(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા)

સારાંશ રૂપે આપણું મન – મસ્તિષ્કમાં પાંચ અવસ્થાઓની અવધારણાઓને અંકિત કરવા માટે પતંજલિની પુનરાવૃત્તિ આવશ્યક છે અને તે આ પ્રમાણે છે : ૧. ક્ષિપ્ત (અતિ અશાંત) ૨. મૂઢ (જડ) ૩. વિક્ષિપ્ત (અલ્પ એકાગ્રતા) ૪. એકાગ્રતા અને ૫. નિરુદ્ધ (અતિ ચેતન અવસ્થા).

અંતિમ બે અવસ્થાઓના ચિત્રણ માટે એક મંદિરમાં ધ્યાનાવસ્થિત વ્યક્તિનું ઉદાહરણ લો. જ્યારે આપ મંદિરમાં આવીને બેસો છો, ત્યારે ક્યારેક ક્યારેક ધ્યાન લાગી જાય છે તથા તમે લાંબા સમય સુધી ઊઠવા ઇચ્છતા નથી. ભક્ત બનીને પોતાના ઇષ્ટદેવ પર ધ્યાન લગાવો તો આપ એટલા મગ્ન બની જાઓ છો કે ચારે તરફનું ભાન રહેતું નથી. આપ આંતરિક આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત કરો છો. મનની એવી સ્થિતિ એકાગ્રતા અને નિરુદ્ધ અવસ્થામાં પ્રાપ્ત થાય છે.

મહાયોગી સ્વામી વિવેકાનંદે આ અવસ્થાનો અનુભવ કર્યો હતો. રાજયોગ પર પોતાના પ્રસિદ્ધ પ્રવચનમાં એમણે બીજા સૂત્રની વ્યાખ્યા કરી હતી. મનની પાંચ અવસ્થાઓની ચર્ચા કરતાં તેમણે કહ્યું, ‘ચિત્ત અથવા મન પાંચ અવસ્થાઓમાં પ્રકાશિત થાય છે : ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ.’ વિસ્તારણ કરતાં સ્વામીજીએ કહ્યું કે ક્ષિપ્ત અવસ્થામાં મોટાભાગના લોકો પોતાની મૂલ્યવાન શક્તિને વિખેરી નાખે છે.

પોંડિચેરીના મહાસંત શ્રીઅરવિંદે તેનો એવો ઉપચાર બતાવ્યો કે મનને એવું પ્રશિક્ષણ આપવું જોઈએ છે કે જેના દ્વારા આપણે પોતાની ઊર્જાને કોઈ લાભપ્રદ કાર્ય માટે એકત્રિત કરી શકીએ. એમણે કહ્યું છે, ‘આપણે પોતાની જાતને એકત્રિત કરતાં શીખવાનું છે.’ એવું કરવાને બદલે મોટા ભાગના લોકો વિભિન્ન દિશાઓમાં પોતાની ઊર્જાઓ વાપરતા રહે છે અને એનાથી કષ્ટ થાય છે. વાસ્તવિક શાંતિયુક્ત અને સમન્વિત જીવન માટે એકાગ્રચિત્ત થવું પરમ આવશ્યક છે તથા એને પ્રાપ્ત કરવા આપણે પોતાની જાતને એકત્ર કરતાં શીખવું પડશે. પોતાની મૂલ્યવાન ઊર્જાને વિખેરી નાખીને શાંતિ ન મેળવનારા લોકો વિશે સ્વામીજીનો આ અભિપ્રાય હતો.

