ગયા અંકમાં ઇન્દ્રિયસંયમ, ભજનાનંદ અને બ્રહ્માનંદની વાત કરી હતી, હવે આગળ…

વેદાંત સાહિત્યમાં કેવળ નકારાત્મક અભિગમ આદર પામતો નથી કે રજૂ થતો નથી. તમને આનંદ આપે એવું કશુંક હોવું જોઈએ. જો ઇન્દ્રિયતંત્ર તમને આનંદ આપતું હોય તો જેે તંત્રથી પર છે તે તમને લાખોગણો વધારે આનંદ આપશે. ઉપનિષદોમાં એ ભાષા વપરાઈ છે. તૈત્તિરીય ઉપનિષદમાં પરમ આનંદના સ્વરૂપની ખોજના વિષયની ચર્ચા કરતાં કહેવાયું છે કે સૃષ્ટિ પરના માનવીઓના બધા આનંદો, દેવોના બધા આનંદો અને દરેક પ્રકારના આનંદો બધામાં રહેલ અનંત સ્વરૂપ એવા આત્માના સાક્ષાત્કારના આનંદના અંશ તુલ્ય છે. ને એથી આ જગતમાં જીવવાની, કામ કરવાની અને જુદી જુદી કક્ષાએ આનંદ માણવાની સ્વતંત્રતા આ બે શ્લોકો (૨.૬૪,૬૫) આપણને આપે છે. ગીતા આ મુદૃા ઉપર ભાર મૂકે છે. પછીનો ૬૬મો શ્લોક કહે છે :

नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना ।

न चाभावयतः शान्तिरशान्तस्य कुतः सुखम् ।।66।।

‘યોગમાં સ્થિર નથી તેને આત્મજ્ઞાન હોતું નથી. એ ધ્યાનને પ્રાપ્ત થઈ શકતો નથી; ધ્યાનના અભાવવાળાને શાંતિ હોતી નથી અને શાંતિ વિના સુખ કયાંથી પ્રાપ્ત થાય ?’

ડગલા પછી ડગલું. માનસશાસ્ત્રનું કેટલું ઊંડાણ અહીં સાંપડે છે ! આ એવું બાબાવાકય કે એવો સિદ્ધાંત નથી કે જેમાં તમે શ્રદ્ધા મૂકો ને પછી ચાલવા માંડો; તમારી જાતે કસી જુઓ કે એ સાચું છે ? તમારા ચિત્તનો, તમારા પ્રતિભાવોનો અભ્યાસ કરો. શ્લોક કહે છે, नास्ति बुद्धिरयुक्तस्य, ‘અયુક્તને બુદ્ધિ નથી.’ જે બુદ્ધિ વડે આપણે સ્થિર જીવનને પ્રાપ્ત કરવાનું છે અને આપણી ભીતર રહેલી સાચી મુક્તિનો સાક્ષાત્કાર કરવાનો છે તે બુદ્ધિ આ ‘યુક્તિ’-ઇન્દ્રિયકક્ષાએ સંયમ-વિના આવતી નથી. આત્મા સાથે યુક્ત બુદ્ધિ, આત્માના ધબકારને ઝીલી શકે તે બુદ્ધિ, ‘ઇન્દ્રિયકક્ષાએ સંયમ પ્રાપ્ત કર્યા પૂર્વે મેળવી શકાતી નથી.’ એ પહેલું કથન છે, न चायुक्तस्य भावना, ‘આ ઇન્દ્રિય સંયમ વિના ધ્યાન શકય જ નથી.’ ધ્યાન માટે ભાવના શબ્દ છે. એનો અર્થ ‘આધ્યાત્મિક કલ્પના’ પણ થાય છે – માનવ વ્યક્તિત્વના આધ્યાત્મિક પરિમાણમાંથી વિકિરણોને પકડી શકે તેવી કલ્પના. કલ્પનાની શક્તિ એ અદ્‌ભુત ગુણ છે. અહીં એનો અર્થ છે : આપણા તંત્રને સ્થિર કરી, ઇન્દ્રિયકક્ષાની પાર જે કશુંક છે તેની ઝાંખી કરાવી શકે તે પ્રકારનું ધ્યાન. न च अभावयतः शान्तिः, ‘એ ધ્યાનયુક્ત મન વિના શાંતિ સંભવી શકે નહીં.’ અહીં શાંતિ એટલે મનની શાંતિ. આજની ખૂબ ઉદ્યોગપ્રધાન સભ્યતામાં, આપણે આજે આપણા દૈનિક જીવનમાં તાણ અને બોજા સાથે પનારો પાડીએ છીએ અને સૌ એમાંથી મુક્તિ ચાહે છે કારણ કે એ તાણ અને બોજા સાથે તમે જીવનને કે તમારા કાર્યને માણી શકશો નહીં. તમે જેમાં કામ કરો છો તે પર્યાવરણના તમે માત્ર એક પ્રાણી છો. એટલે એ ધ્યાનની દશા, જેમાં તમારી ભીતર તમે પૂર્ણ શાંતિ અનુભવો છો તે, નિમ્ન કક્ષાના આ ઇન્દ્રિયતંત્રને સંયમમાં રાખ્યા સિવાય પામી શકાય નહીં અને છેલ્લે, अशान्तस्य कुतः सुखम्? કેવા તો ચોટદાર શબ્દો ! ‘એ શાંતિ વિના સુખ કયાંથી?’ ચિત્ત સદાય વ્યથિત દશામાં હોય છે. તો પછી સુખ કયાંથી સંભવે ? સુખ અદ્‌ભુત સ્થિતિ છે. તમે ગંભીર છો, તમે શાંત છો, તમે પૂર્ણ છો, તો જ સુખ આવી શકે. માટે જો ધ્યેય સુખ હોય તો આ ચિત્તને તમારે સંભાળવું પડે; ચિત્તને સંભાળવા માટે નિમ્ન કક્ષાના ઇન્દ્રિયતંત્રને સંભાળવું પડે; પછી સંયમિત આંતરજીવન પરિણમે.

