ગયા અંકમાં ઇન્દ્રિયવિષયના ચિંતનથી થતા સર્વનાશના મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ વિશે વાંચ્યું, હવે આગળ…

આ બે શ્લોક પછી મેં અગાઉ ઉલ્લેખ કરેલ ૬૪મો શ્લોક આવે છે. એ કહે છે.

रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् ।

आत्मवश्यैविर्धेयात्मा प्रसादमधिगच्छति ।।64।।

‘પરંતુ ઇન્દ્રિયોને વશમાં રાખી હોય તેવી આત્મસંયમી વ્યક્તિ ઇન્દ્રિયોના વિષયોમાં ભ્રમણ કરે તો એ રાગદ્વેષથી મુક્ત થઈને, ચિત્તના પ્રસાદને પામે છે.’

ઇન્દ્રિયજગત છોડીને કોઈ ખૂણે જઈ વેરાગી જીવન જીવવાનું ગીતા જરાય કહેતી નથી. જગતમાં જ રહો, ઇન્દ્રિય વિષયોની વચ્ચે જ રહો. એમાં કશું નુકસાન નથી પણ તમારું પતન કરવાના વલણવાળી શક્તિઓ સામે જાતને મજબૂત કરો. માટે रागद्वेषवियुक्तैस्तु, ‘તમે રાગ અને દ્વેષ છોડી દો ત્યારે’ विषयान्न्द्रियैश्चरन्, ‘ઇન્દ્રિયતંત્ર વિષયોમાં મુક્ત વિહાર કરતું હોય તે રીતે’, ‘चरन्’એટલે મુક્ત વિહાર કરવો. પણ आत्मवश्यैः, ‘જેણે પોતાના આત્માને વશ રાખ્યો છે, તેના વડે’; विधेयात्मा, ‘જેણે જાત ઉપર પ્રભુત્વ મેળવ્યું છે તે વ્યક્તિ प्रसादम् अधिगच्छति, ‘સાચી શાંતિ મેળવે છે.’ ચિત્તથી શાંત અને પ્રસન્ન દશાને પ્રસાદ કહેવાય છે. ‘આવી વ્યક્તિ પ્રસાદને પામે છે.’, प्रसादम् अधिगच्छति, તમે મનના પ્રસાદને પ્રાપ્ત કરો તો તમને શું થાય છે ? આપણે આજે જીવનની ગુણવત્તાની વાત કરીએ છીએ. જીવનની એ ગુણવત્તા સમૃદ્ધિ એ તબક્કે આવે છે. પછીનો શ્લોક એનો ઉલ્લેખ કરે છે :

प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते ।

प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते ।।65।।

‘પ્રસાદમાં સર્વ કલેશો નાશ પામે છે. પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ તુરંત સ્થિર થાય છે.’

પ્રસાદ આવે એટલે ‘બધાં દુ :ખો, બધા કલેશો નાશ પામે છે’, सर्वदुःखानां हानिः, લાલચો સામે ઊભા રહેવાની આ સ્થિર બુદ્ધિ સામાન્ય લોકોમાં પણ મને જોવા મળી છે. ૧૯૬૦ના દાયકામાં કલકત્તામાંના રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટયૂટ ઓફ કલ્ચરનો હું સેક્રેટરી હતો ત્યારે અમારા ઈન્ટરનેશનલ હાઉસમાં રહેતી એક વ્યક્તિએ દસ હજાર રૂપિયા સાથેની પોતાની પર્સ ગુમાવી દીધી, અથવા ખરી રીતે તો હવાઈ પ્રવાસની પોતાની ટિકિટ અને પોતાના પાસપોર્ટની સાથે એ પર્સને ઓરડામાં ભૂલી જઈ, અને એ વ્યક્તિ દિલ્હી ગઈ. ત્યાં પહોંચીને એણે જાણ્યું કે પોતે બધું ગુમાવ્યું છે. પછી એણે મને કલકત્તા ફોન કર્યો. શું બન્યું હતું? જે કાર્યકર એ રૂમ સંભાળતો હતો તેને આ પર્સ અને ટિકિટ વગેરે મળ્યાં. મહિને રૂપિયા ૭૦૦ કમાનાર એ માણસની મહત્તા જુઓ; એ બધી ચીજો લાવી એણે ઓફિસમાં સુપરત કરી દીધી : ‘મહેમાનને આ ભૂલી જવાથી તકલીફ થઈ હશે. આ એને પહોંચતું કરી દો.’ એ માણસ એ પૈસા રાખી શકયો હોત, એ જરૂરતમંદ હતો; પણ નહીં ! વસ્તુઓને જોવાની એની દૃષ્ટિ જુદી હતી. આ રીતે જોવાની દૃષ્ટિ ઓછી ને ઓછી થતી જાય છે. શા માટે ? ઇન્દ્રિયતંત્ર ખૂબ જોરદાર છે અને નિયમન કરનારી બુદ્ધિ નિર્બળ છે. બીજાની ઉપાધિને પોતાની ગણીને એ રીતે એની સાથે કામ પાડવાની વૃત્તિ આધ્યાત્મિક શક્તિ છે. દરેક માણસ એ શક્તિ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ કેટલીક વાર સમાજના ઊંચા કહેવાતા લોકો પાસે એનો અભાવ હોય છે. ભારતમાં આજે બે પ્રકારના લોકો છે – ગરીબ અને ગરીબાઈથી પીડાતા, અર્થાત્, તવંગરો. તવંગરો પાસે ઘણું છે પણ ભ્રષ્ટ નીતિરીતિ દ્વારા એ લોકો વધુ ને વધુ મેળવવાની તૃષ્ણા સંતોષે છે; એ લોકો આ બુદ્ધિ દાખવી શકતા નથી કારણ એ આધ્યાત્મિક ગુણ છે અને સામાજિક મોભા પર એ આધારિત નથી. કોઈપણ માનવી આ આધ્યાત્મિક ગુણ મેળવી શકે છે. એટલે, प्रसन्न-चेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते, ‘પ્રશાંત ચિત્તવાળા મનુષ્યની બુદ્ધિ તરત સ્થિર થાય છે.’ આ વિભાગનું આ અગત્યનું વચન છે. ૬૪-૬૫ શ્લોકો સાથે લેવાના છે. ૬૭મા શ્લોકમાં આપણને આથી ઊલટી બાબત સાંપડે છે. आत्मवश्यैः विधेयात्मा, ન હોય ત્યારે લોકો નૈતિક રીતે ભાંગી પડે છે. આ બાબત દરેકે પોતાની જાતને સહાય કરવાની છે. આ સઘળી માનવ સિદ્ધિઓ છે. આકાશમાંના અજાણ્યા સ્વર્ગે જવાની મથામણ કરવાને બદલે, આ ધરતી પર જ સારા માણસ થઈને શા માટે ન રહેવું અને શા માટે, અંતર્યામી અનંત આત્માનો સાક્ષાત્કાર ન કરવો ?