સ્વામીજી દ્વારા આપેલું આગલું વિવરણ, અદીપ્ત; એટલે કે મૂઢસ્થિતિનું છે. જેમાં સારી અને ખરાબ કોઈ પ્રતિક્રિયા થતી નથી. તણાવને અધીન એ પથ્થરની જેમ જડ છે. આપણે ઊર્જા એકત્રિત કરીને પોતાના ધ્યાનને પોતાના દિવ્યસ્વરૂપ પર કેન્દ્રિત કરવું એ જ સ્વયંને એકત્રિત કરવું. એનું કારણ એ છે કે એ જ આપણું સત્યસ્વરૂપ છે. સંસારમાં છાયા સ્વરૂપ સુખોની પાછળ ભાગવામાં આપણે અનમોલ માનસિક સંસાધનોનો વ્યય કરી નાખીએ છીએ. એ વખતે આ કઠિન બની જાય છે તથા દુર્લભ મનુષ્યજન્મ વ્યર્થ ચાલ્યો જાય છે. આત્માના દિવ્યસ્વરૂપથી મન ભટકી જાય છે. એટલે ક્ષિપ્ત કે મૂઢ મનનું એકીકરણ અથવા વિક્ષિપ્ત મનને નિયંત્રિત કરવું જોઈએ. જો કે મન સ્વભાવત : વિભિન્ન દિશાઓમાં ભાગતું રહે છે. સત્યના સાધકે પોતાના મનને એકત્રિત કરવાનો નિરંતર પ્રયાસ કરવો પડે.

આ રીતે મનને એકત્રિત કરવાથી એકાગ્રતા આવે છે. આ અવસ્થામાં ધ્યાનમાં બેસનાર વ્યક્તિ સફળ થાય છે. તેનું મન સ્થિર થઈ જાય છે અને ફરી પાછું દિશાહીન બનીને ભટકવાનું બંધ કરી દે છે. આવી વ્યક્તિ પ્રસન્નવદન, જ્યોતિર્મય, કરુણાયુક્ત, આશીર્વાદ આપતાં પોતાના ઈષ્ટદેવને હૃદયકમળ અથવા હૃદયમંદિરમાં જીવંત અને હાજરાહજૂર જુએ છે. આ કેવળ એકાગ્ર અવસ્થામાં જ સંભવ છે. જો કોઈ પણ વ્યક્તિ આ અવસ્થામાં દીર્ઘકાળ સુધી રહે તો તે નિરુદ્ધની આગલી અવસ્થાનો માર્ગ મોકળો કરી શકે છે. સ્વામીજી કહે છે કે એ અવસ્થામાં પહોંચીને, ‘જન્મમૃત્યુથી છુટકારો મેળવી ‘હું’ મુક્ત થઈ જાય છે.’

પતંજલિના મત પ્રમાણે મનની પાંચ અવસ્થાઓ : ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ તથા આપણે તણાવની સમસ્યાના નિરાકરણની વાત કરી તે પહેલાં સ્વામીજીના મત પ્રમાણે મનની વિખેરાવાની, અંધકારયુક્ત બનવાની, એકાગ્ર થવાની અને ધ્યાનસ્થ થવાની સ્થિતિને આપણે સ્મૃતિપટલ પર અંકિત રાખવી પડે. આપણે પ્રતિદિન આ રીતે આત્મવિશ્લેષણ કરવું પડે, ‘મારે પોતાના દૈનિકકાર્યનો આરંભ કરતાં પહેલાં એ વિચારવું જોઈએ કે મારી અવસ્થા ક્ષિપ્ત છે કે મૂઢ. જો ક્ષિપ્ત હોય તો જે કંઈ પણ હું કરીશ તેમાં સફળ નહીં થાઉં અને એ તણાવ ઉત્પન્ન કરશે અને જો હું વિક્ષિપ્ત અવસ્થામાં હોઉં તો હું સફળ થઈશ. પરંતુ એ મારું અંતિમ લક્ષ્ય નથી. મારે એકાગ્રચિત્ત બનવાનું છે અને એ જ મને તણાવમુક્ત રાખશે.’

આપણે આપણા મનની ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓની આ પ્રકારની જાણકારી માનસિક તણાવ પર સંયમ મેળવવામાં સહાય કરશે. (ક્રમશ 🙂

Total Views: 389

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.