જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે,
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે, -ધ્રુવ :-૧

પંચ મહાભૂત પરિબ્રહ્મ વિષે ઊપજ્યાં, અણુ અણુમાંહિ રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તે નહિ રે અળગી – ૨

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ્ય દે, કનક કુંડળ વિષે ભેદ નોયે ;
ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે – ૩

જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધા ;
ભણે નરસૈંયો તે જ તું તે જ તું, એને સમર્યાથી કંઈક સંત સીધ્યા – ૪

– નરસિંહ મહેતા

ઝૂલણા છંદના માહેર ભક્ત કવિ નરસિંહ મહેતાનું આ પ્રસિદ્ધ પ્રભાતિયું અદ્વૈતવાદને પ્રબોધી રહ્યું છે. એ પ્રભાતિયું છે, પ્રભાતના પહોરમાં ગવાય છે અને પ્રકર્ષ ભાત – પ્રકર્ષ પ્રકાશ – ઉચ્ચતમ જ્ઞાન છે. એટલે અહીં પ્રભાતના વ્યાવહારિક અર્થને પરમજ્ઞાનના અર્થમાં નિરૂપ્યો છે અને પ્રભાતની- પરમજ્ઞાનની અનુભૂતિને વાણી દ્વારા અભિવ્યંજિત કરી છે, તો પરમજ્ઞાનની અનુભૂતિ કેવી હોય? નરસિંહ મહેતા કહે છે કે જાગીને જોઉં – પરમજ્ઞાન પામીને નિહાળું તો જગત દેખાતું જ નથી. તો પછી આ જગત છે શું? તો કહે છે કે ‘ઊંઘમાં અટપટા ભોગ ભાસે’ – આ ઊંઘ એટલે અજ્ઞાન, ઊંઘ રાતે લેવાય છે. આ અજ્ઞાનમય ઊંઘને ભગવાને ગીતામાં ‘નિશા’ કહી છે – ‘યા નિશા સર્વભૂતાનામ્’. તો આ અટપટા ભોગો, આ સુખદુ :ખ વગેરેનાં દ્વંદ્વો, ભેદભાવો, ગૂંચવણો બધું ઊંઘમાં – અજ્ઞાનમાં જ ભાસે છે. ભાસવું એ સાચું દર્શન નથી. દોરડામાં સાપ ભાસે છે ખરો, પણ સાપ ત્યાં હોતો નથી. રણમાં પાણી દેખાય છે ખરું, પણ ખરેખરું પાણી એ મૃગજળમાં હોતું નથી. એ તો હોવાનો ભાવ માત્ર છે, વાસ્તવિકતા નથી, એ ભ્રમ છે. બ્રહ્મતત્ત્વના અધિષ્ઠાનમાં એ ભ્રમ જ જગતરૂપે દેખા દે છે. પારમાર્થિક રીતે તો જગતની કોઈ સત્તા નથી, છતાં ભાસે તો છે, એટલે એને અભાવ પણ કેમ કહેવાય? આમ એ આભાસ સત્-અસત્થી વિલક્ષણ છે, એને ‘વિવર્ત’ કહેવામાં આવે છે. બ્રહ્મના વિવર્તરૂપે આમ દેખાય છે – નથી છતાં દેખાય છે.

હવે જો આ જગત માત્ર એક દેખાવ-ભ્રમ જ હોય તો એ ભ્રમ કેવી રીતે થાય છે? એ ભ્રમનું સ્વરૂપ શું છે? તો કવિ એના ઉત્તરમાં કહે છે કે ‘ ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે!’ વિષય અને વિષયીનો ભેદ કરનારું આપણું જે ‘ચિત્ત’ છે, ત્યાં એક અને અદ્વિતીય ચૈતન્ય-બ્રહ્મનું જ રૂપ છે. બ્રહ્મ સિવાય બીજું કોઈ તત્ત્વ છે જ નહિ, ‘સર્વં ખલ્વિદં બ્રહ્મ’-આ બધું બ્રહ્મ જ છે. પણ એવું જ હોય તો આ વિવિધતાપૂર્ણ જગત દેખાય છે, એનો ખુલાસો શો છે? નરસિંહ મહેતા કહે છે કે એ તો ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે!’ એક જ બ્રહ્મ પોતે પોતાની પાસે વૈવિધ્યપૂર્ણ લટકાં કરી રહેલ છે. વસ્તુત : બ્રહ્મ વિકારરહિત હોવા છતાં, સર્વ વિકારોનો માત્ર સાક્ષી-તટસ્થ-હોવા છતાં એ પેલા વિકારો જાણે કે વિષયો રૂપ બનીને એની આગળ સ્ફૂરે છે અને એ વિકારોને એ બ્રહ્મ પોતાના માની લે છે, એટલે પોતે વિકારરહિત હોવા છતાં પોતે વિકારોનું ઉપાદાન-કારણ હોય એમ માની લે છે. જેવી રીતે સૂર્ય વૃક્ષના ઉદ્ગમનો સાક્ષી માત્ર હોવા છતાં વૃક્ષ એના પ્રકાશ વગર ઊગી ન શકતું હોઈને સૂર્યને એમ માનવા પ્રેરે કે એ પોતે વૃક્ષનું ઉપાદાનકારણ છે, આ એના જેવી જ વાત છે. અગ્નિથી એની દાહકશક્તિ અલગ ન હોવા છતાં અગ્નિ એમ કહે કે ‘મારી દાહકશક્તિ છે’ – એમ ભેદ કરે એવી વાત છે. ગુણ-ગુણીનો ભેદ ન હોવા છતાં ગુણી ‘આ ગુણ મારો છે’ એમ કહે એવું આ છે. એટલે કવિ કહે છે કે આ જગતનું સ્વરૂપ બીજું કશું નહિ પણ બ્રહ્મ જ બ્રહ્મ પાસે લીલા કરે છે – લટકાં કરી રહ્યું છે. પારમાર્થિક રીતે તો ‘સર્વં ખલ્વિદં બ્રહ્મ’, ‘સર્વં બ્રહ્મમયં જગત્’ , ‘વાસુદેવ : સર્વમિતિ’.

