अत्रैष देवः स्वप्ने महिमानमनुभवति । यद् दृष्टं दृष्टमनुपश्यति श्रुतं श्रुतमेवार्थमनुश्रृणोति । देशदिगन्तरैश्च प्रत्यनुभूतं पुनः पुनः प्रत्यनुभवति दृष्टं चादृष्टं च श्रुतं चाश्रुतं चानुभूतं चाननुभूतं च सच्चासच्च सर्वं पश्यति सर्वः पश्यति ।।4.5।।

ગાર્ગ્ય મુનિએ પૂછેલો ત્રીજો પ્રશ્ન એ હતો કે ક્યા દેવતા સ્વપ્નો જુએ છે. મહર્ષિ પિપ્પલાદ ઉત્તર આપે છે કે આ સ્વપ્ન અવસ્થામાં જીવાત્મા જ મન અને સૂક્ષ્મ ઇન્દ્રિયો દ્વારા પોતાની વિભૂતિનો અનુભવ કરે છે. આ પહેલાં જ્યાં ક્યાંય, જે કંઈ વારંવાર જોયું, સાંભળ્યું અને અનુભવ કર્યું હોય છે તેને જ તે સ્વપ્નમાં અવારનવાર જોતો, સાંભળતો અને અનુભવ કરતો રહે છે. પરંતુ એ નિયમ નથી કે જાગ્રત અવસ્થામાં એણે જે રીતે અને જે સ્થળે જે ઘટના જોઈ-સાંભળીને અનુભવ કરી છે, એ જ રીતે તે સ્વપ્નમાં પણ અનુભવ કરે છે.

જો કે સ્વપ્નમાં કોઈ એક ઘટનાનો કોઈ અંશ કોઈ બીજી ઘટનાના કોઈ અંશ સાથે એક નવા જ રૂપમાં તેના અનુભવમાં આવે છે; તેથી કહેવાય છે કે સ્વપ્નકાળમાં આ જોયેલું કે ન જોયેલું પણ દેખાય છે. સાંભળેલું કે ન સાંભળેલું પણ સંભળાય છે, અનુભવેલું કે ન અનુભવેલું પણ અનુભવાય છે.

જો કે જે વસ્તુ વાસ્તવમાં છે અને જે નથી તેને પણ સ્વપ્નમાં જોઈ લે છે. આ રીતે સ્વપ્નમાં તે વિચિત્ર પ્રકારે બધી ઘટનાઓનો વારંવાર અનુભવ કરતો રહે છે અને સ્વયં જ બધું બનીને જુએ છે. તે સમયે જીવાત્મા સિવાય અન્ય કોઈ વસ્તુ રહેતી નથી.

स यदा तेजसाभिभूतो भवत्यत्रैष देवः स्वप्नान्न पश्यत्यथ तदैतस्मिञ्शरीर एतत्सुखं भवति ।।4.6।।

ગાર્ગ્ય મુનિનો ચોથો પ્રશ્ન હતો કે નિદ્રામાં સુખનો અનુભવ કોને થાય છે? તેનો ઉત્તર મહર્ષિ પિપ્પલાદ આપે છે : જ્યારે નિદ્રા સમયે આ મન ઉદાનવાયુને અધીન થઈ જાય છે, એટલે કે જ્યારે ઉદાનવાયુ આ મનને જીવાત્માના નિવાસસ્થાન હૃદયમાં પહોંચાડીને મોહિત કરી દે છે, તે નિદ્રાવસ્થામાં આ જીવાત્મા મન દ્વારા સ્વપ્નની ઘટનાઓને જોતો નથી. તે વખતે નિદ્રાજનિત સુખનો અનુભવ જીવાત્માને જ થાય છે. આ શરીરમાં સુખદુ :ખને ભોગવનાર પ્રત્યેક અવસ્થામાં પ્રકૃતિસ્થ પુરુષ એટલે જીવાત્મા છે.

स यथा सोम्य वयांसि वासोवृक्षं सम्प्रतिष्ठन्ते एवं ह वै तत् सर्वं पर आत्मनि सम्प्रतिष्ठते ।।4.7।।

ગાર્ગ્યમુનિએ પાંચમો પ્રશ્ન પૂછ્યો હતો કે આ મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને પ્રાણ – આ બધાં કોનામાં રહેલાં છે, કોનાં આશ્રિત છે? તેનો ઉત્તર મહાત્મા પિપ્પલાદ આ રીતે આપે છે : આકાશમાં ઊડતાં પક્ષીઓ જે રીતે સંધ્યાકાળે પાછાં ફરીને પોતાના નિવાસસ્થાનરૂપ વૃક્ષો પર આરામથી આશ્રય લે છે, તેવી જ રીતે પૃથ્વીથી માંડીને પ્રાણ સુધીનાં જે તત્ત્વો છે, તે બધાં જ પરબ્રહ્મ પુરુષોત્તમમાં, જે બધાનો આત્મા છે, એમાં આશ્રય લે છે, કેમ કે તેઓ જ આ બધાનો પરમ આશ્રય છે.

Total Views: 229

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.