૧૯૦૧ ઈ.સ.ની વાત છે. શિકાગોથી આવી ગયા પછી આખાય ભારત દેશમાં બહુમાનિત અને સહુ ઓરથી સ્વામી વિવેકાનંદને પ્રશંસા, વંદના પ્રાપ્ત થતી હતી. મહા ધર્મનાયક હતા. આખા દેશમાં બોલબાલા. દેશવાસીઓને ધર્મની વાતો સંભળાવતા હતા. તે સમયની વાત છે જ્યારે સ્વામીજી ઢાકામાં આવેલ હતા. ત્યાં ૧૮-૧૯ વર્ષના ઉત્સાહી યુવાનો સ્વામીજીને મળવા આવેલ. તેમના નેતા હતા, હેમચંદ્ર ઘોષ. તેમણે વિપ્લવ શરૂ કરવા માટે ‘બેંગાલ વોલેન્ટિયર્સ’ની સ્થાપના કરેલ. વિપ્લવી નેતા, યુવકો તેમનો પડ્યો બોલ ઝીલતા. અવિભક્ત બંગાળના તેઓ નાયક હતા. દેશની આઝાદીના લડવૈયાઓ, વિનય-બાદલ-દિનેશના પણ ગુરુ. રાસબિહારી બસુ, બાઘા જતીન, સૂર્યસેન એના કરતા પણ મહાન વિપ્લવી. મિત્રોની સાથે સ્વામીજી પાસે આવ્યા ને કહ્યું, ‘સ્વામીજી, અત્યારે સમગ્ર ભારતમાં સર્વશ્રેષ્ઠ ધર્મ ગુરુ. અમો આપની પાસે કંઈક ધર્મની વાતો સાંભળવા આવ્યા છીએ.’ ધર્મની વાતો આમ તો ક્યાંય યુવકો-યુવતીઓ સાંભળતા હોતા નથી, આજે પણ આપણા સૌ પાસે પુરાવા છે. યુવાનીનો મદ એવો જ કંઈ હોય. ‘બાલ અવસ્થા ખેલ ગવાયી, જબ યૌવન તબ માન ઘના રે…’ આવું જ કંઈક. આવા ઉત્સાહી યુવાનોની આવી વાત સાંભળીને સ્વામી વિવેકાનંદને તો ખુશી થવાની વાત હતી, આનંદિત થવાની જરૂર હતી. પણ આ શું? ભયંકર નારાજગી. ગુસ્સે થઈ ગયા. તીવ્ર તીરસ્કાર અને નારાજગીથી તેમનો કંઠ ભરાઈ ગયો અને બોલ્યા… ‘શરમ નથી આવતી તમને?’ યુવકો તો લજ્જિત થઈ ગયા, નીચું માથુ કરીને વિચારવા લાગ્યા, એવું તો શું ર્ક્યું છે. ધર્મની બે વાત સાંભળવાની ઇચ્છા કરી એક મહાનાયક સંન્યાસી પાસેથી કે જેમણે વિશ્વમાં ધર્મનો ડંકો વગાડ્યો. આમાં શરમ શેની? હેમચંદ્ર ઘોષ લખે છે, આગ ઝરતી વાણીમાં તેઓ બોલ્યા, ‘શરમ થતી નથી તમને? પરાધિન પ્રજાનો કોઈ ધર્મ નથી. ગુલામનો કોઈ પણ ધર્મ નથી હોતો. ગુલામોનો કોઈ શ્રાદ્ધ અધિકાર નથી. ગુલામોનો આ કાળ પણ ગુલામી અને પરકાળ પણ ગુલામી. અત્યારે તમારો ધર્મ છે માનવશક્તિને જાગૃત કરી આ શક્તિ દ્વારા દેશમાતાનાં બંધનો તોડવાં.’ Freedom is Religion. અત્યારે દેશ માગે છે બલિ. યુવકોના માથા. સ્વામીજીએ ગીતાના શ્રીકૃષ્ણે જેમ અર્જુનને સાચો ધર્મ બતાવી દીધો તેમ આ યુવકોને ધર્મનું નવું રૂપ બતાવ્યું. પહેલાં દેશની સ્વતંત્રતા લાવો પછી ધર્મ. સ્વામીજીએ કહ્યું, ‘આવતા પચાસ વર્ષ આપણી મહાન ભારતમાતા જ આપણી આરાધ્ય દેવતા, બાકી બધા જ દેવતાને કેટલાંક વર્ષો સુધી ભૂલી જવામાં કંઈ ખોટું નથી. બીજા દેવો સૂતા છે.’ આ સ્વામીજીની આગઝરતી વાણીનો ત્યારે જોરદાર પ્રચાર થયેલ અને આપણે જાણીએ છીએ કે હજારો નવલોહિયા યુવકોએ પોતાનું બલિદાન આપેલ, ભારતમાતાની સ્વતંત્રતા માટે. બરાબર પચાસ વર્ષ પછી ૧૯૪૭માં દેશે આઝાદી પ્રાપ્ત કરી. આમ સ્વામીજીએ દેશવ્યાપી વિપ્લવની વાતો ધર્મ દ્વારા કરી.