પ્રાણી બની નહીં રહો; મુક્ત બનો; સમગ્ર માનવજાતને વેદાંતનો આ ઉત્તમ સંદેશ છે. કેટલાક શ્લોકોમાં આ વાત ફરી ફરી ઘૂંટવામાં આવી છે. ઇન્દ્રિયકક્ષાએ આ નિયમનથી યોગ આવે છે; ઇન્દ્રિય સુખની કક્ષાએ જ રહેવાથી ભોગ પ્રાપ્ત થાય છે. આપણે સૌ ભોગથી આરંભ કરીએ છીએ પણ વેદાંત અને માનવ શકયતાઓનું વિજ્ઞાન આખો સમય ભોગકક્ષાએ ન રહેવા સૂચવે છે. ધીમે ધીમે યોગકક્ષાએ જવાનું મનુષ્ય જાતને એ કહે છે. શ્રીરામકૃષ્ણ આ વાતને સુંદર રીતે મૂકે છે; ભોગથી ઊંચે ઊઠી યોગ તરફ તમે નહીં જાઓ તો તમે રોગમાં સપડાશો, અર્થાત્, બધા પ્રકારની માનસિક અને જ્ઞાનતંતુઓની અને સામાજિક તાણો તમને વળગશે. આનંદની ત્રણ સપાટીઓની વાત પણ એ કરે છે : વિષયાનંદ – ઇન્દ્રિયોનો આનંદ, ભજનાનંદ – ભજન ગાતાં મળતો આનંદ અને બ્રહ્માનંદ- આપણા અનંત અને અમર સ્વરૂપનો બ્રહ્મ તરીકે સાક્ષાત્કાર કરવાથી આવતો આનંદ. માટે આગે બઢો; ઇન્દ્રિયકક્ષાએ જ ન અટકી જાઓ. બાળક કેવળ ઇન્દ્રિયકક્ષાએ જીવે છે. પણ એ જેમ મોટું થાય છે તેમ, એને કશાક ઊર્ઘ્વતરનાં સંકેતો મળી શકે. ‘એ તરફ મને જવા દો !’ એનો અર્થ છે, ઇન્દ્રિય તંત્રનું થોડું નિયમન. કાયદાકાનૂન પાળતા નાગરિક માટે પણ ઇન્દ્રિયતંત્રના થોડા શિસ્તની જરૂર હોય છે. સ્વસ્થ સમાજ માટે પણ થોડા નિયમનની આવશ્યકતા છે. એની પર જ ગીતા ભાર મૂકે છે પણ તે, એ જ ધ્યેય હોય એ રીતે નહીં. આ વિભાગના પ્રથમ શ્લોકમાં જ, શ્રીકૃષ્ણે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણની માંડણી કરી ત્યારે જ, એમણે કહ્યું છે કે તમારે સર્વ ઇન્દ્રિયાકર્ષણોને હડસેલવાનાં નથી, અને મનને ખાલીખમ કરી મૂકવાનું નથી. એથી માણસ સ્થિતપ્રજ્ઞ નથી બની જતો. મનને પણ ભીતર રહેલા આત્મા સાથે જોડવાનું છે. ઇન્દ્રિયકક્ષાથી પરના તમારાં અનંત સ્વરૂપનો સાક્ષાત્કાર કરો. પછી જ સ્થિતપ્રજ્ઞ બની શકાય. (ક્રમશ 🙂

Total Views: 361

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.