ભારતીય કલાનો ઉદ્દેશ પરાવિદ્યા સાથે સંલગ્ન છે. મનુષ્યજીવનમાં પ્રગટિત થતી વિવિધ કલાઓનું લક્ષ્ય છે ત્રિકાળવ્યાપી શાશ્ર્વત સિદ્ધાંતો સાથે અનુસંધાન. પ્રત્યેક ભારતીય કલામાં સર્વત્ર પરમાત્મા જ અનુસ્યૂતરૂપે વિલાસ કરી રહેલો જોવા મળે છે. મંદિર, મૂર્તિ, સંગીત, નાટ્ય, ગુફાચિત્ર એમ સર્વત્ર જ્યાં જુઓ, ત્યાંની કલામાં પરમતત્ત્વ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત થતી જણાય છે, સર્વત્ર પ્રભુની સેવાનો જ વિનિયોગ પ્રગટ થાય છે.

દુર્ગાસપ્તશતી (11.9)માં આદિશક્તિ જગદંબાને કલા ઇત્યાદિનાં આદિમૂળ ગણાવ્યાં છે. સર્વકલાઓનાં જન્મદાયિની છે દેવી દુર્ગા.

कलाकाष्ठादिरूपेण परिणामप्रदायिनि।

विश्वस्योपरतौ शक्ते नारायणि नमोऽस्तु ते॥

તમે કલા, કાષ્ઠાદિરૂપે ક્રમશ: પરિણામ આપનારાં છો. તમે વિશ્વનો સંહાર કરવાને શક્તિમતી છો.

હે નારાયણી! તમને નમસ્કાર હો!

યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ (3.115)માં આવે છે :

वीणावादनतत्त्वज्ञ: श्रुतिजातिविशारद: ।

तालज्ञश्चाप्रयासेन मोक्षमार्गं नियच्छति ॥

જે વીણાવાદનનું તત્ત્વ જાણવાવાળો છે, શ્રુતિઓની જાતિ ઓળખવામાં નિપુણ છે અને તાલનો જ્ઞાતા છે તે વગર પરિશ્રમે જ મોક્ષ પ્રાપ્ત કરી લે છે.

કલા એટલે અદ્‌ભુત શક્તિ. કલા માનવીય ઉપજ નથી, તે છે અંતર્ખોજ. કલા એટલે કલાકારોના મસ્તિષ્કમાંથી ઉત્પન્ન થતા મૌલિક ભાવો. કલામાં ભાવની અભિવ્યક્તિ હોય છે. કલાનું મૂળ છે મૌલિકતા. કલાનું હાર્દ છે ભાવોની મૌલિકતા.

શુક્રાચાર્ય ‘નીતિસાર’માં કહે છે:

शक्तो मूकोऽपि यत् कर्तुं कलासंज्ञं तु तत् स्मृतम्।

વર્ણોચ્ચાર ન કરી શકનાર એક મૂગો પણ જે કરી શકે તેને કલા કહેવાય છે.

કલા કલાકારનો પ્રાણ ગણાય છે. કલાકારની જીવાદોરી છે કલા. કલા અને કલાકાર અભિન્ન છે. કલાકારના જીવનમાંથી કલાની બાદબાકી એટલે તેનું મૃત્યુ, એટલે જ કલાકારોના જીવનમાં કલા એક ધૂન, લગનીરૂપે પ્રગટ થયેલી જોવા મળે છે. કલામાં કલાકારનું જીવન પ્રતિબિંબિત થતું જણાય છે.

यां यां कलां समाश्रित्य निपुणो यो हि मानव:।

नैपुण्यकरणे समयक् तां तां कुर्यात् स एव हि ॥

જે જે કલામાં પ્રવૃત્ત રહીને નિપુણ થયેલ વ્યક્તિએ તેવી નિપુણતાનો આધાર લઈને સમ્યક્ પ્રકારે તેનું જ આચરણ કરતા રહેવું જોઈએ.

કલાને મનુષ્યની સંસ્કૃતિનું પ્રતીક ગણાવતાં ભર્તૃહરિ પોતાના ‘નીતિશતકમ્’ (12)માં કહે છે:

साहित्यसंगीतकलाविहीन:

साक्षात्पशु: पुच्छविषाणहीन:।

तृणं न खादन्नपि

जीवमानस्तद्भागधेयं परमं पशूनाम्॥

સાહિત્ય, સંગીત અને કલા વગરનો મનુષ્ય ખરું જોતાં નહોર અને શિંગડાં વગરના પશુ સમાન છે અને આ પશુઓની ખુશનશીબી છે કે તેમની જેમ તે ઘાસ નથી ખાતો.

મહર્ષિ અંગિરા કહે છે :

चित्रकर्म यथानेकैरङ्गैरुन्मील्यते शनै:।

ब्रह्मण्यमपि तद्वत्स्यात्संस्कारैर्विधिपूर्वकै:॥

જેમ કોઈ ચિત્રમાં વિવિધ રંગોના મિશ્રણથી ધીમે ધીમે નિખાર લાવવામાં આવે છે, તેમ વિધિપૂર્વક  સંસ્કાર-સંપાદનથી મનુષ્યને બ્રહ્મણ્યતા પ્રાપ્ત થાય છે.

આ ઉદાર પરમ ભાવનાને લઈને કલાના અનુગતો અર્થાત્ કલાકારો કૃતકૃત્ય થયેલા જોવા મળે છે.

ભારતીય કલાની શાશ્ર્વતતાનો જયજયકાર હો!

Total Views: 278

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.