ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓથી ઓપતો પ્રદેશ એટલે વૃંદાવન. ખુદ ભગવાનના લીલાસ્થાનનું નામકરણ જે વનસ્પતિના નામના આધારે થયું એ વૃંદા એટલે કે તુલસી પોતે કેટલી બહુમૂલ્ય હશે એ વિશે અંદાજ બાંધવો અઘરો નથી. પ્રત્યેક ઘરઆંગણે તુલસી-ક્યારો એ હિંદુ સંસ્કૃતિની કેટલીક અભિન્ન અને વિશિષ્ટ બાબતોમાંની એક છે. તુલસીને આટલું બધું મહત્ત્વ આપવાનું કારણ શું? તુલસી પવિત્ર છે એટલે કે તેના ઔષધીય ગુણો છે એટલે? આયુર્વેદમાં તુલસીનાં ગુણગાન કેમ ગવાયાં છે? અતિ વિચક્ષણ પ્રજ્ઞાવાન શ્રીકૃષ્ણ કે જેમણે ભગવદ્ ગીતા જેવો અમૂલ્ય ગ્રંથ આપ્યો એ ભલા તુલસીની જ માળા કેમ પહેરતા? તુલસીના વનમાં જ કેમ વિહરતા? વૃંદા વગર વૃંદાવનની કથાઓ શક્ય ખરી? સત્યનારાયણની પૂજા અને પ્રસાદ તુલસીદલ વગર સંપન્ન થાય ખરાં?

વર્ષોથી આપણે જેને પૂજતા આવ્યા છીએ, જળ ચઢાવતા આવ્યા છીએ, સવારે કુમકુમનો નાનકડો ચાંદલો કરી જેનાં પર્ણાેને નમન કરતા આવ્યા છીએ એ તુલસીના અમૂલ્ય ગુણો વિશે આપણે ભાગ્યે જ કશું જાણીએ છીએ. તો આજે જાણીએ અને માણીએ તુલસી તણા ગુણ અપરંપાર.. તુલસીક્યારો આંગણે અચૂક રાખવાના ધાર્મિક કારણની પાછળ એક ચકિત થઈ જવાય એવું વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. આપણે બધા જાણીએ છીએ કે વૃક્ષો દિવસ દરમિયાન ઓક્સિજન આપે છે પરંતુ રાત્રે તે કાર્બન ડાયોક્સાઈડ વાયુ છોડે છે. એવું કહેવાય છે કે આપણી આસપાસ ઊગતી વનસ્પતિઓમાં તુલસી અને પીપળો એવી વનસ્પતિઓ છે કે જે દિવસે અને રાત્રે એમ બંને વખત એટલે કે ચોવીસે કલાક ઓક્સિજનની આપણને ભેટ આપે છે અને કદાચ એટલે જ આપણાં શાસ્ત્રોમાં સદીઓથી આ બંને વૃક્ષોમાં નારાયણનો નિવાસ હોવાની અને તેને કાપવાની મનાઈ હોવાની માન્યતા ચાલી આવે છે.

તુલસીની બીજી મહત્ત્વની ખાસિયત છે તેની જીવાણુવિરોધી ક્ષમતા. કદાચ આજ કારણે પીવાના પાણીમાં અને પ્રસાદ તથા ફળોના ટુકડા ઉપર તુલસીદલ મૂકવાની પ્રથા શરૂ થઈ હશે. તુલસીના રસમાં અનેક ઔષધીય દ્રવ્યો રહેલાં છે. તુલસીની દાંડી અને પર્ણાેમાં પણ ઔષધીય ગુણો અને એરોમેટીક ઓઈલ રહેલાં છે, જેને લીધે અનેક રોગોમાં તુલસી ઉપયોગી ગણાય છે, જેમ કે ગળામાં સોજો હોય કે જીવાણુઓનો ચેપ હોય ત્યારે તુલસીને ગરમ પાણીમાં ઉકાળી નમક ઉમેરી તેના કોગળા કરવાથી અને ગળામાં તેનો ઘૂંટ ભરી રાખીને ગળગળાટ કરવાથી ગળાનો દુ :ખાવો મટે છે.

