तस्मै स होवाच। इहैवान्तःशरीरे सोम्य स पुरुषो यस्मिन्नेताः षोडशकला प्रभवन्तीति ।।6.2।।

આ પૂર્વેના મંત્રમાં સુકેશા ઋષિએ સોળ કળાવાળા પુરુષ અંગેના જ્ઞાન વિષયક અલ્પજ્ઞતા અને વધુમાં સત્ય ભાષણનું મહત્ત્વ પ્રગટ કર્યું છે. આ મંત્રમાં સોળ કળાયુક્ત પુરુષનો સંકેતમાત્ર કર્યો છે. મહર્ષિ પિપ્પલાદ કહે છે, ‘પ્રિય સુકેશા! જે પરમેશ્વરની સોળ કળાઓના સમુદાયથી સંપૂર્ણ જગત્રૂપ તેમનું વિરાટ શરીર ઉત્પન્ન થયું છે. તે પરમ પુરુષ આપણા આ શરીરમાં જ વિરાજમાન છે, તેમને શોધવા અન્યત્ર જવાનું જ નથી! આનો ભાવાર્થ એ જ કે જ્યારે મનુષ્યના હૃદયમાં પરમાત્માને પ્રાપ્ત કરવાની ઉત્કટ અભિલાષા જાગ્રત થઈ જાય છે ત્યારે તે પરમાત્મા તે સત્યશોધકને ત્યાં તેના હૃદયમાં જ મળી જાય છે.’ स

र्इक्षांचक्रे। कस्मिन्नहमुत्क्रान्त उत्क्रान्तो भविष्यामि कस्मिन्वा प्रतिष्ठिते प्रतिष्ठास्यामीति ।।6.3।।

મહાસર્ગના આદિ પ્રારંભમાં જગત-રચયિતા પરમ પુરુષ પરમેશ્વરે વિચાર કર્યો કે હું જે બ્રહ્માંડની રચના કરવા માગું છું તેમાં એક એવું ક્યું તત્ત્વ મૂકવામાં આવે કે જે તત્ત્વના અભાવમાં હું જાતે પણ તેમાં ન રહી શકું અર્થાત્ મારી સત્તા સ્પષ્ટરૂપે વ્યક્ત ન રહે અને જેના રહેવાથી મારી સત્તા સ્પષ્ટ જણાય. આવું વિચારીને પરબ્રહ્મ પરમેશ્વરે સર્વ પ્રથમ બધાંના પ્રાણરૂપ સર્વાત્મા હિરણ્યગર્ભનું નિર્માણ કર્યું. ત્યાર બાદ શુભકર્મમાં પ્રવૃત્ત કરાવનારી શ્રદ્ધા અર્થાત્ આસ્તિક બુદ્ધિ પ્રગટ કરીને તેમાં ક્રમશ : શરીરના ઉપાદાનભૂત આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી-આ પંચમહાભૂતોની સૃષ્ટિ કરી, ત્યારબાદ પરમેશ્વરે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારઅંત :કરણની રચના કરી. તત્પશ્ચાત્ જ્ઞાન અને કર્મના ઉદ્દેશથી પંચ જ્ઞાનેન્દ્રિયો અને પંચ કર્મેન્દ્રિયો તેમજ શરીરરક્ષા માટે અન્ન અને અન્નના પરિણામરૂપ બળનું સર્જન કર્યું. ક્રમશ : સોળ કળાયુક્ત બ્રહ્માંડની રચના કરી જીવાત્મા સહિત પરમેશ્વર સ્વયં તેમાં પ્રવિષ્ટ થયા, એટલા માટે તેઓ સોળ કળાવાળા પુરુષ કહેવાય છે.(૬.૪) આ થયું સર્ગના આરંભનું વર્ણન.

આવી જ રીતે સર્ગના પ્રલયનું વર્ણન આમ છે (૬.૫) : પ્રલયના દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવે કે જેમ સમુદ્રને લક્ષ્ય કરીને વહેતી નદીઓ સમુદ્રમાં જ વિલીન થઈ જાય છે, તેમનાં નામ-રૂપનો પણ નાશ થાય છે અને પછી ‘સમુદ્ર’ એવા નામે બોલાવાય છે, તેવી જ રીતે આ પરમેશ્વરની ઉપર્યુક્ત સોળ કળાઓ પરમાધાર અને પરમ ગતિ-પુરુષ એવા પરમ પુરુષ પરમાત્માને પ્રાપ્ત કરીને તેમાં વિલીન થઈ જાય છે, તેમનાં ભિન્ન ભિન્ન નામ-રૂપનો નાશ થાય છે અને ત્યારે તેમને ‘પુરુષ’ એવા એક નામથી જ બોલાવાય છે. તે જ છે આ કળારહિત અને અમર પરમાત્મા.

अरा इव रथनाभौ कला यस्मिन् प्रतिष्ठिताः । तं वेद्यं पुरुषं वेद यथा मा वो मृत्युः परिव्यथा इति ।।6.6।।

આ મંત્રમાં સર્વાધાર પરમેશ્વરને જાણવા માટે પ્રેરણા કરીને તેનું ફળ જન્મ-મૃત્યુરહિત થઈ જવું એમ બતાવવામાં આવ્યું છે. વેદ ભગવાન મનુષ્યોને કહે છે, ‘જે રીતે રથના પૈડામાં લગાડવામાં આવેલા બધા આરા તે પૈડાની મધ્યસ્થ નાભિમાં પ્રવેશાયેલા રહે છે અર્થાત્ તે આરાનું આધારકેન્દ્ર નાભિ છે, નાભિ વિના તેઓ ટકી જ ન શકે; તેવી રીતે ઉપર્યુક્ત પ્રાણ ઇત્યાદિ ષોડશકળાઓનો જે આધાર છે, આ કળાઓ જેની આશ્રિત છે, જેમાંથી ઉત્પન્ન થઈ છે અને જેમાં વિલીન થઈ જાય છે, તે છે જાણવા યોગ્ય પરબ્રહ્મ પરમેશ્વર.તે સર્વાધાર જગદાત્મા પરમ પુરુષ પરમેશ્વરને જાણવા જોઈએ. તેમને જાણી લીધા પછી મૃત્યુનો ભય રહેતો નથી. મૃત્યુ તેને જન્મમરણયુક્ત સંસારમાં નાખીને દુ :ખી કરી શકતંુ નથી, જાણનાર સદાને માટે અમર બની જાય છે.(ક્રમશ 🙂

Total Views: 229

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.