‘ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે’ – આ વાક્યનો બીજો પણ એક અર્થ થઈ શકે. ‘ચિત્’ એટલે કે અંત :કરણ. એ અંત :કરણથી ઘેરાયેલું-મર્યાદિત થયેલું જે જીવરૂપ ચૈતન્ય છે, તે જીવાત્મા તદ્રૂપ જ – પરમાત્માનું જ રૂપ છે. અહીં ‘તત્ત્વમસિ’, ‘અયમાત્મા બ્રહ્મ’, ‘અહં બ્રહ્માસ્મિ’ અને ‘પ્રજ્ઞાનં બ્રહ્મ’- એ ચાર મહાવાક્યનો ધ્વનિ પડઘાય છે.

આ રીતે જીવાત્માની-અંત :સૃષ્ટિની-બ્રહ્મરૂપતા બતાવીને કવિ હવે બાહ્ય જગતની બ્રહ્મરૂપતા બતાવતાં કહે છે કે –

‘પંચ મહાભૂત પરિબ્રહ્મ વિષે ઊપજ્યાં, અણુ અણુમાંહિ રહ્યાં રે વળગી;

ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તે નહિ રે અળગી.’

પાંચ મહાભૂતો આદિ બાહ્ય સૃષ્ટિ પણ જીવશક્તિની પેઠે પરબ્રહ્મ-પરિબ્રહ્મ-સર્વવ્યાપી બ્રહ્મમાંથી જ નીપજ્યાં છે. બ્રહ્મ ‘પર’ પણ છે અને ‘પરિત :’ પણ છે – સર્વોત્કૃષ્ટ પણ છે અને સર્વવ્યાપી પણ છે, એ જગતથી ‘પર’ પણ છે અને જગત ‘વિશે’ પણ છે, એ જગતનું નિમિત્તકારણ પણ છે અને ઉપાદાનકારણ પણ છે. જેવી રીતે ફૂલો અને ફળો એક વૃક્ષમાંથી જ ઉત્પન્ન થાય છે અને ડાળો પણ એ વૃક્ષની જ હોય છે, એ બધાં એ વૃક્ષથી અલગ હોતાં નથી. તેવી જ રીતે બ્રહ્મથી આ જગત અલગ છે જ નહિ, સાપ દોરડાથી અલગ છે જ નહિ, મૃગજળ રેતીથી અલગ છે જ નહિ. ‘આ બધું જગત બ્રહ્મે પોતે ઉત્પન્ન કર્યું નથી પણ ઉત્પન્ન થયું છે.’ – સાચો ધ્વન્યાર્થ ‘ઊપજ્યાં’ શબ્દમાં છે. એથી બ્રહ્મની અક્રિયતા, નિર્વિશેષતા અને સંબંધરહિતતા સિદ્ધ થાય છે.

અહીં એ પ્રશ્ન થાય છે કે કશાય પ્રયોજન વગર બ્રહ્મમાંથી આ આંતરબાહ્ય જગત શા માટે ઉત્પન્ન થયું? અદ્વૈતવેદાંતીઓ એનો સામાન્ય ઉત્તર આપે છે કે એ તો એ બ્રહ્મની ‘લીલા’ છે. પણ એ ગળે ઉતારવું મુશ્કેલ લાગે છે. કોઈપણ શ્રમ વગર બ્રહ્મ પોતાની માયાથી-પોતાના સ્વભાવથી- પોતાના અભિન્ન સ્વભાવથી આ જગતનો આવિર્ભાવ કરે છે. બ્રહ્મના આનંદની એ અભિવ્યક્તિ છે.

આ વાત નરસિંહ મહેતાના પોતાના મનની નીપજ નથી. એને શાસ્ત્રોનો સથવારો છે. આદ્ય પ્રમાણ છે; વેદ પ્રામાણ્ય છે, એ વાત તેઓ હવે કહે છે –

‘વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ્ય દે, કનક કુંડળ વિષે ભેદ નોયે ;

ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.’

