આધ્યાત્મિક જીવનનું મૂળભૂત અંગ છે સાધના. આ પદનો અર્થ છે અભ્યાસ. સિદ્ધિ કે ફળપ્રાપ્તિના ઉદ્દેશસહ પ્રયાસ એટલે સાધના. ઈશ્વરપ્રાપ્તિ જ માનવજાતનું પરમ ધ્યેય છે, એની ઉદ્ઘોષણા ભગવાન શ્રીરામકૃષ્ણદેવે કરી હતી. ઈશ્વરપ્રાપ્તિ એટલે તેનો સાક્ષાત્કાર કે સ્વસ્વરૂપનો સાક્ષાત્કાર. સામાન્ય રીતે આપણે જગતને અને પોતાની જાતને જગતના અંગરૂપે જોઈએ છીએ, અને એને જ સત્ય ગણીએ છીએ. કદાચ એવું ન લાગતું હોય કે આપણે માત્ર જોનાર કે દ્રષ્ટા છીએ અને આ જગત તો બસ માનસપટલની એક કલ્પનામાત્ર છે!

દૃષ્ટાંતરૂપે જોઈએ તો – જેવી રીતે યંત્ર દ્વારા સામે રાખેલ પડદા પર ચલચિત્ર અંકિત થાય છે તેવી જ રીતે બ્રહ્મરૂપી આધાર-પડદા પર માયાને લીધે આ જગત પ્રગટ થાય છે. આ જ રીતે જો આપણે આ સંસારને મનરૂપી પડદા પર માયાના પડછાયારૂપે જોઈ શકીએ અને પોતાને એનાથી ભિન્ન સમજીને પોતાને ફક્ત દ્રષ્ટા તરીકે બોધ કરીએ તથા એ બોધ સ્થિર થાય તો જ આપણે માનવજીવનના તે પરમધ્યેયને પ્રાપ્ત કરવામાં સફળ કહેવાઈશું. પણ સ્વાભાવિક રીતે આ કોઈ સરળ કાર્ય તો નથી, એટલા માટે તો છે સાધના. આ સાધના કે ઈશ્વરોપાસના બે પ્રણાલીની છે- સગુણ ઉપાસના અને નિર્ગુણ ઉપાસના. આ બંનેમાંથી કોઈ પણ એકને પસંદ કરીને કોઈ પણ વ્યક્તિ કર્મ કે જ્ઞાન કે ભક્તિ કે યોગ દ્વારા એ પરમાર્થની પ્રાપ્તિ કરી શકે છે.

પરંતુ શ્રીરામકૃષ્ણના દૃષ્ટિકોણથી કળિયુગમાં મનુષ્ય માટે ભક્તિમાર્ગનું અવલંબન યથાયોગ્ય છે. ભક્તિ દ્વૈતમૂલક છે, જ્ઞાન અદ્વૈતમૂલક. કર્મમાર્ગ તથા ભક્તિમાર્ગની ચરમ અવસ્થા છે જ્ઞાન, અને જ્ઞાનપ્રાપ્તિનું ફળ છે મુક્તિ. બધા માર્ગાવલંબીઓનો ઉદ્દેશ છે પરમાત્મા સાથે એકત્વલાભ. અંતિમ અવસ્થામાં જ્ઞાન તથા ભક્તિમાં ભિન્નતા રહેતી નથી. સત્યપંથે મંડાણ કરવા માટે જ્ઞાનમિશ્રિત ભક્તિ આવશ્યક છે. સાત્ત્વિકપ્રધાન ભાવનાથી ઓતપ્રોત સાધના સાચી સાધના છે. સાચી સાધના આધ્યાત્મિક વાતાવરણમાં જન્મ લે છે, પાંગરે છે, પુષ્ટ થાય છે. સાધનાનો ઉદ્દેશ, સાધક, સાધનાના પ્રયાસ તથા શ્રદ્ધા સઘળાં સાત્ત્વિક હોવાં જોઈએ. સાચી સાધનાની ફલશ્રુતિ અનિર્વચનીય આનંદ છે. સાધારણતયા આપણી વૃત્તિ બહિર્મુખી હોય છે. મનને સંયત કરી, વિખરાયેલી ચેતનાને સમાહિત કરીને, તેને અંતર્મુખ બનાવવી એ જ સમસ્ત સાધનાઓનું એકમાત્ર સૂત્ર છે. આપણું સમગ્ર અસ્તિત્વ ભગવત્પ્રાપ્તિની અભીપ્સામાં પુલકિત થઈ ઊઠે એ માટે આપણામાં દૃઢ નિશ્ચય, અટલ નિષ્ઠા અને સાધના પ્રત્યે અતૂટ અનુરાગ જોઈએ.

સાધનાના મૂળ આધારો છે – સત્ય, મન-વચન-કર્મની પવિત્રતા, અહિંસા, બ્રહ્મચર્ય, સાત્ત્વિક અને યુક્ત આહાર-વિહાર, સત્સંગ, એકાંતસેવન, ઇન્દ્રિયનિગ્રહ, ભાવનામાં પૂર્ણવિશ્વાસ, નામસ્મરણ, નિરપેક્ષવૃત્તિ, વિનમ્રતા, સદ્ગ્રંથસેવન, સાધુસંગ-સેવા, શ્રીગુરુના ઉપદેશનું અનુપાલન. કોઈપણ સાધક કોઈપણ પદ્ધતિથી સાધના કરતો હોય પણ આ લક્ષણો આવશ્યક છે.

સંપૂર્ણ આત્મસમર્પણ જ સાચું મહાસાધન છે. સાધના માર્ગના બે ઘોર મહાશત્રુ છે- અહંકાર અને ‘હું-મારું’ એવું અજ્ઞાન. સાધના માટે ચિત્ત સર્વથા વિશુદ્ધ હોવું જોઈએ. વળી આપણી સર્વ ઇચ્છાઓ પુંજીભૂત થઈને ઈશ્વરને પોકારી શકે, ભગવાનને જ પ્રાપ્ત કરવા માટે વ્યાકુળ બને તે જરૂરી છે. જ્યારે મન-પ્રાણ ઈશ્વરમાં ડૂબી જાય, જગતના સુખોપભોગોથી મન સ્વયં અંતર્મુખ થાય ત્યારે જાણવું કે ભગવદીય ચેતનાનું અવતરણ અને સ્ફુરણ થયું છે. સાચો સાધક પોતાના અંત :કરણમાં ભગવાન સાથે નિત્યયુક્ત રહે છે. સાધકનો નિવાસ હોય છે ઈશ્વરમાં, ઈશ્વરનો નિવાસ હોય છે સાધકમાં. સાધક જ્યારે પોતાને ઈશ્વરના હાથનું યંત્ર સમજવા લાગે ત્યારે જ સાધક પર ઈશ્વરકૃપા અવતરે છે ત્યારે તે અનુભવે છે કે તેની વાણીથી ઈશ્વર બોલે છે, તેની બુદ્ધિમાં ઈશ્વર વિરાજિત છે. આસ્થા અને શ્રદ્ધા સાથે પ્રયાસ કરતાં કરતાં આવી સ્થિતિ ઉદ્ભવે છે. આત્મસંયમ વિના સાધના થઈ શકતી નથી, થઈ શકે જ નહીં. આધ્યાત્મિક પરિભાષામાં સાધના એટલે આત્મોત્સર્ગ.

Total Views: 179
By Published On: April 1, 2016Categories: Harshadbhai Patel0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram