स यद्येकमात्रमभिध्यायीत स तेनैव संवेदितस्तूर्णमेव जगत्यामभिसम्पद्यते।

तमृचो मनुष्यलोकमुपनयन्ते स तत्र तपसा ब्रह्मचर्येण श्रद्धया सम्पन्नो महिमानमनुभवति ।।5.3।।

ઓંકારનું ચિંતન કરનાર મનુષ્ય જો વિરાટ પરમેશ્વરનાં ભુ :, ભુવ : અને સ્વ : – આ ત્રણ રૂપોમાંથી ભૂલોકના ઐશ્વર્યમાં આસક્ત બનીને તેની પ્રાપ્તિ માટે ઓંકારની ઉપાસના કરે છે તે મૃત્યુ બાદ પોતાના પ્રાણપ્રિય ઐશ્વર્ય પ્રતિ પ્રેરિત થઈને તત્કાલ પૃથ્વીલોકમાં આવી જાય છે. તે નવીન મનુષ્ય જન્મમાં તપ, બ્રહ્મચર્ય અને શ્રદ્ધાથી સંપન્ન ઉત્તમ આચરણવાળા શ્રેષ્ઠ મનુષ્ય બનીને અતિશય ઐશ્વર્યનો ભોગ કરે છે.

अथ यदि द्विमात्रेण मनसि सम्पद्यते सोऽन्तरिक्षं यजुभिर्रुन्नीयते सोमलोकम् ।

स सोमलोके विभूतिमनुभूय पुनरावर्तते ।।5.4।।

જે સાધક બેમાત્રાવાળા ઓંકારની ઉપાસના કરે છે અર્થાત્ તે વિરાટસ્વરૂપ પરમાત્માના અંગભૂત મનુષ્યલોક અને સ્વર્ગલોક એ બેના ઐશ્વર્યની અભિલાષાથી ઉપાસના કરે છે તે મનોમય ચંદ્રલોકને પામે છે. ત્યાં તેની ઉપાસનાના પુણ્યનો ક્ષય થતાં ફરી પાછો મૃત્યુલોકમાં આવી જાય છે. ત્યાં તેને પોતાનાં પૂર્વકર્માનુસાર મનુષ્ય શરીર અથવા તેનાથી કોઈ નીચી યોનિ પ્રાપ્ત થાય છે.

तिस्रो मात्रा मृत्युमत्यः प्रयुक्ता अन्योन्यसक्ता अनविप्रयुक्ताः ।

क्रियासु बाह्याभ्यन्तरमध्यमासु सम्यक्प्रयुक्तासु न कम्पते ज्ञः ।। 5.6।।

આ મંત્રમાં એ ભાવ બતાવવામાં આવ્યો છે કે ઓંકારવાચ્ય પરબ્રહ્મ પરમાત્માનું જે આ જગતરૂપ વિરાટસ્વરૂપ છે અર્થાત્ જે કંઈ જોવામાં, સાંભળવામાં અને સમજવામાં આવે છે તે એમનું વાસ્તવિક પરમ અવિનાશી સ્વરૂપ નથી, એ પરિવર્તનશીલ છે; તેથી એમાં રહેનારો જીવ અમર હોતો નથી. તે ભલેને ઊંચામાં ઊંચી યોનિ પ્રાપ્ત કરે પરંતુ જન્મ-મૃત્યુના ચક્રમાંથી તેનો છુટકારો થતો નથી.

ऋग्भिरेतं यजुभिर्रन्तरिक्षं सामभिर्यत् तत्कवयो वेदयन्ते ।

तमोङ्कारेणैवायतनेनान्वेति विद्वान् यत्तच्छान्त-मजरममृतमभयं परं चेति।। 5.7 ।।

આ મંત્રમાં ત્રીજા, ચોથા અને પાંચમા મંત્રોના ભાવનું સંક્ષિપ્ત વર્ણન કરીને બ્રાહ્મણગ્રંથના સત્યનું સમર્થન કરાયું છે. એક માત્રાની ઉપાસનાથી ઉપાસકને મૃત્યુલોકની પ્રાપ્તિ થાય છે. બે માત્રાની ઉપાસના કરનારો ચંદ્રલોક સુધી પહોંચાડાય છે. પૂર્ણરૂપેણ ઓંકારની ઉપાસના કરનારને બ્રહ્મલોકમાં પહોંચાડાય છે. વિવેકશીલ સાધક માત્ર ઓંકારરૂપના અવલંબન દ્વારા જ તે પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે, જે પરમાત્મા પરમ શાંત, જરારહિત, મૃત્યુરહિત અને સર્વશ્રેષ્ઠ છે. ટૂંકમાં સંપૂર્ણ રહસ્યને સમજનાર બુદ્ધિમાન મનુષ્ય બાહ્યજગતમાં આસક્ત ન થતાં, ઓંકારની ઉપાસના દ્વારા સમસ્ત જગતના આત્મરૂપ તે પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરે છે- જે બધા પ્રકારના વિકારોથી રહિત છે; ત્યાં નથી વૃદ્ધાવસ્થા, નથી મૃત્યુ, નથી તો ભય; તે છે અજર, અમર, નિર્ભય અને સર્વશ્રેષ્ઠ પરમ પુરુષોત્તમ.

Total Views: 270

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.