કોઈપણ કાર્યને પોતાનું મૂળ કારણ-મૂળ હોય જ છે. આ જગત એક કાર્ય છે અને એનું પણ કંઈક મૂળ કારણ હોવું જ જોઈએ. એ ન્યાયથી બ્રહ્મને જગતના કારણરૂપ નિશ્ચિત કરવામાં વેદોનું પ્રામાણ્ય છે, વેદ પણ એમ જ કહે છે. છાંદોગ્ય ઉપનિષદમાં શ્વેતકેતુને એના પિતાએ નવ-નવ ઉદાહરણ આપીને ‘તત્ત્વમસિ’નો ઉપદેશ આપ્યો છે. બ્રહ્મને કારણરૂપે સ્થાપ્યું છે અને જીવને બ્રહ્મના સ્વરૂપ તરીકે બતાવ્યો છે. આમ આ વાતને વેદોનો સથવારો છે. કનક અને કુંડળ, માટી અને ઘડો, બન્ને એક જ છે. જુદાં જુદાં નામ છે અને રૂપો તો વાણીવિલાસ – વાચારંભણ માત્ર છે. શાસ્ત્રોમાં બધે ઠેકાણે આ વાત ગાઈ-બજાડીને કહેવામાં આવી છે. વ્યાવહારિક અનુભવ સાથે પણ આ વાતનો મેળ બરાબર બેસે છે. જુદાં જુદાં નામ અને રૂપો તો મિથ્યા છે, કારણ કે ‘આદાવન્તે ચ યન્નાસ્તિ વર્તમાનેઽપિ તત્તથા’ જે વસ્તુ શરૂમાં અને અંતમાં અસ્તિત્વ ન ધરાવતી હોય એનું અસ્તિત્વ વર્તમાનકાળમાં નથી જ, એમ સમજવું જોઈએ.

આ કડીમાં ‘વેદ’ અને ‘શ્રુતિ’ આ બે સમાનાર્થી શબ્દોથી પુનરુક્તિ દોષ થયો લાગે છે. પણ ‘વેદ’ શબ્દનો અર્થ ‘જ્ઞાન’ અને ‘શ્રુતિ’ શબ્દનો અર્થ શ્રવણ-મનન-નિદિધ્યાસન લઈએ તો એ દોષ નિવારી શકાય તેમ છે.

પંચમહાભૂતાદિ બાહ્યસૃષ્ટિને તો બ્રહ્મની – એની માયશક્તિની લીલા તરીકે આપણે આગળ ધપાવી પણ બ્રહ્મ પોતે પેલા માયિક ‘ચિત્ત’માં મર્યાદિત થઈને ‘જીવ રૂપ’ શા માટે થયું? એનો ઉકેલ આપતાં કવિ કહે છે કે –

‘જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધા ;

ભણે નરસૈંયો તે જ તું તે જ તું, એને સમર્યાથી કંઈક સંત સીધ્યા’

જેવી રીતે સામાન્યજનોમાં રાજા વગેરે કોઈ પણ પ્રયોજન વગર ખેલ વગેરેમાં પ્રવૃત્ત થાય છે, તેવી રીતે બ્રહ્મ પણ જગતની રચનામાં પ્રવૃત્ત થાય છે, એ વાત આગળ કરી છે. પણ એ સ્વયં અનંત હોવા છતાં ચિત્તમાં બંધાઈને ‘જીવ’ શા માટે બન્યું ? મર્યાદિત કેમ થયું ? ચિત્તની વિવિધતાથી પોતે વિવિધ કેમ થયું? કવિ કહે છે કે ‘આપ ઇચ્છાએ થયા’. ઉપનિષદો કહે છે કે ‘તદૈક્ષત, એકોઽહં બહુ સ્યામ્’ એણે એક સંકલ્પ કર્યો કે હું બહુ થાઉં. પણ એનું કારણ શું ? તો કહે છે કે ‘એકાકી ન રમતે’ – ‘એકલો આનંદ કરી શકતો નથી’.

આ રીતે આ કાવ્યમાં ગૂજરાતના આદિ કવિ નરસિંહ મહેતાએ અદ્વૈત વેદાંતના અતિગંભીર સિદ્ધાંતને આ એક જ પ્રભાતિયામાં ગૂંથીને ગાગરમાં સાગર ભરી દેવાનું કામ કર્યું છે. જગત, જીવ, ઈશ્વરનું સ્વરૂપ આ નાનકડા-ચાર કડીના પ્રભાતિયામાં ગૂંથીને એણે પોતાના કવિતાકોશલ્યનો અચ્છો પરિચય આપ્યો છે. અન્ય ભારતીય ભાષાઓની શરૂઆતની કવિતાઓમાં આટલી સૂક્ષ્મતા ઘણી દુર્લભ છે .

નરસિંહ મહેતા મૂળે ભક્તકવિ હોવા છતાં અદ્વૈતવાદની આવી ગંભીર વાતો ગાઈ શકે છે, એ પણ એક અનોખી અને આકર્ષક વાત છે જ.

એનાં આવાં પ્રભાતિયાં આજે પણ ગૂજરાતમાં ઘેરે ઘેરે સવારના પહોરમાં ગુંજે છે.

Total Views: 354

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.