આ રીતે અનુભૂતિ મનોવિશુદ્ધિની ક્ષણે જ થઈ જાય છે તો પછી એ મનની વિશુદ્ધિ કરનાર કર્મયોગ ભલા મોક્ષનો સાક્ષાત્ સીધો જ ઉપાય શા માટે ન હોઈ શકે? કોઈ કહેશે કે આવો કર્મયોગ તો આધુનિક નીપજ છે, તેને શ્રુતિ કે સ્મૃતિનું કોઈ સમર્થન નથી. એ તો ફક્ત માણસની બુદ્ધિની નીપજ છે, તો એવો આક્ષેપ વ્યાજબી નથી કારણ કે-

कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतं समा: ।

एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे ॥(ईश.2)

અર્થાત્ કર્મ કરતાં કરતાં જ માણસે 100 વર્ષ જીવવાની ઇચ્છા કરવી જોઈએ. તમારા જેવાને માટે આનાથી અન્ય કોઈ ઉપાય નથી કે જેથી કર્મ તમને વળગે નહીં, આવું શ્રુતિનું પ્રમાણ-સમર્થન છે. વળી,

कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादय: । (भ.गी.3.20)

અર્થાત્ જનક વગેરે કર્મથી જ પરમ સિદ્ધિ પામ્યા છે.

स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानव:। (भ.गी.18.46)

અર્થાત્ પોતાના કર્મ દ્વારા પરમાત્માને પૂજીને માણસ સિદ્ધિ મેળવે છે.

कर्माप्यसंकल्पिततत्फलानि संन्यस्य विष्णौ परमात्मभूते।

अवाप्य तां कर्ममहीमनन्ते तस्मिंल्लयं ये त्वमला: प्रयान्ति॥ (वि.पु.2.3.25)

અર્થાત્ કશા ફળનો સંકલ્પ કર્યા વગરનાં કર્મો પરમાત્મસ્વરૂપ વિષ્ણુની પાસે સમર્પિત કરીને, વિશુદ્ધ થઈને, કર્મનો મહિમા પામીને તે ભક્તો છેવટે અનંતમાં લય પામે છે.

तस्मात्सर्वप्रयत्नेन त्यक्त्वा कर्माश्रितं फलम्।

अविद्वानपि कुर्वीत कर्माप्नोति चिरात्पदम्॥ (कूर्म.पु.1.3.21)

અર્થાત્ તેથી કર્મનું ફળ પ્રયત્નપૂર્વક છોડીને અવિદ્વાન માણસે પણ કર્મ કરવાં જોઈએ. તેવો માણસ પણ લાંબે ગાળે પરમપદ પામે છે.

न च बन्धाय तत्कर्म भवत्यनभिसन्धितम्। (मार्क.92.15)

અર્થાત્  ફળ સાથે સંબંધ ન ધરાવતું કર્મ બંધનકારક નથી.

मार्गस्त्रयो मया प्रोक्ता: पुरा मोक्षाप्तिसाधका: ।

कर्मयोगो ज्ञानयोगो भक्तियोगश्च शाश्वत: ॥ (अध्यात्म रामा.7.7.59)

અર્થાત્  મોક્ષ પ્રાપ્ત કરવાના મેં ત્રણ માર્ગો બતાવ્યા છે : કર્મયોગ, જ્ઞાનયોગ અને શાશ્ર્વત ભક્તિયોગ.

એવી ઘણી ઘણી સ્મૃતિઓએ પણ કર્મયોગને મોક્ષ પ્રાપ્ત કરવાના સીધા ઉપાય તરીકે પ્રતિપાદિત કર્યો છે જ.

હવે અહીં કેટલાક લોકો એવી શંકા ઉઠાવે છે કે कुर्वन्नेवेह कर्माणि વગેરે ઈશાવાસ્ય શ્રુતિમાં જે ઉપદેશ આપ્યો છે, તે તો અજ્ઞાની લોકો માટે જ છે એવું કહેવું યોગ્ય નથી, કારણ કે એવી કોઈ સાબિતી નથી અને અજ્ઞાનીઓ માટે માનવાનું કોઈ જ પ્રમાણ નથી. ईशावास्यमिदं सर्वं यत्किंच जगत्यां जगत् (ईश.1) – એ શ્રુતિ દ્વારા જગતનું ઈશ્વરવ્યાપ્તપણું પ્રતિપાદિત કરીને तेन त्यक्तेन भुंजीथा: (ईश.1) – તેને ત્યાગપૂર્વક ભોગવી – એ શ્રુતિમાં જગતમાં ‘હું-મારું’ એવા અહંકારનો ત્યાગ ઉપદેશીને તરત જ कुर्वन्नेवेह कर्माणि એવો ઉપદેશ કર્યો છે. તેથી તો એવું જ સ્પષ્ટ રીતે સાબિત થઈ જાય છે કે જે વ્યક્તિ માટે ઉપનિષદે ઈશ્વરની વ્યાપકતાનો અને ‘અહં’ ‘મમ’ અહંકારના ત્યાગનો ઉપદેશ આપ્યો છે, તે જ વ્યક્તિ માટે આ  कुर्वन्नेव – કર્મો કરતાં કરતાં જ-સો વરસ જીવવાનો ઉપદેશ આપેલો છે. (ક્રમશ:)

Total Views: 299

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.