાતુ સાથે સંબંધ જણાય છે. અવસ્તાનો અર્થ ‘જ્ઞાન’ થાય છે.

જગત, જગતસ્રષ્ટા, મનુષ્યનાં કર્તવ્યને લગતું જ્ઞાન એટલે કે પરમજ્ઞાન આપનાર ગ્રંથ તે અવસ્તા.

અવસ્તાના અર્થ વિશેનું જે જ્ઞાન એટલે કે ખુલાસો તે ‘જંદ.’ આમ સંક્ષિપ્તમાં ‘જંદ અવસ્તા’ એટલે અવસ્તા (જ્ઞાન) અને તેનો જંદ (ખુલાસો કે વિવરણ).

અવસ્તાના ચાર ભાગ છે. આ પૂર્વે તેના ઘણાય ભાગ નાશ પામ્યા છે.

(૧) યજશ્ને – પરમાત્માનાં ક્રિયાસહિત સ્તુતિ – આરાધના કરવાં.

(૨) વીસ્પરદ – સઘળી ઋતુઓમાં અધ્યયન કરવાનાં શાસ્ત્રો. આમાં બધા સદ્ગુણોનું ઉત્તમ સ્વરૂપનું વર્ણન છે.

(૩) વંદીદાદ – અસુર સામેના કાયદા.

(૪) ખોર્દેદ અવસ્તા – અવસ્તાનો ખુર્દાે એટલે નાનો ભાગ. ઉપર આલેખેલાં ત્રણ પ્રકારનાં મોટાં શાસ્ત્રોમાંથી દરરોજ સંક્ષિપ્તપણે કરાતી પ્રાર્થના માટે ચૂંટી કાઢેલો ભાગ.

ધર્મોપદેશ

જરથોસ્તી ધર્મનો સારાંશ આ વાતોમાં સમાઈ જાય છે. મનુષ્યનું કર્તવ્ય છે કે – તે બધાને પ્રેમ કરે, બધાની સેવા કરે. પરમેશ્વરની પૂજા-ઉપાસના કરે. દેવતાઓ અને સંતોનો આદર કરે. બધાં સારાં કાર્યોમાં મદદરૂપ થાય અને તેમાં ભાગ લે. બધાં ભલાં પશુઓની રક્ષા કરે અને તેના ઉપર દયાભાવ રાખે. દાન કરે અને બધા ઉપર કરુણાભાવ રાખે. ન્યાયપથ ઉપર ચાલે. શ્રમ કરી પોતાના પગ ઉપર ઊભા રહેતાં શીખે. અસત્થી સદાય દૂર રહે અને બૂરાઈઓનો નાશ કરે. પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખીને સત્નું સદાય સમર્થન કરે.

જરથોસ્તી ધર્મના મત મુજબ મનુષ્યને પ્રકાશમય પરમાત્માનું દર્શન ખાસ કરીને ‘ખોરદાદ’ (સૂર્ય) અને ‘આતશ’ (અગ્નિ)માં થાય છે. માટે સવાર-સાંજ નદી કે દરિયા કાંઠે જઈ સૂર્યની ઉપાસના કરવી તથા અગ્નિને નિત્ય પ્રજ્વલિત રાખીને એની પૂજા કરવી એમ જરથોસ્તી ધર્મનો મુખ્ય વિધિ છે.

હિન્દુસ્તાનમાં આવી વસેલા પારસીઓ જરથોસ્તી ધર્મ પાળે છે. તે ઉપરાંત ઈરાનમાં એ ધર્મના અનુયાયીઓની કેટલીક વસ્તી છે. એ ધર્મના બે પંથ છે : કદમી અને શહેનશાહી. એમના મંત્રોચ્ચારમાં તથા પારસી સંવતનાં વર્ષોની ગણતરીમાં કેટલોક ફેર છે પણ મુખ્ય ધાર્મિક સિદ્ધાંતમાં ફેર નથી.

જરથોસ્તી ધર્મ પ્રમાણે સાધારણ રીતે લોકો જેને ધર્મ કહે છે એવી કોરી પ્રભુભક્તિ વગેરે જ ધર્મ નથી. ઉદ્યોગ કરવો, ખેતી કરવી, સ્વચ્છ રહેવું વગેરે જનહિતનાં તથા સામાન્ય આરોગ્યનાં કાર્યો પણ અહુરમજદના ધર્મનો જ ભાગ છે. આ કારણથી જરથોસ્તી ધર્મમાં સંન્યાસની સંસ્થા છે જ નહીં. વળી આ ધર્મમાં ખેતીવાડીનો મહિમા વિશેષ વર્ણવાયો છે, ગાય માતાની સેવા ઉપદેશી છે અને અનાજની વાવણી કરવી એ કામને ધર્મની વૃદ્ધિ બરાબર ગણ્યું છે.

જરથોસ્તી ધર્મના અનુયાયીનું એક બાહ્ય ચિહ્ન સદરો (સુદરેહ્) અને કસ્તી (કુસ્તી) છે. સદરો એ શ્વેત સૂતરનું શરીર ઉપર સૌથી પહેલું પહેરવાનું પવિત્ર પહેરણ છે અને એના ઉપર હૃદયની પાસે ‘કસ્તી’ (બ્રાહ્મણોના યજ્ઞોપવીત જેવી) બાંધવામાં આવે છે.

જરથોસ્તી ધર્મમાં બીજા ધર્મોની જેમ ઉપવાસનો વિધિ નથી, પણ વર્ષની જુદી જુદી ઋતુઓ, મહિના અને દિવસનાં પવિત્ર કાર્યો ઠરાવેલાં છે. તે ઉપરાંત આ ધર્મમાં ખોરદાદ – સાલ (અષો જરથુસ્ટ્ર અહુરમજદ પાસેથી જ્ઞાન પામ્યા તે દિવસ), જમશેદી નવરોઝ (જમશેદનો દિવસ), પતેતી (વર્ષનો પહેલો દિવસ જ્યારે ગયા વર્ષનાં પાપ માટે પશ્ચાત્તાપ કરવાનો છે) વગેરે ધાર્મિક ક્રિયા અને ઉત્સવના દિવસ નિશ્ચિત કરાયા છે.

પારસી ધર્મના પવિત્ર આદર્શાે છે :

૧. હુમત – સત્ વિચાર કરો.

૨. હુખ્ત – સત્ વચન બોલો.

૩. હુર્શ્ત – સત્ કર્મ કરો.

તહેવારો

૧. છ ગહનબરો – વર્ષના જુદા જુદા સમયે ઋતુ અનુસાર પારસીઓ કૃતજ્ઞતાદર્શક છ ઉત્સવો ઊજવે છે.

૨. નવરોઝ – આ દિવસ પારસીઓના નવા વર્ષનો દિવસ છે. સામાન્યત : તે ૨૧ માર્ચના દિવસે ઉજવાય છે.

૩. પતેતી – અંતર્શાેધ અને પ્રાયશ્ચિત્ત માટે આ દિવસનું વિશેષ મહત્ત્વ ગણાય છે.

૪. ખોરદાદ સાલ – આ દિવસ અષો જરથુષ્ટ્રના જન્મદિવસ તરીકે ઉજવાય છે.

Total Views: 713

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.