બર્ટ્રેણ્ડ રસેલ જેવા અજ્ઞેયવાદી ચિંતક પોતાના પુસ્તક Kingdom of Happiness ના છેલ્લા પ્રકરણમાં કહે છે કે જીવનમાં ત્રણ અખંડિતતા તમે પ્રાપ્ત કરો પછી જ તમને સુખ સાંપડે : ‘તમારી અને સમાજ વચ્ચેની અખંડિતતા, બાહ્ય પ્રકૃતિ સાથે અખંડિતતા, તમારા પોતાના ચિત્તમાં અખંડિતતા.’ आत्मवश्यैः विधेयात्मा, ‘તમે પૂર્ણપણે આત્મવશ અને ભીતરમાં ખૂબ સંયમવાળા હો’ તો ઇન્દ્રિય વિષયો સાથે તમે મુક્તપણે કામ પાડી શકો છો, નહીં તો પછીના ૬૭મા શ્લોકમાં જે કરુણાન્તિકા નિર્દેશવામાં આવી છે તે સર્જાશે. સાહિત્યમાં તમને Greek ની કરુણાન્તિકાઓથી લઈને આપણા મહાભારત જેવા ગ્રંથોમાં આરંભથી અંત સુધી દુ :ખદ ઘટનાઓ જોવા મળે છે. તમે આવા બધા વિવધ કરુણરસના સાહિત્યનો અભ્યાસ કરી શકો. તેવી જ રીતે Shakespeare માં અને Goethe માં પણ. આપણી ચોમેર આપણે કરુણાન્તિકાઓ જ જોઈએ છીએ. મનુષ્યજીવનની આ કરુણાન્તિકાને અહીં એક શ્લોકમાં મૂકવામાં આવી છે. એ કરુણાન્તિકા શા માટે સર્જાય છે ? માનવમાં કશાક નિયમનનો, સંયમનો અભાવ છે. આ વાત સુંદર ભાષામાં કહેવાઈ છે.

इन्द्रियाणां हि चरतां यन्मनोऽनुविधीयते ।

तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवांभसि ।।67।।

‘કારણ કે જે ચિત્ત ભટકતી ઇન્દ્રિયોને અનુસરે છે તે, ચિત્તધારી વ્યક્તિની વિવેક બુદ્ધિને ઘસડી જાય છે, જેમ પવન નૌકાને (આડે માર્ગે) ચડાવી દે છે તેમ.’ ઇન્દ્રિયોને ઇન્દ્રિયવિષયો ખેંચી લઈ જાય છે અને ‘મન પણ ઇન્દ્રિયોથી દોરાઈ, ઇન્દ્રિય વિષયો પાછળ દોડે છે’, इन्द्रियाणां हि चरतां यन्मनोऽनुविधीयते, માણસનું મન એમ વર્તે પછી એ મનુષ્યનું શું થાય ? तदस्य हरति प्रज्ञां, ‘માણસમાં જે થોડુંક પણ શાણપણ હોય તેનો નાશ થઈ જાય છે.’ અને કયું દૃષ્ટાંત અપાયું છે ? वायुर्नावमिवांभसि, ‘પવન નૌકાને સમુદ્રમાં આડે માર્ગે ઘસડી જાય તેમ.’ આ કરુણ દશા છે ને, સર્વ કરુણ દશાઓમાં આ સમાન લક્ષણ હોય છે કે વ્યક્તિ સંયમ ગુમાવી દે અને પોતાની આજુબાજુનાં પરિબળોનો ભોગ બને. રંગમંચ પર આ કરુણ-દશાવાળું નાટક ભજવાય ત્યારે સુંદર લાગે પણ કોઈ વ્યક્તિના જીવનમાં એમ બને ત્યારે ભયંકર લાગે. તમે જેને કરુણાન્તિકા તરીકે જુઓ છો તે તમારામાં પડેલા અનિષ્ટ તત્ત્વોનું વિરેચન કરી દેશે, જેથી તમે બધી કરુણાન્તિકાઓવાળી સ્થિતિઓમાંથી મુક્ત બની જશો. આને કરુણાન્તિકાઓનો Cathartic સિદ્ધાંત-નિર્ગમન સિદ્ધાંત કહેવાય છે. જ્યારે તમે કોઈ કરુણાન્તિકા જુઓ ત્યારે તમને માનસિક નિર્ગમન થઈ જાય છે. પછી એવી આશા રાખવામાં આવે કે એ અનિષ્ટ તમે ફરી નહીં કરો. પણ દુર્ભાગ્યે લોકો અનિષ્ટ જુએ અને પછી પોતાના જીવનમાં એનુ અનુસરણ કરે. એ વધારે કરુણ છે. એ બનવું ન જોઈએ. (ક્રમશ 🙂

Total Views: 357

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.