ધર્મ એટલે શું, એ આપણે હજુ પણ સમજ્યા નથી. પુરુષત્વનો વિકાસ એ જ ધર્મ છે એવું સ્વામીજી કહેતા. તેમણે કહ્યું, ‘જેમ જેમ મારી ઉંમર વધે છે, તેમ તેમ હું સમજી શકું છું કે પૌરુષત્વમાં જ બધું સમાયેલ છે, આ જ મારો નવીન સંદેશો છે.’ વાસ્તવમાં શક્તિ અને પૌરુષત્વમાં રહેલ માનવનો મહિમા. શક્તિ અને પુરુષત્વનાં વિકાસનાં વિજ્ઞાનને સ્વામીજી ધર્મની ઉપમા દેતા. સ્વામીજી કહેતા, પહેલાં આપણા નવયુવકો તાકાતવાળા બનવા જોઈએ. ધર્મ તો પાછળથી આવશે. તેથી જ તો તેમણે કહેલું કે ‘મારા યુવકો, ગીતાના અભ્યાસ કરતા ફૂટબોલ રમવાથી સ્વર્ગની વધુ નજીક જશો. આ શબ્દો આકરા છે પણ મારે તમને સંભળાવવા પડે છે. કારણ કે હું તમને ચાહું છું. પગરખું કયાં ડંખે છે મને ખબર છે.’ એનો અર્થ એ નથી કે સ્વામીજીએ યુવકોને ગીતા વાંચવાની ના કહેલ છે. આપણે તો ગીતા-ગીતા કરીને ગાંડા થઈ જઈએ છીએ. ગીતાને એક લાલ કપડામાં વિંટાળીને મંદિરમાં સિંહાસન પર રાખીને દિવસમાં દશ વાર માથું ઠોકીએ છીએ. સિંદુરથી ગીતા આખી લાલ થઈ જાય. ક્યારેય ખોલીએ નહિ અને કેટલાંક વર્ષો પછી શું થાય? ઉધઈએ આખી ગીતામાં કાણાં કરી દીધાં, ખાઈ ગઈ. આપણો ધર્મ આ છે. તેથી જ સ્વામીજીએ ફૂટબોલ રમવાને કહ્યું. ‘તમારા બાવડાં અને સ્નાયુઓ વધુ મજબૂત હશે તો ગીતા વધુ સારી રીતે સમજી શકશો.’ સ્વામીજીનો ધર્મ શક્તિનો સંચાર. ઢાકામાં આ સમયે સ્વામીજીને એક વ્યક્તિએ પૂછેલ કે કઈ રમત રમવી સારી? સ્વામીજીએ સાંભળેલ કે તે વખતે લશ્કરનાં એક ઉચ્ચ પદસ્થ અફસરે પદપ્રહાર વડે એક કુલીનું માથુ ફાડી નાખ્યું હતું અને તે કુલી લોહીની ઉલટી કરતો મૃત્યુ પામ્યો હતો. ઉપરોક્ત પ્રશ્નના ઉત્તરમાં સ્વામીજીએ કહેલું કે ‘ફૂટબોલની રમત રમવી સારી, કારણ કે તેમાં જ માત્ર પદપ્રહારનાં બદલામાં પદપ્રહાર છે.’ એનો અર્થ એ જ કે અંદર રહેલી શક્તિને બહાર કાઢવી. અપમાનથી વિરુદ્ધ, ગુલામીની વિરુદ્ધ ગર્જન કરવાનું કહે છે. અન્યાયની વિરુદ્ધ સાહસનું પ્રદર્શન. ભિરૂતા, સંમોહનની ઝાડીમાંથી પોતાની શક્તિનો ઉપયોગ કરીને માનવ બહાર નીકળે, આ સ્વામીજીનો ધર્મ હતો. શક્તિ વગર જીવનનો વિકાસ નથી અને આ શક્તિ આવશે આત્મશ્રદ્ધામાંથી, જે આપણે ખોઈ બેઠા છીએ. સંગઠનથી આ શક્તિ આવશે અને તેથી જ સ્વામીજી કહેતા, હું ભારતનાં સેંકડો યુવકોને સંગઠિત કરવા જન્મ્યો છું. સ્વામીજી કંઈ ગીતાની ઉપેક્ષા કરવાનું કહેતા નથી. તેઓ હકીકતમાં કહેવા માગે છે કે ગીતાની અંદર કુરુક્ષેત્રનાં રણાંગણમાં જે પ્રબળશક્તિ જાગરણની વાત શ્રીકૃષ્ણ જે અર્જુનને સંભળાવવા માગે છે તેને જો સમજવી હોય તો અર્જુન જેવા શક્તિશાળી થવું પડશે, બુદ્ધિમાન થવું પડશે, દૃઢચેતા થવું પડશે. આપણા બધાનાં અધ :પતનનું કારણ છે ‘શારીરિક દુર્બળતા અને દુર્બળ મસ્તિષ્ક’ એવું સ્વામીજી કહેતા. તેથી જ કહેતા, જરૂર છે લોઢાની માંસપેશી અને પોલાદી સ્નાયુ અને વજ્રના ઉપાદાનથી બનેલ મન. દુર્બળ શરીર-મસ્તિષ્કથી કશું જ થવાનું નથી. સ્વામીજી કહેતા જ્યારે તમારું શરીર તમારા પગ પર દૃઢતાથી દંડાયમાન થશે ત્યારે જ ઉપનિષદ અને આત્માનો મહિમા સારી રીતે સમજી શકશો. આવી રીતે જ વેદાંતનો ધર્મ આપણે સમજવો પડશે.’

Total Views: 307

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.