તુલસી સ્વભાવે ઉષ્ણ છે. આથી ઠંડી ઋતુમાં તો ખાસ સેવન કરવા યોગ્ય છે. ઠંડીમાં થતા રોગોમાં તુલસી પૂરતી પ્રતિકારક શક્તિ આપે છે. શરદી અને કફ એ વાયરસથી થતા રોગ છે. વાયરસથી થતા રોગોમાં એલોપથી દવાઓ કામ નથી આવતી કેમ કે એન્ટિબાયોટિક દવાઓ બેકટેરિયા પર કારગત છે, વાયરસ પર નહીં. આવે વખતે આંગણે ઊગતી અને સામાન્ય લાગતી તુલસી વાયરસ પર પણ જબરદસ્ત અસર કરી જાણે છે. શરદી અને કફ, ખાસ કરીને બાળકોમાં થાય ત્યારે તુલસીનો રસ, તુલસીનાં પાન અને તુલસીનો ઉકાળો એ રામબાણ ઔષધ છે. શરદી, કફ, ઉધરસ અને શ્વાસ (દમ/અસ્થમા) માટે બજારમાં મળતી ઘણી બધી આયુર્વેદિક દવાઓમાં તુલસી એક મહત્ત્વનું ઘટક હોય છે. બાળકોમાં ખૂબ કફ જામી જાય ત્યારે ડુંગળી અને તુલસીનો રસ કાઢી છાતી, પાંસળી અને ગળા ઉપર તેની માલિશ કરવાથી કફ કૃત્રિમ દવાઓ વગર જ કુદરતી રીતે અને કોઈપણ આડઅસર વગર છૂટો પડી નીકળી જાય છે.

મોંનાં જીવાણુઓને મારવા માટે પણ તુલસી શ્રેષ્ઠ છે. તુલસીનો રસ કાઢીને અથવા તેનાં પાનની પેસ્ટ બનાવીને તેને તલ, રાઈ કે લવિંગના તેલમાં મિક્સ કરીને દાંત પર ઘસવાથી દાંત અને પેઢાંના રોગો થતા નથી, મોંનાં જીવાણુઓ નાશ પામે છે, મોંમાંથી ખરાબ વાસ આવતી નથી. રાત્રે સૂતા પહેલાં આ પ્રયોગ એક સરસ મજાના કુદરતી માઉથવોશની ગરજ સારે છે. સવારે રોજ તુલસીને જળ ચડાવીને એકાદ-બે તુલસીપત્ર પ્રસાદીરૂપે મોંમાં મૂકવાની આપણી પ્રણાલીની પાછળ પણ આવું જ કોઈક વૈજ્ઞાનિક કારણ હોઈ શકે છે.

તુલસી જીવાણુવિરોધી હોવાથી ત્વચાના ચેપી રોગોમાં પણ ખાસ ઉપયોગી છે. ત્વચા પર થતાં ખીલ, ગૂમડાં, ફોડલી વગેરે તકલીફોમાં તુલસીના પાનનો લેપ રાહત આપે છે. તુલસી ફેસપેકમાં ઉમેરવાથી ત્વચા પર કુદરતી રીતે જ ખીલ-ફોલ્લી કરતાં બેક્ટેરિયા પર કંટ્રોલ રહે છે. જે લોકોને માથાના વાળની સમસ્યા હોય તેઓ તેલ ઉકાળે ત્યારે સાથે તુલસીનાં પાન નાખી દે અને તે તેલથી વાળની માલિશ કરે તો ફાયદો રહે છે.

ઘણા લોકો એવું વિચારે છે કે તુલસી ગુણકારી છે એ વાત સાચી, પણ તુલસીનાં બહુ-બહુ તો એકાદ-બે પાન ચાવી શકાય. આથી વધુ તુલસીનો બીજો તો શું ઉપયોગ થાય? હકીકત તો એ છે કે તુલસીનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. તુલસી પેટમાં જાય તો પાચન સુધારે છે. ગેસ, બદહજમી, અપચો, પેટમાં દુ :ખાવો કે ચૂંક આવવી જેવી તકલીફોને દૂર કરે છે. માંદા પડીએ તો જ તુલસી ઉપયોગમાં લેવાય એવું નથી પણ તુલસીજીનું સેવન માંદગીથી જરૂર દૂર રાખે છે.

તુલસી સ્વાદિષ્ટ છે. તુલસીનાં પાન કાચાં ચાવી શકાય છે. જમ્યા પછી મુખવાસ સાથે તુલસીદલ ચાવી જવાથી મોં શુદ્ધ થાય છે. તુલસીનાં પાનને સૂકવીને તેને મુખવાસમાં ભેળવી શકાય. તેને મરચાં-ફૂદીનાની ચટણીમાં પણ ઉમેરી શકાય છે. મૂઠીયાં-થેપલાં બનાવતી વખતે તેમાં તુલસીનાં પાન સમારીને ઉમેરી દેવાથી તુલસીના ગુણ મળી રહે છે અને વાનગી સ્વાદિષ્ટ બને છે. જો ઘરમાં પીવાના પાણીની વોટર બોટલ ભરીને બાળકો સ્કૂલે લઈ જતાં હોય કે નોકરી-ધંધાના સ્થળે લઈ જવાતી હોય તો તેમાં પાણી સાથે તુલસીનાં એકાદ-બે પાન પણ ભરી દો. પાણી એકદમ ફ્રેશ રહેશે અને બોટલનું પાણી પીવું પણ ગમશે.

બહારગામ જવાનું હોય અને તેલ કે ઘી વાસી થઈ જાય તેવો ડર હોય તો એમાં તુલસીનાં થોડાં પાન નાખી ગરમ કરી લેવાથી વાસ નહીં આવે. ઘી જૂનું થઈ ગયું હોય તો એમાં તુલસીનાં પાન નાખીને ગરમ કરી લેવાથી વાસ દૂર થઈ જશે. જો ભાત બનાવતી વખતે તેમાં તુલસીનાં પાન ઉમેરી દેશો અથવા તો ઘીનો વઘાર મૂકતી વખતે તેમાં તુલસીનાં પાન ઉમેરી દેશો તો સ્વાદ અને સોડમ બંને અનેક ગણાં વધી જશે. આજકાલ અવનવા સલાડ ખાવાની અને સલાડ ડ્રેસીંગ ઉમેરીને ખાવાની પ્રથા ઘણી લોકપ્રિય થઈ રહી છે. સલાડ અને સલાડ ડ્રેસીંગ બંનેમાં તુલસીનાં સુધારેલાં પાન ઉમેરવાથી એક અલગ જ મનભાવન સ્વાદ મળશે. જો તમે સુધારેલું ફ્રૂટ કે ફ્રૂટડીશ ખાવાના શોખીન હો કે પછી ફ્રૂટજ્યુસ પીવાનું પસંદ હોય તો તેમાં પણ તુલસી ઉમેરી જુઓ. આ નવો સ્વાદ તમને ચોક્કસ ભાવશે અને સાથેસાથે તંદુરસ્તી પણ જળવાશે. જો આંગણે તુલસી હોય તો શ્રેષ્ઠ! ન હોય તો હવેથી આંગણે તુલસીજીના બે-ત્રણ રોપા તો અચૂક વાવો જ. શ્રીકૃષ્ણને રાજી રાખતાં તુલસીમૈયા તમારી તંદુરસ્તીને પણ તાજી રાખશે એ વાત નક્કી છે.

Total Views: 247

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.